“સ્પીડોમીટર” – યુવાપેઢી માટે લાલબત્તી સમાન વાર્તા

શહેરની વચ્ચોવચ્ચ નવા બનેલા રેસિંગ ટ્રેક પર ધૂળ ઉડાવતી બાઈકો દોડી રહી હતી. હકડેઠઠ મેદની જમા થયેલી હતી, ઉભા રહેવાની જગ્યા મળવી પણ મુશ્કેલ હતી. પોતાના પ્રતિસ્પર્ધીને પાછળ મૂકી રેસ જીતવા માટેના પેંતરાઓ દરેક જણ અપનાવી રહ્યો હતો. રેસમાં સૌથી આગળ રોકી હતો. મેદનીમાં હાજર ઘણાખરા પ્રેક્ષકોને ગળા સુધી ખાતરી હતી કે તે જ જીતવાનો હતો, અને કેમ ન હોય ?

રાકેશ પંચાલ ઊર્ફે રોકી છેલ્લા ચાર વર્ષથી આ ખિતાબ જીતતો આવ્યો હતો. આ વખતે પણ વર્ષોથી ચાલી આવતી એ ઘટનાનું પુનરાવર્તન થયું. જેવો રોકી ફિનિશિંગ લાઈન ઓળંગ્યો કે મેદનીમાં હર્ષોલ્લાસની ચિચિયારીઓ થઇ. રોકીની આજ્ઞાંકિત બાઈકે તેના માલિકને આજે વધુ એક ખિતાબ હાંસિલ કરાવી આપ્યો હતો. એક વ્હીલ પર બાઇકને અધ્ધર દોડાવતો, બંને હાથ છૂટ્ટા મૂકીને તે પોતાના પ્રશંસકોનો અભિવાદન ઝીલી રહ્યો હતો. થોડી જ વારમાં તેની આસપાસ લોકોનો જમાવડો થઇ ગયો. ભવિષ્યના રેસિંગ સુપરસ્ટારનો ઓટોગ્રાફ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.

” રોકી યુ આર ગ્રેટ, મેન ! આજે તો તેં કમાલ કરી નાખી. ” તેના દોસ્તોએ તેને તાળી આપતા કહ્યું. ” અરે, આપણો દોસ્ત બાઇક ચલાવતો નથી, ઉડાડે છે.. ” બીજા મિત્રએ ટાપસી પૂરાવતાં કહ્યું. ” રોકી આજે તો પાર્ટી બને જ હોં, બોલ ક્યાં આપીશ ? લેકવ્યુમાં કે રજવાડીમાં ? ”
” આપીશને, ચાલો આજે દમણ જઈએ. પાર્ટીની પાર્ટી અને…… ” વાક્ય અધૂરું જ મૂકીને રોકીએ તેના મિત્રો સામે જોઈને આંખ મારી.

” હુર્રે… ” બધા મિત્રોએ એકસાથે તેના નિર્ણયને વધાવી લીધો.

” મોમ, જુઓ તમારો દીકરો આજે ફરીથી જીતી આવ્યો. ” રોકીએ ઘરમાં પ્રવેશતાં જ કહ્યું. ” આઈ નો બેટા, એ પણ કંઈ કહેવાની વાત છે ? મને ખબર હતી કે તું જ જીતવાનો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન ! ચલ, હવે ફ્રેશ થઇ જા, આજે સાંજે નિરાલીને જોવા માટે છોકરાવાળાઓ આવવાના છે. ભાઈ તરીકે તેમનું સ્વાગત કરવું એ તારી ફરજ છે ને ! ” અનીલાબેન રસોડામાંથી જ કામ કરતે કરતે બોલ્યા. ” નો મોમ, એ બધું તમે સંભાળી લેજો. મારે આજે દમણની ફાઈવસ્ટાર હોટેલમાં મારા ફ્રેન્ડસને પાર્ટી આપવાની છે. સો, મારે હમણાં જ નીકળવું પડશે. ”

” પણ રાકેશ…. ”

” મોમ, ડોન્ટ કોલ મી રાકેશ, મારું નામ રોકી છે. અને પ્લીઝ મારા ફ્રેન્ડ્સ સામે તો મને આ નામે ન જ બોલાવતાં, કોઈ સાંભળી જશે તો મારી વેલ્યુ ડાઉન થશે. ” આટલું કહીને રોકી પોતાના રૂમમાં ઘૂસી ગયો. હવે એને વધુ સમજાવવાનો કોઈ મતલબ ન હતો.

એક અમીર બાપની રઈસ ઔલાદમાં હોય એ બધા જ અવગુણ તેનામાં હતા. પાણી જેમ પૈસા વાપરવાં, પોતાની જ મનમાની કરવી, દોસ્તો સાથે દરેક પ્રકારના ‘ જલસાં ‘ કરવા… નબીરાની વ્યાખ્યામાં રોકીનું વ્યક્તિત્વ એકદમ ફિટ બેસતું હતું. અનિલાબેન લાચાર હતાં, પુત્રની જીદ આગળ તેમનું કંઈ જ ન ચાલતું, મહેશભાઈને તો ધંધામાંથી ફુરસદ જ ક્યાં હતી કે પોતાના જુવાન દિકરાના અપલખણ પ્રત્યે ધ્યાન આપે !

અડધો કલાક રહીને રોકી રૂમમાંથી બહાર નીકળ્યો. મોંઘાદાટ પરફ્યૂમની સુગંધથી આખો ડ્રોઈંગરૂમ મહેકી ઉઠ્યો. ” બેટા, થોડીવાર રહીને જજે, છોકરાવાળાં આવતા જ હશે. છોકરીનું માગું આવ્યું હોય અને તેનો જુવાન ભાઈ બહાર રખડતો હોય એ સારું ન લાગે. એમને મળીને તું ભલે નીકળી જજે. ” પુત્રને વારવાના આખરી પ્રયાસ તરીકે અનિલાબેને કહ્યું. ” ઓહ કમ ઓન મોમ ! એ લોકો નિરુ માટે આવવાના છે તો એમાં મારું શું કામ ? વેલ, તમે નિરુની ચિંતા કરો. સાડા છ વાગે છે છતાં એ હજુ ઘેર નથી આવી. હું તો ઉપડ્યો દમણ ! અને હા, મારે આવવામાં મોડું થશે, વેઇટ ન કરજો, બાય. ” રોકીના શબ્દો અનિલાબેનના કાન સુધી પહોંચે એ પહેલા તેમનો એ બેકાબૂ ઘોડો તબેલામાંથી નાસી ચૂક્યો હતો. અનિલાબેન મોં વકાસીને દરવાજા તરફ જોઈ રહ્યા.

દમણના મનોહર દરીયાકિનારે આવેલી ‘ધ હેવન’ નામની ફાઈવસ્ટાર હોટેલમાં દોસ્તારો સાથે ભરપૂર જલસાં કર્યા પછી પોતાની ‘હોન્ડા-સુપરબ્લેકબર્ડ’ બાઇક પર રોકી ઘેર પરત ફરી રહ્યો હતો. મધરાતનો સમય હતો. હજુ થોડીવાર પહેલાં જ વરસાદ પડ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી. હાઈ-વે પર વાહનોની પાંખી અવર જવર હતી. રોકી નશામાં ચૂર હતો, છતાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો.

સ્પીડોમીટર પર આંકડાઓ ઝડપથી બદલી રહ્યા હતાં… એકસો દસ…… એકસો વીસ…… એકસો ત્રીસ…… બાઇક જાણે હવામાં ઉડી રહી હતી. પૂર ઝડપે જ તેણે વળાંક વટાવ્યો અને…. અને અચાનક રોકીએ પોતાના હાથ-પગ સજ્જડ રીતે બ્રેક પર દાબ્યા. સામેથી એક ટ્રક આવી રહ્યું હતું. એક ક્ષણ માટે તો રોકીનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું.

ચિચિયારી કરતી તેની બાઇક રસ્તા પર ઘસડાઈ અને પેલી ટ્રક સામે ધસી ગઈ. ટ્રકના ડ્રાઈવરે સમયસૂચકતાં વાપરી ટ્રક થોભાવી દીધી, પણ રસ્તો ભીનો હતો તેથી લપસણો બન્યો હતો, બ્રેક દાબવાં છતાં બાઇક થોભી નહીં. બેશુમાર ઝડપે રોકી પોતાની બાઇક સાથે પેલી ટ્રકમાં જઈ અથડાયો. એક જોરદાર અવાજ થયો… અને રોકીનું શરીર બાઈકથી વિખૂટું પડીને દૂર ફંગોળાયું. પોતાના પર ખોટો આરોપ લાગશે એ ડરથી એકાંતનો લાભ લઈને ટ્રકસવાર નાસી છૂટ્યો.

” સાંભળો છો ?” અનિલાબેને મહેશભાઈને ઉઠાડતાં કહ્યું.. ” બે વાગવા આવ્યા છતાં રોકી હજુ ઘેર નથી આવ્યો, જરા ફોન કરોને એને. ”
” અરે એના ફ્રેન્ડ્સ સાથે હશે. સવારે આવી જશે, તું ટેન્શન વગર સૂઈ જા અને મને પણ સૂવા દે ” મહેશભાઈએ અડધી નીંદરમાં જ જવાબ આપ્યો, પણ તેમના જવાબની અનિલાબેન પર કોઈ અસર ન થઇ. તેઓ હોલમાં ગયા અને રોકીને ફોન જોડ્યો.

” ધ નંબર યુ હેવ ડાયલ્ડ, ઇસ કરંટલી સ્વિચડ્ ઑફ. પ્લીઝ…….. ! ” ટેલિફોનવાળી બાઈએ ચિરપરિચિત છણકો કર્યો. બે-ત્રણ વાર ટ્રાય કર્યા છતાં એ જ જવાબ મળ્યો એટલે નિરાશ થઇ અનિલાબેને ફોન પટક્યો. તેમણે ઘડિયાળ સામે જોયું, સવા બે થઇ રહ્યા હતા. અનિલાબેન ફરી આવીને પથારીમાં આડા પડ્યા. આંખોમાં નીંદર તો હતી નહીં. બાજુમાં તેમના પતિ નસકોરાં બોલાવી રહ્યા હતાં. તેમને મહેશભાઈની ઈર્ષ્યા થઇ આવી !

ડોરબેલ રણકી. અનિલાબેન સફાળા જાગ્યાં. તેમનાં બેડરૂમની ઘડિયાળ સાડા ચાર વગાડી રહી હતી. ” લાગે છે રોકી આવી ગયો ! ” બબડતાં તેઓ ઝડપથી દરવાજા તરફ દોડયાં. દરવાજો ખોલીને જોયું, તો સામે પોલીસ ઉભી હતી.

” મિસિસ પંચાલ ? ”

” હા. પણ કેમ ઓફિસર અત્યારે ? કંઈ થયું છે ? ”

” અંદર આવી શકીએ ? ”
” હા, હા આવોને ! પણ આવડી સવારમાં કંઈ કામ પડ્યું ? ” જરા ચિંતાતુર સ્વરે અનિલાબેને પૂછ્યું. વહેલી પરોઢે ઘરે પોલીસને આવેલી જોઈને ગમે તેને ચિંતા થવી સ્વાભાવિક છે. ” પ્લીઝ જરા મિસ્ટર પંચાલને બોલાવોને ! ” અંદર આવીને પોલીસ ઓફિસરે કહ્યું. ” પણ ઓફિસર થયું શું છે એ તો કહો ! અત્યારે એમનું શું કામ પડ્યું ? ”

અનિલાબેને ફરીવાર પૂછ્યું. જવાબ આપવાને બદલે ઓફિસર મૂંગો રહ્યો. હવે અનિલાબેનથી ન રહેવાયું, તેઓ દોડતા જઈને મહેશભાઈને જગાડી આવ્યા. ” શું થયું ઓફિસર ? આવી વહેલી સવારમાં મારું કંઈ કામ પડ્યું ?” આંખો ચોળતાં ચોળતાં મહેશભાઈ એ પૂછ્યું. ઇન્સપેક્ટરે એક કોન્સ્ટેબલને કઈંક ઈશારો કર્યો એટલે તે બહાર નીકળ્યો. તેના ગયાં પછી મહેશભાઈ સામે જોઈને ઇન્સપેક્ટરે બોલવાનું શરૂ કર્યું.

” મિસ્ટર પંચાલ, અમને જણાવતાં ઘણું દુઃખ થઇ રહ્યું છે કે તમારો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. મધરાતે દમણ હાઈ-વે પર થયેલા એક રોડ અકસ્માતમાં તેનું અવસાન થયું છે. ડેડબોડી લઈને આવ્યા છીએ. આ એના ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઓળખકાર્ડ પરથી તમારું સરનામું મળ્યું. ” રોકીનું પર્સ મહેશભાઈને આપતા તેણે કહ્યું. અનિલાબેન કે મહેશભાઈ બંનેમાંથી એકેય માટે આ સમાચાર માનવા જેવા ન હતાં. તેઓ ત્યાં જ ખોડાઈ રહ્યાં, જાણે પત્થરની મૂર્તિઓ. થોડીવારે કોન્સ્ટેબલ અંદર દાખલ થયો. પાછળ પાછળ ચાર કમ્પાઉન્ડર એક સ્ટ્રેચર લઈને આવ્યાં. સ્ટ્રેચર પર સફેદ ચાદર ઓઢાડેલી હતી, જેના પર ઠેક-ઠેકાણે લોહીના ડાઘા પડી ગયાં હતા.

અંદર આવીને પટાવાળાઓએ સ્ટ્રેચર નીચે મૂકી. મહેશભાઈ ધ્રૂજતાં પગલે આગળ વધ્યા. સ્ટ્રેચર પાસે જઈને જેવી તેમણે ચાદર ઊંચી કરી કે તેઓ અને તેમની સાથે અનિલાબેન પણ ચિત્કાર કરી ઉઠયા. સામે તેમનાં કુળદીપકનો વિક્ષિપ્ત દેહ પડ્યો હતો. શબની હાલત ખૂબ ભયંકર હતી. અવાજ સાંભળીને નિરાલી પોતાના રૂમમાંથી દોડી આવી. સામેનું દ્રશ્ય જોઈને ડઘાઈ ગઈ અને પછી પોતાની માંને વળગીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. પુત્રના નિશ્ચેત દેહને જોઈને વિલાપ કરી રહેલા અનિલાબેન વિચારી રહ્યા હતાં…… કાશ તેમણે રોકીના પાગલપનને વકરતાં પહેલા રોકી લીધો હોત…. કાશ…. તો શાયદ તેમનો પુત્ર હયાત હોત ! એક માંના કરુણ આક્રંદને લીધે આ ‘ કાશ ‘ શબ્દ અત્યારે મણ-મણનો ભાર ખમી રહ્યો હતો….

લેખક : પ્રતીક. ડી. ગોસ્વામી

આપ સૌ ને મારી આ વાર્તા કેવી લાગી ? અચૂક જણાવજો !

ટીપ્પણી