“વાત્સલ્ય” વાત્સલ્ય ને પ્રેમને ઝંખતા યુગલની વાત આજે જ વાંચો

“વાત્સલ્ય”

અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજની લાઇબ્રેરીમાં વાંચી રહેલા સક્ષમ ની નજીક એક છોકરી આવી અને સક્ષમને કહ્યું, “હું અહી તમારી પાસે વાંચી શકું?”

થોડા ખચકાટ અને શરમના મિશ્ર પ્રતિસાદ સાથે સક્ષમે કહ્યું, “હા, કેમ નહીં! જરૂરથી બેસો.” એ છોકરી વચ્ચે વચ્ચે પોતાને જે સમજણના પડે એ ટોપિક સક્ષમ પૂછતી અને સક્ષમ પણ આત્મવિશ્વાશ પૂર્વક એના જવાબ આપી પૂરો ટોપિક સમજાવતો. ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો.

સક્ષમ એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો સૌથી તેજસ્વી વિદ્યાર્થી હતો. પોતાના ક્લાસમાં પૂછાતા બધાજ પ્રશ્નોનાં જવાબ આપવામાં હમેંશા અવ્વલ રહેતો. ક્લાસમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ પણ સક્ષમના જવાબ સાંભળી અભિભૂત થઈ જતાં. કોલેજની અને યુનિવર્સિટિની દરેક પરીક્ષામાં સક્ષમનું નામ પ્રથમ ક્રમાંકે હોતું. સક્ષમ એક મૃદુ અને સહજ સ્વભાવ નો સીધો સાદો છોકરો હતો. પોતે દરેક પરીક્ષામાં અવ્વલ હોવા છતાં નિર્ભીમાની હતો અને બીજાની મદદ કરવા હમેંશા તત્પર રહેતો. આ કારણસર સક્ષમ પર ફીદા થનારી છોકરીઓની સંખ્યા પણ વધારે હતી.

આ બધી છોકરીઓમાં શિખાને સક્ષમ માટે કંઈક વિશેષ લાગણી હતી અને પોતે જ પહેલ કરી એ સક્ષમ પાસે લાઈબ્રરી માં પહોંચી ગઈ અને રોજ એના પાસે લાઇબ્રેરીમાં બેસીને વાંચવાનો ક્રમ રોજિંદો બનાવી દીધો. ધીમે ધીમે લાઇબ્રેરીની બહાર પણ તેમની મુલાકાતો વધવા લાગી. ક્યારે તેમનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો તેની તેમને ખબર જ ન રહી.

સક્ષમ અને શિખા એકબીજાના ગાઢ પ્રેમમાં ગળાડૂબ અને નિજ મસ્તીમાં ગુલ હતા. અચાનક એક દિવસ લાઇબ્રેરીમાં વાંચી રહેલા સક્ષમના મોબાઇલ પર આશરે રાત્રે નવ વાગ્યાના સુમારે કોલ આવ્યો. કોલ ઉપાડી જરા ગંભીર મુદ્રા સાથે એને સામે રહેલી વ્યક્તિ ને બસ આટલું કહ્યું, “હા, હું આવું છું.” અને એ પાસે વાંચી રહેલી શિખાને કશું કહ્યા વગર નીકળી ગયો. રાત્રે અગિયાર વાગ્યાના સુમારે સક્ષમ પાછો આવ્યો. શિખાના મનમાં હજાર સવાલો હતા છતાં સક્ષમ ને ખોટું ન લાગે એ કારણસર એને પૂછવાનું ટાળ્યું.

થોડા દિવસ પછી આ જ રીતે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કોલ આવ્યો. એ જ ગંભીર મુદ્રા સાથે એને કોલ માં કહ્યું, “હા, હું આવું છું.” અને એ સડસડાટ નીકળી ગયો.

શિખા લાઇબ્રેરીમાં રાહ જોતી રહી. આશરે રાત્રિના બે વાગ્યે સક્ષમ પાછો આવ્યો અને શિખાના ચહેરા પર છવાયેલા હજાર સવાલોને નજર અંદાજ કરી જાણે કંઈજ ન બન્યું હોય એમ શિખા જોડે બેસી વાંચવા લાગ્યો. થોડા થોડા દિવસે આવી રીતે કોલ આવતા અને સક્ષમ ચાલ્યો જતો અને ક્યારેક ક્યારેક તો લાઇબ્રેરીમાં રાતભર પાછો જ ન આવતો.

શિખાના મનમાં હવે શંશય થવા લાગ્યો. “સક્ષમ ક્યાં જતો હશે? કદાચ સક્ષમ બીજી કોઈ છોકરીના પ્રેમમાં? ના, ના, મારો સક્ષમ આવું કદાપિ ન કરે મને સક્ષમ પર પૂરો વિશ્વાસ છે. તો પછી એ મને કશું કહેતો કેમ નથી ?” વિચારોનું યુદ્ધ શિખાના મનમાં ફરી વળ્યું.

થોડા દિવસના અંતરાલ, પછી રાત્રે દસ વાગ્યે આવો કોલ આવ્યો અને સક્ષમ નીકળી ગયો. હકીકત જાણવા આ વખતે શિખા પણ સક્ષમની પાછળ પાછળ સક્ષમને ખબર ન પડે એ રીતે સક્ષમ ને અનુસરવા લાગી. દૂરથી એને જોયું તો સક્ષમ ટ્રોમા અને ઇમર્જન્સિ વિભાગના સિસ્ટર ઇન ચાર્જ પૃચ્છા કરી ત્યાં હમણાં જ એડ્મિટ થયેલા એક વૃદ્ધ દાદાને મદદ કરતો હતો. થોડીવાર પછી એ વૃદ્ધ દાદાને ટેકો આપી એક્સ-રે પાડવા લઈ ગયો.

શિખા ઝડપથી સિસ્ટર ઇન ચાર્જ પાસે પહોંચી જીજ્ઞાશા પૂર્વક પૂછ્યું, “આ સક્ષમના દાદા છે? શું થયું છે એમને?” “હા, આ સક્ષમના દાદા છે અને આવા કેટલાંય સક્ષમ ને દાદા અને દાદી છે.” સિસ્ટર ઇન ચાર્જ એ જરા હાસ્ય સાથે કહ્યું. “મતલબ?” શિખાએ આંખોની ભ્રમરો ઊંચી ચડાવી ફરી પાછો સવાલ પૂછ્યો.

“જ્યારે પણ અહીં કોઈ વૃદ્ધ અને અશક્ત અને જેમની કોઈ મદદ કરવા વાળું સાથે હોતું નથી ત્યારે અમે સક્ષમને કોલ કરીએ છીએ અને સક્ષમ એક પળનો વિચાર કર્યા વગર અહીં આવી એમની સારવારમાં મદદ કરે છે, એમની ટિફિનની વ્યવસ્થા કરે છે જ્યાં સુધી એમની પરિસ્થિતીમાં સુધાર ન થાય ત્યાં સુધી એમની પાસે જ બેસે છે.” સિસ્ટર ઇન ચાર્જે ખુશીની લાગણી સાથે શિખાને કહ્યું.

થોડીવાર પછી સક્ષમ ઇમર્જન્સિ વિભાગમાંથી બહાર આવ્યો અને બહાર પોતાની રાહ જોઈને ઊભી રહેલી શિખાને જોઈ થોડું અચરજ પામ્યો. શિખા સક્ષમને જોઈ ત્યાં જ ભેટી પડી અને સહેજ આંખના ખૂણાઓ ભીના કરી કરી કહ્યું, “મને માફ કરી દે સક્ષમ. મેં તારા પર ખોટો શંશય કર્યો પણ તે મને કશું કહ્યું કેમ નહીં?”

સક્ષમે શિખાનો હાથ પોતાના હાથમાં લઈ તેને સમજાવાતો હોય એમ કહ્યું, “શું કહું શિખા? તું જાણે જ છે કે હું બહુ નાનો હતો ત્યારથી જ મારા માતા – પિતા ગુજરી ગયાં, હું મારા મામા-મામી ને ત્યાં રહી મામીના મ્હેણોં ટોણાં સાંભળી ઉછર્યો છું. એક માનું વાત્સલ્ય અને પિતાનું હેત શું એની મને આજ દિન સુધી ખબર નથી. એટલે અહીં જ્યારે પણ કોઈ વૃદ્ધ, અશક્ત અને એકલા બા કે દાદા એડ્મિટ થાય છે; તો આવી જાઉં છું, એમના ટિફિનની વ્યવસ્થા કરું છું, એમને મારા હાથે જમાડું છું, ક્યારેક ક્યારેક કોઈ બા મને એટલું પૂછી લે છે કે બેટા, તું જમ્યો તો ખરો ને ? ત્યારે એવું લાગે છે કે મારી મમ્મી મને પૂછી રહી છે અને પછી જ્યારે એ મને એ પોતાના હાથથી જમાડે છે ત્યારે એવું લાગે છે કે જાણે મારી મમ્મી મને જમાડી રહી છે. હું બસ આમ એમના હાથનો એક કોળિયો ખાવા અહીં આવું છું. જ્યારે કોઈ દાદાની મદદ કરું છું ત્યારે થતી વાતચીતમાં દાદા મારા પરિક્ષાના પરિણામ વિષે પૂછે છે ત્યારે એવું લાગે કે જાણે મારા પપ્પા મને પૂછી રહ્યા છે. હું દરેક પરીક્ષામાં અવ્વલ આવું છું. પણ પરિણામ પછી મારી પીઠ પર હાથ ફેરવી શાબાશી આપવા વાળું કોઈ નથી શિખા. એટલે જ જ્યારે એ દાદા મારૂ પરિણામ જાણી મારી પીઠ અને માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપે છે ત્યારે જાણે એવું લાગે છે કે મારા પપ્પા પાછા આવી ગયાં. અહીં આ રીતે દાખલ થતાં દરેક બા – દાદામાં હું મારા મમ્મી-પપ્પા શોધું છું. ક્યારેક એમની બહુ યાદ આવી જાય તો હોસ્ટેલ પર પાછો જઈ મમ્મી પપ્પાનાં ફોટાને છાતી સરસો ચાંપી થોડુક રુદન કરી સૂઈ જાઉં છું.” આટલું કહેતાં કહેતાં સક્ષમની આંખ માંથી અશ્રુ ધારા વહેવા લાગી.

શિખા પણ સક્ષમના આંસુ લૂછતાં લૂંછતા બોલી, “સક્ષમ, થોડા સમયમાં હું તારી જીવનસંગિની બનવાની છું અને હવેથી તારા આ દરેક કાર્યમાં પૂરો સાથ અને સહકાર આપીશ. જા સિસ્ટર ઇન ચાર્જ ને કહી દે કે હવેથી સક્ષમ એકલો નહીં પરંતુ સક્ષમ અને શિખા બંને આવશે.

હાલમાં, સક્ષમ અને શિખા અમદાવાદ નજીક અમદાવાદથી ગોધરા હાઇવે પર આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને “દીકરાનું ઘર” નામનું વૃદ્ધાશ્રમ ચલાવી એમાંજ રહે છે. અત્યારે સક્ષમ અને શિખાના પુત્ર વાત્સલ્ય પર તેંત્રીસ દાદીમાઓ અને છેતાલીસ દાદાઓના વાત્સલ્ય અને હેતનો ધોધ વર્ષી રહ્યો છે જેનાં એક ટીપા માટે પણ સક્ષમ પોતાના નાનપણમાં વંચિત રહ્યો હતો.

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

રસપ્રદ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરો જેંતીલાલ”

ટીપ્પણી