સ્માયલી

ભીંત પર ટાંગેલી ઘડિયાળમાં રાતના આંઠ વાગ્યા હતા. ખુરશીમા બેઠેલા એક બુઝુર્ગે ઘડિયાળની સામે જોયું અને તેમના આંખમાં પાણી આવી ગયું. તેમને આશ્વાશન આપવા માટે તેમના પત્ની તેમની પાસે આવી ગયા, કદાચ તે રુદન પાછળનું કારણ જાણતા હતા.

આખરે, ગઈકાલની જ વાત હતી, જયારે તેમણે તેમની દીકરીને લગ્ન કરાવી વળાવી દીધી હતી. બસ તે સમયથી જ ઘર કંઈક ઘર નતુ લાગતું. “તને ખબર છે? હું આંઠ વાગ્યાની દવા લેવાનું ક્યારેય ભૂલતો ન હતો.” બુઝુર્ગે તેમની પત્નીને હળવા ભાવે કહ્યું.

“શું? રહેવાદો હવે! તમે તો હંમેશા ભૂલી જતા હતા. એ તો આપણી દીકરી મીરા હંમેશા તમને યાદ કરાવતી હતી.” તેમની પત્નીએ યાદ અપાવ્યું.

“અરે ગાંડી! એ તો એક બહાનું હતું. દવા લેવાનું તો ક્યારેય ભૂલતો નતો. પણ જે પ્રમાણે આંઠ વાગ્યાના ટકોરે દીકરી દવા લઈને રોજ આવી જતી, એ ખુશી જ મને દવા કરતા વધારે માફક આવી ગયી હતી.” બુઝુર્ગે ભાવભર્યું એક રહસ્ય જાહેર કર્યું અને ઉમેર્યું, “અને આજે જો ફરીથી આંઠ વાગી ગયા છે. હકીકતમા તો દવાની નહીં, પણ દીકરીની યાદ આવે છે.

આ વાત સાંભળતા જ તેમના પત્નીએ હળવા હાસ્ય સાથે તેમના ખભા પર હાથ મુક્યો.

બસ કંઈક તે જ સમયે મોબાઈલ રણક્યો. જયારે બુઝુર્ગે મોબાઈલ જોયો તો મીરાનો મેસેજ આવ્યો હતો, જે કઈ આ મુજબ હતો – “પપ્પા, દવાનો સમય થઇ ગયો છે. તમારી દવા લઇ લેજો.”
તે મેસેજ વાંચતા વડીલ હરખાઈ ગયા. તે ખુશ હતા કે ચાલો દૂર તો દૂર પણ દીકરી સાથે તો છે જ ને અને તેમને મેસેજ ના જવાબમાં સ્માયલી મોકલી – ” ? ”

બીજી બાજુ, મીરાનો મોબાઈલ રણક્યો, પરંતુ મોબાઈલ તેના પતિ રાજના હાથમા હતો. રાજે મેસેજ વાંચ્યો, હરખાયો અને તરત જ મેસેજ ડિલીટ કરવા લાગ્યો.

બસ કંઈક તેજ સમયે મીરા બાથરૂમમાંથી બહાર આવી એટલે તે જોઈને ઉતાવળમાં રાજ ફક્ત મોકલેલ મેસેજ ડિલીટ કરી શક્યો અને તેણે તરત જ મોબાઈલ મીરા ના જોવે તેમ બાજુમા સરકાઈ દીધો.

અમુક જ મિનિટમા મીરાએ તેનો મોબાઈલ ચેક કર્યો અને આશ્ચર્ય સાથે બોલી, “અરે! પપ્પાએ મને અચાનક જ સ્માયલી કેમ મોકલી?”

“લે! મને શુ ખબર?” રાજ તેના મનમા હરખાયો, પણ ફક્ત આટલું જ બોલ્યો.

તે દિવસથી જ, રાજે મીરાની જવાબદારી ઉઠાવાની શરુ કરી દીધી હતી કારણકે હવે તે ફક્ત ડૉક્ટર જ નહીં પરંતુ એક પતિ અને એક પારિવારિક સદશ્ય પણ હતો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી