સોનાનાં છોકરાં, ગારાનાં છોકરાં

અમને માથામાં છાસવારે ઢીમડાં થતાં. ફળિયામાં રમતાં છોકરાંઓમાં બે-ત્રણ જણ તો ઢીમડાં સાથે જ રમતાં હોય. કોઈને લમણાની ઉપર તરફ કાચા બોર જેવું લીલું કાચ જેવું ઢીમડું થયું હોય તો કોઈને કપાળમાં વચ્ચોવચ્ચ.આમળાં જેવડું ઢીમડું શોભતું હોય! કાં તો ઘરમાં ઉંબરો પગમાં આવતાં માથાભેર પડ્યો હોય ને કાં મંદિરમાં સાત તાળી રમતાં રમતાં કોઈએ ધક્કો માર્યો હોય ત્યારે પછડાટ ખાવાથી ઢીમડું ઉપસ્યું હોય. આજુબાજુ કોઈ હોય તો ઠીક છે બાકી ફળિયામાં રમતાં થયેલું ઢીમડું તો ઘેર આવે પછી જ માને ખબર પડે.

છોકરું થોડું રોવે, ઘેર હોય તો મા સાડલાની ચાળમાં હૂંફાળી ફૂંક મારી ઢીમડું થોડીવાર દબાવી દે. છોલાયું હોય અને થોડું લોહી નીકળ્યું હોય ત્યારે બે ચાર ફૂંક એ જ ‘ફર્સ્ટ એઇડ’!

નાખોડીયા-વિખોડીયા તો બહુ કોમન ઇન્જરી ગણાય. કોઈએ કપાળમાં ઠીકરું માર્યું હોય ને ટશીયો ફૂટ્યો હોય ત્યારે મા-બેન કે પાડોશી હળદર દબાવી દે એટલે પાછા રમવા હાલતા! વાળ ખેંચવા, ખીસું ફાડી નાખવું કે કાંઠલો પકડી ઉપલું બટન તોડી નાખવું તો બધાં મા-બાપે સ્વીકારેલી આચારસંહિતા જ હતી.

ફળિયામાં દસ છોકરાઓ રમતા હોય એ દસે જણને શરીરના બે-ત્રણ ભાગમાં વાગ્યાના કાયમી નિશાન જોવા મળે જ. કોઈના ગોઠણ તો કોઈની દાઢી, કોઈની કોણી તો કોઈનનું કપાળ, ડાઘો ન હોય તો જ નવાઈ. કોઈને દડો વાગે ને કોઈને પત્થર. તરત ઘરગથ્થુ સારવાર અને સમાધાન. કોઈ કડવાસ નહીં કે નહીં કોઈ ફરિયાદ.

મારા પોતાના કપાળમાં ઉભા કાપાનું નિશાન છે પણ એ તો મને હવે ‘કપાળમાં એક ઇંચ સ્કાર’ એવા જરૂરી આઇડેન્ટિટીફિકેશન તરીકે બહુ કામ લાગે છે. એ સ્ટ્રેસ વિનાની સામન્ય ઘટના મને યાદ કરવી બહુ ગમે છે.
હા, કો’ક જ છોકરું એવું હોય જે નાકમાંથી શરણાઈ વગાડતું મા પાસે ફરિયાદ કરવા જાય અને કો’ક જ મા-બાપ એવા હોય જે સામે લડવા જાય. એ ‘બિચારા’ છોકરાની મા-દાદી કે ફોઈ તરફથી ગુનેગાર છોકરાને વઢ પડતી હોય ત્યારે પાંચ મિનિટ માટે સોપો પડી જાય અને ફરી રમવાનું ચાલુ.

હવે પાડવા આખડવાની ક્યાં કોઈ ચિંતા જ છે. આઈ-પેડ કે ટેબ્લેટ કે મોબાઈમાં રમવાથી ક્યાં ઢીમડાં થવાના છે! એવી ગેમ રમે તો ઝઘડેને! વડવાઈ પર હિંચકે કે દીવાલ પર ચઢે તો પડેને! કોઈ કોઈને ઘક્કો મારે તો વાગેને! ઘરમાં કે બહાર ઇજાને અવકાશ જ નથી હોતો. અત્યારે કદાચને તમારું છોકરું સોસાઈટીમાં કોઈને વિખોડીયા ભરે કે રમતાં રમતાં કોઈનાથી બેટ વાગી જાય તો શું થાય? કોઈ કહેશે ડોક્ટર પાસે લઇ જાવ, કોઈ કહેશે 108 બોલાવો.

બીજી બાજુ ‘ઘાયલ’ છોકરાનો બાપ FRI લખાવવા બાઈકને કિક મારશે. છોકરાંને કોણી પર સ્હેજ છરકો થઇ લોહી નીકળ્યું હોય તો દાદી ડેટોલ લઇ આવશે, મા ટીટેનસનું ઇન્જેકશન લેવાની તજવીજ કરશે, દાદા સોફ્રામાઈસીનની ટ્યુબ આપશે ને ત્રણેય જણા ‘કેમ કરતા થયું, ક્યારે થયું, કોણેે કર્યું’ એવા સવાલોની ઝડી વરસાવશે.

ચાલો માની લઈએ કે જમાનો કાળજીનો છે, સવલતો અને સુવિધાઓને છે. અત્યારના છોકરાં સોનાના છે, તો શું પહેલાંના છોકરાં ગારા-માટીના હતાં?

લેખક – અનુપમ બુચ

ટીપ્પણી