“સંસ્કૃતના શ્લોકો છે મારું પ્રેરણાબળ” – બેંગ્લોરની આ મહિલા બની “The Sholkapreneur”

ભારત એક એવો દેશ છે જ્યાં સંસ્કૃતિ અને રિવાજોને ખુબ બહોળા આદરથી જોવામાં આવે છે. તેટલું જ સન્માન પૌરાણિક જ્ઞાનને પણ અપાય છે. આપણા પુરાણોનું વિશ્વમાં એક અતિ આગવું સ્થાન છે. આમ છતાં સંસ્કૃત ભાષાએ તેનું મૂલ્ય ગુમાવ્યું છે. કેટલાક શ્લોકો, જેનું નિરંતન પઠન થવું જોઈએ, તેનાથી લોકો તદ્દન અજાણ છે.

આપણી આજની વાર્તા એક એવી નારી અંગે છે, જેમણે એક શ્લોક-શાળા શરૂ કરવાનું સપનું સેવેલું અને શ્લોકો શીખવાડતી આ શાળા માટેનું તેમનું સપનું સફળતાપૂર્વક પાર પડી ચૂક્યું છે. આ મહિલાનું નામ છે- દિવ્યા દોરાઈસ્વામી. આમ તો દિવ્યા અર્થશાસ્ત્રના વિષય સાથે અનુસ્નાતક થયેલ છે, પરંતુ પોતાની જાતની ઓળખ તે ‘સંસ્કૃતના પ્રવક્તા/કર્તાહર્તા’ તરીકે આપવાનું પસંદ કરે છે.

દિવ્યાને જયારે પણ મુશ્કેલીઓ નડી ત્યારે સંસ્કૃત શ્લોકો જ તેમનું પ્રેરણાબળ બન્યા. તેમનું આ શ્લોકોનું ઊંડું જ્ઞાન એક પ્રેરકબળ બની રહ્યું, જેનાથી એક આખા ગુરુકુળની સ્થાપના શક્ય બની. આ ગુરુકુળ શ્લોક અભ્યાસનું સંકુલ બની રહ્યું.

દિવ્યાની આ શાળા, ઓક્ટોબર ૨૦૧૪ દરમિયાન શરૂ થઇ. પ્રારંભમાં તો થોડા બાળકો સાથે દિવ્યાના એપાર્ટમેન્ટમાં જ કાર્ય શરૂ થયું. થોડા જ વખતમાં તેને ખ્યાલ આવ્યો કે કેટલાય માતાપિતા, પોતાના બાળકોને આ વર્ગોમાં મોકલવા ઉત્સુક હતાં, કેમકે તેમનું માનવું હતું કે આનાથી બાળકો જીવન જીવવા પ્રત્યે એક જુદો અભિગમ-પ્રેમ અને સદભાવના કેળવી શકે તેમ છે.

મૂળભૂત બેંગ્લોરના હોવાથી, દિવ્યાએ આ શાળા બેંગ્લોરમાં જ આરંભી. તે આ રીતની સર્વપ્રથમ, એક અનોખી-ગતિશીલ શાળા છે. તેણી ૪-૧૬ વર્ષની ઉંમરના બાળકોને શ્લોક શીખવાડે છે. હાલ આ ગુરુકુળ ૫૦ વિદ્યાર્થીઓ ધરાવે છે.

દિવ્યા માત્ર સંસ્કૃત શ્લોકો જ શીખવાડે છે. સંસ્કૃત એવી ભાષા છે જે બાળકો પોતાના અભ્યાસક્રમ મુજબ બહુ પાછળથી શીખે છે, પરંતુ તેનું માનવું છે કે નાના બાળકો બહુ ધારદાર યાદશક્તિ ધરાવતા હોય છે. દિવ્યાના મત મુજબ : આ નાનકડા દિમાગમાં શક્ય તેટલું જ્ઞાન રેડી જુઓ, અને જેટલું પણ ગ્રહણ થઇ શકે તે થવા દો.

દિવ્યા હાલ જુદા જુદા અપાર્ટમેન્ટ્સમાં, બાલમંદિરમાં,નૃત્ય શાળાઓમાં, અમુક વધુ કાળજી માંગતા બાળકોને તેમજ સ્કાઇપ પર પણ વર્ગો લે છે. દિવ્યાના મંતવ્ય મુજબ ‘ પ્રાર્થનાનો સમય એક એવો સમય છે જેમાં આનંદ, ભક્તિ અને પવિત્રતાનો અનુભવ થવો જોઈએ. એ સમય દરમિયાન ક્યારેય કંટાળો કે દબાણ ન લાગવું જોઈએ.’અને એટલા જ માટે એ વધુ ને વધુ શ્લોકોનું જ્ઞાન આપવા ઈચ્છે છે.

દિવ્યાના ગુરુકુળનો મુખ્ય ઉદ્દેશ ફક્ત આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણીનો છે, કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક ઈરાદો નથી. આ ગુરુકુળ શરૂ કરવા પાછળ દિવ્યાની વિચારધારા એ છે કે આપણું ભવિષ્ય, એટલે કે આપણા બાળકો, આપણા વારસાને ઓળખે, જાણે.

કહેવાય છે કે સારા કામમાં સો વિઘ્ન. કૈક તે રીતનું દિવ્યાએ પણ તેના શરૂઆતના દિવસોમાં અનુભવેલું. વિશ્વભરમાં વસતા બાળકોને આવરી લેવા આ સંકુલે વ્યક્તિગત માહિતી આપવા સાથોસાથ ફેસબુક અને નાની મોટી કપડાં અને મીઠાઈની દુકાનો જેવા માધ્યમની મદદ વડે જાહેરાતો આપી છે. જે શાળા માત્ર છ બાળકોને લઈને શરૂ કરેલી તે આજ ગર્વ સાથે ૫૦ બાળકો ધરાવે છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખૂબ બધી પ્રવૃત્તિઓથી ઘેરાઈ જઈ તણાવગ્રસ્ત થઇ જતાં હોઈએ છીએ. દિવ્યા પણ આમાંથી બાકાત નથી. જયારે પણ તેને આવું લાગે ત્યારે એ તરવા જવાનું પસંદ કરે છે અને ‘હરે કૃષ્ણ મહામંત્ર’ જપે છે. આમ કરવાથી આશ્ચર્યજનક રીતે તેનો તણાવ દૂર પણ થાય છે.

આ ગુરુકુળ દિવ્યા પોતે જ ચલાવે છે, તેનો અંદાજ ૨૦૧૮ સુધીમાં ૫૦થી વધીને ૧૦૦ બાળકો સુધી પહોંચવાનો છે.

દિવ્યાનો નિત્યક્રમ રોજ સવારે તરવાથી ,કસરતથી કે ચાલવાથી શરૂ થાય છે. પછી પરિવાર સાથે બેસીને સવારનો નાસ્તો આરોગવો તેના માટે બહુ જ જરૂરી બની રહે છે. દિવ્યા અચૂક પોતાનો થોડો સમય ઈશ્વર જોડે ગાળે છે. ત્યારબાદ આવે છે તેના ઇન્ટરનેટથી જોડાયેલા કે અલગ અલગ શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ. તેઓ થોડો સમય લેખનકાર્યને પણ આપે છે.

દિવસનો અંતિમ ભાગ તેઓ પોતાની ખાસ વ્યક્તિઓ એટલે કે માતાપિતા સાથે રાત્રિભોજ દરમિયાન ગાળવો પસંદ કરે છે. અને હા, પોતાની નાનકડી તારલા સમાન ભત્રીજી જોડે વાત કર્યા વગર તેમનો દિવસ પૂરો થતો નથી.

જીવન જે રીતે આવે તે રીતે ખુશી ખુશી વધાવવા હંમેશા તૈયાર એટલે દિવ્યા. પોતાની ત્રીસીમાં દિવ્યા એક ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી યુવા નારી છે. તેને મંદિર જવું પસંદ છે. અને એક ઘરડાં ઘરની તે નિયમિત મુલાકાત લે છે અને મદદ કરે છે, જ્યાં વૃદ્ધ માતાપિતાને ભગવાન ભરોસે છોડી દેવાયાં છે. તે માને છે કે તેનું પોતાનું જીવન સુંદર છે. ઈશ્વર સામે તેને કોઈ ફરિયાદ નથી કેમકે ઈશ્વર મહાન છે.

દિવ્યા આ વાક્યમાં દ્રઢપણે માને છે અને જાતે અનુસરે પણ છે કે ‘ કોઈકની પ્રશંસા કરવા માટે બહુ જ મોટું દિલ જોઈએ અને કોઈની હાંસી ઉડાડવા માટે ટૂંકી બુદ્ધિ. તમે તમારું હૃદય વિશાળ રાખી શકો અથવા વિચારધારા ટૂંકી , એ તમારા હાથમાં છે.’ બસ, આ જ એના જીવનનો મંત્ર છે અને બાકીનો ભાગ શ્લોકો ભજવે છે.

દિવ્યા કહે છે “ જયારે તમે કોઈ અંગત પડકારમાંથી પસાર થાઓ છો ત્યારે દુનિયા ત્યાં જ ખતમ નથી થઇ જતી. જયારે બધું જ નાશ થતું લાગે ત્યારે એમાંથી ફરી બેઠા થવું મુશ્કેલ ચોક્કસ છે, પણ અશક્ય નહીં. મને પણ મારી જિંદગી ફરી શરૂ કરતાં દસ વર્ષ લાગ્યાં છે. એટલે જયારે હું મારી નિષ્ફળતા વિષે વિચારું છું ત્યારે ગુરુકુળનો જન્મ-‘શ્લોક અભ્યાસ સંકુલ’ એ વાતનો પુરાવો બની રહે છે કે આપણે કદી ન ધાર્યું હોય તે પણ થવાની ગણતરી રાખવી જોઈએ, અને જીવનમાં મળેલી અસફળતાઓને સફળતામાં તબદીલ થતાં વાર નથી લાગતી હોતી.”

દિવ્યાનો તમામ સ્ત્રીઓને ઉદ્દેશીને સંદેશ છે ‘ ક્યારેય હાર માનશો નહીં. જીવન ઉત્તમ વિકલ્પો અર્પે છે.’ દિવ્યા એક બહાદુર સ્ત્રી છે, કેમકે તેણે પોતાની લગનીને પોતાના વ્યવસાયમાં તબદીલી છે. શરૂઆતમાં અઘરું જરૂર લાગેલું પણ અંતે તેને સફળતા સાંપડી છે.

લેખન-સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? અમને અચૂક જણાવજો…અમારો ઉત્સાહ વધશે….!

ટીપ્પણી