“પંખુડી” – દીકરીઓ ખરેખર બહુ સમજદાર હોય છે.. વાંચો અને શેર કરો…

શક હોય સનમ, આપને પણ મારા વહાલ પર;

છોડી દો તમે પણ સનમ, મને મારા હાલ પર.

નટવર મહેતા

પ્રણવ ઝુમી ઉઠ્યો.. વાહ! કવિ શું સરસ લાવ્યા છો મારા દિલની વાત તમે? આમ તો મને પૂર્વી કહેતી રહેતી હોય છે કે તું જ છે મારો નંબર વન પણ કેમ મને રહે છે એવો ભ્રમ કે હું નથી તારી નંબર વન? છોડને કેમ સમજાવું તને કે હૈયું એ ભાડાની કોટડી નથી કે જ્યાં ત્યાં ભાડૂઆતો આવે અને જાય..હૈયું તો છે એક મકાઇનો દાણો જે એક જ વાર પ્રેમમાં ભુંજાય..ફરી જો નાખો તમે તેને તાપમાં તો તે રાખ થાય..ધાણી ના થાય. ધાણી થયેલા પ્રેમને વારંવાર શકના દાયરામાં નાખ્યા કરવા કરતા કરો સ્થિર તમારા શકને અને માનો એક જ વાત જો શક હોય સનમ તો શકનો ઇલાજ કરો મારા વહાલનો નહીં.

પૂર્વીને તો એવું કે જો હું હસીને કોઇની સાથે વાત કરું તો પણ તેને લાગે કે તેનો પ્રણવ વહેંચાવા માંડ્યો.. અરે જરા સમજ સખી પ્રેમ મિત્રોનો પણ હોય.. પ્રેમ ભાઇ બહેનનો પણ હોય.. પ્રેમ પિતા પુત્રીનો પણ હોય…સહ કાર્યકરનો પણ હોય…

પણ પૂર્વીને તો એવું જ કે મારો પ્રણવ બહુ ભોળો.. તેને કોઇ ભરમાવી જશે… જોને મારી અને પંખુડીની વાત.. કેવી તેના હ્રદયમાં ઘર કરી ગઇ? તે વિધવા છે તેથી શું તેની સાથે વાત નહીં કરવાની? મને તો તે મારી દીકરી જેવી લાગે છે પણ પૂર્વીને તો એમ જ છે કે દુનિયાની બધી સ્ત્રીઓ સાથે તુ ખાલી લો લાવો અને પડતું મુકોનો વહેવાર કર.. પણ હું તેની સાથે એવું નથી કરી શકતો.. મારી ઘરાક છે અને મને મારા જ્યોતિષ કથનના માંગ્યા મોલ ચુકવે છે. અને તેને માર્ગદંર્શન આપું છું. ગ્રહોની સ્થિત પ્રમાણે…

પૂર્વીની વાત કંઇ જુદી હતી.. તે કહેતી પંખુડી બગડેલી સ્ત્રી છે.. પૈસા પાત્ર હોવાથી તેને પ્રણવ ગમી ગયો છે અને જ્યોતિષ કથન તો ઠીક છે તેને માટે વાતો કરવાનું બહાનું છે. તે પ્રણવને તાગી રહી છે.. માપી રહી છે…મેં તેમની ફોન પરની વાતો સાંભળી છે… જ્યોતિષ ઉપરાંત તે તેના આગલા પ્રેમ પ્રકરણો અને શેર માર્કેટની પણ વાતો કરે છે.. મારો પ્રણવ ભોળો છે. તેને આવા બૈરાઓની વાતોમાં ઝાઝી ગતાગમ નથી પડતી એટલે તો મારે વચ્ચે પડવું પડે છે. હું તો કહું છું જ્યોતિષ સિવાયની અન્ય વાતો કરવી જ શું કામ પડે?

તે દિવસે પ્રણવ ખરેખર ખીજવાઇ ગયો જ્યારે ફોન ઉપર પંખુડીને પૂર્વીએ કહ્યું મારા વરની બીજી વાતોમાં ના આવશો પંખુડી બહેન… તેનું જ્યોતિષી જ્ઞાન સાચું પણ અન્ય દરેક ફીલ્ડમાં તેમને જ્યારે તમે અભિપ્રાય પુછો તો તે સાચો ના પણ પડે…”

અને પંખુડી એ પણ તરત સણસણતો જવાબ આપ્યો..” કથીર ક્યા જાને કંચન કા મોલ? તમને ક્યાં ખબર છે કે અત્યાર સુધી તેમની દરેક વાત મારા માટે તો સાચી જ પડી છે.”

“એટલે?”

“હા તેઓ માણસ તરીકે સાચા છે.. જ્યોતિષ તરીકે નિષ્ણાત છે અને કૌટુંબિક બાબતે સાચા સલાહકાર સાબિત થયા છે.. તમે માંગશો એટલા પ્રમાણ પત્રો આપવા તૈયાર છું.”

“મારો તો આખી જિંદગીનો અનુભવ છે કે તેઓ બોલે છે કંઇ અને થાય છે કંઇ…મને તો એમના કોઇ કાર્ય ઉપર ભરોસો નથી.”

“એટલે તો મેં તમને કહ્યું કે તમારા માટે તે ઘરકી મુર્ગી દાલ બરાબર છે.. પણ મને તો તમારી ઇર્ષ્યા થાય છે…તેઓ પાસે દરેક પ્રશ્નના જવાબ છે.. માર્ગદર્શન પણ સચોટ છે આવા માણસની છત્ર છાયામાં કોઇ દુઃખી કેવી રીતે હોઇ શકે.”

પૂર્વી કટાક્ષમાં બોલી “મહાદેવના ગુણ પોઠીયા જાણે..”

ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રણવે ફોન મુકી દીધો પણ બીજી લાઇન ઉપર પંખુડી અને પૂર્વીની વાતો ચાલુ હતી.. પ્રણવે પૂર્વીને તેના રુમમાં આવી ઘાંટો પાડ્યો “ફોન મુક.. મીટર ચઢે છે.”

ભલેને ચઢતું.. તેણે અમેરિકાથી ફોન કર્યો છે ને? તેવા ભાવ સાથે પૂર્વી સાંભળતી રહી…

પંખુડી કહેતી હતી..” નંદી પોઠીયો હતો અને ભક્તિભાવથી મહાદેવ સાથે જોડાયો હતો.. જ્યારે તમે તો અધિકાર ભાવ જતાવો છો.. શંકા કરો છો અને દરેક વાતે ઉંધુ જ વિચારો છો ને?”

“તે મારો ધણી છે હું તેને મને ગમે તે રીતે ધાકમાં રાખુ.. તમારે શું?”

“મારે પણ એજ કહેવું છે.. તે માણસ છે તમારા સારા નસીબ કે તે હજી તમને ચાહે છે.. પણ આ શંકાનું પુંછડુ આમળવાનું છોડી દો નહીં તો…”

“નહીં તો શું?”

“નહીં તો મારે ત્યાં આવવુ પડશે!”

“એટલે?”

“એટલે તેમનું અપહરણ કરી જઇશ.”

“આવ તો ખરી.. ” પૂર્વીએ હુંકાર કર્યો.

પ્રણવ વાતને બીજે પાટે જતી જોઇને બોલ્યો “પૂર્વી કહું છું ને ફોન મુક મીટર ચઢે છે.”

“અરે તેને ખબર પાડી દઉં કે હું પણ ગાંજી જાઉં તેમ નથી…”

“એને તો ખબર પડતા પડશે પણ પહેલા મને ખબર પડી જશે..તું ફોન મુક“ પ્રણવ રીતસરનું કરગર્યો.

“કોણ હતી તે? જે મને ધમકાવતી હતી?”

“તે ડોક્ટર પંખુડી ખંભાતી હતી અને ફોન મેં કર્યો હતો..”

“હેં?”

“પણ શા માટે?”

“મારી સારવાર માટે!”

“સારવાર? શેની સારવાર?” હવે પૂર્વી ગભરાઇ.. તેનું પ્રિય રમકડું છીનવાઇ જતુ લાગ્યુ ત્યારે તે ઝનુને ભરાઇ હતી.. હવે ઝનુનની જગ્યાએ ચિંતાએ સ્થાન લીધું.

“મને તારા વિશે બહુ ચિંતા થતી હતી તેથી મનોવૈજ્ઞાનિક સલાહ લીધી હતી તેણે જ પંખુડીનો નંબર આપ્યો હતો…”

“મારા વિશે ચિંતા? કેવી ચિંતા?”

“મને લાગે છે કે તારું છટકી ગયું છે…તને કોઇ વાત સીધી દેખાતી જ નથી. જ્યાં હું પાણી જોઉં ત્યાં તને જમીન દેખાય… અને જ્યાં હું પૈસા દેખું ત્યાં તને હું ફસાતો દેખાઉ તેથી તેનો ઇલાજ કરવા ફોનથી તેની સલાહ લેતો હતો.”

“તે એમાં પંખુડીને વચમાં લાવવાની ક્યાં જરૂર હતી. હું જ તમારી ચિંતા દુર કરી દઉં.”

“કેવી રીતે?”

“ બધુ મારું કહેલું માનીને.. જુઓ તમે મારા પહેલા અને ખુબ જ માનીતા.”

‘હં..”

“હવે હું જેટલું તમને કરું મારા અધિકાર ભાવથી.. અને એવું જ હું પણ ઇચ્છું કે તમે તે બધુ મારી સાથે કરો..”

“અરે ગાંડી તેમ ન થાય. મારે મારું કામ કરવાનું અને તારે તારું.”

“તે તો કરું છું જે તમને નથી ગમતું..”

“હું માણસ છું.. મને માણસની જેમ રહેવા દે.. તારું પાલતુ પ્રાણી બનાવવાનું રહેવા દે..”

“એટલે આ પંખુડી મારી ડોક્ટર છે અને મને તેજ કહેતી હતી..સ્નેહ અધિકાર ભાવથી કરમાય છે અને આપવાની વાત થી મહેંકે છે. હું તને આપ્યા કરતો હતો તેને માણવાને બદલે તું તો અંકરાંતીયણ બની..મને તારી સંપતિ માની લીધી…”

“તેમાં શું ખોટુ છે?”

“પણ તેમાં મારો શ્વાસ રુંધાય છે તેની તરફ પણ ધ્યાન તો હોવું જોઇએ ને? આ મારા ચાલુ ફોને તું ડોકીયા કરે અને તારી વાતો તું ડહોળ્યા કરે તે ના ચાલે. સમજી?”

સમજ હવે ઉગતી હતી…અધિકાર વિશ્વાસ બનતો હતો..તે અશ્રુ સભર આંખે બોલી..હા.. પ્રણવ મને પણ લાગે છે કે મને માવજતની જરુર છે. મારું મગજ વારે વારે તારા માટે છટકી જાય છે. તું એક જ છે જે મારી આટલી સંભાળ લે છે અને હું હેતમાં રાખવાને બદલે દાબમાં રાખવા મથું છું.

પાછલા બારણેથી ફોન ઉપર પંખુડીનો અભિનય કરતી દીકરી હસતી હસતી બહાર આવી.. ”મા પપ્પા જે કહેતા હતા તે તું સાંભળતી નહોતી.. તેથી જરા આંગળી વાંકી કરી બસ.”

સૌજન્ય : સ્ટોરી મિરર 

શેર કરો આ વાર્તા અને આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી