પાંચમાં નોરતે સ્કંદ “કુમાર કાર્તિકેય” શિવના પુત્ર અને દેવોનાં સેનાપતિની માતાનો મહિમા વાંચીએ.


સ્કંદમાતા-શક્તિ
કાર્તિકેય સાથે માની ઉપાસના નવદુર્ગાના સ્વરૂપોમાં પાંચમી નવરાત્રીએ સ્કંદમાતાનું પૂજન થાય છે. આ શક્તિ ભગવાન સ્કંદ “કુમાર કાર્તિકેય” શિવના પુત્ર અને દેવોનાં સેનાપતિની માતા છે. પુરાણોમાં તેમને શક્તિધરનાં નામે પણ ઓળખવામં આવે છે. કાર્તિકેયનું વાહન મયૂર છે. સ્કંદ જેવા શૂરવીર પૂત્રની માતા હોવાથી તેમની ઉપાસના નવરાત્રીનાં પાંચમા દિવસે થાય છે. આ દિવસે સાધકનું મન વિશુધ્ધિ ચક્રમાં પહોંચી જાય છે. તપશુધ્ધિથી સાધકનું મન અનહદ આનંદમાં આહવાન કરાવે છે. સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવી ચાર ભૂજાઓ છે. જેમાં એક હાથે ખોળામાં કુમાર સ્કંદને બેસાડ્યા છે. બીજા અને ચોથા હાથમાં કમળ; ત્રીજો હાથ વરદ મુદ્રામાં છે.
અત્યંત શુભ્ર વર્ણી દેવી કમળનાં આસને બિરાજે છે અને તેમનું વાહન સિંહ છે. આ સ્વરૂપમાં માતા અને પુત્ર બંન્નેની ઉપાસના થાય છે જે એક વિરલ ઘટના છે! સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવીનં સાધકનાં ચારેય તરફ઼ એક અલૈકિક પ્રભા મંડલ છવાયેલું રહે છે. જે તેમને તમામ અનિષ્ટોથી રક્ષા કરે છે. તેના યોગ-ક્ષેમનું પણ વહન કરે છે. પાંચમાં નવરાત્રીની અધિષ્ઠાત્રી દેવી સ્કંદમાતાનાં સ્મરણનો મંત્ર છે :
સિંહાસનાગતા નિત્યં પદ્માશ્રિત કરદ્રેયા |
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ||
કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

-: આજના ગરબા :-

અંબા-બહુચરને રમવા દ્યો

આઘા રહો ને સહુ છેટા રહો, અંબા-બહુચરને રમવા દ્યો,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…
મોટેરો ગરબો અંબાના શીરે, નાનેરો ગરબો બહુચરને શીરે,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…
અંબાના પગમાં જાંજરીયા જમકે, બહુચરનાં પગમાં ઘુઘરિયા ઘમકે,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…
અંબાની ચૂંદડીમાં ચાંદલિયા ચમકે, બહુચરની ચૂંદડીમાં તારલિયા ટમકે,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…
મોટેરા અંબા લાગે સોહામણાં, નાનેરા બહુચર લાગે રળિયામણા,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…
સખી સાહેલી રમવાને આવતી, ગરબા ગાતીને કુમકુમ વરસાવતી,
ચાચરના ચોકમાં ઘૂમવા દ્યો, અંબા-બહુચરને રમવા દ્યો…

દીવડા ઝગમગ ઝગમગ
દીવડા ઝગમગ ઝગમગ થાય,
ગરબો ઘૂમતો ઘૂમતો જાય…
માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ,
માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…
માડી અમે લાવ્યા ચુડલી ની જોડ,
માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…
માડી અમે લાવ્યા ફુલ્ડાનાં હાર,
માડી તમે ધરો તો આનંદ થાય…દીવડા ઝગમગ…
માડી અમે લાવ્યા નૈવેદ્યનોં થાળ,
માડી તમે આરોગોતો આનંદ થાય…દીવડા ઝગમગ…
માડી તારા બાળકો ગરબા ગાય,
માડી તમે આશિષ આપો સદાય…દીવડા ઝગમગ…

કેસરિયો રંગ તને

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

આસોના નવરાત્ર આવ્યા, અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે, લોલ

ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, ગરબા
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે, લોલ

કંકુના સાથિયા પૂરાવ્યાં રે, ગરબા
કંકુના સાથિયા પૂરાવ્યાં રે, લોલ

કોના કોના માથે ફર્યો રે, ગરબો
કોના કોના માથે ફર્યો રે, લોલ

નાની નાની બેનડીના માથે રે, ગરબો
નાની નાની બેનડીના માથે રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

ઘૂમતો ઘૂમતો આવ્યો રે, ગરબો
ઘૂમતો ઘૂમતો આવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે આરાસુર
હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા અંબાએ તને વધાવ્યો રે, ગરબા
મા અંબાએ તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ
હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા કાળીએ તને વધાવ્યો રે, ગરબા
મા કાળીએ તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો માટેલ ગામ
હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા ખોડિયારે તને વધાવ્યો રે, ગરબા
મા ખોડિયારે તને વધાવ્યો રે, લોલ

હરતો ને ફરતો આવ્યો શંખલપુર
હરતો ને ફરતો આવ્યો રે, લોલ

મા બહુચરે તને વધાવ્યો રે, ગરબા
મા બહુચરે તને વધાવ્યો રે, લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે, ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે, લોલ

ટીપ્પણી