ન્યાયનું કદ – ખરેખર માણસોની અપેક્ષાઓ વધારે પડતી હોય છે.

ન્યાયનું કદ

એક બ્રાહ્મણ હતો. તે શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી મોટો પંડિત બની ગયો. તે પરમજ્ઞાની તો બન્યો પણ એને ઘણીવાર ઈશ્વરના ન્યાય પર શ્રધ્ધા નહોતી બેસતી. એક દિવસ પંડિતજી જંગલમાં ફરતા હતા. જંગલમાં અનેક વૃક્ષો અને ફળ-ફળાદી હતાં. તેમણે વડનું વૃક્ષ જોયું. વડનું વૃક્ષ અતી વિરાટ પણ તેના પર ઉગેલા ટેટા સાવ નાના નાના. પંડિતને ખુબ આશ્ચર્ય થયું.

આગળ જતા એક ખેતર આવ્યું. ખેતરમાં તડબુચના વેલા હતાં. સાવ નાજુક વેલા પર તોતિંગ કદના તડબુચ જોઈને પંડિતને ફરી આશ્ચર્ય થયું. પંડિતજીને ઈશ્વરના ન્યાય પણ શંકા ગઈ. બોરડીનું ઝાડ મસમોટું અને તેના પર બોર સાવ ઝીણા ઝીણા. એમના મનમાં ચટપટી થઇ. માથા પર ધોમધખતો સુર્ય આવી પોહચ્યો. પંડિતજીને થયું કે લાવ જરા આરામ કરી લવ.

 

વડની મસમોટી શિતળ છાયામાં તેમણે તો લંબાવ્યું. એમની આંખો લાગી ગઈ અને થોડી વારમાં જોરમાં પવન ફૂંકવા લાગ્યો. ઝાડ પરથી ધડા-ધડ ટેટાઓ ખરીને પંડિતજી પર પડવા લાગ્યા. પંડિતજીની આંખો ખુલી અને સાથે દ્રષ્ટિ પણ ખુલી. એમને તરત સમજાયું કે વડના ઝાડ પર પણ જો નાળીયેરી જેવા ફળ ઉગતા હોત અને આજે તે જો વૃક્ષની શિતળ છાયામાં આરામ કરતા લોકો પર તે પડત તો સૌની શી હાલત થાત ?

બોધ :ઈશ્વરના ન્યાય પર શંકા કરવાને બદલે તેને સ્વીકારી લો. તેના ન્યાયમાં ખરેખર ક્યાય પણ કશી ખોટ કે ખામી નથી. માત્ર માણસોની અપેક્ષાઓ વધારે પડતી હોય છે. આ અપેક્ષાઓને કારણે જ તે બીજાની સાથે તુલના કરી તે પોતે દુખી થાય છે. “કીડીને કણ અને હાથીને મણ”- આ વાત માણસ બરાબર સમજી જાય તો તુલના અને ઈર્ષાથી આખો સમાજ મુક્ત થઇ શકે છે.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ અવનવી નાની નાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ

ટીપ્પણી