“ઇંદુ બા” – મારું તમારાંથી છુટાં પડવું તે કુદરતી ક્રિયા છે જેમ તમારું મારાં આંગણે જન્મવું.- એક મા….

ન્યુ યોર્કથી અક્ષરા અમદાવાદ તેની નાની બેન સ્નેહાને ફોન કરી કહેતી હતી. “બેન, ન્યુયોર્ક્ની ટીકીટ કઢાવો અને જલ્દી આવો. ઇંદુબાએ અન્નજળ ત્યાગ કર્યા છે. દવા લેવાની પણ ના પાડે છે અને નક્કી કર્યું કે બે હાર્ટ એટેક આવી ગયા પછી હવે ચોર્યાસીએ લીલીવાડીને ત્યાગવાનો સમય આવી ગયો છે.”

“હેં?”

“હા, અને જાતે ડોક્ટર અને એવા કેટલાય મૃત્યુ જોયેલા જેમાં બાળકો દવા દારુ કરાવે અને ટુંકા ગાળામાં જો તે વડીલ દેહત્યાગે ત્યારે પહેલો નિઃસાસો એજ નાખે કે થોડુંક વધુ જીવ્યા હોત તો.”

“પણ તેમને સારુ તો છે ને?”

“હા. ઘરે લાવ્યા પછી નાના ભાઇ તારકને પાસે બોલાવીને કહ્યું, “ભાઇ હવે આ દેહને અભડાવીશ ના. મને ગમે તે થાય પણ દવા નહીં.. ઇન્જેક્શન નહીં કે નહીં બાટલા ચઢાવવાના. મને ખબર છે દેહ ધીમે ધીમે અશુચી મુક્ત થઇ જશે અને પ્રભુનાં ખાતામાં પાછો સોંપાતો દેહ જેવો તેમણે આપ્યો હતો તેવો સર્વ અશુચી મુક્ત આપવો રહ્યો.”

તારકે કહ્યું પણ ખરું કે મમ્મી કંઇ અમારી ભૂલ ચુક થઇ? આમ અચાનક જ અમરાથી મમતાનો નાતો છૉડવા માંડ્યો?

ત્યારે મમ્મીએ કહ્યું, “જો બેટા! તને જન્મ આપ્યો ત્યારે તું રડતો હતો પણ અમે બધા હસતા હતા. આનંદમાં હતાં… અમારો વંશ વધારનાર આવ્યો. હવે અમારું કામ પુરું થયું. તમને ભણાવ્યા કાબેલ કર્યા લગ્ન કરાવ્યા અને ત્રીજી પેઢી પણ જોઇ હવે કેટલું જીવવાનું?”

તારક કહે, “મા કેવો શ્રાપ પ્રભુએ દીકરાઓને આપ્યો છે? જન્મદાતાને ચેહ આપવાની?” ફોન ઉપર અક્ષરાની વાતો સાંભળતી સ્નેહા બોલી, “મમ્મીએ તો ભારે કરી.”

“જો મમ્મીને તું સાંભળે તો તારું ગર્વથી માથું ઊંચુ થઈ જશે. બસ જલ્દી ટીકીટ કઢાવ અને રાહ કે મુહુર્ત જોવા ના રહીશ.-વળી લંડનથી સેજલ આવી ગઇ છે એટલાંટાથી દીપાલી અને કનક પણ અહીં જ છે.આખા કુટુંબમાં તું એકલી જ નથી.

“ભલે બેન અમે લોકો આવીયે છે.”

રોજ સવાર અને સાંજ ભક્તિભાવનાં ભજનો ગવાય છે અને રોજ તેમને સજ્જ કરીયે ત્યારે આંખો આંસુથી ભરાય ત્યારે ઇંદુબા બહુ હળવાશથી કહે, “તમને ધર્મ જ્ઞાન આપ્યું તે ખાલી સાંભળવા માટે નહીં તેનો અમલ પણ કરવાનો હોયને?”

“પણ મમ્મી ક્યારેક તું બહું આનંદમાં હોય છે અને ક્યારેક ઉદાસ. તેનું શું કારણ?”

“હું મનોમન જેઓ મારી સાથે કામ કરતા હતા.. મારી પાસે માવજત લીધેલી તે સૌની માફી માંગુ છું અને એમની સાથેનાં વહેવારને ખમાવું છું ત્યારે આનંદમાં હોઉ છું. અને માનવ સહજ અનુરાગોથી બંધાયેલી પરિસ્થિતિમાં સમતાથી તમને છોડીને જવાની વાત આવે છે ત્યારે ઉદાસીનતા આવે છે. પણ આ ભાડાની કોટડી પાછી તો વાળવાનીને?”

એટલાંટાથી આવેલા જમાઇ કનક ત્યારે જરા ગુસ્સે થઇને બોલ્યા, “બા તમે તો જાણે જવા તૈયાર થઇ રહ્યા છો પણ અમને કેટલો ત્રાસ? તમને રોજ રોજ તલ તલ જેટલું મરતા જોવાનાં? અને તે રોકવા અસમર્થ હોવાનાં નિસહાય ભાવને સહેવાના. પ્રભુએ આપેલું આયુષ્ય કર્મ જાતે ઘટાડી રહ્યાં છો તે આમ તો એક પ્રકારનું અપ મૃત્યુ જ છે ને? દીપાલી તો તમારા રુમમાંથી બહાર નીકળે અને રોજ રડે છે. નાની જતી રહેવાની.”

ઇંદુ બા કહે, “અમર પટો તો લખાવીને આવી નથી. અંતિમ સમયની આ આરાધના છે. તે સમજે છે છતાં મારે માટેનો મોહ તેને રડાવે છે.”

“પણ બા આખી દુનિયા બને ત્યાં સુધી જીવવા મથે અને આપ તો અમને બધાને નમાયા કરવા જાતે મૃત્યુ રથને આમંત્રો છો. મારી સમજ પ્રમાણે આ ખોટુ છે.” કનકનો આક્રોશ સમજાતો હતો. દીપાલી રડે તેનાથી તે વ્યથીત હતા.

બહું ઠાવકાઇથી અક્ષરા કહે, “કનક્ચંદ્ર એમની ઉંમરે આપણે પહોંચીશું ત્યારે જ કદાચ આપણને સમજાશે કે શરીરની નબળાઇઓ અને સાથી વિનાનો ખાલીપો એ કેવી મોટી વ્યાધી છે. વ્યથા છે અને તેમાંથી છૂટવા લેવાતા આ રસ્તા કેટલા વ્યવહારીક છે.”

સાસુ તરફ જરા વિચિત્ર રીતે જોતા જમાઇ બાબુએ ચુપ્પી સાધી લીધી. પણ બીજે દિવસે તેમના વર્તનથી વિરોધ નોંધાવતા દીકરી અને જમાઇએ એટલાંટા જવા પ્રયાણ કર્યુ.

ઇંદુબાનાં ચારેય સંતાનો અક્ષરા, સેજલ, સ્નેહા અને તારક ખડે પગે હતાં. શરીર ઉપર ખોરાકની ગેરહાજરી વર્તાતી હતી. તેવી જ રીતે ચહેરા ઉપર દિવ્યતા વધતી હતી. જાતે ઊઠીને નહાતાં હતાં. ભગવાન સામે ભાવથી બેસીને જાણે શુંય વિનવણી કરતાં રહેતાં. બાને કંઇ ગડથોલીયું ના આવી જાય તેની તકેદારી રાખતાં ચારેય સંતાનો જાણે બા જતા ના રહે તેની ચોકી કરતાં.

સ્નેહા આવ્યાને પંદરમાં દિવસે ઇંદુબાએ પોતાની ડાયરી વાંચવા અક્ષરાને આપી. અને ચારેય સંતાનોને સાંભળવા કહ્યું. અક્ષરાએ કંઇક ભારે અવાજે વાંચવાનું શરુ કર્યુ.

“મારા આપ્ત જનો,

મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી. અને તેથી સહજ થવાને બદલે સૌ કામકાજ છોડીને મારી આજુબાજુ ગોઠવાઇ જઇને માતૃ ઋણ અદા કરવા બેસી ગયાં છો. કદાચ તમારા જન્મ વખતે અને જન્મ પછી લીધેલી કાળજીને દેવું સમજી અત્યારે મારી કાળજી કરી રહ્યાં છો. કદાચ બાને હવે ગુમાવી દેવાના છીયે તો જેટલું વધુ તેની સાથે જીવાય તો જીવી લેવું કહીને તમે સ્મૃતિનાં મધને અકરાંતિયા થઇને ભેગું કરી રહ્યા છો.

મને કહેવાદો આમ કરીને તમે મને પણ તમારા રાગનાં રેશમી તાંતણે બાંધી રહ્યાં છો.

મારા ઉપવનનાં મુક્ત પંખીઓ! એ રાગનાં તાંતણાને તોડો અને સાવ સહજ થાવ. ‘જનમ્યું તે જાય’ વાળી વાતને ધ્યાનમાં લો. અને જેમ આંબા ડાળેથી પાકી કેરી આંબાને કોઇ પણ વેદના આપ્યા વીના છુટી થઇ જાય તેમ મને તમારા રાગમાંથી મુક્ત થવાની સહજતા આપો. કાળ તેના સમયે મને લઈ જશે પણ તેમ કરતાં હું મારા કર્મનાં બંધન કાપવા મથું છું. તેમાં ઉણી ન પડી જઉં તે માટે મેં સંથારો લીધો છે. વળી, તમે સૌ તો જાણો છો તેમ આ ફક્ત દેહ બદલવાની આત્માની એક કળા છે. આજે તમારી માતાનું ખોળીયું છે કદાચ કાલે હું જગતમાત્રનાં પ્રાણી જગતનાં કોઇ ગર્ભમાં ઊંધાં માથે લટકતી હોઇશ. કે વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ કે પંખી જગતમાં અંડજ બનીશ. જે બનીશ તે તો બનીશ. પણ અત્યારે જે છું તેનો આનંદ છે. ક્યાં જઇશ તેની ચિંતા કરવાની બેવકુફી નથી કરતી.

ધર્મે મને એટલું સમજાવ્યું છે કે મનને કસવા આત્માને સાંભળતા થવું જોઇએ. આ અવાજ હંમેશાં હ્રદય પાસેથી આવતો હોય છે. મન અને હ્રદયનાં આ દ્વંદ્વમાં હું વિજેતા બનીને સંથારે બેઠી છું. તે અંતિમ સમયની આરાધના છે.

મારા બાળુડાંઓ આ મારી સમજને સમજો. મારું તમારાંથી છુટાં પડવું તે કુદરતી ક્રિયા છે જેમ તમારું મારાં આંગણે જન્મવું. આભની અટારીએ તમરા બાપુ મારી રાહ જુએ છે એવું કોઇ સંવેદન નહીં આપું કારણ કે આત્મા તેની ગતિ પ્રમાણે વિહરતો હોય છે. તેમજ મારો આત્મા પણ કર્મોને આધીન રહીને આ દેહથી છુટો થશે. એ વિષાદની નહીં પણ ઉજવણાની ઘડી છે. મને પડતી દૈહીક તકલીફો તો દેહનાં દંડ છે તે મારેજ ભોગવવાનાં હોય. તેની “હાય” “હાય” ના હોય. તેને તો “હોય” હોય” કહીને ભોગવવાનાં જ હોય…

ચારેય ભાંડરડા સ્વસ્થ થાવ! હળવા થાવ! અને મારી ચિંતા ના કરશો અને માતૃતર્પણમાં તમારા હસતા ચહેરા મારાં વિલય સમયે રાખજો. કુદરતનાં ન્યાયને રુદનથી ના ઉવેખશો. રાગથી સહજ રીતે મુક્ત બનશો.”

અક્ષરાએ છેલ્લું પાનું પુરું કર્યું ત્યારે ઇંદુબા પ્રસન્ન હસતાં શાંત ચહેરે દેહ છોડી ચૂક્યાં હતાં.

સૌજન્ય : સ્ટોરી મિરર 

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ખુબ લાગણીશીલ વાર્તા, શેર કરો તમારા દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી