ગુજરાતનાં આ ગામમાં છે મહિલાઓનું ‘રાજ’, અત્યાર સુધી નથી યોજાઈ ચૂંટણી! – જાણી ને આશ્ચર્ય થશે..

વડાપ્રધાન મોદીની આદર્શ ગામ બનાવવાની જાહેરાત બાદ રાજ્ય સહિત દેશભરમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા આદર્શ ગામ અને સ્વચ્છતાને અગ્રતાનો નિર્ધાર લેવાઈ રહ્યો છે. તેમાં પણ મોટી મોટી વાતો કરી ગામને દત્તક લીધા બાદ પાછળ વળીને કોણ જુવે. દેશભરમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા અનેક ગામોને દત્તક લેવામાં આવ્યા છે. પણ તેની કામગીરી અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેમાંય કેટલાક ગામો જે પોતાની રીતે જ સુવિધાઓથી સંપન્ન હતા તેવા ગામો પણ દત્તક લેવામાં આવ્યા છે. ત્યારે આજે આપણે ગુજરાતના એવા એક ગામની વાત કરવાની છે, જે સ્વચ્છતા મિશન પહેલાથી જ આદર્શગામ અને નિર્મળગામનાં એવોર્ડ હાંસલ કરી ચુક્યુ છે. સાથે જ પંચાયતી રાજની સ્થાપના કાળથી ગામનાં સહીયારા પ્રયાસોના કારણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઇ નથી.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી 15 કિલોમીટરનાં અંતરે આવેલું બાદલપરા ગામમાં વર્ષોથી સ્વચ્છતાનો ધ્યેયમંત્ર અમલમાં છે. ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા માત્ર મહિલાઓનાં જ હાથમાં છે. એટલે કહીં શકાય કે અહીં ખરા અર્થમાં મહિલાનું રાજ ચાલે છે. સીસીટીવી અને વાયફાય કનેક્ટિવીટીથી સજ્જ બાદલપરા ગામમાં મહિલા સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો અને ગામનાં મહિલા તલાટીમંત્રી પણ ગામનાં વિકાસને આગળ વધારે છે.

સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામમાં પ્રવેશ કરતા જ એક અનેરો અહેસાસ થાય છે. સ્વચ્છતા, આધુનિક સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ આ ગામ ગુજરાતમાં એક અલગ જ રીતે ઉભરી આવ્યું છે. હાલનાં સમયમાં મેટ્રો સીટી પણ સંપૂર્ણ પણે વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ શક્યાં નથી ત્યારે મહિલાઓ સંચાલિત ગુજરાતનું આ ગામની સુવિધાઓ મોટી સીટીઓને પણ ઝાખપ લગાડી રહ્યું છે. ગામને સ્વચ્છ રાખવા માટે શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે અને પીવાના પાણી સમસ્યા ન ઉદ્દભવે તે માટે પણ આગવું આયોજન કરવામાં આવે છે.

મહિલા શક્તિનું આગવુ ઉદાહરણ પુરૂ પાડતુ અને આશરે 1800ની વસ્તી ધરાવતું ગુજરાતનું બાદલપરા ગામમાં સો ટકા શૌચાલય સહીત સ્વચ્છ, સુઘડ અને સુરક્ષીત વિકાસ કાર્યોમાં મહિલાઓને પુરૂષોનો પણ સંપૂર્ણ સહકાર મળે છે. ગામનાં પુરૂષોએ મહિલાઓને સમોવડી ગણે છે અને માટે જ માત્ર મહિલા સરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાની સાથે પંચાયતનો કાર્યભાર મહિલાઓને સોંપ્યો છે. તેમ બાદલપરાની મહિલાઓએ પણ વિકાસ સાધીને આદર્શ ગામ બનાવી પુરૂષો કરતા ચડીયાતો વિકાસ સાબિત કર્યો છે.

બાદલપરા ગામમાંથી પસાર થતા વોકળા(નાની નહેર જેમાં વરસાદનું પાણી પસાર થાય છે)ને સુંદર રીતે સજાવી અને તહેવારો સમયે નૌકાવિહાર કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગામમાં બગીચાઓમાં બાળકો માટે રમણીય રમતગમતનાં સાધનો સજ્જ કરવામાં આવ્યું છે. ગામની દિવાલો અને ઘરનો દિવાળો પરના સુંદર તૈલી ચિત્રો, ભીત સૂત્રો આકર્ષણનું કેન્દ્ર બને છે. ગામની દરેક શેરીઓ અને મહોલ્લામાં સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવી છે, જેથી તમામ ગામલોકોને સામુહિક જાણકારી મળી રહે. મહિલાઓએ વીજળી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાને સુઘડ રીતે પ્રસ્થાપિત કરી એક આદર્શ ગામનું મોડેલ અપનાવ્યું છે.

આધુનિક સુવિધા અને સ્વચ્છતાની સાથે વ્યસન મુક્તિમાં પણ આ ગામ આગવું સ્થાન ધરાવે છે. આ અંગે ગામનાં અગ્રણીએ જણાવ્યું હતું કે, આગામી પેઢીના ભવિષ્યને લઈને અને પાન-બીડી જેવું વ્યસન તેનામાં ન આવે એટલા માટે ગામના યુવાનો અને તમામે વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો, જેનાં કારણે આજે લગભગ 95 ટકા લોકો વ્યસન મુક્ત થયા છે. સાથે જ આ આંકડો 100 ટકા સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે. જેનાં કારણે આજે ગામમાં ક્યાંય પાન-માવા-ગુટકા મળતા નથી અને પાનમાવા ખાતા પકડાય તો રૂા. 500નો દંડ ફટકારવામાં આવે છે.

આ અંગે ગામનાં આગેવાન ભગવાનભાઈએ જણાવ્યું હતું કે, ‘બાદલપરા ગામમાં આજની તારીખ સુધી ગામનાં સહીયારા યોગદાનથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. અને તમામ ગ્રામજનોએ વર્ષ 2001થી પાણીનો મહત્તમ બચાવ કરવો, અને સ્વચ્છતા માટે એક નિર્ણય કર્યો છે. જેનાં કારણે હાલમાં પણ અમારા ગામમાં એક પણ ગલી કે મહોલ્લામાં ગંદગી જોવા નથી મળતી જેના પરિણામે ગામે આદર્શ ગામ, નિર્મળગામ, સો ટકા શૈાચાલય સહીતના ચારથી પાંચ એવોર્ડ પણ મેળવ્યા છે. સાથે જ દેશમાં મહિલાઓના વધી રહેલા મહત્વનાં અને મહિલાઓનાં કાર્ય પ્રત્યેની રૂચીને કારણે તમામ ગ્રામજનો દ્વારા તમામ મહિલાઓને ગ્રામ પંચાયતનો કાર્યભાળ સોંપવાનો નિર્ણય કર્યો.’

બાદલપરા ગામનાં સરપંચ ભાવનાબેન બારડે જણાવ્યું હતું કે, ‘આજે વિશ્વમાં આધુનિક સુવિધાઓમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે અમારૂ ગામ પણ આમાંથી કેમ બાકાત રહે? જેથી સીસીટીવી કેમેરાની સાથે યુવાનોને કોઈપણ ઉપયોગી માહિતી ઘરે ઘરે આશાનીથી મળી રહે તે માટે સંપૂર્ણ ગામને વાઈફાઈ કનેક્ટિવીટીથી જોડી દેવામાં આવ્યું છે.’

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ટીપ્પણી