“ગુરૂપૂર્ણિમાની સાંજ” – એક ટીચરનાં મનની વાત… શેર કરવાનું ભૂલતા નહિ…

“ગુરૂપૂર્ણિમાની સાંજ”

ગુરૂપૂર્ણિમાની સાંજે, ખીચોખીચ ભરાયેલો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઊઠ્યો. સોના અને તેનું આખું ગૃપ તો પોતાની ખુરશી પરથી ઊભા થઈને, સ્ટેજ પાસે આવીને હર્ષાવેશમાં ખૂબ જોરથી તાળી પાડતા હતા. કોઈ વચ્ચે વચ્ચે બે હાથ જોડી નમન કરતા, તો કોઈ બન્ને હાથ ઉચા કરી હલાવતા નાચવા લાગ્યા હતા. કહે છે ને, करणं परोपकरणं येषां केषां न ते वन्ध्या: । પરોપકાર કરવોએ જ જેનો ધર્મ છે, તે કોને વંદનીય નથી હોતા? (પરોપકારી સર્વપૂજ્ય હોય છે.)

સ્ટેજ પર, ગળામાં મોતીનો હાર, ખભા પર સન્માનની શાલ અને હાથમાં પુષ્પ ગુચ્છ લઈ, આંખોમાં હર્ષાશ્રુ સાથે ભાવ વિભોર ઊભા હતાં, નલીનીબેન નાણાવટી. કાર્યક્રમ પૂર્ણ થયો. સોના દોડીને નલીની બેનને પગમાં પડવા લાગી પણ નલીની બેને વચ્ચેથી જ તેને પકડીને ઊભી કરી દીધી.

“સોના, કેટલી મોટી ને સુંદર થઈ ગઈ છે તું, ઓળખાતી પણ નથી.”

“મોટીબેન, બધું તમારું દીધેલું જ તો છે, મારું પાલન-પોષણ, સમજ ને સભ્ય સમાજમાં સ્થાન.” બાળ કન્યાશાળામાં સહુ નલીની બેનને મોટી બેન જ કહેતા.

“ના બેટા, આ બધું તો ઈશ્વરનું આપેલું, તારા નસીબમાં લખાયેલું હતું તે જ તને મળ્યું છે.”

“પણ ના મોટી બેન, તમે ન હોત ને..” ને નલીનીબેને તેના મોઢા પર હાથ મૂકી દીધો.

“બસ સોના, હવે પછી એ વાત નહીં. આજે બધા એક વાત ગાંઠે બાંધી લો કે, ભૂતકાળને પાછળ ફરી જોવો પણ નહીં ને યાદ પણ ન કરવો. નહીંતર ભગવાને આપણને પાછળ પણ આંખ આપી હોત.” બધાં હસી પડ્યા. ભારેખમ વાતાવરણ હળવું થઈ ગયું. ને ફરી જલ્દિથી મળવાનો વાયદો કરી સહુ છૂટા પડ્યાં.

નલીનીબેનને આજે બસમાં ઘરે જવાનું ન હતું. કન્યા શાળાના ટ્રસ્ટીની ગાડીમાં આવ્યા હતા ને ગયા પણ ગાડીમાં. ઘરે જઈ પાણીનો ગ્લાસ લઈ હિંચકા પર બેઠાં. હિંચકો તો ધીમી ગતિએ ચાલી રહ્યો હતો પણ નલીની બેન અનાયાસે એનાથી ૧૦૦ ગણી ગતિએ પાછળ ભૂતકાળમાં પહોંચી ગયા હતા. હજી હમણાં જ સોનાને એમણે ભૂતકાળમાં ન જવા ટપારી હતી, પણ ભૂતકાળ ભૂલવો બહુ અધરો છે.

બેઠક ખંડમાં હીંચકાની સામે જ રાખેલી, અકસ્માતમાં માર્યા ગયેલા પતિ અને છ વર્ષની પુત્રી તન્વીની તસવીર તેમના એકલવાયા જીવનમાં ઘણી રીતે દખલ કરતી. ક્યારેક કાર્યમાં આગળ ધપવા પ્રેરક બળ બનતી, તો ક્યારેક તન્વીનું બાળપણ યાદ કરી બાળક બની જતી, તો ક્યારેક પતિનો ફોટો દેહ જ પતિનો સહવાસ પૂરો પાડતી. એકલવાયા ઘરમાં વાતો કરવા પણ આ બે તસવીર બસ થઈ જતી.

પણ આજની સંધ્યા નવા સૂરજ સાથે જન્મી હતી. આજે તો પૂર્ણ ભૂતકાળ નલીની બેનની નજર સમક્ષ આવીને ઊભો રહી ગયો. કેટલો સુખી અને સંતોષી હતો તેમનો સંસાર. તન્વીનાં આવ્યા પછી તો ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો. પણ, આપણી ઈચ્છા મુજબ તો ક્યારેય કશું થતું નથી. સમયનું ચક્રનો અવિરત ચાલ્યા જ કરે છે. સુખ પછી દુ:ખ, ને સગવડ પછી અગવડ. બસ એમ જ એક દિવસ નલીની બેન ને બદલે તેમના પતિ તન્વીને સ્કુલેથી પાછી લાવવા ગયેલા, ને પાછા આવ્યા ત્યારે બન્નેના નામનો નાશ થયો હતો, ને લાશ બની આવ્યા હતા.

આ અકસ્માતે નલીનીબેનનું શરીર, મગજ, સમય બધું જ કામ કરતું અટકી ગયું હતું. જાણે હરતી ફરતી જીવતી લાશ બની ગયા હતા. એ વખતે એક મિત્રોએ આંગળી ચીંધવાનું પુણ્ય કરી લીધું હતું. તેમણે કહ્યું, “નલીની, હવે બસ થયું. બહુ શોક કરી લીધો. સમાજે જે જે સુખ તને આપ્યું હતું. તે વ્યાજ સમેત સમાજને પાછું આપવાનો સમય થઈ ગયો છે. ચાલ મારી સાથે, ઊભી થા.” ને યંત્રવત્ નલીની ઊભી થઈને એમની સાથે ચાલવા લાગી હતી. અને તેઓ આવી ગયા શહેરથી દૂર આવેલી બાળ કન્યાશાળામાં. અહીં નાની નાની બાળાઓમાં એમને તન્વી દેખાવા લાગી. ને બસ, અઠવાડિયે એકાદ વાર આવવા લાગ્યાં.

પછીતો તેમને આ બાળાઓની આદત થઈ ગઈ, ને બાળાઓ ને નલીનીબેનની. તેઓ રોજ સવારે નવ વાગતા સુધીમાં તો આવી જ જતા, તે રાત્રે સાત-આઠ વાગે જ ધરે જતાં. એમનું માતૃત્વ અહીં ઢોળાવવા લાગ્યું. એમના સૂના એકલવાયા જીવનને નવો રાહ મળી ગયો હતો. જુવાનીના ૩૦-૩૨ મે વર્ષે અહીં આવેલા જેથી બધી બાળાઓ એમને મોટી બેન જ કહેવા લાગી હતી. ક્યારેક ક્યારેક કોઈ છોકરી બિમાર હોય, કે પછી પરિક્ષા સમયે તો તેઓ ઘરે ન જતા અહીં જ રહી જતા. ધીરે ધીરે તો એમનું ઘર જાણે વેકેશન હોમ બની ગયું હતું. ક્યારેક મહિને એકાદ વાર ઘરે આંટો મારવા જતા.

એ દિવસ બરાબર યાદ છે, કન્યાશાળામાં એમને આવ્યાને ૨૫ વર્ષ પૂરા થયાં હતા. ત્યાં બાળાઓ સાથે સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યાં હતા. ત્યારે એક સ્ત્રી હાથમાં નવજાત બાળકી લઈ, દોડતી – હાંફતી આવીને નલીની બેનને કહે, “બેન, મારી આ સોનુને સાચવજો, મને ખૂબ વહાલી છે. તેને કોખમાંથી તો બચાવી, પણ હવે મારા શ્વાસ ખૂટી ગયા છે, હું એને જીવાડી નહી શંકુ. મારી દુનિયામાં તો આ ફૂલ થતા પહેલા જ ચુંથાઈ જશે.” બોલતા બોલતા તે ત્યાં જ ઢળી પડી. ને એ નવજાત બાળકી સોનાની તેઓ યશોદા મા બની ગયા હતા.

એમની નિ:સ્વાર્થ ભાવના અને અથાગ મહેનતે શાળાની દરેક છોકરીઓ પોતાના પગ ઉપર ઊભી રહેતા શીખી ગઈ હતી. લગ્ન કરી ઠરી ઠામ પણ થઈ હતી. પણ વારે તહેવારે નલીનીબેનને મળવા જરૂર આવતી. આ બધી બાળાઓમાં સોનાની વાત જ કંઈક અલગ હતી. એને બે-ત્રણ વાર વેશ્યાગૃહની માલકીન અને એના બાપથી બચાવવી પડી હતી. એ લોકોને આ જુવાનીને ઉંમરે આવેલી સોના, જાણે સોનાનું ઈંડું મુકતી મરઘી દેખાતી હતી. અને એને મેળવવા પોલીસ અને કોર્ટને પણ વચ્ચે લાવેલા. પણ નલીની બેનના બુલંદ નારી અવાજે એમના બધા હથિયાર હેઠા પડી ગયા હતા. અણિશુદ્ધ સોના, સોનાની જેમ ટિપાઈને નિખરી ઊઠી હતી. નલીનીબેન જ સોના માટે મા, ગુરૂ, સખી, મોટી બેન બધું જ હતા.

આજે ગુરૂપૂર્ણિમા એ બધી જૂની નવી બાળાઓ એ ભેગી થઈને નલીની બેનના ૭૫ વર્ષ ઉજવવાનો સુંદર કાર્યક્રમ, ગુરુદક્ષિણા રૂપે ઘડ્યો હતો. મંચ પર આવી તેમણે મા વિશે, અને એક સ્ત્રીમાં રહેલી અખૂટ શક્તિ અને મમતાના ઘુઘવાતા સાગરની વાત કહી. અને છેલ્લે કહ્યું, “ગીતાનો સાર – જિંદગીમાં જે થાય છે, તે આપણા સારા માટે જ થાય છે. મારી તન્વી ગઈ ત્યારે મને ખૂબ દુ:ખ થયું હતું, ઈશ્વર પ્રત્યે નારાજગી પણ ઘણી થઈ હતી. પણ હવે સમજાય છે, કે મારી એક તન્વી ન રહી તો હું આજે આટલી બધી તન્વીઓની મા બની શકી, એનો મને ખૂબ સંતોષ છે. મારી દરેક દીકરીઓને આજે કહીશ કે, शरीरं क्षणविध्वंसि, कल्पान्तस्थायिनो गुणा: । શરીર તો ક્ષણમાં નષ્ટ થઈ જવાનું છે, પણ ગુણ સમુદાય તો કલ્પકાળ (લાંબા કાળ) સુધી રહે છે.” અને તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો.

નલીની બેનની જીવન સંધ્યા એ, આજની સંધ્યા તેમના માટે અને આવેલ સર્વે બાળાઓ તથા મહેમાનો માટે યાદગાર થઈ ગઈ.

સૌજન્ય : સ્ટોરી મિરર

શેર કરો આ વાર્તા દરેક મિત્ર સાથે અને આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરો – સ્ટોરી મિરર

ટીપ્પણી