અમેરિકામાં લાખોનું પેકેજ છોડી, આવી મારે દેશ, પોતાના પૈસે ૨૦ હજાર ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો.

‘કોણ કહે છે કે આકાશમાં છેદ નથી થઇ શકતું ? અરે ! એક પથ્થર તો તાકાતથી ઉછાળીને જુઓ.’ આ કહેવતમાં વિશ્વાસ રાખનારી સમીના બાનોની નિસ્વાર્થતા અને દ્રઢ નિશ્ચયથી, આજે લગભગ ૨૦ હાજર ગરીબ પરિવારોના બાળકો, મોટી ખાનગી શાળાઓમાં ભણી રહયાં છે.

સમીના બાનો એક એરફોર્સ અધિકારીની દીકરી છે અને તેમનું શાળાકીય શિક્ષણ દેશના વિભિન્ન ભાગોમાં થયું છે. કમ્પ્યુટર એન્જીનીઅરીંગ કર્યા બાદ સમીનાએ IIM બેંગ્લોરમાં સફળતાપૂર્વક ડિગ્રી મેળવી અને અમેરિકા નોકરી કરવા જતી રહી. સમીના પોતાની જાતને બેહદ ભાગ્યશાળી માને છે કેમકે તેને આટલું સારું શિક્ષણ મળ્યું છે. પરંતુ તેના મનમાં હંમેશા એક વિચાર ચાલતો રહ્યો કે આપણા ભારત દેશમાં કેટલાંય એવા બાળકો છે જે ગરીબીને લીધે સ્કૂલ જવા સક્ષમ નથી.

આ જ વિચારને લીધે સમીનાએ ૨૦૧૨માં અમેરિકાની નોકરી છોડીને ભારત દેશ પરત આવી. તે શિક્ષણના ક્ષેત્રે કશુંક કરવા માંગતી હતી, માટે તેને પુણે અને બેંગ્લોર શહેર પર પોતાની પસંદગી ઉતારી. પણ તેના મિત્રોની સલાહ એમ હતી કે કામ કોઈ એવી જગ્યા પર કરવું જોઈએ જ્યાં તેના જેવા લોકોની ખૂબ જરૂર હોય અને તેના પ્રયાસોથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે. આ સલાહને ધ્યાનમાં લઈને તે ઉત્તરપ્રદેશના લખનૌ શહેર ગઈ. ત્યાં તેમણે સર્વપ્રથમ એક ઘર ભાડે રાખ્યું. એ દરમિયાન તેમની મુલાકાત વિનોદ યાદવ નામના એક માણસ સાથે થઇ, જેમને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ ખેતીવાડી માટેનું સારું એવું જ્ઞાન હતું. જેનો લાભ પાછળથી સમીનાને પોતાની ધ્યેય પ્રાપ્તિમાં થયો.

૨૦૧૨ના વર્ષમાં સમીના અને વિનોદે મળીને ‘ભારત અભ્યુદય ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. જેના અંતર્ગત તેમણે લખનૌની ઝૂંપડપટ્ટીમાં રહેતા, ધોરણ ૧૧ અને ૧૨માં ભણતાં, ૫૦ બાળકોને ટ્યુશન આપવું શરુ કર્યું. પણ સમીનાને લાગ્યું કે આનાથી તો બહુ ઓછાં બાળકોને લાભ થશે અને તે તો વધુમાં વધુ બાળકોને ભણાવવા માંગતી હતી. તે માટે તે સરકાર પાસે મદદ પણ માંગવા ઇચ્છુક હતી કેમકે સરકારી સહયોગ વગર આ કામ મોટા પાયે કરવું અશક્ય હતું. આ બાબતમાં તેના સાથી વિનોદે તેની ઘણી મદદ કરી. હવે સમીનાએ શિક્ષણના ક્ષેત્રમાં સુધારો લાવવા માટે એક નવી યોજના બનાવી જેના યોગ્ય અમલીકરણ માટેનું કામ પણ શરુ કર્યું. તેને સફળતા મળી અને ૧૮ મહિનામાં જ ઉત્તર પ્રદેશના ૫૦ જિલ્લાઓમાંના ૨ હાજર ગરીબ બાળકોને ૩ હાજર ખાનગી શાળાઓમાં પ્રવેશ મળ્યો.

એટલે જ તેમણે ‘ શિક્ષણનો અધિકાર’ (Right to Education ) કાયદાનો સહારો લીધો. જેને લીધે બધી જ ખાનગી શાળાઓએ પોતાને ત્યાં પચ્ચીસ ટકા જગ્યા ગરીબ બાળકોને આપવી ફરજીયાત હતી. પણ આ એટલું સહેલું નહોતું, મોટી ખાનગી શાળાઓએ આનો વિરોધ કર્યો અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટમાં બે વર્ષ લડ્યા બાદ સમીનાની જીત થઇ.

‘શિક્ષણનો અધિકાર’ કાયદો લાગુ થયાના ૪ વર્ષ પછી પણ ઉત્તરપ્રદેશમાં મોજુદ છ લાખ જગ્યાઓ પર કુલ ૧૦૮ જ બાળકોને પ્રવેશ અપાયો હતો, પણ સમીનાના પ્રયત્નોથી આ સંખ્યા ૨૦૧૫માં વધીને ૪૪૦૦ અને ૨૦૧૬માં ૧૫૬૪૬ થઇ ગઈ. હવે આ સંખ્યા વીસ હાજર ઉપર પહોંચી ગઈ છે.

આ જ રીતે સમીનાએ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે એક વધુ પગલું ભર્યું અને નવમાં ધોરણથી લઈને બારમાં સુધીના બાળકોને ‘માય સ્કૂલ માય વોઇસ’ નો અધિકાર અપાવ્યો. જેને લીધે બાળકો પોતાના શિક્ષક અંગેનો અભિપ્રાય સીધા મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકે. તેમના આ પ્રયત્નથી સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તામાં ઘણો સુધારો આવ્યો, સાથે જ શિક્ષકોની જવાબદારી પણ નિર્ધારિત થઇ. વિદ્યાર્થીઓને અપાતી વ્યવસાયિક કેળવણી ઉપર પણ સમીનાએ કામ શરુ કર્યું છે. જેના અભ્યાસ માટે એ ગયા વર્ષે જર્મની ગઈ હતી, કેમકે ત્યાં અપાતી વ્યવસાયિક કેળવણી વિશ્વભરમાં સારી ગણાય છે.

અત્યારે તે દિલ્લીની સરકારી શાળાઓમાં અપાતી વ્યવસાયિક કેળવણીનો અભ્યાસ કરી રહી છે જેથી ઉત્તર પ્રદેશમાં તેને લાગુ કરી શકાય. આ વર્ષના ફેબ્રુઆરીમાં, સમીનાના ફાઉન્ડેશનને યુનિસેફની મદદ મળી ને ૯ જિલ્લાના લગભગ ૧૫૦ શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ સાથે મળીને એક ‘મોટી યોજના’ વર્કશોપનું આયોજન કર્યું. જેમાં બધાં બાળકોમાં સમાનતાનો ભાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ઓછું ભણેલાં માતા-પિતાનો ભણેલાં માતા-પિતા સાથે તાલમેલ સાધવા પર ભાર મુકવામાં આવ્યો.

સમીનાને આ કામમાં હજુ સુધી સરકારી આર્થિક સહાય પ્રાપ્ત નથી થઇ,પણ શિક્ષકોની કેળવણી કે ભણતરને લઈને જો કોઈ પણ મદદ જોઈતી હોય તો સરકાર આગળ આવે છે. તેમની આ પહેલમાં IIM ના વિદ્યાર્થીઓ પણ ઘણા મદદરૂપ થયાં છે. તેમની ટીમમાં ૭ સભ્યો છે. સમીના કહે છે કે, તેમનું ભંડોળ સામુહિક રીતે એકઠું થાય છે. તેમના સગાવ્હાલાંઓ તેમજ મિત્રો પણ મદદ કરે છે.

જીવનમાં કશુંક કરી બતાડવાની ઈચ્છા તો દરેક માણસમાં હોય છે પણ પોતાના લક્ષ સુધી પહોંચવાની ધગશ બહુ જ ઓછાં ધરાવે છે. સામીનાબાનો આ વાતનું જીવંત ઉદાહરણ છે.

સંકલન-અનુવાદ : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી