જિંદગી શું છે, સુખ-દુઃખનું ચક્ર ? ના. આગલાં જન્મોનો હિસાબ-કિતાબ ? વાંચો ને પ્રશ્નોના જવાબ મેળવો

જેને ખરેખર જિંદગીને માણવી છે, રોજેરોજ આગલા દિવસ કરતા કંઈક નોખું કરવું છે, એના માટે તે ટૂંકી પડે છે અને ઘરખૂણિયાંઓની, ‘સેફ ઝોન’માં ઉછળકૂદ કરતા ટણપાઓની ટોળકી માટે અત્યંત લાંબી. સાલ્લી !
આ તે વળી કેવું ?

સપોઝ, આપણે મેચ જોઈ રહ્યાં છીએ. ભારતની બેટિંગ ચાલુ છે. એક છેડે ‘ધ ન્યુ વોલ’ ચેતેશ્વર પૂજારા ઉભો છે અને બીજે છેડે, રો’હિટમેન’ શર્મા ! કોની બેટિંગ જોવી ગમશે ? મનમાં સવાલ થયો હશે કે, ‘આ તે કંઈ સવાલ છે યાર ! બેશક, ‘શર્માજી કે લડકે’ની જ.’ પાક્કું ને ? જો હા, તો જ આગળ વધજો. અપવાદોને અહીંથી પાછા વળી જવાની છૂટ !
બીજાં ધડાધડ રમે તો જ ગમે, અને આપણે પોતે રમીએ તો ? ટીચૂક… ટીચૂક… ! હું બધા દડાને તો નહીં જ ફટકારું. જોઈએ, સારો મોકો આવશે તો ઝૂડશું નહીંતર, ડક કરીશું… ડિફેન્ડ કરીશું… ડોટ બોલ જવા દઈશું પણ રિસ્ક, નેવર ! આમ જ જિંદગી પૂરી થઈ જશે અને આપણે બહુ ખરાબ એવરેજ સાથે પેવેલિયન તરફ પાછાં ફરતાં હોઈશું ત્યારે કુદરત કહેશે, ‘હાશ, એક નંગ તો ઓછો થયો !’

જિંદગી શું છે, સુખ-દુઃખનું ચક્ર ? ના. આગલાં જન્મોનો હિસાબ-કિતાબ ? ના હવે. કર્મોનું ફળ ? શું યાર, કંઈક લોજીકલ વાત કરો. તો ? સિમ્પલ, એક વિડિઓ ગેમ છે. વિડિઓ ગેમમાં આપણે પ્લેયરના રોલમાં હોઈએ છીએ ત્યારે એને જીતાડવા ખરાખરીની બાજીઓ ખેલીએ છીએ કે નહીં ? એમાં ક્યારેય વિચાર્યું કે ભલે બીજો પ્લેયર વધુ સ્કોર કરતો ? એવર ? અંહહ. હું હારું એ કેમ ચાલે !

આવું જ વલણ જીવનમાં અપનાવીએ તો કેટલી મજા પડે ને ! બસ બેખૌફ, કોઈનીય પરવા કર્યા વગર જીવ્યે રાખવાનું. ના ના, જિંદગીને આટલી સરળ બનાવી દઈએ એ થોડી યોગ્ય છે ! એમાં તો પેલું સુખ-દુઃખ જોઈએ, કર્મોનો ચોપડો જોઈએ, કંઈક નવું શીખવા કે શોધવા પ્રત્યેની આભડછેટ જોઈએ, ખોટી ભવાઈઓ જોઈએ. તો જ, તો જ તો ધંધા-દુકાનો ચાલુ રહે ને યાર ! નહીંતર કુંડળીઓ કોણ બનાવે, શનિની-મંગળની દશા સુધારવા માટેની પૂજાઓ કોણ કરાવે. સૂર્ય-ચંદ્રગ્રહણ જેવી સાયન્ટિફિક ઘટનાઓને પણ રાશિફળ સાથે કોણ જોડે ! અરે ! સંસારી-સંન્યાસીઓ કે સન્યાસી-સંસારીઓના આશ્રમોને કરોડોની રેવન્યુ કયો મૂરખ કરાવે ! એ બિચારાઓ વિશે પણ વિચારવું તો પડે જ ને.
ખેર ! આ સાલ્લી, છતાં વ્હાલી જિંદગી સાવ એવી નથી જેવી આપણાં સામે ચીતરવામાં આવે છે. એને સમજવા વળી રેફરન્સનો સહારો લેવો પડે એમ ? અને એ રેફરન્સ પણ કોણ ? ગામ આખાને સંયમનો પાઠ ભણાવતાં હોય, અને…

સમજી જાઓ. ગુડ !

‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં શ્રી કૃષ્ણે કહ્યું છે કે આત્મા અમર છે. એ માત્ર શરીર બદલે છે. મતલબ, આ શરીર એક સાધન છે. મન એ સાધનને ચલાવનારું એન્જીન અને આત્મા, બળતણ. મતલબ, સ્ક્રીનની અંદર જે પ્લેયર છે એ આપણું શરીર, જે એને રમાડે છે એ મન અને એ ગેમ એટલે જિંદગી, સિમ્પલ ! અને આત્મા ? આ બધાથી, હાર-જીતથી જેને કોઈ જ ફરક નથી પડતો એ. તમે શું રમો છો, કેવી રીતે રમો છો એનાથી એને શો લેવા-દેવા ! એ તો સ્થિર છે. જેવી ગેમ પૂરી થશે એટલે પ્લેયર બદલશે. બીજો મોકો નહીં આપે. નવી ઘોડી નવો દાવ, બસ !

જિંદગી જીવવા માટે કોઈ જ નિયમ યાદ રાખવાનો નથી કે ગોખવાનો નથી. આ દિવસે તે ન કરવું, તે દિવસે આ. અમુક દિવસે અહીં ન જવું, તમુક દિવસે આ ન ખાવું, વગેરે વગેરે… નાહ્યા વગર ભગવાન પાસે ન બેસવું, કેમ ? આભડછેટ લાગે ! અરે, એવું હોત તો ભગવાને આપણને ઉપરથી જ નવડાવી-ધોવડાવીને જ મોકલ્યા હોત ને ! આને વેવલાઈવેડાં કેહવાય. આ બધામાં રહીશું, તો રહી જ જઈશું.
લાઈફની આ રમતમાં બિન્દાસ રમવાનું. પૂરતાં રિસ્ક લઈ લેવાનાં. પરીક્ષાની આગલી રાતે બાર-બાર વાગ્યાં સુધી કલ્પનાને મિજાગરે બેસીને, પછી ઉજાગરા કરીને-નીંદરની સાસુના ધજાગરા કરીને વાંચવામાંય એક અલગ મજા છે. બીજાને વિચારવા દો કે તમે અલ્લડ છો, બેદરકાર છો. પોતે શાંતિથી, મનમાં ધરબી રાખેલા એક ખાસ ઓરતાને પૂરું કરવા પાછળ મંડ્યા રહો. સપનાંને સાકાર કરવામાં તબિયતની વાટ લગાડી નાખવાનોય નશો છે. પ્રેમ તૂટે તો રડી લેવાનું, ફરી મળે તો સામેવાળાને એટલું બધું આપી દેવાનું કે બસ, જાણે એ જ આપણું બધું હોય.
દુનિયા 9 થઈ 6 નોકરી કરવાવાળાઓને યાદ નથી રાખતી, કે ન વાતે-વાતે રોઈને બેસી રહેવાવાળાઓને. હારવું તો એવી રીતે કે બધાને યાદ રહી જાય, અને જીતવું તો એવી રીતે કે દુનિયા કહે, ‘વાહ ! મજો પડી ગયો.’
કુદરત રોજ પડકારો આપ્યા કરશે પણ, ‘નેવર સે ડાઈ’ કહીને આપણે ઝીલી લેવાના. સફળતા એટલી સસ્તી નથી કે થોડો પસીનો રેડીને મળી જાય. સમય તો લાગશે જ ! હા, ક્યારેક નસીબ વધુ કાંટા ચુભાવે તો થોડું રડી લેવાનું અને પછી, બાંયો ચડાવીને લડી લેવાનું. ગમે તે થાય બેસી નહીં રહેવાનું. કુદરત સામે વટથી કહી દેવાનું કે, ‘જા, જે થાય તે કરી લે ! બંદો તો પોતાની મરજી પ્રમાણે જ વર્તશે.’ (‘સફળતાનાં સોપાનો’માંથી સ્વામી વિવેકાનન્દનાં વાક્યો, થોડા અલગ સ્વરૂપે) પછી છે કોઈની મજાલ કે આપણને રોકી શકે !
છતાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની. આ જે થઈ રહ્યું છે કે થવાનું છે એ આપણું નથી, આપણે જે કિરદાર નિભાવી રહ્યાં છીએ એનું છે. અને એ કિરદાર કાયમી નથી. રમત પૂરી એટલે બધું ખતમ, સબ મોહમાયા હૈ રે ! આ જ તો છે ગીતાનો ઉપદેશ !!


ત્યાં સુધી, ભરપૂર જીવી લેવાનું, પળેપળ ઉજવી લેવાની. કોઈ ખાતર લડી રવાનું તો કોઈ માટે બે-એક આંસુય ખેરવી દેવાનાં, ક્યાં પૈસા પડે ! કાલ કરતાં કંઈક જોરદાર કરી બતાવવાનું. તૂફાની, યુ નો ? રોજેરોજ કંઈ થોડી આવું જીવન મળે !

રીલ ફરતી રહેશે, નવાં નવાં દ્રશ્યો આવતાં-જતાં રહેશે, નવાં નવાં કિરદારો બનતાં-વિખરતાં જશે આપણે પોતાનો રોલ નિભાવી લેવાનો, એ શીદ્દતથી કે, જ્યારે પડદો પડે ત્યારે વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે ! બસ, એ જ આપણી જીત. ત્યાં સુધી કહી દો જિંદગીને, ‘તું ખમ, હું આવી રહ્યો છું તને માણવા, જાણવા, પૂરેપૂરી નિચોડી લેવા. આવી રહ્યો છું, તને તારાથી પણ વધુ જીવી લેવા. આવી રહ્યો છું !’

લેખક :  પ્રતીક ગોસ્વામી

રોજ રોજ નવી નવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી