“દીકરી એક કલા ઉત્સવ”-મુકેશભાઈ સોજીત્રાની કલમે લખાયેલ ખુબ સુંદર વાર્તા…

સાંદીપની શાળામાં આજે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ રાખવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ ચિત્ર, ગાયન, વાદન, બાલ કવિ એમ ચાર વિભાગનાં પ્રથમ નંબરના વિજેતાઓ આજે જિલ્લા કક્ષાએ ભાગ લેવાનાં હતાં. શાળાનો પરિવાર આજે ખુશ હતો. સતત ત્રણ દિવસથી શાળાનો સમગ્ર સ્ટાફ ખડે પગે કામ કરી રહ્યો હતો. આજથી બે માસ પહેલાં સાંદીપની શાળાનાં આચાર્યશ્રી રણજિતભાઈ છાપામાં એક જાહેરાત જોઈ હતી જે “માધવજી ભુવનજી ચેરીટેબલ ટ્રસ્ટ – ઘાટકોપર, મુંબઈની હતી અને એ સંસ્થા શૈક્ષણિક કાર્યક્રમોમાં મદદ કરતી હતી. છાપાંમાં આવેલ ચેરીટેબલ ટ્રસ્ટનો મોબાઈલ નંબર રણજિતભાઈ એ સેવ કરી લીધેલો. આઠ દિવસ અગાઉ ડીઓએ સાંદીપની શાળાની મુલાકાત લીધી અને સ્ટાફ મીટીંગ બોલાવી અને કીધું કે મારી ઈચ્છા તમારી શાળામાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ રાખવાની ઈચ્છા છે, શાળામાં જરૂરી સગવડતા છે, વળી શાળા સેન્ટરમાં હોઈ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાંથી આવતાં બાળકોને આવવામાં સગવડતા રહે અને ઉમેર્યું કે તમામ ખર્ચ સરકાર આપશે, જેમાં ઇનામો, અને જમવાનો ખર્ચ હોય. શાળાને કોઈ ભારણ નહિ પડે, પણ જો શાળાની ઈચ્છા આ કાર્યક્રમને ભવ્ય બનાવવાની હોય તો તમે લોકભાગીદારી કરીને, દાન મેળવીને, જેવો કાર્યક્રમ કરવો હોય એ કરી શકો છો. બધા એક ધ્યાનથી સાંભળતા હતાં.

“એક મિનિટ્ સાહેબ,” કહીને રણજીતભાઈ બહાર ગયાં. એણે પેલો મુંબઈ વાળો નંબર લગાવ્યો, સદ્દભાગ્યે સામે શેઠે જ એ ફોન ઉઠાવ્યો, રણજિતભાઈએ બધી વિગતે વાત કરી પાંચ મિનિટ સુધી. પછી સામેથી શેઠ બોલ્યા એક કામ કરો. તમારે કુલ કેટલી રકમ જોઈએ છે એ કહોને સાથે તમારી શાળાનો બેન્ક એકાઉન્ટ નંબર કહેજો. દસ્ જ મિનિટ્સમાં તમારા ખાતામાં પૈસા પડી જશે. રણજિતભાઈ હરખાતા હરખાતા આવીને કહે ચાલો આપણે પ્લાનિંગ કરીયે. ત્રીસ મિનિટ્સ સુધી અંદાજિત ખર્ચનું પ્લાનિંગ કર્યા પછી વધારાની 80000 જેટલી રકમની જરૂર હતી. રણજિતભાઈ એ ડીઓની હાજરીમાંજ પાછો ફોન લગાવ્યો અને રકમ કીધી, બેન્ક એકાઉન્ટ નંબર કીધો અને કહ્યું આપને કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી છે સામેથી જવાબ આવ્યો કે અનુકૂળતા હશે તો ચોક્કસ આવીશું અને તમને બે દિવસ અગાઉ કહેશું પણ તમે કીધેલી રકમ હમણાંજ તમારા ખાતામાં ઈ ટ્રાન્સફરથી પડી જશે. બધા એ ચા પીધી અને વાતો કરી અને લગભગ સાત મિનિટ થઇ હશે ત્યાં રણજિતભાઈના મોબાઈલ પર ફ્લેશ થઇ, મેસેજ આવ્યો હતો, વાંચ્યો શાળાના ખાતામાં એક લાખ જમા થઇ ચુક્યા હતાં. આચાર્ય રણજિતભાઈની આંખો નવાઈમાં ડૂબી ગઈ, ફોનનો મેસેજ ડીઓ સાહેબને વંચાવ્યો, એને પણ ખુશી થઇ, શાળાનો સમગ્ર સ્ટાફ ખુશ થઇ ગયો. રણજિતભાઈ એ આભાર વ્યકત કરવાં બે ત્રણ વાર કોલ કર્યો, પણ મોબાઈલ કવરેજ એરિયા બહાર હતો. શાળામાં તૈયારી શરુ થઇ ગઈ, ને કાર્યક્રમમનાં ત્રણ દિવસ પહેલાં શેઠનો કોલ આવ્યો કે હું આવું છું, અમે ફક્ત બે જ જણ!! હું અને મારો ડ્રાઇવર,!! સ્વાગત કે એવું કશું જ ના ગોઠવશો જેનાથી મને દુઃખ થાય!! સાવ સાદી રીતે જ હું આવીશ. અને હા શાળાની જરૂરિયાત અને રકમનો આંકડો તૈયાર રાખજો, અને તેથી જ આજે શાળામાં ખુશી હતી. આચાર્ય સવારના ગયાં હતાં અને મુંબઈ થી આવવા વાળા શેઠ વહેલા આવી રહ્યા હતાં, બાળાઓ તૈયાર હતી, શાળા શણગારી હતી,શાળામાં જે ઘટતું હતું એનું લિસ્ટ તૈયાર હતું, બરાબર આઠ વાગ્યે ઓડી કાર શાળામાં પ્રવેશી. આડત્રીસ વરસની ઉમર ધરાવતા અનિકેત દેસાઈ કારમાંથી નીચે ઊતર્યા. સૌને અજાયબી થઇ અનિકેત દેસાઈ એક સાદા કપડામાં હતાં. સાથે હતો એક ડ્રાઇવર!!, ડ્રાઇવરનો સફેદ સૂટ અનિકેતનાં કપડાં કરતા મોંઘો લાગતો હતો. ફટાફટ બધા ઓફિસમાં આવ્યાં. આચાર્યશ્રી રણજિત ભાઈએ અધિકારીશ્રીની અને ગામ આગેવાનો ની ઓળખાણ કરાવી. આચાર્યને કીધું ચાલો હવે આપણે નિશાળ જોઈ લઈએ. નિશાળ જોઈ લીધા પછી અનિકેત દેસાઈએ કહ્યું કે પેલું લિસ્ટ તૈયાર હોય તો લાવો તમારે જે કાંઈ ઘટતું હોય તે વિગતો જોઈ લઈએ!! લિસ્ટ વાંચ્યા પછી તેણે અંદાજિત રકમ જોઈ અને કીધું કે

” બે દિવસમાં આ રકમ મળી જશે, વધારે જોઈએ તો કહેજો, હવે કાર્યક્રમ ક્યારે શરુ થશે?”

” બસ તમારી રાહ જોવાઇ છે સાહેબ” આચાર્યે કહ્યું અને તે ઉભા થયાં. બધા તેમની સાદગીથી પ્રભાવિત હતાં.

કાર્યક્રમ શરુ થયો. દીપ પ્રાગટ્ય થયું. સ્પર્ધાઓ શરુ થઇ. દુરનાં ગામથી આવેલી એક ધોરણ દસમાં ધોરણમાં ભણતી એક દીકરી રાધિકાએ સરસ મજાનું ગીત ગાયું. અનિકેત દેસાઈ એને જોઈ રહ્યા. એ દીકરીનો ચહેરો એને ખુબ જ જાણીતો લાગ્યો. એનો અવાજ પણ ખુબ જ દર્દ ભર્યો હતો. અંતરની અંદરથી વેદના આવી રહી હતી. અનિકેત ખુશ થઇ ગયો. ગીત પૂરું થયાં પછી અનિકેત ઉભો થયો અને તાળીઓ પાડી એને જોઈને તમામ ઉભા થયાં તાળીઓથી હોલ ગુંજી ઉઠ્યો. લગભગ 12 વાગ્યે સ્પર્ધાઓ પુરી થઇ. ઇનામોની વહેંચણી થઇ. ગાયનમાં પેલી દીકરીનો પ્રથમ નંબર આવ્યો. દીકરી ઇનામ લેવા સ્ટેજ પર આવી.

અનિકેતે તેને ઇનામ આપ્યું, શિલ્ડ આપ્યો,પ્રમાણપત્ર આપ્યું અને કહ્યું.
” બેટા, રાધિકા સરસ ગાય છે, અભિનંદન!!!”

“થેન્ક યુ સર,” રાધિકા બોલી અને અનિકેતને પગે લાગી અને જતી રહી. ઇનામ વિતરણ પૂરું થયું. સહુ અધિકારીઓ, આચાર્ય અને સ્ટાફના શિક્ષકો સાથે અનિકેત દેસાઈ ઓફિસમાં બેઠાં.

” આચાર્યશ્રી, પેલી દીકરીને બોલાવોને એની સાથે જે આવ્યું હોય એને બોલાવો, મારે એની સાથે વાતચીત કરવી છે.” આચાર્યે પટાવાળાને કહ્યું કે રાધિકા અને તેની સાથે જે આવ્યું હોય એને બોલાવો.

રાધિકા એની દાદીમા સાથે આવી. રાધિકાના દાદી સમજુબેન ઉમરમાં સાઈઠની આજુબાજુ હશે. ચહેરા પર કરચલીઓ પડી ગયેલી, આવીને એણે નમસ્કાર કર્યાં.

” બા તમારી દીકરી સરસ ગાય છે, આગળ ભણાવજો, ખુબ આગળ વધશે” અનિકેત દાદીમાં પાસે આવ્યો અને કહ્યું, રાધિકાની આંખમાં ચમક આવી.

” સાબ, છોડીને તો ભણવું જ છે,પણ એની મા ના પાડે છે, એની માં આમ તો બધીય વાતે સારી પણ થોડીક જિદ્દી છે, આ તો તણ દી આ છોડી રોઈને ત્યારે એણે રજા આપી અહીં આવવાની બાકી એની માં એને ભણાવવા માંગતી નથી, આ છોડીને બાપ નથી એજ ઉપાધિ છે, કોક એની માને સમજાવે તો થાય, બાકીની છોડીને ભણવું જ છે.” દાદીમા એ ગામઠી પણ બળકટ ભાષામાં કહ્યું.
“એમ તો હું એની માતાને સમજાવીશ” અનિકેતે કહ્યું, અને વિગતો જાણી, એનું ગામનું નામ જાણ્યું. જાણવા મળ્યું કે એ ગામ અહીંથી બહુ દૂર છે પણ અનિકેત મુંબઈ જવા નિકળશે ત્યારે રસ્તામાં આવે છે, અનિકેતે થોડો વિચાર કરીને કીધું.

” બા તમે મારી ગાડીમાં બેસી જજો રાધિકા સાથે, મારે અમથું ત્યાંથી જવાનું છે, હું તમને ત્યાં ઉતારી દઈશ,અને આમની મમ્મીને પણ મળતો જઈશ,અને મારી રીતે સમજાવીશ.”

” તો સારું ભાઈ!! ભગવાન તમને સો વરસના કરે , બાકી છોડીને તો ભણવું છે, પણ એની મા માને તોને એની માં આમ તો સમજુ પણ વળનું પુંછડુ છે ” સમજુબેને એની વાત પકડી રાખી.

જમીને સહું વિખરાયા. ઓડી કારમાં રાધિકા, તેની દાદીમા, અને અનિકેત દેસાઈ નીકળ્યાં, આકાશમાં કાળા કાળા વાદળાં છવાઈ રહ્યા હતાં.થોડી જ વારમાં વરસાદ આવશે એવું વાતવરણ થઇ રહ્યું હતું. કાર રસ્તા પર પાણીના રેલાની માફક સરકી રહી હતી, કલાક પછી એક રેલવે ફાટક આવ્યું, ફાટક ની બાજુમાં એક રેલવે ના ક્વાર્ટસ તરફ રસ્તો જતો હતો,

” પેલું છેલ્લું મકાન છે ને લીમડા વાળું એ મારુ ઘર” રાધિકાએ ઉત્સાહમાં આવી ને કહ્યું. રસ્તામાં અનિકેતે વાત વાતમાં જાણી લીધેલું કે સમજુમાં રેલ્વેનાં પરબ પર પાણી પાણી પાવાનું કામ કરતાં હતાં,એમના પતિ પણ રેલવેમાં હતાં, સાંધાવાળાનું કામ કરતા હતાં, ચાલુ નોકરીએ ગુજરી જવાથી સમજુમાંને વારસામાં નોકરી મળી હતી, રાધિકા એની દીકરીની દીકરી હતી. જેવી ગાડી સ્ટેશન પાસે પહોંચી કે ગાજવીજ સાથે વરસાદ શરુ થયો. અનિકેતે ડ્રાઈવરને કહ્યું કે તું અહીં ઉભો રહે હું રાધિકાને ઘરે જતો આવું. રાધિકા,તેની દાદી, અને અનિકેત રેલવે સ્ટેશનના પગથિયાં ચડીને પ્લેટ ફોર્મ પર આવ્યાં. ત્યાંથી પાટા ક્રોસ કરીને છેલ્લા ઘર તરફ જતા હતા કે વરસાદ વધ્યો, ઘર પાસે પહોંચ્યા ત્યાં લગભગ પલળી ગયાં હતાં.

” દિપુ!! એ દિપુ!! ખોલ, જો કોણ આવ્યું છે?? ” સમજુમાં એ બારણા ને ટકોરા મારતા કહ્યું. થોડીવાર પછી અંદર થી બારણું ખુલ્યું. અને આકાશમા વીજળીનો કડાકો થયો,અને જોરદાર પ્રકાશ ફેંકાયો, વરસાદ તૂટી પડ્યો હતો.

“આવો સાબ, અંદર આવો, આ મુંબઈથી આવેલા મોટા સાહેબ છે,.છોડીને એણે ઇનામ આપ્યું છે” સમજુમાં બોલતા હતાં,પણ કોણ સાંભળતું હતું,?? અનિકેત અને દિપુની આંખો મળી ને બંને એકદમ ચોંકી ઉઠ્યા.!! અનિકેતનાં પગ ત્યાં બારણાં પાસે જ જડાઈ ગયાં!! દીપુની આંખમાંથી અંગારા વરસી રહ્યા હતાં!! વરસાદમાં અનિકેત પલળી રહ્યો હતો. રાધિકા અને સમજુમાં અંદર હતાં.બારણાની વચ્ચોવચ રાધિકાની મમ્મી દિપુ ઉભી હતી,આંખમાં ભયંકર નફરતની જવાળાઓ સાથે એની નજર અનિકેત પર ત્રાટક કરી રહી હતી, અનિકેત પથ્થરનાં પૂતળાંની જેમ ઉભો હતો.

” આવો સાબ આવો, અંદર આવો બહાર કેમ ઉભા છો”?? સમજુમાં બોલ્યા કે તરત જ તેને હડસેલો મારીને દિપુ બોલી.
” આ ઘરમાં નાલાયકોને સ્થાન નથી!!” અને ધડામ કરતુ બારણું બંધ થયું અને એક જ ઝાટકે અનિકેતનો ભૂતકાળ ખુલ્યો.!! અનિકેત આંખો મીંચી ગયો. બહાર વરસાદ વરસી રહ્યો હતો, અનિકેતની આંખોમાંથી વરસતાં વરસાદ સામે આ વરસાદની કોઈ વિસાત નહોતી!! અને અનિકેત સોળ વરસ પહેલાનાં ભૂતકાળમાં જતો રહ્યો.

દીપાલી પ્રભુભાઈ તાવડે…!! ઉર્ફે દિપુ….!! દીપાલી….!! એક જ કોલેજમાં ભણતાં અનિકેત અને દિપાલી!! અનિકેત માધવજી શેઠનો એકનો એક મોઢે ચડાવેલ છોકરો….. છેલ બટાઉ અને ઉડાઉ… ખબર નહિ કે દીપાલી… એમાં શું ભાળી ગયેલી… બને… તમામ મર્યાદાઓ વટાવી ચુક્યા હતાં… માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ની હોટેલોમાં આ બને પતંગિયા કોલેજ ટુરનાં બહાને સંગાથ માણતા… હા એક ફર્ક હતો બંનેમાં,!! દીપાલી અનિકેત ને સાચા દિલથી ચાહતી, જયારે અનિકેત માટે દીપાલી ફક્ત અને ફક્ત ટાઈમ પાસ હતી….. એક દિવસ જયારે દીપલીએ કહ્યું.

“અનુ હું મા બનવાની છું” સાંભળીને અનિકેતે સિગારેટનું ઠૂંઠું બહાર ફગાવતા કહ્યું.

” એ તારો પ્રોબ્લેમ છે, આઈ ડોન્ટ માઈન્ડ, એન્ડ આઈ ડોન્ટ કેર… ગો ટુ હેલ!!! દીપાલી માટે આભ ટૂટી પડ્યું…. ઘરે ખબર પડી… માર પડ્યો… કહેવામાં આવ્યું કે મરી જા… આ સમાજમાં સ્ત્રીને બહુ સરળતાથી કહી દેવાય છે કે જા મરી જા……..!! હા મરી જવા માટે તો એ પાટા પર ચાલતી હતી..!! બસ એને મરવું જ હતું!! પણ કોણ જાણે આ સમજુ મા એને બચાવી લીધી.

અનિકેત માટે આવી છોકરીની બાબત સામાન્ય હતી. યુઝ એન્ડ થ્રો એ એની લાઈફ હતી… દિપુ ગયા પછી એના જીવનમાં ઘણી આવી ગઈ.. અનિકેતનાં લગ્ન થયા… વરસ દિવસ પછી એક બાળકનો જન્મ થયો…અનિકેતનાં લખણમાં કોઈ જ ફેરફાર નહિ…અંતે કુદરત થાકી અને શરુ થયો ઝંઝાવાત……..!!

અનિકેત વરસાદમાં પલળતો હતો. ઠંડી લાગી રહી હતી.. મુંબઇનો માલેતુજાર માધવજી દેસાઈ શેઠનો એકનો એક દીકરો આજે લાચાર બનીને એક ઘર પાસે પલળી રહ્યો હતો…પોતાનો જ ફ્લેશ બેક પોતાની સગી આંખે નિહાળી રહ્યો હતો….. કુદરત બઘાને વ્યાજ સાથે પાછું આપે જ છે પછી તમે સ્વીકારો કે ના સ્વીકારો….!!

લગ્નનાં ત્રણ વર્ષ પછી પોતાની પત્ની અને પુત્ર સાથે લોનાવાલા થી પાછા આવતી વખતે અનિકેતની કારને અકસ્માત થયો, પોતે તો બચી ગયો, પત્ની અને પુત્ર ગયાં…!!અધૂરામાં પૂરું મમ્મી અને પપ્પા બદ્રીનાથની યાત્રાએ ગયા ને ત્યાં વાદળ ફાટ્યું… મમ્મી પાપાની લાશો આવી….!! કુદરત પણ જાણે કહેતી હોય કે બેટા અનિકેત…! આઈ ડોન્ટ કેર….!! આઈ ડોન્ટ માઈન્ડ….!!એન્ડ યુ સી અનિકેત…..!!આ તારો પ્રોબ્લેમ છે….!! યુ સી…. !! અનિકેત……!! અને ભાંગી ગયો અનિકેત…. પણ પછી એક નવો અનિકેત પેદા થયો..આમેય જે ધરા પર ધરતીકંપ આવે પછી એ ધરા વધુ ઉપજાઉ બને એમ અનિકેત હવે કાળની થપાટે સુધરી ગયો. ધંધો સંભાળ્યો, દાન નો ધોધ વહેવાડ્યો અને આજે ”

“માધવજી ભુવનજી ચેરીટેબલ ટ્રસ્ટ” એક સંસ્થા એ દાનનો પર્યાય બની ચુકી હતી. વરસાદ રહી ગયો. ઉઘાડ થયો. શાંત વાતાવરણ ભીતરથી કોરો અનિકેત બહારથી સંપૂર્ણ પલળી ગયો હતો…!! બારણું ખુલ્યું.!!
” અરે સાહેબ હજુ તમે અહીં છો? સમજુમાં બોલ્યા અનિકેતે આંખો ખોલી.

“અહીં આવો સાબ લીમડાના ઝાડ હેઠ!! દિપુ જિદ્દી છે,એ તમને અંદર તો નહિ જ આવવા દે…!! એણે મને બધી જ વાત કરી..!! આ રાધિકા તમારી જ દીકરી સાહેબ તમારી જ દીકરી…!! અને અનિકેતની આગળ એક નવું વિશ્વ ખુલ્યું…!! આંખમાંથી આંસુ સાથે એ સમજુમાં ના પગમાં પડ્યો…!! સમજુમાં અને અનિકેત લીમડાના ઝાડ નીચે ઉભા હતાં… વાત શરુ હતી… દિપુતો રેલનાં પાટા પર ગાડીની સામે મરવા જતી હતી મેં બચાવી લીધી સમજૂમાં એ કહ્યું. અનિકેતે આખી વાત જાણી લીધી સમજુ માં એ કહ્યું.

“મારી દીકરી અને જમાઈ મુંબઈ રહેતાં હતાં. દીકરીને ડીલેવરી આવવાની હતી એટલે હું ત્યાં ગઈ હતી. મારી દીકરી અને એનું તાજું જન્મેલ બાળક બને અવસાન પામ્યા ડીલેવરી વખતે. હું પડી ભાંગી. એવામાં એક વહેલી સવારે મેં આ દીપુને ગાડીના પાટા પર ચાલતી જોઈ. સામેથી ગાડી આવતી હતી અને આ આંખો બંધ કરીને ગાડીની સામે ચાલતી હતી. મેં બચાવી બધું પૂછ્યું પણ વળનું પૂંછડુ એટલે કાઈ ના કીધું તે આજ મને બધું કીધું. અને આમેય હું ત્યાં મારી દીકરી માટે તો ગઈ હતી. એક દીકરી ગુજરી ગઈ એટલે ભગવાને મને આ દીકરી આપી એવું આશ્વાસન મેં મારા મનને આપી હું આ દીપુને અહી લાવી અને ચાર મહિના પછી આ રાધિકાનો જન્મ થયો. અને આજ આ તમારી રાધિકા પંદર વર્ષની થઇ…!!”

અનિકેતે હાથ જોડ્યા. “એકવાર મને મારી દીકરીને મળી લેવા દયો,ખાલી એક વાર મારે એને માથે હાથ ફેરવવો છે” સમજુમાં અંદર ગયાં અંદર થોડી બોલાચાલી થઇ.. પછી બહાર આવ્યા “હાલો…સાહેબ”
અનિકેત અંદર ગયો.. રાધિકાને માથે હાથ મુક્યો…બોલ્યો. પોતાના લોહીને એ ભેટી પડ્યો.

“તું ભણીને આગળ આવજે રાધિકા” ખીસામાં હાથ નાખ્યો, પોતાનું કાર્ડ આપ્યું.. “કઈ જરૂર પડે તો મને ફોન કરજે અથવા તો આજ ચાલ મારી સાથે તારા પગલા પડવાથી મારી ભૂલ નું નિરાકરણ થશે ” ફરીથી માથા પર હાથ ફેરવ્યો..અને પોતાનાજ વારસને એ ભેટી પડ્યો. રાધિકા પણ રોઈ પડી..
“હવે બહુ થયું હો…!! ચાલૂ સહુ સહુના રસ્તે પડો!!” દિપુ બોલી અને રાધિકાને ખેંચીને અંદરના રૂમમાં લઇ ગઈ. અને સમજુમાને કહ્યું દીપુએ લાલચોળ આંખો વડે.

“તમે ભોળા માણસ છો બધાની વાતમાં આવી જાવ બાકી દુનિયામાં અમુક માણસો જન્મે ને ત્યારે જ નક્કી કરી લે છે કે હવે એવા કામ કરવા છે કે ભગવાન પણ એને બીજીવાર મનુષ્ય બનાવતાં પહેલાં સાત વાર વિચાર કરે….!!”
અનિકેતને આ શબ્દો શુળની જેમ ભોંકાયા.. પણ રાધિકા નાની તો હતી નહીં.. એ બોલી

“દાદીમા પાપા તો સારાં છે નહીં”!! અને એક જોરદાર તમાચો પડ્યો રાધીકાના ગાલ પર…!! અને દીપુ ગરજી ઉઠી!! “અંતે લોહી એનુને!! જાત પર તો જાય જ !!”

રાધિકા પણ હિબકે ચડી ગઇ..એને તો વગર વાંકે થપ્પડ પડી હતી.
રાધિકા બોલી પડી “મારો શું વાંક” છેવટે સમજુમા બોલ્યાં..

“તમે બધાં ભણેલાં ગણેલા જાનવર જેવા છો તમારા બધામાં બળ વહ્યુ જાશે પણ વળ નહીં જાય.. !! હું તો નિહાળે ગઇ જ નથી તે ભગવાન નો આભાર માનું છું કે આવુ ભણતર ભણીને શું કામનું જે માણાંની માલીપા વળ પેદા કરે..!! અને છોડી તુંય અભાગણી છો પેલાં તારા બાપને વળ હતો.!! હવે તારી માને વળ છે.. !!કઈંક સમજ દિપુ હું તો એમ કહું છું કે આ છોડીને અનિકેતની હારે જાવા દે છોડી ય ખુશ એનો બાપેય ખુશ.. છોડી ત્યાં રહીને ભણશે એના બાપાની પાસે અને એનો બાપ પણ હવે પેલા જેવો નથી એ તારી માંફી માંગે છે!! ” ઘરમાં સ્તબ્ધતા છવાઈ ગઇ.. ઘણી દલીલો થઈ..નિર્ણય રાધિકા પર છોડાયો કે એને જવું હોય તો જાય. રાધિકા દિપુ પાસે ગઇ.

“મમ્મી હુ જાવ,…!! “ રાધિકાએ કહ્યું અને દિપુ રોઈ પડી.. પોતાની રાધિકાને એણે બચીઓ ભરીને ભરીને વ્હાલ કર્યું ને કીધું “તારી ઇચ્છા બાકી હું તો અહિં જ રહીશ..”!! રાધિકાએ એ કપડાંની થેલી ભરી. અનિકેત બે હાથ જોડીને દિપુ સામે ઉભો. દિપુ અવળી ફરી ગઇ. અનિકેત દીપુના પગમાં પડ્યો!! આંખમાં આંસુ હતાં!! અનિકેત બોલ્યો..
‘મને માફ કર!! હું હાથ જોડીને કહું છું તમે બધાં ચાલો!! તું કહે એ રીતે હું માફી માંગુ!! બસ તું મારું માની જા”

“અમુક પાપ માફીને પાત્ર નથી હોતા” દીપુ બોલી. સમજુમાં એ અને અનિકેત દીપુને સમજાવતા રહ્યા. પણ પથ્થર પર પાણી!!

“હવે જવું છે?? મને હજુ પણ શાંતિ નથી લેવા દેવી??” દીપુ બોલી અને અવળું ફરી ગઈ. અનિકેત અને સમજુમા બહાર નીકળ્યાં . વરસાદ પછી વાતાવરણ ચોખ્ખું થયું હતુ.. આકાશમાં મેઘ ધનુષ્ય ખીલ્યું હતૂ.. અનિકેત સમજુમા ને પગે પડ્યો… સમજુમા રોઈ પડ્યા.. બોલ્યાં
“હે ભગવાન વરસો પહેલાં તેં મને દિકરી આપી હતી આજે એક દિકરો પણ આપ્યો, બેટા આ દિપુના રતન ને સાચવજે..અને અનિકેત ને ઉભો કર્યો અને ભેટી પડ્યાં.. અનિકેત ની આંગળી પકડીને રાધિકા ચાલતી હતી પાછળ હતાં સમજુમા અને અનીકેત પાછળ જોયું દીપુ ઉભી હતી. અને ફરીથી ધડામ દઈને બારણું બંધ થયું… સ્ટેશન પર ગાડી એ પાવો માર્યો… ગાડી ચાલી.. અનિકેત પ્લેટફોર્મ પર પહોંચ્યો, પાછું વાળીને ઘર તરફ જોયું.. બારણું બંધ હતું… હા પણ ઘરની ડાબી સાઈડ ની બારી ખુલી હતી..દિપુ ત્યાંથી હાથ હલાવતી હતી..!! અનિકેતની આંગળી પકડી ને જતી રાધિકા પણ મમ્મી સામેહાથ હલાવતી હતી…!!. રેલવે સ્ટેશનના પગથિયાં પાસે એક અંધ હાર્મોનિયમ પર ધૂન વગાડી રહ્યો હતો..!!
” એક દિન બીક જાયેગા માટીકે મોલ,

જગમે રહ જાયેંગે પ્યારે તેરે બોલ…
અનહોની પથમે કાંટે લાખ બિછાયે ,

હોની તો ફિર ભી બિછડા યાર મિલાયે”… અનિકેતે સોની નોટ કાઢી અંધ ને આપી ને કાર તરફ આગળ વધ્યો. સમજુમાએ ભીની આંખે વિદાય આપી અનિકેત પાછલી સીટ પર બેઠો.. રાધિકા એના ખોળામાં સુઈ ગઇ.. હા અનિકેત આજે કલા ઉત્સવમાં થી પોતાનો વારસ લઇને, એક સાચો પારસ લઇને મુંબઇ જઈ રહ્યો હતો…!!!

લેખક:-મુકેશ સોજીત્રા

કેવી લાગી આ વાર્તા અમને જણાવજો કોમેન્ટમાં અને શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે.

ટીપ્પણી