શું તમને તમારી લાઈફ બોરિંગ અને નીરસ અને ખુશીની કમી લાગે છે તો આ વાંચો…

ખુશ રહેવું છે, પણ કેવી રીતે ?

“ અંતરના…એકાંતે, માનવ એકલો…!!”

એ…યને રામ…રામ છે બધાને…!! કોઈને જોઈને એક સ્મિત સાથે આટલુંક કહેવામાં આપણું કંઈ લૂંટાઈ ના જાય હો બાપલા ! ઉલટાનું મારું તો માનવું છે કે સ્મિત, હાસ્ય એક જબરદસ્ત ચેપી રોગ છે. એક હસે એટલે એનો હસતો ચહેરો જોઈને સામાવાળાને પણ અસર થઈ જ જાય, એય જરાક મલકી તો લેજ અને મારા જેવું ખુશમિજાજ માણસ હોય તો ખુલ્લા દિલે હસી પડે…

 

કેટલાક માણસો જ એવા ગજબ હોય છે, એ જ્યાં પણ જાય વાતાવરણમાં આપોઆપ જ તાજગી આવી જાય… તમને પણ અનુભવ હશે એવા કોઈક માણસનો કે એેને જ્યારે પણ મળો તમે ખુશ થઈ જાઓ. એની વાતો, બોલવાની સ્ટાઈલ, એનું હસવું, એનો મદદ કરવાનો વિશ્વાસ આપવો પછી ભલે મદદ કરે કે ના કરે, એ બધું કે એમાનું એકાદ આપણને ગમતું હોય છે અને એ વ્યક્તિને મળીને આપણે બસ એમજ, કોઈ દેખીતા કારણ વગર ખુશ થઈ જઈએ છીએ.

મને યાદ છે, આજથી વરસો પહેલાં હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી. મારા દાદા જ્ઞાતિના આગેવાન અને સમાજ કલ્યાણના કામોમાં આખો દિવસ દોડાદોડ કરતા. ઘણીવાર એવું બનતું કે એ ખૂબ ગુસ્સે થઈ જતા. સામેવાળો માણસ એમની વાત સમજે નહિ અને ખોટી દલીલો કરે જાય ત્યારે મારા દાદાને ખૂબ ગુસ્સો આવી જતો. હવે ગુસ્સાથી આગબબુલા દાદા આગળ એ સમયે જરીકે શેહશરમ રાખ્યા વગર વાત કરી શકે એવા માત્ર એક જ વ્યક્તિ હતા, મારા દાદાના મિત્ર સોમભઈ મહારાજ. સોમભઈ મહારાજ, છ ફૂટ ઊંચો, એકવડિયો દેહ, જગારા મારતું ગૌર મુખ, કપાળ પર કુમકુમનું તિલક અને સદા હસતા રહેતા હોઠ… એમને જોઈને જ આપણે સામે સ્મિત આપ્યા વગર રહી જ ન શકીએ.

એમના પધારવા માત્રથી અમારું શાંત, શિસ્તબદ્ધ ઘર જાણે જીવંત બની જતું. મળવા તો એ દાદાને જ આવ્યા હોય પણ, જેને જેને જુએ એ બધાના ખબર અંતર પૂછે, હાથ ઉપર કરી આશીર્વાદ આપે. આજનો એમનો દિવસ કેવો જશે એ પણ સામેથી કહી દે… મોટે ભાગે બધું સારું થશે એવું જ કહેતા હોય, તોય આપણને એમ થાય આજે મહારાજે કહેલું એટલે બધું કામ સરળતાથી પાર પડ્યું. દાદાને મોંઢા મોઢ કંઈ પણ કહી શકવાની અને એ પણ હસતા હસતા એ આવડત જ એમનું જમા પાસુ. દાદા પણ એમને જોતાજ અડધો ગુસ્સો ભૂલી જતા…! ખરેખર આવા કેટલાક માણસો સાથે ગરોબો રાખવો દોસ્તો. ખુશ રહેવા એ ખૂબ જરૂરી છે. આજે માણસ પાસે ખુશ રહેવાના રસ્તા ઘણા છે છતાં એ ઉદાસ છે, એકલો છે !!

હવે તમને થશે આ બેન શું ક્યારનાય મંડ્યા છે…ખુશી…ખુશી..! આ ખુશી કઈ ચિડિયાનું નામ છે ? એ કઈ દુકાનેથી મળે ? જો મારી પાસે કોથળો ભરીને રૂપિયા હોય તો એના બદલામાં હું એક મુઠ્ઠી ખુશી ખરીદી શકું ?

ના. બધાજ સવાલોનો એક જ જવાબ છે, ના અને ના. ખુશ રહેવા માટે તમારું મન કેળવાયેલું જોઈએ ! એ કેળવણી ચાલું થઈ જાય છે માતાના ગર્ભમાંથી ! એક બાળક એના પરિવાર સાથે રહીને એમને હસતાં જોઈને પોતે હસવાનું શીખે છે, અહીં હસવું એટલે ફક્ત સ્મિત ફરકાવવું નહિ, પણ ખરેખર ખુશ હો ત્યારે આપોઆપ ચહેરાં પર આવી જતું તેજ…! તમે જાતે ખુશ ન રહી શકતા હોવ તો એવા માણસોની વચમાં રહો…તમારો મૂડ આપોઆપ બદલાઈ જશે !!

અત્યારે જ્યાં જુઓ ત્યાં લોકો મોંઢા લટકાવીને બેઠા હોય છે. કોઈને કમાવાનું ટેન્શન, જેની પાસે રૂપિયા છે એને એ ડબલ કરવાનું ટેન્શન, વધારે પડતાં રૂપિયા હોય તો સમય નથી પરિવાર સાથે રહેવાનો, કોઈને એની પત્નીથી પ્રેમ નથી, કોઈને થાય બાજુવાળી ભાભી જેવી એની પત્ની હોત તો કેટલું સારું.., બાજુવાળી ભાભીને પરિવાર એક બંધન રૂપ લાગતો હોય જાણે રાંધવાની જવાબદારી ના હોત તો એ શું નું શું કરી નાખત ! ભણતા હોય એમને વાંચવાનું ટેન્શન, પાસ થયા બાદ નોકરી, નોકરી બાદ છોકરી, પછી વધારે રૂપિયા, પછી સમયનું ના બચવું, ઘરમાં કંકાશ અને છેલ્લે લટકાવેલા મોઢા..!!

 

મારું માનો તો સવારે ઉઠો ત્યારે એક વાર તમારાં પોતાના ઉપર નજર નાખજો, તમે આજે સારા સાજા છો ! કેટલાંય એવા હશે જેની સવાર હોસ્પિટલમાં પડી હશે જે તમારી જેમ ઘરે, એમની પોતાની પથારીમાં જાગવાં માટે ભગવાનને પ્રાર્થના કરતાં હશે. તમારી બાજુમાં તમારાં બાળકો શાંતિથી ઊંઘી રહ્યાં હોય તો તમે નસીબદાર છો, કેટલાય એવા છે જેના ઘરે શેર માટીની ખોટ છે. તમે તૈયાર થઈને આવો ત્યારે તમારી પત્ની તમને ગરમા ગરમ ચા બનાવી આપે અને તમારી સાથે એ પણ પીવા બેસે તો તમે ખરેખર નસીબદાર છો દોસ્ત, કેટલાયની પત્ની નથી હોતી કે સવારમાં કામમાં પરોવાયેલી હોય તો સાથે ચા પીવાનો પણ સમય નથી કાઢી શકતી. રોજ તમને બે સમયનું ખાવાનું મળી જતું હોય તો તમે ખરેખર નસીબદાર છો, કેટલાય એવા છે જે એક ટંકનું ખાવા બેસે ત્યારે આગળના ટંકનું ખાવા મળશે કે કેમ એ વિચારતા હોય !

ટેન્શન તો જીવનભર રહેવાનું…એમાં મનને વિચલિત કર્યા વગર, બીજા પોતાને ખુશ રાખવા પ્રયત્ન કરે એવું વિચાર્યા વગર હું બીજાને અને એથીયે વધારે હું મને પોતાને ખુશ કેમ રાખી શકું એ વિચારો ! જો તમે ખુશ તો તમારી આસપાસના બધા ખુશ ! હાસ્ય એક ચેપી રોગ છે…કોઈવાર અજમાવી જોજો. તમને હસતાં જોઈને ઘણાં બધાં હસવા લાગશે પણ, તમને રડતાં જોઈને કોઈ રડશે નહિ…!!

આજનું જ્ઞાન સમાપ્ત આશા રાખું છું તમને એ ગમ્યું ન ગમ્યું હોય તો હસી કાઢજો…

લેખક : નિયતી કાપડિયા

દરરોજ આવી અનેક વાતો અને માહિતી વાંચો ફક્ત આમારા પેજ પર.

ટીપ્પણી