બધુ તૈયાર મળી જાય તો એની મજા હોય છે પણ પોતાના બળે જે મળે એનો ઉપભોગ કરવાનો આનંદ કંઇક વિશેષ હોય છે…

0
2

વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશો પર વિજય મેળવ્યા બાદ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. નગર આખુ જાણે કે આનંદના હિલોળે ચડ્યુ હોય એવુ વાતાવરણ હતુ. નગરનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આનંદમાં હતો પણ રાજકુમાર સિકંદર મહેલના એક ખુણામાં બેસીને રડતો હતો. કોઇ નોકરનું ધ્યાન ગયુ એટલે એમણે આ વાત મહારાજા ફીલીપ સુધી પહોંચાડી.

ફીલીપ તુરંત જ પોતાના વ્હાલસોયા દિકરા સિકંદર પાસે આવ્યા. સિકંદરને રડતો જોઇને ફીલીપને પણ આશ્વર્ય થયુ કે આ આજે કેમ રડે છે? એમણે સિકંદરને પુછ્યુ, “ બેટા, તું ભાવી સમ્રાટ છો. મેં જે કંઇ મેળવ્યુ છે એ બધુ જ તને વારસામાં મળવાનું છે. આજે હું આટલો મોટો વિજય મેળવીને આવ્યો છું એનાથી તને આનંદ નથી ?“ સિકંદરે રડતા રડતા જ કહ્યુ, “ ના પિતાજી મને બિલકુલ આનંદ નથી ?“

સિકંદરના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા પિતાજીએ પુછ્યુ , “ બેટા, મને એ તો કહે કે તને શું દુ:ખ છે ?” સિકંદર આંસુ લુછતા લુછતા એટલુ જ બોલ્યો, “પિતાજી, તમે અત્યારે એક પછી એક દેશ જીતી રહ્યા છો. હું યુવાન થઇશ ત્યાં સુધીમાં તમે જ બધા દેશો જીતી લેશો તો પછી હું શું જીતીશ ? તમે મારા માટે કંઇ જીતવા જેવુ વધવા નથી દેતા એનું મને દુ:ખ છે. મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે મારા રાજ્યને વિસ્તારવુ છે.”

સિકંદરની આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે વિશ્વવિજેતા સિકંદર જેવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ છે કે આપણે ત્યાં વિચારોમાં પણ મંદી ચાલી રહી છે. મહેનત કરીને મેળવવાની માનસિકતાને આપણે દેશવટો આપી દીધો હોય એવુ લાગે છે. આ વાત બધાને લાગુ પડતી નથી કેટલાક આમાં અપવાદ હોય છે પણ મોટાભાગનાને મફતમાં મેળવવાનો જીવલેણ રોગ લાગુ પડી ગયો છે એ નરી વાસ્તવિકતા છે.

સિકંદરના જીવનનો આ પ્રસંગ આજ ના પ્રત્યેક માણસને બહુ મોટો સંદેશો આપી જાય છે. તમને તૈયાર મળી જશે તો એની મજા નહી જ આવે એ પાક્કુ. અમે નાના હતા ત્યારે રજાઓના દિવસમાં બોર વિણવા માટે જતા ( ખેતરના કિનારા પર અને અવાવરુ જગ્યામાં બોરડીઓ ઉગી હોય એમાં નાના ચણીબોર આવે આ ચણીબોર બોરડીમાંથી તોડવાના) જાતે વિણેલા આ બધા જ બોર મીઠા હોય એવુ ન બને એમાં કેટલાય બોર ખાટા પણ હોય આમ છતા બધા જ બોર બહુ મીઠા લાગે કારણકે બોર વિણતી વખતે બોરડીના કાંટા હાથ પર વાગ્યા હોય એટલે એના પ્રતાપે ખાટા બોર પણ મીઠા થઇ જાય. જેમણે બોર વિણ્યા હશે એને આ વાત સમજાશે બાકીનાને ઉપરથી જશે.

બધુ તૈયાર મળી જાય તો એની મજા હોય છે પણ પોતાના બળે જે મળે એનો ઉપભોગ કરવાનો આનંદ કંઇક વિશેષ હોય છે.

લેખક: શૈલેશ સગપરીયા..

ખુબ સુંદર વાત શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here