શિવાની મારી બેસ્ટ ફ્રેન્ડ છે ! – મિત્રતા ની એક હૃદયસ્પર્શી વાત !!!!

આ વાત ૧૯૯૦ની છે, જ્યારે અમદાવાદની સાંજ ઢળતી હતી અને સાબરમતીના કિનારે શિવાની સંજયની બાજુમાં બેસીને રડતી હતી ! શિવાનીના રડવાનું કારણ એની જ્ઞાતિ હતી ! શિવાની સરળ સ્વભાવની અને નિખાલસ હતી, જ્યારે સંજય થોડો મોડર્ન હતો. શિવાની પછાત વર્ગ માંથી આવતી હતી અને સંજય બ્રાહ્મણ હતો ! શિવાની રડતાં રડતાં બોલી, સંજય દરરોજ મને કોઇકને કોઇક મારી જાતિના લીધે બોલી જાય છે ! શું હું ઊંચી જ્ઞાતિ ધરાવતા કોઈ વ્યક્તિના ઘરે પાણી પણ ન પી શકું ?

સંજય હું પણ બીજા માણસોની જેમ માણસ છું, તો આવું શા માટે ? સંજય કંઈક વિચારતો હતો અને એણે હકારમાં જવાબ આપ્યો ! શિવાનીનો એકમાત્ર મિત્ર સંજય જ હતો. શિવાની આમ નિખાલસ સ્વભાવની પણ કોઈ અજાણ સામે એક શબ્દ પણ ન બોલે, કારણ કે શિવાનીને ડર હતો કે હું પછાત વર્ગની છું તો લોકો મારો તિરસ્કાર કરશે તો ! એ સમયે દલિત અને બ્રાહ્મણ વચ્ચે ભેદભાવો ખૂબ જ હતાં. સાંજના સાત વાગ્યા અને શિવાની બોલી, સંજય સાત વાગી ગયા છે તો મારે ઘરે જવું પડશે ! સંજય બોલ્યો, સારું પણ આવતીકાલે કૉલેજમાં મળજે તારું એક કામ છે ! શિવાની હા પાડીને નીકળી ગઈ અને સંજય નદીના વાતાવરણને માણતો હતો !

શિવાની મૂળ અમરેલીની હતી પણ એમનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં જ રહેતો હતો. સંજય શ્રીમંત કુટુંબ માંથી આવતો હતો જ્યારે શિવાની મધ્યમ વર્ગ માંથી ! રાત્રીના સમયે સંજય વિચારતો હતો કે શિવાની માટે શું કરું ? ત્યારે સંજયના મનમાં કોઈક નવો જ વિચાર આવ્યો અને તેણે કાગળ પર લખી રાખ્યો ! શિવાની અને સંજય ગુજરાત કૉલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં હતાં ! સંજય સ્કૂટર લઈને કૉલેજ જતો હતો અને આજે પણ તે સ્કૂટર લઇને જ કૉલેજ ગયો અને ત્યાં શિવાની બહાર જ ઉભી હતી ! સંજયે સ્કૂટર પાર્ક કર્યું અને શિવાની પાસે આવ્યો અને બોલ્યો, શિવાની તું બ્રેક પછી ફ્રી છે ? શિવાનીએ હકારમાં જવાબ આપ્યો અને બોલી કે સંજય તારે કંઈક કામ હતું ને ? સંજયે જવાબ આપ્યો, હા એ માટે જ બ્રેક પછી મળવાનું છે. શિવાનીએ કહ્યું કે ચાલ…હવે લેક્ચર છે અને આમ સંજય અને શિવાની લેક્ચરમાં જાય છે.

સંજય અને શિવાની પાક્કા મિત્રો હતાં પણ એક બીજાથી કોઈ પ્રેમની લાગણીઓ નહોતી ! સંજય અને શિવાની પોતપોતાની વાતો એકબીજાને કરતાં અને ઘણીવાર સાથે સમય પણ પસાર કરતાં ! કૉલેજમાં બ્રેકનો સમય હતો અને સંજય શિવાનીને સ્કૂટર પર બેસાડીને પોતાના ઘર તરફ લઈ જતો હતો પણ આ વાતની ખબર શિવાનીને નહોતી ! શિવાનીએ સ્કૂટર પર સંજયને પૂછ્યુ, સંજય મને ક્યાં લઈ જાય છે ? સંજયે જવાબ આપ્યો, એ તને થોડીવારમાં જ ખબર પડી જશે !

થોડીવાર બાદ સંજયનું ઘર આવ્યું અને શિવાનીએ પૂછ્યું, સંજય આ કોનું ઘર છે અને તું મને અહીંયા શા માટે લાવ્યો છે ? સંજયે કહ્યું, આ મારું ઘર છે અને બસ થોડીવારમાં તને ખબર પડી જશે કે હું તને શા માટે અહીંયા લાવ્યો છું ! સંજયે શિવાનીને ઘરમાં આવવા કહ્યું, શિવાનીના મનમાં થોડો ખચકાટ હતો પણ એને સંજય પર એટલો જ વિશ્વાસ હતો, તેથી તે સંજય સાથે ઘરમાં પ્રવેશી ! ત્યારે સંજયના ઘરમાં એના મમ્મી હતાં. બન્ને ઘરનાં ડ્રોઈંગ રૂમમાં બેઠા અને એ સમય શિવાની સંજયના ઘરનો વૈભવ જોઈ રહી હતી ! સંજયના મમ્મી રસોડા માંથી પાણી લઈને આવ્યા અને શિવાનીનું હર્ષભેર સ્વાગત કર્યું અને સંજયના મમ્મી બોલ્યા, આવ બેટા… કેમ છે ? શિવાનીએ કહ્યું, મજામાં માસી !

એ સમયે શિવાની ખુશ હતી. સંજયના મમ્મી શિવાનીના સાદા કપડાં જોઈ રહ્યાં હતાં અને એ બોલ્યા, સંજય તારી મિત્રનો પરિચય તો કરાવ ? સંજય બોલ્યો, મમ્મી આ શિવાની છે અને આ કૉલેજમાં ટોપર છે ! મમ્મીએ શિવાનીને પૂછયું, બેટા તારું પૂરું નામ શું છે, અને તારી અટક શું છે ? આટલું પૂછતાં શિવાનીએ વિનમ્રતાથી જવાબ આપ્યો અને જવાબ સાંભળીને સંજયના મમ્મી અચાનક ગુસ્સામાં આવી ગયા અને સંજયને કહ્યું, સંજય તને ખબર નથી પડતી કે આપણે શુદ્ધ બ્રાહ્મણ છીએ અને આપણાં ઘરમાં આવા નીચી જાતિનાં લોકોને ન લવાય !

અને આના કપડાં તો જો ! સંજય બોલ્યો, પણ મમ્મી અને ત્યાં તો શિવાની રડતી રડતી બહાર નીકળી ગઈ અને સંજય પણ એની પાછળ દોડ્યો ! શિવાની રડતી રડતી ઝડપથી ચાલતી હતી અને સંજય બુમો પાડતો પાડતો એની પાછળ દોડતો હતો ! સંજય બુમો પાડતો રહ્યો, શિવાની ઉભી રે….મારે તારી સાથે વાત કરવી છે ! પણ શિવાની ટસથી મસ ના થઇ અને ત્યાંના સ્ટોપ પર એક સીટી બસ આવી હતી એમાં બેસીને જતી રહી !

સંજય ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. સંજયને ખબર હતી કે જ્યારે શિવાની દુઃખી થાય છે ત્યારે નદી કિનારે બેસે છે. સંજય પાછો ઘરે આવ્યો અને સ્કૂટર લઈને સાબરમતીના કિનારે જવા નીકળ્યો ! સૂરજ આથમવા પર હતો અને એ સમયે શિવાની સાબરમતી નદીના કિનારે ઉદાસ થઈને બેઠી હતી. સંજય શિવાનીની બાજુમાં પહોંચ્યો અને શિવાનીથી માફી માંગી અને બોલ્યો, શિવાની આઈ એમ સોરી…..મને માફ કરી દે પ્લીઝ !

શિવાની કંઈ જ ના બોલી. સંજયને ખબર હતી કે શિવાનીએ સવારનું કંઈ જ નહીં ખાધું એટલે સંજય શિવાની માટે જલેબી અને ફાફડા લઈ ગયો હતો અને ત્યારે સંજયે શિવાનીનો હાથ પકડીને પૂછ્યું, તે કંઈ ખાધું કે નહીં અને એવા સમયે શિવાનીએ રડતાં રડતાં નકારમાં જવાબ આપ્યો ! સંજયની આંખ પણ ભીની થઈ ગઈ હતી અને સંજયે કીધું મને ખબર જ હતી કે તું કઈ જ નહીં ખાય ! લે શિવાની આ તારી માટે લાવ્યો છું ! ખાવાનું શરું કર ! શિવાની કંઈ જ ન બોલી અને સંજય પણ કંઈ બોલ્યાં વગર શિવાનીને પોતાના હાથોથી ખવડાવતો રહ્યો અને શિવાની સંજયના ખભા પર માથું રાખીને રડતી રહી ! સંજય ભલે વધારે સમજદાર નહોતો પણ એને શિવાનીની એકલતાનો ખ્યાલ આવી ગયો હતો !

સંજય બોલ્યો, શિવાની હું આજના દિવસ માટે ખૂબ જ દુઃખી છું અને શિવાનીએ કૃત્રિમ સ્મિત આપતાં કહ્યું, ચિંતા ના કર સંજય, આવું તો મારી સાથે ઘણી વાર થયા કરે છે. સંજય પોતાના હાથથી શિવાનીને ખવડાવતો રહ્યો અને શિવાની રડતી રહી ! શિવાનીને જોઈને સંજયની આંખોમાં પણ આંસુ આવી ગયા અને શિવાનીએ સંજયને બાથ ભરી ! સંજય અને શિવાની બંને લાગણીસભર થઈ ગયા ! સાંજના સાત વાગ્યા અને શિવાની પોતાના ઘરે જવા નીકળી અને સંજય ત્યાં એકલો બેઠો બેઠો રડતો હતો, કારણ કે તેને ખ્યાલ હતો કે એક મિત્રનું જાણી જોઈને અપમાન થાય તો તેનું દુઃખ કેટલું ઊંડું હોય છે !

સંજય રાત્રે તેના ઘરે પહોંચ્યો પણ ઘરે કોઈ નહોતું, પાડોશી દ્વારા જાણવા મળ્યું કે તેના પપ્પાનો અકસ્માત થયો છે અને તે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં છે ! આટલું સાંભળતા જ સંજય દોડીને હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં સંજયની મમ્મી બહાર બેઠા હતાં અને બે ત્રણ સંબંધીઓ પણ હતાં ! સંજયે એના મમ્મીને પૂછ્યું, મમ્મી, પપ્પા ક્યાં છે ? એની મમ્મીએ આઈ.સી.યુ તરફ ઈશારો કર્યો અને સંજય દોડતો આઈ.સી.યુ તરફ ગયો અને ત્યાં જોયું તો એક બેડ પર સંજયના પપ્પા હતાં અને બીજા બેડ પર શિવાની હતી !

આટલું જોઈને સંજયના મનમાં અનેક સવાલો પેદા થયા ! સંજય દોડતો તેના મમ્મી પાસે ગયો અને પૂછ્યું, મમ્મી પપ્પાની બાજુમાં શિવાની જ છે ને ? અને એને શું થયું છે ? આટલું સાંભળતા જ સંજયના મમ્મી રડવા લાગ્યા અને એમના સંબંધીએ કહ્યું , બેટા સંજય તારા પપ્પા ઓફીસેથી જ્યારે ઘરે આવતાં હતાં ત્યારે એમને એક ટ્રક ટક્કર મારવાનો હતો, પણ આ છોકરીએ આવીને તારા પપ્પાને ધક્કો માર્યો અને તારા પપ્પાને નાની મોટી ઈજાઓ જ થઈ છે, પણ આ છોકરીની હાલત ગંભીર છે !

સંજયના મમ્મી રડતાં રડતાં બોલ્યા, સંજય મેં આ છોકરી સાથે કેટલું ખરાબ કર્યું ને ? જેનું મેં અપમાન કર્યું એણે જ તારા પપ્પાનો જીવ બચાવ્યો ! સંજય ત્યાં જ બેસી ગયો અને એની આંખો પણ ભીની થઈ ગઈ ! હોસ્પિટલમાં શિવાનીના પરિવારના લોકો પણ હતાં ! સંજય શિવાનીના બેડ પાસે ગયો અને એનો હાથ પકડીને બોલ્યો, જોયું શિવાની જેવું તારું નામ છે, એવું જ તારું બહાદુરી ભર્યું કામ છે !!

સંજય શિવાનીના બેડ પર જ માથું રાખીને સુઈ ગયો ! વહેલી સવારે સંજયના માથા પર કોઈએ હાથ મુક્યો ! સંજયે ઉઠીને જોયું તો શિવાનીને હોશ આવી ગયો હતો, પણ એ કંઈ બોલતી નહોતી ! સંજય ઉભો થયો અને દોડીને ડૉક્ટરને બોલાવી આવ્યો અને ડૉકટરે શિવાનીનો ચેક અપ કર્યો અને ડૉકટરે નર્સને કહ્યું, આ પેશન્ટને હવે આઈ.સી.યુ. માં રાખવાની કોઈ જરૂર નથી !

એમને જનરલ વોર્ડમાં ખસેડો, હવે તેમની તબિયત સ્થિર છે. આટલું જ સાંભળતાની સાથે જ સંજય ખૂબ ખુશ થઈ ગયો, અને શિવાની પણ એ સમયે સ્મિત આપવા લાગી ! સાંજ પડી અને શિવાનીને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી અને શિવાની બોલી, સંજય મારી એક ઈચ્છા પૂરી કરીશ ? સંજય બોલ્યો, હા બોલને ! શિવાનીએ કહ્યું, સંજય મને ઘરે લઈ જતાં પહેલાં નદી કિનારે લઈ જા ને ! મારે તને એક ખાસ વાત કહેવી છે ! આટલું સાંભળીને સંજયનો ચહેરો મેઘધનુષના સાતેય રંગોની માફક ખીલી ઉઠ્યો ! આમ સંજયના જીવનમાં નવા રંગો આવ્યા અને શિવાનીને સંજયના ઘરેથી સન્માન મળ્યું અને જીવનભરનો મિત્ર પણ મળ્યો !

લેખક : પ્રદિપ પ્રજાપતિ 

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી