શ્રદ્ધા

આપણો દેશ વિવિધતા થી ભરેલો છે એ વાત આપણે સૌ જાણીએ છીયે. પરંતુ હાલ એવા છે કે વિવિધતા માં એકતા ક્યાંય જોવા મળતી નથી, જયાં ને ત્યાં કોમવાદ અને જાતિવાદ. અને દરેક ની ભાવના તો એવી કે જાણે તે પોતે જ કાંઇક હોય, માણસાઈ ને નેવે મુકી ને લૂંટી લેવાનાં જ શોખ ના હોય જાણે ! પાછા બધા લોકો સરકાર પાસે થી તો એવી અપેક્ષા રાખે કે પોતે સરકાર નાં જમાઈ હોય. “મહત્વનું એ નથી કે સરકાર મને શુ આપે છે? પણ, હું દેશ ને શુ આપુ છું ?” એ સમજવું વધું જરુરી છે.

એક સરળ ઉદાહરણ થી સમજીએ….

શહેર ની એક સરકારી હોસ્ટેલ માં ત્રણ છોકરીઓ રહેતી હતી. એક જ રૂમ માં રહે અને સાથે ભણે, જમે અને ફરે. તેમાં ની એક છોકરી UPSC ની તૈયારી કરતી , બીજી છોકરી ને બેંક માં નોકરી મળે એવી ઇચ્છા હતી અને ત્રીજી છોકરી ઇજનેરી શાખા માં અભ્યાસ કરતી હતી. ત્રણેય છોકરીઓ પોતપોતાના ક્ષેત્ર માં આગળ વધી શકે અને સારી રીતે પગભર થઈ શકે એ માટે ઘણી મહેનત કરતી, સમય નો બગાડ કર્યા વગર વાંચતી-લખતી રહેતી.

શ્રદ્ધા, એ એક એવી શક્તિ છે જે તમને જીવનમાં કાંઈક ખાસ કામ કરવાની પ્રેરણા આપે છે. બધા લોકો થી કાંઈક અલગ અને સરસ કામ કરવાની તમારી જીદ ને મજબૂતી આપે છે. પેલી ત્રણ માંથી એક છોકરી એ ક્યાંક વાંચેલું કે જો મહેનત સાથે શ્રદ્ધા ભળી જાય તો પરિણામ વધું સારુ આવી શકે. તેણી એ આ વાત બાકી બન્ને છોકરી ને કરી અને ત્રણેય એ નક્કી કર્યું કે આપણે પણ કોઈ પવિત્ર જગ્યા એ જઇ ને થોડો સમય મન ની શુદ્ધિ માટે પ્રાર્થના કરીશુ. જેથી તેઓને આઘ્યાત્મિક અને મન ની શક્તિઓ નો સાથ મળી રહે.

પછીનાં દિવસે, ત્રણેય સહેલીઓ સવારે વહેલી ઉઠી, સ્નાન કરી અને ટૉસ કર્યો. તારણ નીકળ્યું કે, પહેલી છોકરી ચર્ચ જશે, બીજી મસ્જિદ અને ત્રીજી છોકરી મંદિર જશે. એક કલાક પછી ત્રણેય હોસ્ટેલ પાછી ફરી અને ત્રણેય એ જે અનુભવ થયો એની વાતો કરી, પૌષ્ટિક નાસ્તો કરી પુસ્તકો સાથે રમવા લાગી. બીજા દિવસે સવારે ફરી થી ટૉસ કર્યો, અને આજે પહેલી છોકરી મસ્જિદ ગઇ, બીજી છોકરી મંદિર અને ત્રીજી ચર્ચ ગઇ. થોડી વાર પછી હોસ્ટેલ આવી ને આજ નાં આધ્યાત્મિક અનુભવ ની વાત કરી ને વાંચવા લાગી. અને પછી આ ક્રમ પ્રમાણે તેઓ એ રોજ પૂજા/બંદગી કરવાનું શરૂ રાખ્યું.

‘શ્રદ્ધા’ અથવા ‘આધ્યાત્મિકતા’ એ તમને સફળતા સુધી પહોંચવા માટેનું એક અજાણ્યું બળ પુરુ પાડે છે. પણ હા, એનો મતલબ એવો નહીં કે તમે કોઈ એક ચોક્કસ ભગવાન માં શ્રદ્ધા રાખો કે વિચિત્ર અંધશ્રદ્ધા નાં દેખાડા કરો. આપણો સમાજ અથવા કોઈ ચોક્કસ વર્ગ કે જે અંધશ્રદ્ધા ને પકડી ને બેઠો છે એને અનુસરવા ની જરુર નથી, અને આવી શ્રદ્ધા ક્યાંય કામ પણ નહીં આવે. એ તો ફક્ત એક તુત છે, દેખાડો છે. આપણાં મન ની શાંતિ માટે કોઈ પણ વસ્તુ/વ્યક્તિ/કુદરત માં શ્રદ્ધા હોવી જરુરી છે. મન નાં નબળા વિકારો ને દુર કરવા એક એવી શક્તિ ની જરૂર છે જે મન ને સ્વસ્થ અને તીક્ષ્ણ બનાવે. જો તમે કુદરત માં શ્રદ્ધા રાખશો તો તમે પ્રફુલ્લિત રહેશો, કોઈ વ્યક્તિ માં શ્રદ્ધા રાખશો તો એ તમારુ પીઠબળ બની રહેશે અને કોઈ વસ્તુ માં શ્રદ્ધા હશે તો એ પણ વ્યાજબી જ કહેવાશે.

અહિયાં, આ ત્રણેય છોકરીઓ એ જે અલગ રસ્તો શોધ્યો, આ રહ્યુ એનું પરિણામ, જુઓ…
– પહેલી છોકરી :- શિવાની પંડિત, જીલ્લા કલેકટર.
– બીજી છોકરી :- ક્રિસ્ટી ડી’મેલો, બેંક મેનેજર.
– ત્રીજી છોકરી :- નૂરી અન્સારી, અણુ વૈજ્ઞાનિક.

” આપણને ખબર છે કે આપણું મન બહુ શક્તિશાળી છે, પણ શ્રદ્ધા એ શક્તિ માં વધારો કરે છે ”

લેખક – પ્રતિક જાની (રાજકોટ)

ટીપ્પણી