“ખારાપાટ” – માતા અને દીકરીના પ્રેમની ખુબ લાગણીસભર વાર્તા…

નેણ પર ઓછાડ ઓઢયો આજ ખારાપાટનો,
કાં ઝરણ એ માર્ગ બદલ્યો પ્રેમના આ ઘાટનો?
-શીતલ ગઢવી”શગ”

એ આંખો કમાડ ખુલતા સાથે વધુ પહોળી થતી. અને મનગમતી વ્યક્તિ ન ભાળતાં પાછી સંકોચાઈ જતી. શરીર પર અન્ય અવયવો કરતાં આંખો એ વૃદ્ધાવસ્થા જલ્દી ઓઢી હતી. કદાચ એનાં નયનની નદીને એક ઝરણાંને મળવાની આશ હતી.

આઝાદીની સમાંતર દિશામાં બીજી ઘણી ચળવળો ચાલી રહી હતી.

“દીકરીને દૂધ પીતી અટકાવો.”
“બાળ વિવાહ પ્રતિબંધ.”
“દહેજ પ્રથાની નાબુદી.” વગેરે. એની અસર ગામડામાં નહિવત હતી.

“કહું છું.. કિશનની મા… ક્યાં છો? અરે સાંભળો… અગત્યની વાત કરવી છે. બીજું કામ પડતું મૂકો.”

“આઈ.. આઈ.. બાપા ઘર માથે લીધું. કેટલો દેકારો કર્યો. એવું તો કયુ આભ તૂટી પડ્યું? લ્યો જલ્દી બોલો. ખળી સાફ કરતી આવી છું.”

કિશનના પિતાએ એની માનો હાથ પકડી ખાટે બેસાડી.

“આપણી કિશન સાત વર્ષની થઈ. મારો ઓલો બાળપણનો ભેરુ રઘુ. એનોય દીકરો પંદરનો થયો હશે. જો તું કહે તો આપણી દીકરીને એ ખોરડે વળાવી દઈએ. મારો ભેરુ છે. એટલે જરાય ચિંતા નહીં.”

કિશન રામા પટેલની એકની એક દીકરી એમની આંખોનું રતન. ઊડતા પતંગિયાં જેવી, હવા સાથે વાતો કરતી કિશન.

“હજુ તો એ સાવ નાની. એને માસિકમાં આવવાનીય વાર. પરણાવ્યાં પછી એ લોકો તરત બાળક માંગે. મારી દીકરી ક્યાંથી દેશે?”

કિશનની મા સાથે પોતે એક સ્ત્રી પણ હતી. પોતાની આંખે સમાજની અપેક્ષા વ્યક્ત કરી.

“સાવ ઘેલી તું તો. આપણે એનું આણું એ પંદર વર્ષની થાય ત્યારે વળાવશું.”

વાત બધી નક્કી થઈ. કિશનની આંખોના શમણાં ખૂબ નમણાં હતાં. ત્યાં તો લગ્નના માંડવા રોપાઈ ગયા. બિચારી કશું જ ન બોલી શકી.

ઘરમાં ઉડાઉડ કરતું પારેવું આજે જાણે પિંજરમાં કેદ હતું. એને વળાવવાનો સમય આવી ગયો. રામા પટેલના આંખનું રતન હવે બીજાના ઘરને ઉજાળવા તૈયાર હતું.

“વહુ રાણી… બેસી જાઓ. કામ કરવા ઘણાંય કામવાળાં છે. તમે આરામ કરો. આવા દિવસોમાં ભાર ન ઉચકવો જોઈએ.”

કિશનનું આણું વાળે વર્ષ થયું હતું. ત્યાં જ ઝિયાણાનો સમય આવી ગયો. હજી માંડ એ સોડસી હતી.

“શુભ મહુર્ત અષાઢી બીજનું નીકળ્યું છે. વહુરાણીને સાતમો ઉતરતા પહેલા એનો ખોળો ભરવાની વિધિ કરી લેવી જોઈએ.” ઘરના જ્યોતિષે શાસ્ત્રોકતિ કરી.

“ના. વર્ષોથી એ ચાલ્યું આવે છે. પણ આ ફેર નહીં. વહુરાણી પિયર નહીં જાય. ખોળો ભરાશે. બધી જ ધામધૂમ થશે. એમના પિયરીયા તેડાવો. મારો જ ભેરુ છે. એટલે કઈ ચિંતા નથી.”

ઘરના મોભી સામે અવાજ કરવાની કોઈનામાં હિંમત નહોતી. બધા એકબીજાની આંખો શોધતા રહ્યા. કિશનને નવમો અધવાર્યો હતો અને એને પ્રસૂતિનું દર્દ ચાલુ થયું.

“અભિનંદન… વહુ રાણી એ બે સંતાન એક હારે જણ્યા.. દીકરો અને દીકરી. તમારી વહુ બહુ હિંમતવાન છે.”

ગામના સરકારી દવાખાનામાં બાળકોનો જન્મ થયો. દીકરો જન્મતાંવેંત કુપોષિત હતો. બધાનું ધ્યાન એની સાર સંભાળમાં વધુ રહેતું.

લીલીવાડી જોઈ કિશનનાં સાસુ સસરા બંનેય સાથે એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. હવે કિશનનાં માથે વડીલનો છાંયો ન રહ્યો. એ પોતાની રીતે બાળકોનો ઉછેર કરવા લાગી.

“કિશન… ક્યાં છો? આ દીકરી રડે છે. આખો દિ’ દીકરાને ખોળે લો છો. ક્યારેક આ બાપડીનેય છાતીએ લગાડો.” કિશનનાં પતિએ અને એના મા બાપે પણ એને સમજાવી.

“એને મારા ધાવણની કઈ જરૂર નથી. દીકરીને નીર ન નીરોને તોય એ વધવાની તો ખરી જ. અને દીકરો ગુલાબ જેવો હોય. એનું ધ્યાન દરેક ઋતુમાં રાખવું પડે. તમને ખબર ન પડે.” બોલી એણે એનાં માવતર તરફ ત્રાંસી નજરે જોયું.

કિશનના પતિને આ ભેદભાવ સમજાતો નહોતો. એ એના કામમાં ગળાડૂબ રહેતો. વાત વધતી ચાલી. કિશનની દીકરી મોટી થતા સાથે વધુ સમજદાર થઈ હતી. હવે એ ગામમાંથી પણ બાળવિવાહનું દુષણ સંપૂર્ણ નાબૂદ થયું હતું.

“મા. હું આટલા વર્ષથી ચૂપ છું. મને ખબર છે કે ભઈલું જન્મતાંવેંત નબળો હતો. તેં એને મારા ભાગનું ધાવણ ધર્યું. એમાંય મને વાંધો નથી. પણ હવે આ ભેદ સહન નથી થતો. એક માની બે આંખ. એક ગમતી એક અણગમતી. એવું કેમ!”

કિશને એને હડસેલી. સાચી હકીકત એ દીકરીને જણાવવા નહોતી માંગતી. પોતાને નાની ઉંમરમાં પરણાવી એનું એને ખૂબ દુઃખ હતું. એ પોતાના ખોળે છોકરી ઈચ્છતી જ નહોતી. એક દીકરીને જન્મીને માત્ર લગ્ન જ કરવાના હોય તો એને જન્મ લેવો જ ન જોઈએ. એવી એ મનમાં ગાંઠ વાળી ચૂકી હતી.

“છાનીમાની રોટલા ટીપ. બહુ જીભડી વધી ગઈ. તારા બાપુને કહી વળાવી દઈશ.”

એ બાપડી કંઈ ન બોલી. એક રાત એ કોઈને કઈ પણ કહ્યા વિના ભાગી ગઈ.

“બધો તમારો વાંક… કિશન!”

હવે કિશન ખરેખર ભાંગી પડી. કમાડ આડો કરી ખૂબ રડી.

“મા. શું કામ ચિંતા કરે છે? હું છું ને. બેનીને શોધી લાવીશ. બસ તું આમ રડીશ નહીં.”

કિશનના દીકરાએ આકાશ પાતાળ એક કર્યા. એની બેનીની ક્યાંય ભાળ ન મળી. જંતર મંતર પણ બાકી ન રાખ્યા. સમયને પાંખો આવી.

“કિશન સાંભળો છો! આપણાં દીકરાનું માંગુ આવ્યું. દીકરી સારી છે. તમેય એક નજર જોઈ લ્યો.” દીકરી સાંભળતા જ કિશન ચમકી.

“ક્યાં છે… અહીં લઈ આવો. મારા આંખોનું રતન. કાળજાનો ટુકડો.” બોલીને એ ડેલા તરફ દોડી. બધા એની પાછળ ગયા. એને સંભાળી લીધી.

“કિશન… આપણી દીકરી નથી. આ ઘરની થનારી વહુ છે.”

દિવસે દિવસે કિશનની તબિયત લથડવા લાગી. ફળિયામાં જ ખાટ ઢાળીને સૂતી રહેતી. બાજુની ડેલી ખખડે તોય એ ઊભી થઈ દોડતી.

“એ પોપટ… મારી દીકરીનાં શું ખબર? મેં તને મારા સમાચાર મોકલ્યા હતા. તો હવે એનો જવાબ લાવ.” ફળિયે આવતા દરેક પંખીઓ સાથે વાતો કરતી.

“કાલથી આ લોકોને ચણ ન નાખતા. નક્કામા છે. મારું કોઈ કામ નથી કરતા.”

એની આંખોય જાણે વર્ષોથી નિરાંતે ઊંઘી નહોતી. પોપચાં જાણે બંડ પોકારતા હતા. એમને બંધ થવું હતું. પણ પાંપણો સાથ નહોતી આપતી. એ આંખો રાહ જોવામાં વહેલા મોતિયાને વ્હાલી થઈ હતી.

“મા.. ડોકટર આવ્યા. તું ચાલતા પડી જાય. અને કહેતી હતી નેકે તને આંખે ધૂંધળું દેખાય છે. હમણાં બધું ખબર પડી જશે.”

ડોક્ટરે આંખો ચેક કરી. “આંખોની કિકી પર સફેદ છારી બાજી ગઈ છે. જેને મોતિયો કહે. એને દૂર કરશું એટલે પહેલા જેવું દેખાતું થઈ જશે.” કિશનનાં દીકરાએ ઓપરેશનની તૈયારી બતાવી.

“મા.. બોલ ક્યારે જવું છે?”

“કયાં જવું છે? એ મોતિયો બોતિયો કંઈ નથી. મારી દીકરીનાં ધાવણનાં ભાગની સફેદી લાગી છે. એને કઢાવું તો મારી મમતા સમૂળગી લાજે. રામ રામ… ડોક્ટર.” ફરી એની આંખો એક હકારાત્મક આશા સાથે ડેલી પર ચોંટી.

“બસ એકવાર આવી મારી દીકરી આવીને આ આંખો પર હાથ ફેરવશે એટલે મારી આંખોની છારી નીકળી જશે.”

સૌજન્ય : સ્ટોરી મિરર

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી