શ્રાવણમાસ નું એવું તો શું મહત્વ છે ? જાણો, શિવનો મહિમા અને શ્રાવણ નું મહત્વ અને પૂજાવિધિ…

શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે. ત્યારે જાણી લો આવતી કાલથી શરૂ થતાં શ્રાવણ માસનો શું છે મહિમા અને શા માટે આ માસમાં શિવજીનો કરવામાં આવે છે જળાભિષેક.

શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવપુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિનાના વ્રત ન કરી શકતાં હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતાં હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

આ સમયમાં નદીઓમાં પણ નવા નીરની આવક થતી હોય છે તેથી ખાસ દિવસો પર ભક્તો તીર્થસ્નાન પણ કરતાં હોય છે. ભારતના પ્રમુખ તીર્થસ્થાન જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર ખાતે તો આ દિવસોમાં કાવડ યાત્રા નીકળે છે જેમાં ભક્તો કાવડમાં નદીનું પવિત્ર જળ ભરી શિવજીનો રુદ્રાભિષેક કરે છે. માન્યતા છે કે દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન પણ આ માસ દરમિયાન જ થયું હતું.

શ્રાવણ માસના સોમવારની વાત કરવામાં આવે તો આ વાર શિવજીનો પ્રિય હોવાથી ખાસ ગણાય છે. તેથી જ તો સોમવારનું વ્રત દરેક શિવભક્ત કરતાં હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેને વર્ષભરની પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ વર્ષના શ્રાવણ માસની ખાસ વાત તો એ જ છે કે પવિત્ર મહિનો શરૂ પણ સોમવારથી થઈ રહ્યો છે અને પૂર્ણ પણ સોમવારે જ થશે.

શા માટે શિવજીનો થાય છે જળાભિષેક :

દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યાં, તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યુ. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યારપછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેમના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે આ જળ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે તેમના પરમ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું પણ અતિ મહત્વ રહેલુ હોઇ ભગવાન કૃષ્ણને માનનારો પ્રત્યેક વૈષ્ણવ પણ અનેક પ્રકારના મનોરથોનો મહિમા ગાતા ગાતા હવેલીમાં લ્હાવો લેવા તત્પર થઈ જાય છે. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની ગાથા ગાનારા આ શ્રાવણ માસનું આટલું મહત્વ શા માટે છે?

ભક્તવત્સલ અને સ્મરણમધુરા એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં શા માટે થયો? આપણાં સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મહિનાનું મૂલ્ય સમજાય. પ્રથમ શબ્દ શ્ર એટ્લે શ્રવણ કરવું, વ એટ્લે કે વંદન કરવું અને ણ અથવા ન એટ્લે નમન કરવું. શ્રવણ કરવું, વંદન કરવું અને નમન કરવું. તદપરાંત પ્રથમ શબ્દ શ્રા માં પણ ત્રણ શબ્દો મળેલા છે. તે છે સ+આ+ર. સ અને આ જોડીને બન્યો સા અને સા એટ્લે સાંભળવું અને ર એટ્લે રમણ કરવું અને આ બંને શબ્દોનો એક નવો શબ્દ બન્યો, તે…. સાંભળીને રમણ કરવું તે અર્થાત સ્મરણ કરવું, આમ આ મહિનામાં પોતાના આરાધ્ય માટે, અને આરાધ્યનું સ્મરણ, વંદન અને નમન દ્વારા સેવા કરવી તે.

બીજી એક વાત એ પણ છે કે આ મહિનો વરસાદનો મહિનો છે વરસાદ ફક્ત પોતે વરસતો નથી પણ પોતાના સંગમાં આવનાર પ્રત્યેક જીવોને રંગે પણ છે. કારણ કે વરસાદ પોતે ભીનાશની અભિવ્યક્તિ લઈને ધરતી પર આવે છે ત્યારે તે પોતાની સાથે ધરતી અને ધરતીવાસીઓના હૃદયમાં પણ ભીનાશ ભરતો જાય છે. આપણને પ્રશ્ન થાય કે આ ભીનાશ કઈ છે? સંતો તેનો જવાબ આપતાં કહે છે કે આ ભીનાશ તે અંતરમાં ઉમડતા ભાવોની ભીનાશ છે, આ ભીનાશ તે અંતર તારને રણઝણાવતી ભીનાશ છે, આ ભીનાશ તે ભક્તિ ભાવમાં ડૂબવાની ભીનાશ છે. ધરતી પર ઝરમર વરસતો વરસાદ એ ભક્તિનું પ્રતિક છે જે પોતાની સાથે, પોતાની પાસે આવનાર પ્રત્યેક જીવોમાં ઉદાત્ત રીતે સમાઈને તેને પણ ભક્તિને રંગે રંગી દે છે.

ઉપનિષદમાં કથા છે કે એક દિવસ સનતકુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયાં અને પૂછવા લાગ્યાં કે પ્રભુ આમ તો બારે મહિનાનું કોઈ ને કોઈ મૂલ્ય છે પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ ક્યો છે? આ સાંભળી ભગવાન શિવ કહે હે સનત કુમાર બધાં જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે. ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યાં કે પ્રભુ આપને આ શ્રાવણ માસ પ્રિય શા માટે છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિધ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો, ત્યારે ભગવાન શિવ કહે કે હે સનત કુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણા બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસમાંનો આ એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે.

બીજું કારણ એ છે કે બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે.

ચોથું કારણ એ પણ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતા અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે.

શિવપુરાણમાં કહે છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો આથી આ તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું જેથી ભગવાન શિવને શીતળતાની પ્રાપ્તિ થાય.

ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસ એ ભગવાન કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે અર્થાત આ માસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી નારદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃષ્ણએ પ્રગટ થવા માટે આ માસ પસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે.

પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે બાલકૃષ્ણ પણ પ્રગટ થયાં છે. પ્રભુના પ્રાગટ્યનો આ રસ ભક્તજનોને ભક્તિ રસમાં ડૂબવા માટે રસદાયક બનાવે છે કારણ કે ભક્તિ અને રસ બંને પ્રેમ તત્વ પર નિર્ભર રહેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે પણ પ્રેમના પર્યાય રૂપ છે. આથી જ સંતો કહે છે કે આ માસ દાન આપવા માટે અતિ પવિત્ર છે કારણ કે આ માસમાં જલ તત્વ રૂપે ફક્ત પ્રકૃતિ નથી વરસતી બલ્કે પ્રભુ કૃપા પણ વરસે છે જેના દ્વારા મનુષ્યોને સત્કર્મો સંચિત કરવાનો સમય પણ મળે છે.

શ્રાવણ માસમાં ગૌરી પૂજન, હરિયાળી એકાદશી, ગોપાષ્ટમી, નાગ પંચમી , શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોપનવમી અર્થાત નંદોત્સવ વગેરે જેવા અનેક શુભ દિવસો અને શુભ ઘડીઓ આવે છે. આ તમામ શુભ દિવસોમાં આવતી વિભિન્ન તિથિઑ, અને આ તિથિઓથી આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

જાણો શિવ મહિમા અથવા શંકર નો મહિમા શ્રાવણ માં કેમ ?

ઃઃ શિવ મહાત્મ્ય ઃઃ

ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલ છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૃપમાં હોવા છતાં શિવલીંગ સ્વરૃપમાં સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે. દેશ-પરદેશમાં ભગવાન શિવના મંદિરો દરેક શહેરો, ગામડા અને કસ્બાઓમાં ઉપલબ્ધ છે. જે ભગવાન મહાદેવની વ્યાપકતા અને એમના ભક્તોની આસ્થા પ્રગટ કરે છે.

ભગવાન મહાદેવ એકમાત્ર એવા દેવ છે. જેને ભોલે ભંડારી નામથી પ્રયોજવામાં આવે છે. ભગવાન શિવ થોડીક જ પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે. માનવ જાતીની ઉત્પતિ પણ ભગવાન શિવ દ્વારા માનવામાં આવેલ છે. ભગવાન શિવના સ્વરૃપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. ભગવાન ભોલેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિષને પોતાના કંઠમાં ધારણ કર્યુ હતું તેથી જ તે નિલકંઠ પણ કહેવાય છે.

ઃઃ ઉત્તમ માસ શ્રાવણ (શિવ કૃપા હેતુ ) ઃઃ

ભારત વર્ષમાં આનાદી કાળથી ભિન્ન ભિન્ન પર્વો મનાવવામાં આવે છે. અને ભગવાન શિવના અનેક વ્રતો-તહેવારો મનાવવામાં આવે છે. આ ઉત્સવોમાં શ્રાવણ માસનું પોતાનુ એક આગવું અને વિશેષ મહત્વ છે. પુરાણીક માન્યતાઓ અનુસાર શ્રાવણ માસમાં ચાર સોમવાર (કોઈક વખત પાંચ સોમવાર) હોય છે. એક પ્રદોષ વ્રત અને એક શિવરાત્રી સામેલ છે. આ બધાનો સંયોગ શ્રાવણ માસમાં થાય છે. એટલા માટે જ શ્રાવણ માસ શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે તથા ત્વરીત શુભ ફળ પ્રાપ્તિ માટે માનવામાં આવે છે.

શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરવાથી સમસ્ત તીર્થોના દર્શનનું પુણ્ય ફલ એકસાથે પ્રાપ્ત થાય છે.

પદ્મ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરવાથી મનુષ્યની બધીજ શુભ કામનાઓ પૂર્ણ થાય છે અને સંસારના સમગ્ર સુખોની પ્રાપ્તિ થઈ શિવકૃપા દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે.

– પહેલા સોમવારે – ચોખા શિવલીંગ પર ચઢાવવામાં આવે છે.

– બીજો સોમવાર – સફેદ તલ શિવલીંગ પર ચઢાવવામાં આવે છે.

– ત્રીજો સોમવાર – આખા મગ શિવલીંગ પર ચઢાવવામાં આવે છે.

– ચોથો સોમવાર – જૌ (જઉં) શિવલીંગ પર ચઢાવવામાં આવે છે.

– પાંચમો સોમવાર હોય તો – કાચા સત્તુ શિવલીંગ પર ચઢાવવામાં આવે છે.

શિવ પૂજામાં બિલીપત્રનું મહત્વ અધિક છે. શિવજી દ્વારા વિષપાન કરવાને કારણે શિવના મસ્તષ્ક પર જલની ધારાથી જલાભિષેક શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભોલેનાથે ગંગાને શિરોધાર્ય કરેલ છે.

શ્રાવણ માસમાં શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવચાલિસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનું પઠન તથા જાપ કરવો વિશેષ લાભદાયક છે.

ઃઃશિવ પૂજા અને આપની રાશિ ઃઃ

શિવપુરાણમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિને શિવલીંગની ઉત્પતિ થયેલ હતી. શિવરાત્રીના દિવસે શિવપૂજન, વ્રત, ઉપવાસથી અનંતફળની પ્રાપ્તી થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ પોતાની રાશિ અનુસાર શિવની આરાધના અને પૂજન કરી વિશેષ રૃ૫થી લાભ પ્રાપ્ત કરી શકે છે.

મેષ ઃ જલ અથવા દૂધની સાથે ગોળ, મધ, લાલચંદન, લાલ કરેણના ફૂલ બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

વૃષભ ઃ જલ અથવા દહીંની સાથે સાકર, ચોખા, સફેદતલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલ બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દહીં સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મિથુન ઃ ગંગાજલ અથવા દૂધ સાથે જઉં, બિલીપત્ર મેળવી બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કર્ક ઃ દૂધ અથવા જલની સાથે શુધ્ધ સફેદ તલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલ બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

સિંહ ઃ જલ અથવા દૂધ સાથે શુધ્ધ ઘી, ગોળ, મધ, લાલચંદન બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કન્યા ઃ ગંગાજલ અથવા દૂધ સાથે જઉં, બિલીપત્ર મેળવી બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

તુલા ઃ ગંગાજલ અથવા દહીં સાથે સાકર, ચોખા, સફેદ તલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલ અને સુંગંધીત અત્તર બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દહીં સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

વૃશ્ચિક ઃ જલ અથવા દૂધ સાથે ઘી, ગોળ, મધ, લાલચંદન અને લાલરંગના ફૂલ બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

ધનુ ઃ જલ અથવા દૂધમાં સાથે હળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસર બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ જલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મકર ઃ ગંગાજલ અથવા દહીં સાથે કાળા તલ, સફેદ ચંદન, સાકર, ચોખા બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દહીં સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કુંભ ઃ ગંગાજલ અથવા દહીં સાથે મળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂૂલ, પીળા સરસવ, નાગકેસર બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દહીં સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મીન ઃ જલ અથવા દૂધ સાથે હળદળ, કેસર, ચોખા, ધી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસર બધુ મેળવી અથવા કોઈપણ એક વસ્તુ ગંગાજલ યા દૂધ સાથે મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

નોંધ ઃ મહાશિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારના દિવસોમાં જો કોઈપણ વ્યક્તિને પોતાની રાશિની જાણકારી ન હોય તો એ વ્યક્તિઓ પંચામૃત થી શિવલીંગ પર અભિષેક કરી શકે છે.

ઃઃ શિવ પૂજનથી કામના સિધ્ધિ ઃઃ

શિવલીંગ પર ગંગાજલનો અભીષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે તેમજ મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવપુરાણ અનુસાર શિવલીંગ પર અન્ન, ફૂલ તથા વિભિન્ન વસ્તુઓના જલાભિષેક દ્વારા મનુષ્યના સર્વ કષ્ટોનું નિવારણ શક્ય છે.

વર્ણન કરેલ સાધના શિવ પ્રતિમા(શિવલીંગ) સમક્ષ કરવાથી શીઘ્ર લાભ મળે છે.

લક્ષ્મી પ્રાપ્તિ હેતુ ભગવાન શિવને બીલીપત્ર, કમળ, શતપત્ર તથા શંખપુષ્પ અર્પણ કરવાથી લાભ થાય છે. પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફૂલ અર્પણ કરવાથી શુભ ફલ મળે છે. ભૌતિક સુખ તથા મોક્ષ માટે સફેદ આકડાના ફૂલ, અપામાર્ગ અને સફેદ કમળના ફૂલ ચઢાવવાથી લાભ મળે છે. વાહન સુખ માટે ચમેલીના ફૂલનો અભિષેક કરવાથી લાભ થાય છે. વિવાહસુખમાં બાધા નિવારણ માટે બેલના ફૂલનો અભિષેક કરવાથી ઉત્તમ પત્નીની પ્રાપ્ત થાય છે તથા કન્યા દ્વારા અભિષેક કરવાથી ઉત્તમ પતિ પ્રાપ્ત થાય છે. સુખ-સંપતિ હેતુ પારિજાતના ફૂલ દ્વારા શિવને અભિષેક કરવાથી લાભ થાય છે. વંશવૃધ્ધિ હેતુ શિવલીંગ પર ઘીનો અભિષેક શુભ ફલદાયી છે.
ભૌતિક સુખ સાધનોમાં વૃધ્ધિ હેતુ સુગંધીત દ્રવ્યોના અભિષેક કરવાથી લાભ થાય છે. રોગ નિવારણ હેતુ મહામૃત્યુંજય મંત્ર જાપ સાથે મધનો અભિષેક કરવાથી રોગોનો નાશ થાય છે. રોજગાર વૃધ્ધિ હેતુ ગંગાજલ અને મધનો અભિષેક કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
ઃઃ શિવજીને કેમ પ્રિય છે બીલીપત્રો ? ઃઃ

બીલીપત્ર એક વૃક્ષના પાન છે. જેમાં દરેક પાન ત્રણના સમૂહમાં હોય છે. અને કોઈક તો ચાર, પાંચના સમૂહમાં પણ હોય છે. પરંતુ ચાર, પાંચના સમૂહના પાન દુર્લભ હોય છે. બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજલ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીના પાનમાં ઔષધિ ગુણ પણ સમાયેલ છે. જેના ઉચિત ઔષધિ પ્રયોગ દ્વારા ઘણા રોગોનું નિદાન થઈ શકે છે. બીલ્વ વૃક્ષને ભગવાન શિવનું જ સ્વરૃપ માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે. એની જડમાં શિવલીંગ સ્વરૃપી શિવજીનો વાસ હોય છે.જેથી કરીને બીલીવૃક્ષના મૂળમાં ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં વૃક્ષના મૂળ એટલે કે એની જડને સીંચવામાં આવે છે.

ધર્મગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ પ્રાપ્ય છે.

બિલ્વમૂલે મહાદેવં લિંગરૃપિણમવ્યયમ્ /

યઃ પૂજયતિ પુણ્યાત્મા સ શિવં પ્રાપ્નુયાદ્ // (શિવપુરાણ)

ભાવાર્થ ઃ બીલીના મૂળમાં લિંગરૃપી અવિનાશી મહાદેવનું પૂજન જે પુણ્યાત્મા વ્યક્તિ કરે છે. એનું કલ્યાણ થાય છે. જે વ્યક્તિ બીલીના મૂળમાં જલ સિંચન કરે છે એને બધા જ તીર્થોનું ફળ મળે છે.

બીલીપત્ર તોડવાનો મંત્ર ઃ

બીલી પત્ર સમજી-વિચારી તોડવું જોઈએે. બિલીપત્ર તોડતા પહેલાં નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

અમૃતોદ્વવ શ્રીવૃક્ષ મહાદેવપ્રિયઃ સદા /

ગૃહ્યામિ તવ પત્રણિ શિવપૂજાર્થમાદરાત્ // (આચારેન્દુ)

ભાવાર્થ ઃ અમૃતથી ઉત્પન્ન સૌદર્ય અને ઐશ્ચર્યપૂર્ણ વૃક્ષ મહાદેવને હંમેશા પ્રિય છે. ભગવાન શિવની પૂજા માટે હે વૃક્ષ હું તમારા પત્રો લઉં છું.

ક્યારે ન તોડવા બીલીના પાન ?

વિશેષ દિવસ અને વિશેષ પર્વો પર બીલીપત્રો તોડવા નિષેધ છે.
શાસ્ત્રો અનુસાર બીલી પાન દિવસે જ તોડવા જોઈએ.
બીલીના પાન સોમવારે તોડવા નિષેધ છે.
બીલીના પાન ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ તિથી હોય ત્યારે તોડવા નિષેધ છે.
બીલીના પાન સંક્રાંતીના દિને પણ તોડવા નિષેધ છે.
અમારિક્તાસુ સંક્રાન્ત્યામષ્ટમ્યામિન્દુવાસરે /

બીલ્વપત્રં ન ચ છીન્દ્યાચ્છિન્દ્યાચ્ચેન્નરકં વ્રજેત્ // (લિંગપુરાણ)

ભાવાર્થ ઃ અમાસ, સંક્રાંતી, ચતુર્થી, અષ્ટમી, નવમી અને ચતુર્દશી તથા સોમવારના દિવસે બીલીપત્રો તોડવા નિષેધ છે.

શું ચઢાવેલ બીલીપત્રો ફરીથી શિવજીને અર્પણ કરી શકાય ?

શાસ્ત્રોમાં વિશેષ દિવસોમાં બીલી પત્રો તોડવા નિષિધ્ધ માનવામાં આવે છે તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ચઢાવેલ બીલીપત્રો ધોઈને ફરીથી ચઢાવી શકાય છે.

અર્પિતાન્યપિ બિલ્વાનિ પ્રક્ષાલ્યાપિ પુનઃ પુનઃ /

શંકરાયાર્પણીયાનિ ન નવાદિ યદિ ચિત્ // (સ્કંદપુરાણ અને આચરેન્દુ)

ભાવાર્થ ઃ જો ભગવાન શિવને અર્પણ કરવા માટે નવીન બીલીપત્રો ન હોય તો ચઢાવેલ બીલીપત્રો વારંવાર ધોઈને ફરીથી અર્પણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે.

બીલીપત્ર અર્પણ કરવાનો મંત્ર ઃ

ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી મનુષ્યની સર્વકાર્ય મનોકામના સિધ્ધ થાય છે. શ્રાવણ માસ બીલીપત્રો અર્પણ કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં વર્ણીત છે.

બીલીપત્રો અર્પણ કરતા સમયે નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુતમ્ /

ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ //

ભાવાર્થ ઃ ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરવાવાળા અને ત્રણ જન્મોના પાપને સંહાર કરવાવાળા હે શિવજી આપને ત્રિદલ બીલ્વ અર્પણ કરું છું.

બિલીપત્ર ચઢાવવાનો વિસ્તૃત સ્તોત્ર

ॐ नमो बिल्मिने च कवचिने च,

नमो वर्मिणे च वरृथिने च/

नमः श्रुताय च श्रुतसेनाय च,

नमो दुन्दुभाय च हनन्याय च //

मृत्युंजय मंत्र

ॐ त्र्ययम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् /

उर्व्वारृकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् //

महामृत्युंजय मंत्र

ॐ भूः ॐ भुवः ॐ स्व.

ॐ त्र्ययम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् /

उर्व्वारृकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्

ॐ स्वः ॐ भुवः ॐ भूः

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम /

त्रिजन्मपाप संहारं एकबिल्वं शिवार्पणम् //१//

त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलेः सदाः /

शिवपूजां करीष्यामि एकबिल्वं शिवार्पणम् //२//

अखंडबिल्वपत्रेण पूजिते नंदिकेश्वरम् /

शुद्धयति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् //३//

शालीग्रामशीलामेका विप्राणां या तु अर्पयेत् /

सोमयज्ञौर्महादानं एकबिल्वं शिवार्पणम् //४//

दन्तिकोटीसहस्त्राणि अअशवमेघशतानि च /

कोटिकन्यामहादानं एकबिल्वं शिवार्पणम् //५//

लक्ष्म्या च स्तनं उत्पन्नं महादेवसदाप्रियम् /

बिल्वपत्रं प्रयच्छामि एकबिल्वं शिवार्पणम् //६//

दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् /

अघोरपापसंहारं एकबिल्वं शिवार्पणम् ////

मूलतो ब्रह्मरृपाय मध्यतो विष्णुरृपिणे /

अग्रतो शिवारृपाय एकबिल्वं शिवार्पणम् //८//

बिल्वाष्टकं ईदं पुण्यं यः पठेत् शिवसन्निधौ /

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते //९//

શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.

// જય ભોલેનાથ //

// જય શિવશંકર //

શિવલીંગના વિભિન્ન પ્રકાર અને તેના પૂજનથી લાભ ઃ

ગન્ધલીંગ -બે ભાગ કસ્તુરી, ચાર ભાગ ચંદન અને ત્રણ ભાગ કુમકુમથી બનાવવામાં આવે છે. સાકરથી બનાવેલ શિવલીંગની પૂજાથી રોગોનો નાશ થઈ સર્વપ્રકારથી શુભપ્રદ હોય છે. સૂંઠ, મરચું, પીપળાનું ચૂર્ણમાં મીઠું મેળવીને બનાવેલ શિવલીંગની પૂજા વશીકરણ અને અભિચાર કર્મ કરવા માટે થાય છે.

ફૂલોથી બનાવેલ શિવલીંગની પૂજા થી ભૂમિ-ભવનની પ્રાપ્તિ થાય છે. જઉં, ઘઉં, ચોખા ત્રણેના એક સમાન ભાગમાં મિશ્રિત લોટના શિવલીંગની પૂજાથી પરિવારમાં સુખ-સમર્ધ્ધિ અને સંતાન માટે લાભકારી થઈ રોગોથી રક્ષા થાય છે. કોઈપણ ફળને શિવલીંગ સમાન કાપીને પૂજા કરવાથી અભિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.

વાંસના અંકુરને શિવલીંગ સ્વરૃપમાં કાપી પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. દહીંનું શિવલીંગ બનાવી પૂજા કરવાથી સમસ્ત સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. ગોળના બનાવેલ શિવલીંગમાં અન્ન ચોટાડી શિવલીંગની પૂજા કરવાથી કૃષિ ઉત્પાદનમાં વૃધ્ધિ થાય છે.

આંબળના શિવલીંગ પર રૃદ્રાભિષેક કરવાથી મુક્તિ મળે છે. કપુરના શિવલીંગની પૂજા કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ પ્રદાન થાય છે. દુર્વાને શિવલીંગ આકારમાં ગુંથી પૂજન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.

સ્ફટીકના શિવલીંગની પૂજા કરવાથી વ્યક્તિ દરેક અભિષ્ટ કામનાઓ પૂર્ણ કરવા સમર્થ બને છે.મોતીના બનેલ શિવલીંગની પૂજા કરવાથી સ્ત્રીના સૌભાગ્યમાં વૃધ્ધિ થાય છે. ચાંદીના શિવલીંગની પૂજા કરવાથી ધન-ધાન્યની વૃધ્ધિ થાય છે.પીપળાના લાકડાનું શિવલીંગનું પૂજન કરવાથી દરીદ્રતા નિવારણ થાય છે.લહસુનિયાના શિવલીંગની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થઈ વિજય પ્રાપ્ત થાય છે.

શ્રાવણ સોમવારનું વ્રત કેવી રીતે કરવું ?

શ્રાવણ સોમવારના વ્રતમાં શિવજી અને માતા પાર્વતીજીની પૂજા અર્ચના કરવાનું વ્ીધાન છે. વિદ્વાનોના મતઅનુસાર શ્રાવણ સોમવારની વિધી આ પ્રમાણે છે.

શ્રાવણ સોમાવરના દિવસે વ્રત કરવા ઈચ્છુક વ્યક્તિએ સૂર્યોદયના સમયથી જ વ્રત પ્રારંભ કરી લેવું જોઈએ. અને દિવસમાં એકવાર સાત્વિક ભોજન ગ્રાહ્ય કરવું જોઈએ. વ્રતના દીવ્સે શિવ-પાર્વતીની પૂજા અર્ચના ઉપરાંત વ્રતની સમાપ્તિ પહેલાં સામેવાર વ્રતની કથા સાંભળવાનું વિધાન છે.

શ્રાવણ સોમવારે બ્રહ્મ મુહુર્તમાં જાગૃત થવું.

આખા ઘરની સફાઈ કરી, સ્નાન ઈત્યાદિથી નિવૃત્ત થઈ આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો.
ઘરમાં પૂજા સ્થાનમાં શિવજીની મૂર્તી અથવા ફોટો પ્રસ્થાપિત કરવો.
પૂજનની સંપૂર્ણ તૈયારબાદ નીચેના મંત્રથી સંકલ્પબધ્ધ થવું.
મમ ક્ષેમસ્થૈર્યવિજયારોગ્યૈશ્ચર્યાભિવૃદ્ધયર્થં સોમવ્રતં કરિષ્યે.
સંકલ્પબધ્ધ થયા પછી નીચેના મંત્રનું ધ્યાન ધરવું.

ધ્યાયેન્નિત્યંમહેશં રજતગિરિનિભં ચારૃચંદ્રાવતંસં રત્નાકલ્પોજ્જ્વલાંગ પરશુમૃગવરાભીતિહસ્તંપ્રસન્નમ્ /

પદ્માસીનં સમંતાત્સ્તુતમમરગણૈર્વ્યાધ્રકૃત્તિં વસાનં વિશ્વાદ્યં વિશ્વવંદ્યં નિખિલભયહરં પંચવકત્રં ત્રિનેત્રમ્ //

ધ્યાન પછી ઁ નમઃ શિવાય મંત્ર દ્વારા શિવજીનું તથા ઁ નમઃ શિવાયૈ મંત્ર દ્વારા પાર્વતીજીનું શોડષોપચારથી પૂજન કરવું. પૂજન પછી શ્રાવણ સોમવારની કથા સાંભળવી. પછી આરતી કરી પ્રસાદ વહેચવો. પછી જ ભોજન અથવા ફલાહાર ગ્રહણ કરવો.

શ્રાવણ સોમવાર વ્રતનું ફળ ઃ

સોમવારનું વ્રત ઉપરોક્ત વિધિથી કરવાથી ભાગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા સદાય બની રહે છે. વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્ચર્ય પ્રાપ્ત થઈ સમસ્ત સંકટોનું નિવારણ થાય છે.

સંકલન : દીપેન પટેલ
સૌજન્ય સાભાર : સંદેશ, પૂર્વી મોદી, ગાયત્રી એસ્ટ્રો

ટીપ્પણી