સિગ્નલવાળો છોકરો – A Must Read Story

‘શીટ, આજે ખૂબ મોડું થઈ ગયું, સાંજે મમ્માને કહેવું પડશે, કાલથી મારૂં લંચ બોક્ષ જરા જલ્દી રેડી કરી દે.’ કારનું એ.સી. વધારતા અભીશ્રી બબડી. ઘરથી અડધા જ કલાકના અંતરે તેની સ્કૂલ હતી, જ્યાં અભીશ્રી અંગ્રેજી વિષય ભણાવતી હતી. સ્કૂલ ટીચર તરીકે નોકરી કરતી આ છવ્વીસ વર્ષની છોકરી માટે રોજ સમયસર લંચ બોક્ષ લઈ ઘરેથી નીકળી જવાનું, દરવાજાની બાજૂમાં જ મૂકેલા પેપર સ્ટેન્ડમાંથી છાપુ ઉઠાવતા મિલ્કશેકનો ગ્લાસ મોઢે માંડવાનો, કારમાં બેસતા સુધીમાં છેલ્લો ઘૂંટ ભરી ગ્લાસ ખાલી કરી નાખવાનો અને કાર ડ્રાઈવ કરી સ્કૂલે પહોંચી જવાનું.

આ રોજનું રૂટીન થઈ ગયું હતું. પણ આજે સ્કૂલ માટે નીકળતા મોડું થઈ ગયું. ઉતાવળમાં આજનું પેપર એની જગ્યાએ જ રહી ગયું અને ટેબલ પર મૂકેલો મિલ્કશેકનો ગ્લાસ પણ. અભીશ્રી રીતસર કાર તરફ દોડી, સેલ મારી તેણે કાર એ રીતે સ્ટાર્ટ કરી જાણે કોઈ કાર રેસમાં હિસ્સો લેવા જઈ રહી હોય. તેની નજર વારંવાર કાંડા ઘડિયાળ પર પહોંચી જતી હતી. ‘ઘરથી સ્કુલ ભલે અડધા જ કલાકના અંતરે હોય પણ આ ટ્રાફીકમાં અડધો કલાક પણ થકવી નાખનારો હોય છે.’ તે બબડી અને ગોકળગાય ગતિએ ચાલતી આગળની કારને ઓવરટેક કરી પરંતુ ત્યાં જ સામેના ચાર રસ્તા પર રેડ સિગ્નલ હોય તેણે બ્રેક મારવી પડી.

રસ્તા પરની બધી કાર ઊભી રહી જતાં જ સિગ્નલના થાંભલા પાસેથી એક છોકરો ધંધો કરી લેવાના આશય સાથે હાથમાં પેપરની થપ્પી લઈ દોડ્યો. અને એક પછી એક કાર પાસે આવી પેપર વેચવા માંડ્યો. અભીશ્રી આમ પણ આજે ઘરેથી પેપર સાથે લઈ લેવાનું ભૂલી ગઈ હતી. આથી તેણે કારનો ગ્લાસ નીચે કરી તે છોકરા પાસે હિન્દુસ્તાન ટાઈમ્સ લીધું અને તેના હાથમાં પૈસા મૂક્યા. ‘થેન્ક યુ દીદી.’ પેલા છોકરાએ ખુશ થતા કહ્યું અને ત્યાંથી રવાના થઈ ગયો. અભીશ્રીને પેલા છોકરાએ થેન્ક યુ કહ્યું તેથી થોડી નવાઈ લાગી.

સિગ્નલ પર પેપર વેચતો કોઈ ગરીબ, ગંદો છોકરો આટલા વિવેકપૂર્વક થેન્ક યુ કહે તે તેને માટે આશ્ચર્યની વાત હતી. સિગ્નલ ગ્રીન થઈ ત્યાંસુધી તે પેલા છોકરાને જોતી રહી. અચાનક પાછળની કારનો હોર્ન વાગ્યો અને અભીશ્રીની કારે સિગ્નલ વટાવી. ત્યારપછીનો આખો દિવસ નોટ્સસ રેડી કરવામાં અને છોકરાઓ ભણાવવામાં ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ ન પડી.

બીજા દિવસે પણ ફરી એ જ રૂટીન, પણ આજે અભીશ્રી સમયસર તૈયાર થઈ ગઈ હતી. પેપર, મિલ્કશેક બધુ બરાબર સમયસર સચવાઈ ગયુ અને આજે ફરી તેની કાર પેલા સિગ્નલ પર આવીને ઊભી રહી. ગઈકાલના ગ્રાહકને ફરી આવેલી જોઈ ધંધાની આશાએ પેલો છોકરો અભીશ્રીની કાર તરફ દોડી આવ્યો અને હાથમાં પકડેલી પેપરની થપ્પીમાંથી તેણે હિન્દુસ્તાન ટાઈમ્સ બહાર ખેંચી કાઢતા અભીશ્રી તરફ ધર્યું. પણ અભીશ્રીએ તેની બાજૂમાં પડેલું છાપું દેખાડતા ઈશારાથી જ કહ્યું કે, આજે તેની પાસે પેપર છે જ. પેલો છોકરો થોડો ઉદાસ થઈ ગયો. તેણે બળજબરીપૂર્વક ચહેરા પર સ્મિત લાવતા કહ્યું, ‘સૉરી દીદી.’ અને ચાલી ગયો.

પણ અભીશ્રીએ નોંધ્યુ કે, અચાનક તેની ચાલમાં જે ઉત્સાહ હતો તે ઓસરી ગયો હતો. ખરેખર તેણે એક પેપર નહીં લીધુ તેનાથી તે આટલો ઉદાસ થઈ ગયો હશે? તેને વિચાર આવી ગયો. સિગ્નલ ગ્રીન થઈ અને અભીશ્રી ચાલી ગઈ. દિવસ ફરી કામની વ્યસ્તતામાં પસાર થઈ ગયો.

‘મમ્મા હું જાઉં છું…’ સવારનું ફરી એ જ રૂટીન પણ આજે પેપર સ્ટેન્ડમાંથી પેપર ઉઠાવવા જતાં જ અભીશ્રીને પેલા સિગ્નલવાળા છોકરાની યાદ આવી ગઈ, તેણે પેપર પાછું મૂકી દીધું. અને ખબર નહીં કેમ પણ આજે અભીશ્રી ઘરથી નીકળતાની સાથે જ ક્યારે ચાર રસ્તાવાળો સિગ્નલ આવે તેની રાહ જોવા માંડી. સિગ્નલ પર કાર ઊભી રહી, પેલો છોકરો એ જ રીતે પેપર વેચતો હતો, તેણે અભીશ્રીને જોઈ પણ તે પેપર નહીં જ લે, એમ વિચારી તે અભીશ્રીની કાર પાસે આવ્યો જ નહીં. અભીશ્રીએ કારનો ગ્લાસ ડાઉન કર્યો અને બૂમ પાડી, ‘હેય…’ પેલાએ તરત અભીશ્રી તરફ જોયું અને ઉત્સાહથી દોડી આવ્યો, તરત હિન્દુસ્તાન ટાઈમ્સ આપતા બોલ્યો, ‘થેન્ક યુ દીદી.’ કદાચ તેને આશા બંધાઈ ગઈ હતી કે, અભીશ્રી હવે તેની રોજની ગ્રાહક બની જશે. અભીશ્રી તેના ચહેરા પર આવી ગયેલા સ્મિતને જોઈ ખુશ થઈ ગઈ.

તેણે રેડ સિગ્નલ તરફ જોયું હજી તે ગ્રીન થવાને અડતાલીસ સેકન્ડ બાકી હતી, આથી તેણે પેલા છોકરાને પૂછ્યું, ‘કલ ક્યા હુઆ થા? ક્યોં ઉદાસ લગ રહે થે?’ ‘કુછ નહીં દીદી, બસ પરસોં આપને પેપર લિયા થાના, તો મેરે સબ પેપર તુરંત બીક ગયે થે, ઓર મેં કોલેજ જા પાયા થા ઈસીલિયે.’ ‘અરે વાહ, ક્યા તુમ કોલેજ ભી જાતે હો? કોન સી કોલેજ મેં પઢતે હો તુમ?’ પણ એટલામાં જ સિગ્નલ ગ્રીન થઈ ગઈ અને અભીશ્રીએ કાર હંકારી જવી પડી. તે દિવસે ફૂટપાથ પર પેપર વેચતો એક છોકરો કોલેજ પણ જાય છે, તે જાણી અભીશ્રીને અંદરથી ખૂબ ખુશી થઈ હતી. તેનો આખો દિવસ ખૂબ સરસ ગયો.

સાંજે ઘરે આવી તેણે પપ્પાને વાત કરી. ‘પાપા, આપણા રોડ પરના ચાર રસ્તા પર એક છોકરો છે, તે સવારે પેપર વેચે છે અને પછી કોલેજ જાય છે. પાપા, ઈઝન્ટ ઈટ સો એન્કરેજીંગ?’ પપ્પાએ તેના તરફ જોયું અને ફરી થાળીમાં ચમચી ઘુમાવતા બોલ્યા, ‘આ બધા લબાડ હોય છે, લાલી. ક્યારે તમારી કારમાંથી પર્સ, મોબાઈલ કે કોઈ બીજી વસ્તુઓ તફડાવી જાય, ખબર પણ ન પડે. તું એને બઉ મોઢું નહીં આપતી હં!’ અભીશ્રીને જરાય આશા નહોતી કે તેના પપ્પાનો આવો રિપ્લાય આવશે. તે ચૂપ થઈ ગઈ.

‘ગોખલે કોલેજમાં, દીદી!’ આજે પેલા છોકરાએ અભીશ્રીને પેપર આપતા જ તુરંત ગઈકાલે અધુરી રહી ગયેલી વાતનો છેડો પકડતા કહ્યું. જાણે સાંઈઠ સેકન્ડનું મૂલ્ય એ બરાબર સમજતો હતો. ‘તારૂં નામ શું છે?’ અભીશ્રીએ પૂછ્યું. ‘વિકાસ’ પેલો ગંદો શર્ટ પહેરેલો અને હાથમાં પેપરની થપ્પી પકડી ઉભેલો છોકરો બોલ્યો. ‘વાહ સરસ નામ છે તારૂં!’ આજે અભીશ્રીએ પેપર લેવા માટે દસ રૂપિયા આપ્યા હતા તેમાંથી બચેલા પૈસા વિકાસ પાસે પાછા નહીં લીધા. ‘ગોખલે તો આર્ટ્સ ફેકલ્ટિની કોલેજ છે ને? કયા વર્ષમાં છે તું વિકાસ?’ ‘જી દીદી, ફર્સ્ટ યર, જુનિયર કોલેજ. એટલે જ તો પેપર વેચી શકું છું, નહીં તો સવારે કોલેજ હોય તો નહીં થાય.’

‘ઓહ, તો સવારે બિઝનેસ અને આફટરનુનમાં કોલેજ એમ ને?’ અભિશ્રી બોલી. ‘ના દીદી, સવારે બિઝનેસ, આફટરનુનમાં કોલેજ અને સાંજે ફરી બિઝનેસ. સવારના પેપર વેચું છું, સાંજે કોલેજથી આવતી વખતે માર્કેટથી બચેલા ફૂલો લઈ આવું છું અને સાંજે તે વેચું છું. તમને ગમે છે ફૂલો?’ વિકાસે ઉત્સાહથી પૂછ્યું પણ વળતો જવાબ આપવા જેટલો સમય ક્યાં બચ્યો હતો! પેલી સંવાદ દુશ્મન સિગ્નલ ગ્રીન થઈ અને અભિશ્રીએ આગળ વધી જવું પડ્યુ. પણ અધુરા રહેલા સંવાદને હવે સિન્ગ્નલ ખલેલ પહોંચાડી શકે તેવું રહ્યું ક્યાં હતું.

‘હા મને ફૂલો ગમે છે ને, ખૂબ ગમે છે, વિકાસ!’ સમય વેડફ્યા વિના આગલા દિવસે અધુરા રહેલા સંવાદનો દૌર અભિશ્રીએ બીજે દિવસે આગળ વધારતા કહ્યું. ‘તો આજે સાંજે આવશો તમે, મારા ફૂલો ખરીદવા?’ વિકાસે તુરંત પૂછ્યુ. ‘હા આવીશ પણ એક શરતે!’ અભિશ્રીએ વિકાસ પાસેથી લીધેલા પેપરના પૈસા આપતા કહ્યું. આજે પણ તેણે ચાર રૂપિયાના પેપરના દસ રૂપિયા જ આપ્યા હતા. ‘અરે, એમાં શરત શું દીદી, મારા બધાં ફૂલ એકદમ સુંદર હોય છે,’ વિકાસે એક મંજેલા સેલ્સમેનની અદાથી કહ્યું. ‘અરે ના હવે…,’ ફરી સિગ્નલ ગ્રીન થઈ ગયો. પરંતુ આજે અભિશ્રી શું શરત કરવા માગે છે તે સાંભળવા માટે વિકાસ તેની કારની પાછળ-પાછળ દોડ્યો.

અભિશ્રીએ વિકાસને દોડતા જોયો એટલે તેણે સિગ્નલ ક્રોસ કરી સામેના રસ્તે કાર બાજૂ પર લઈ લીધી અને ઊભી રહી ગઈ. તેણે ડ્રાઈવર સીટની બાજૂનો દરવાજો ખોલ્યો અને વિકાસને અંદર આવી બેસી જવાનો ઈશારો કર્યો. વિકાસ ઉત્સાહથી અંદર આવી બેસી ગયો. અભિશ્રીએ જોયું કે, વિકાસ શું શરત છે તે પૂછવાની જગ્યાએ, કારના એ.સી. બ્લોઅરની સામે પોતાનું મોં ધરી ઠંડી હવાની મજા લેવા માંડ્યો. અભિશ્રીને આ જોઈ કૂતુહલ ઓછું અને આનંદ વધુ થયો.

આથી તેણે વિકાસને એ.સી.ની ઠંડક મનભરીને માણી લેવા જેટલો સમય આપ્યો અને તેની તરફ જોતી રહી. વિકાસ છોભીલો પડી ગયો, તે નીચું જોઈ ગયો. ‘અરે, શું થયુ? એમાં આમ શરમાઈ છે શું? હું પણ રોજ કારમાં બેસુ એટલે સૌથી પહેલાં તારી જેમ જ એ.સી. સામે બે મિનિટ સુધી બેસી રહું છું.’ અભિશ્રીએ વિકાસનો સંકોચ ઓછો કરવાના આશયથી કહ્યું. ‘હં ને દીદી, કેવી મજા પડી જાય નહીં! આ ઠંડુ ઠંડુ, જાણે એવું જ લાગે ને કે હું આઈસક્રીમથી નાહી રહ્યો છું?’ વિકાસ ઉત્સાહથી સાવ નિર્દોષભાવે બોલી ગયો. ‘તને ભાવે છે આઈસક્રીમ?’ અભિશ્રીએ પૂછ્યું. ‘હા, પહેલાં ખૂબ ભાવતું, પણ હવે નથી ખાતો!’ વિકાસના ચહેરા પરની ખુશી જાણે અચાનક કાર એ.સી.ની ઠંડકમાં ક્યાંક ઓગળી ગઈ. ‘કેમ? હવે નથી ખાતો?’ અભિશ્રીને જાણે આજે સ્કૂલે જવાની કોઈ ઉતાવળ નહોતી. ‘જવા દો ને દીદી, એ બધી વાતો.

તમે એ કહો કે મારા ફૂલો લેવા માટે કઈ શરતની તમે વાત કરતા હતાં?’ વિકાસે, અભિશ્રીને પેલી શરતવાળી વાત યાદ કરાવી. ‘હા, શરત એ છે કે, જો તું મને તારી બુક્સ દેખાડશે અને ફૂલો વેચી લીધા પછી મારી પાસે ટ્યુશન આવવાની હા કહેશે તો જ હું તારા ફૂલો ખરીદીશ. ‘તમારી અડધી શરત મંજૂર, અડધી નહીં.’ વિકાસે કહ્યું. ‘આ વળી પાછું અડધું-અડધું એટલે શું?’ અભિશ્રીએ પૂછ્યું. ‘અડધી શરત મંજૂર એટલે કે, મારી બુક્સ તમને જરૂર દેખાડીશ, પરંતુ બીજી અડધી એટલે એમ કે હું તમારી પાસે ટ્યુશન નહીં આવી શકું.’ વિકાસે નિખાલસ ભાવે કહ્યું. ‘અરે, ગાંડા ચિંતા નહીં કર હું તારી પાસે તગડી ફી નહીં માંગુ.’ અભિશ્રીએ પણ એટલાં જ નિર્દોષ ભાવે કહ્યું. ‘અરે ના ના દીદી, ફીના પૈસાની તો કોઈ વાત જ નથી. મારી પાસે પૈસા તો છે, મેં બચાવ્યા છે.

પણ સાંજે ફૂલ વેચીને પછી મારે રૂપલીને મલાડના પુલિયા નીચે મૂકવા જવાની હોય ને… પછી એ મારા માટે રોટલો ઘડી આપે તે લઈને હું પાછો બોરીવલી આઉં ત્યાંસુધીમાં જ ૧૦.૦૦ વાગી ગયા હોય. પછી હું ક્યારે આવું તમારી પાસે ટ્યુશન ભણવા? અને આમ પણ દીદી અમારે ટ્યુશનમાં ભણીને શું કરવું છે? રૂપલીને ફૂગ્ગા વેચવાનો ધંધો નહીં કરવો પડે એટલું ભણી લઉં એટલે બસ.’ વિકાસ જાણે કોઈ મહાન તત્વચિંતક બોલી રહ્યો હોય તે અદાથી બોલ્યો છતાં અભિશ્રીએ નોંધ્યુ કે વિકાસના ચહેરા પરનું ભોળપણ હજીય યથાવત હતું. ‘આ રૂપલી કોણ છે, વિકાસ? તારી ગર્લફ્રેન્ડ છે?’ અભિશ્રીએ આંખ મિચકારી. ‘અરે વાહ, તમને કઈ રીતે ખબર પડી?’ વિકાસના ચહેરા પર એક અનેરી ચમક આવી ગઈ. ‘તારો ચહેરો જો કેવો લાલ લાલ થઈ ગયો છે, મને નહીં આ સિન્ગ્નલના થાંભલાને પણ સમજાઈ ગયું હશે કે રૂપલી વિકાસની ગર્લફ્રેન્ડ છે.’ અભિશ્રીએ મજાક કરી. ‘જાવ જાવ હવે, શું તમે પણ!

થાંભલાને તો ખબર જ હોય ને, રોજ સાંજે અહીં જ તો રૂપલી મારા ફૂલોનો કરંડીયો સાચવીને બેઠી હોય. બધા ફૂલો વેચાયા નથી કે હેય અમે હાલવા માંડીએ મલાડ તરફ.’ વિકાસે મસ્તમૌલાની જેમ હાથ હવામાં અધ્ધર કર્યા. ‘સારું ચાલ હમણાં તો મને મોડુ થાય છે, હું નીકળું. પણ તારી રૂપલી સાથે મારી ઓળખાણ તો કરાવીશને?’ ‘હા હા, કેમ નહીં. મળાવીશને.’ વિકાસ કારમાંથી નીચે ઉતર્યો અને અભિશ્રીને આવજો કહેતા ફરી સિગ્નલ તરફ દોડી ગયો. ધોમધખતા તાપથી કે તેને કારણે થયેલા પરસેવાથી જાણે તેને કોઈ ફર્ક નહીં પડતો હોય તેમ ઉત્સાહથી તરબતર વિકાસ ફરી પોતાના પેપર વેચવાના ધંધામાં લાગી ગયો. અને આ તરફ આભિશ્રીને પણ તેના આ નવા મિત્ર સાથે વાત કરીને આજે મજા પડી ગઈ હતી, તે એણે પણ કારની મ્યુઝિક સિસ્ટમમાં વાગતી જગજીત સિંહની સ્લો રીધમવાળી ગઝલ બદલાવી નાઈન્ટીઝનું એક રોમેન્ટીક ગીત વગાડ્યુ, ‘ના કજરે કી ધાર, ના મોતીયોં કા હાર, ના કોઈ કીયા શિંગાર ફીર ભી કીતની સુંદર હો… તું કીતની સુંદર હો,’

તે દિવસેની સાંજે અભિશ્રી વિકાસ પાસે ફૂલો ખરીદવા સિગ્નલ પર પહોંચી ગઈ. વિકાસે તેને આખાય ઝુમખામાંથી બે સરસ મજાના લાલ ગુલાબ ખોળીને આપ્યા. અભિશ્રીએ વિકાસને પૂછ્યુ પણ નહીં કે આ બે ફૂલોના કેટલાં પૈસા થયા? તેણે વીસ રૂપિઆની બે નોટો વિકાસના હાથમાં મૂકી દીધી. ‘અરે દીદી, એક ફૂલના દસ રૂપિયા, તમે મને વીસ રૂપિયા વધારે આપ્યા. આ લ્યો.’ વિકાસે બીજી વીસની નોટ આપતા કહ્યું. ‘ના રહેવા દે, આ વીસ રૂપિયા તારી રૂપલીને આઈસક્રીમ ખવડાવવા માટે.’ અભિશ્રીએ નહીં લીધા. ‘અરે દીદી, મેં તમને કહ્યું ને, મને આઈસક્રીમ ખૂબ ભાવે પણ હવે હું નથી ખાતો. રૂપલીને આઈસક્રીમ ખાય ને તો ગળામાં સોજો આવી જાય છે એટલે હવે હું પણ આઈસક્રીમ કે બરફગોળો નથી ખાતો.’

વિકાસે વીસની નોટ ફરી અભિશ્રીને આપી દીધી. ‘સો સ્વીટ!’ અભિશ્રીએ વીસની નોટ પાછી લઈ લીધી અને કાર ઘર તરફ હંકારી મૂકી. ‘પપ્પાને આ સિગ્નલ પર ધંધો કરતા લોકો માટે કેટલી ખોટી ઈમ્પ્રેશન છે!’ અભિશ્રીને વિચાર આવી ગયો.

બે ત્રણ દિવસ વિત્યા હશે ત્યાં એક દિવસ વિકાસ અને અભિશ્રી વચ્ચે નક્કી થયા અનુસાર રૂપલી સાથેની મિટીંગ ગોઠવાઈ ગઈ. ‘દીદી, આ મારી રૂપલી, એય રૂપલી આમ ઉપર તો જો, આ દીદી છે. મેં તને કહ્યું હતું ને, મારા સવારના હિન્દુસ્તાન ટાઈમવાળા દીદી તે જ.’ વિકાસે ઓળખાણ કરાવી. અભિશ્રીએ રૂપલી તરફ હાથ લંબાવ્યો, ‘હાય રૂપલી!’ રૂપલીએ શરમાતા શરમાતા હાથ મેળવ્યો અને પછી તુરંત વિકાસના કાનમાં અભિશ્રી સાંભળે નહીં તે રીતે કહ્યું, વિકાસ તે સાંભળતાની સાથે જ ખડખડાટ હસી પડ્યો. ‘શું કહ્યું એણે, વિકાસ?’ અભિશ્રીએ પૂછ્યું. ‘હા… હાઆઆ આ ગાંડી કહે છે કે, દીદીને કહે મારું નામ રૂપલ છે, રૂપલી તો હું ખાલી તારા માટે!’ વિકાસની આ વાત સાંભળી અભિશ્રી પણ જોરમાં હસી પડી, ‘સો સ્વીટ ઓફ યુ રૂપલી, સૉરી સૉરી… રૂપલ.’ રૂપલ શરમની મારી પાણી પાણી થઈ ગઈ, તેણે વિકાસના હાથ પર ચોંટીયો ભરી લીધો. તેમની આ મીઠી છેડછાડ જોઈને અભિશ્રીને ખૂબ મજા પડી રહી હતી. મનોમન તેણે જાણે ઈશ્વર સાથે સંવાદ કરી લીધો, ‘હે ઈશ્વર આ બંનેને આવા જ ભોળીયા રહેવા દેજે, પ્લીઝ!’

સમય વિતતો ગયો તેમ તેમ વિકાસ અને અભિશ્રીની દોસ્તી પણ વધુ ગહેરી બનતી ગઈ, ક્યારેક રૂપલ પણ અભિશ્રીને મળવા દોડી આવતી હતી. તો ક્યારેક વળી અભિશ્રી સમય કાઢીને સાંજે રૂપલને મળવા સિગ્નલ પર પહોંચી જતી. પછી તો અભિશ્રીએ રૂપલને પહેરવા માટે બે-ત્રણ નવા ડ્રેસ પણ ખરીદી આપ્યા, વિકાસને પણ ફી ભરવા માટે ક્યારેક પૈસાની જરૂર હોય તો તે પૂછી લેતી. ક્યારેક ઘરે કોઈ નવી વાનગી બનાવી હોય તો તે પણ અભિશ્રી યાદ રાખીને આ બંને ભોળા પ્રેમી પંખીડા માટે લઈ જતી.
આમને આમ ત્રણ-ચાર મહિનાનો સમય ક્યાં વિતી ગયો ખબર પણ નહીં પડી. વિકાસ-રૂપલ અને અભિશ્રી જાણે હવે એક જ પરિવારના સભ્યો બની ગયા હોય એટલાં નજીક આવી ગયા હતાં. અને એક રાત્રે અચાનક અભિશ્રીના મોબાઈલ પર ફોન આવ્યો. સામા છેડે વિકાસ હતો, ‘દીદી, કાલેને કાલે મારે રૂપલી હારે લગન કરવા છે, તમે આવશો?’ અભિશ્રીને વિકાસની આ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી.

વિકાસના અવાજમાં ચિંતા, ગુસ્સો અને કંઈક કરી નાખવાનો મક્કમ નિર્ધાર હોય તેમ અભિશ્રીને લાગ્યું. ‘પહેલાં તો તું શાંત થઈ જા, વિકાસ. આમ અચાનક અને ઉતાવળે આટલો મોટો નિર્ણય નહીં લેવાય. શું થયુ છે, મને સરખી વાત કર જોઉં.’ અભિશ્રીએ કહ્યું. ‘ના દીદી કોઈ વાત નથી કરવી, બસ મારે રૂપલી હારે લગન કરવા છે, તમે આવશો કે નહીં એટલું મને કહો!’ વિકાસ એક જ જીદ્દ પકડીને બેઠો હતો, તે બીજી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતો. ‘સારું સારું, તું ચિંતા નહીં કર, હું કાલે સવારે આવું છું, આપણે શાંતિથી વાત કરીએ, પછી તારે લગ્ન કરવા હશે તો તે વિશે પણ વિચારશું.’ અભિશ્રીએ વિકાસને શાંત પાડતા કહ્યું. ‘ના વિચારશું કંઈ નહીં દીદી, વિચારવા જેવું કંઈ છે જ નહીં, બસ કાલે હવારે મારે રૂપલી હારે લગન કરવા છે.’ એક એક વાક્યે વિકાસની જીદ્દ્ જાણે વધતી જઈ રહી હતી. ‘ઓ.કે. બાબા, કાલે સવારે મળીએ પછી બધી વાત, હમણાં તો શાંતિથી સૂઈ જા.’ કહેતા અભિશ્રી હજી તો ફોન કટ કરવા જાય તે પહેલાં જ સામે છેડેથી વિકાસે ફોન મૂકી દીધો.

શું થઈ ગયું હશે આ છોકરાને આમ અચાનક? રૂપલીના ઘરે ખબર પડી ગઈ હશે? તેને મારી તો નહીં હોય ને? વિકાસને તો એ લોકોએ મારવા નહીં લીધો હોય ને?’ શક્યતાઓ અનેક હતી અને અભિશ્રીના મનમાં ચાલતા વિચારો અને ચિંતાઓ એથીય વધુ હતી. ઊંઘ તો હવે આવવાથી રહી. પોતાના પ્રિય મિત્રનો અચાનક આ રીતે ફોન આવે અને તે ફોન પર એ જીદ્દે ચઢીને કોઈ નિર્ણય સંભળાવી દે તો ક્યાંથી ઊંઘ આવવાની હતી. વહેલી પડે સવાર. આ તરફ વિકાસના મનમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો હતો, વહેલી પડે સવાર.

સવાર પડતાંની સાથે જ અભિશ્રી ફટાફટ તૈયાર થઈ ગઈ અને આજે રોજના સમય કરતા અડધો કલાક વહેલી જ સ્કૂલે જવા માટે નીકળી ગઈ. તેને ખબર હતી કે વિકાસ હજીય રાતની જીદ્દ પકડીને જ બેઠો હશે આથી તેણે તેને સમજાવવા માટેના વાક્યો મનોમન ગોખી રાખ્યા હતાં. સિગ્નલ પાસે પહોંચતા જ અભિશ્રીની કાર જોઈ વિકાસ રૂપલનો હાથ પકડીને રીતસર તેને ખેંચતા અભિશ્રીની કાર સુધી દોડી ગયો. તેણે પાછળનો દરવાજો ખોલ્યો, રૂપલને બેસાડી અને ડ્રાઈવર સીટની બાજૂનો દરવાજો ખોલી તે પણ બેસી ગયો, ‘ચાલો દીદી, ૐકારેશ્વર મંદીરે લઈ લો,’ વિકાસે જાણે બધુ નક્કી જ કરી રાખ્યું હતું. ‘અરે અરે વિકાસ, જરા થોભ મારા ભાઈ, આમ ઉતાવળે તારે પરણીને ક્યાં જવું છે? થયું છે શું તે તો મને કહે જરા, તને સમજ પણ પડે છે લગ્ન કેટલી મોટી જવાબદારી છે? આમ ઉતાવળે કૂદી નહીં પડાય.’ અભિશ્રીએ સમજાવટનો પહેલો દૌર શરૂ કર્યો.

‘કંઈ મોટી જવાબદારી નથી દીદી, મારે આ રૂપલીને રોટલો બનાવવા જેટલાં પૈસા કમાઈ આપવા પડશે એટલું જ ને? એ તો હું કમાઈ જ લઈશ! બસ તમે ચાલો.’ વિકાસ જાણે કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતો. પાછળ બેઠેલી રૂપલ તો ક્યાં કશુંય બોલી જ શકે એમ હતું, તે તો બસ કારમાં બેઠી ત્યારથી રડ્યે જતી હતી. ‘અરે, વિકાસ ખાલી પૈસા કમાઈ લેવા એટલું જ પુરતું નથી લગ્ન માટે, તું રૂપલને રાખશે ક્યાં? અને રાખવાનો વિચાર કરવા પહેલાં એ તો જો કે હજી તારી ઉંમર જ શું છે? હજી તો તું જુનિયર કોલેજમાં ભણે છે, અને આ રૂપલ! માંડ સોળ વર્ષની થઈ. અને પહેલાં મને એ કહે કે આ રૂપલ રડે છે શા માટે? ખરેખર શું થયું છે વિકાસ મને કહે જોઉં!’ અભિશ્રીએ હવે તેના અવાજમાં થોડી કડકાઈ ઉમેરી. વિકાસે રડી રહેલી રૂપલ તરફ નજર નાખી અને જાણે તેને રડતાં જોઈને તેનો ગુસ્સો અને નિર્ણયની મક્કમતા ઓર બેવડાઈ ગયા.

‘હવે રડે છે શા માટે, મેં કહ્યુંને તને, હું છું અહીં, મરી નથી ગયો હજી, બંધ કર રડવાનું.’ આ છેલ્લું વાક્ય બોલતી વખતે વિકાસના અવાજમાં એટલો ગુસ્સો વર્તાય રહ્યો હતો કે અભિશ્રી પણ તેને જોઈ નવાઈ પામી ગઈ, તેણે આ પહેલાં વિકાસને ક્યારેય આ રૂપમાં જોયો નહોતો. ‘શાંત થા વિકાસ, શાંત થઈ જા મારા ભાઈ, તારા લગ્ન રૂપલ સાથે જ થશે, ચિંતા નહીં કર. કોઈ ના પાડે તો પણ હું તારા લગ્ન કરાવીશ બસ. પણ હમણાં થોડાં વર્ષો થોભી જા ભાઈ, તું કોલેજ પુરી કરી લે, ગ્રેજ્યુએટ થઈ જા, ત્યાં સુધીમાં રૂપલ પણ સંસાર સંભાળવા જેટલી મોટી અને સમજદાર થઈ ગઈ હશે પછી આપણે ધામધૂમથી તમારા લગ્ન કરાવીશું. હજી ખૂબ સમય છે આપણી પાસે.’
‘સમય? સમય જ તો નથી આપણી પાસે દીદી, અમે તો મહિનાઓ નહીં વર્ષોની પણ રાહ જોવા તૈયાર છીએ પણ આ રૂપલીના પેટ પાંહે સમય નથી ને! એ તો વધશે જ!’

વિકાસ ગુસ્સામાં જેટલો લાલ થઈ ગયેલો જણાતો હતો તેના કરતા વધુ તેની આંખોમાં હવે લાચારી ધસી આવી હતી. ‘પેટ પાસે સમય નથી એટલે? ઓહ ગોડ, ડોન્ટ ટેલ મી, વિકાસ તેં અને રૂપલે…’ આશ્ચર્યથી અભિશ્રીની આંખો પહોળી થઈ ગઈ. ‘ના ના દીદી અમે કંઈ જ નથી કર્યું પણ, આ રૂપલીનો બાપ સાલો હરામજાદો, રોજ થાય ને ઈ પીધરાને દારૂની પોટલી જોઈએ, મને એમ કે છો ડોહો પીતો, આપણે કેટલાં વરહ, પણ એ હરામીએ દારૂની પોટલીવાળા એંઠા મોઢે… મારી રૂપલીને પણ એંઠી કરી મેલી… રહેંસી નાખી મારી રૂપલીને દીદી… રહેંસી નાખી… હરામજાદો છેલ્લાં ચાર મહિનાથી… અને આ રાંડ મને કહેતી પણ નથી…’ રૂપલની સાથે સાથે હવે વિકાસ પણ રડી પડ્યો. ગુસ્સામાં તે શું બોલી રહ્યો હતો તેનું પણ તેને ભાન નહોતું. ‘શું? રૂપલના સગ્ગા બાપે જ એની…’ અભિશ્રીના મોઢે જે શબ્દો આવતા પણ ધૃણા મહેસૂસ કરી રહ્યા હતાં તે શબ્દોવાળી યાતના રૂપલ સતત ચાર મહિનાથી વેઠતી રહી હતી.

હવે આગળ અભિશ્રીથી કંઈ જ બોલી શકાય તેમ નહોતું, તેણે કાર ૐકારેશ્વર મંદિર તરફ હંકારી મૂકી. મંદિરની બહાર બેઠેલાં માળી પાસે તેણે બે હાર લીધા, વિકાસ અને રૂપલના હાથમાં તે હાર પકડાવતા એક છેલ્લાં પ્રયત્નરૂપે તે બોલી, ‘વિકાસ આપણે કોઈ ગાયનેક ડૉક્ટર પાસે રૂપલને…’ ‘એ સમય પણ હવે નથી દીદી, રૂપલી ચાર મહિનાથી માથે નથી બેઠી… સાલો હરામજાદો…’ વિકાસના મોઢે ફરી ગાળ નીકળી પણ મંદિરની બહાર ઊભો હોવાથી તે અટકી ગયો. ‘હવે તો એ નાલાયકનું પોયરુંને મારું જ પોયરું માની લેવા બીજું હું, પણ રૂપલને હવે પાછી હું મલાડ નહીં મોકલવાનો… બસ!’ અભિશ્રીને થયું કે, મારી કારની પેનડ્રાઈવમાં મંગ્લાસ્ટક કેમ નથી યાર, નહીં તો હમણાં જ હું મોટ્ટા અવાજે આ ઘડીયા લગ્ન ટાણે તે વગાડી રહી હોત!

લેખક : આશુતોષ દેસાઈ 

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો !!

ટીપ્પણી