“સોનાનું બૂટિયું” – સાસુ અને વહુ વચ્ચે બનેલો એક સુખદ પ્રસંગ….

“સોનાનું બૂટિયું”

સહેલીના લગ્ન પ્રસંગમાં હોંશે હોંશે તૈયાર થઈને ગયેલી અવની એકાએક મુંઝાઈ ગઈ. હજુ તો ક્ષણ પહેલાં જ બીજી સખીઓ સાથે હસી – હસીને વાતો કરતી હતી, મજાક- મસ્તી કરતી હતી, ને હવે……અચાનક તેના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી…..લટ સરખી કરતાં ખબર પડી કે ડાબા કાનનું બૂટિયું નથી….. સોનાનું બૂટિયું….. ઝૂમખા જેવું…. ને એ પણ સાસરાના ઘરનું….. ધ્રાસકો પડ્યો.

બૂટિયું ખોવાઈ ગયું….. ક્યાંક પડી ગયું…..ખબર પડતાં જ તે સફાળી ઊભી થઈ ગઈ. આસપાસ જોયું, ન મળ્યું.
આખી વાડીમાં તે ફરી વળી…..મુખ્ય દરવાજાથી માંડી લગ્ન મંડપ સુધી…ભોજનના હોલમાં પણ જોઈ આવી. અહીં- તહીં…..ખૂણે-ખાચરે બારીક નજરે જોયું. બે – ત્રણ અંગતને પણ વાત કરી તો તેઓ પણ મદદમાં લાગ્યા. શોધી – શોધીને થાક્યા. પણ કંઈ જ ન વળ્યું. આમે’ય પ્રસંગની ભીડમાં ખોવાઈ ગયેલું ઝીણું ઘરેણું મળવું લગભગ અશક્ય જ હતું.

હજુ તો એકાદ મહિના પહેલાં જ અવનીના લગ્ન થયેલાં. સાસરિયા તરફથી છાબમાં મળેલો સોનાનો સેટ તેણે આજે ખૂબ હરખથી પહેર્યો હતો. બૂટિયું ખોવાઈ જતાં હરખ ઓસરી ગયો ને મૂંઝવણ વધી ગઈ….” ઘરે જઈને શું મોઢું બતાવીશ ? સાસુ – સસરા, પતિના સ્વભાવને હજુ પૂરી ઓળખી પણ શકી નથી. વળી, કંઈ છુપાવાય એમ નથી. ચહેરો જોશે ને ખ્યાલ આવી જ જશે. સાચું તો કહેવું જ પડશે. કેમ કહેવું ? હું આટલી બેદરકાર ? મારી જ ભૂલ છે. આવી કિંમતી વસ્તુ મારે સંભાળવી જોઈએ.” તે પોતાને દોષ દેતી રહી.

પ્રસંગ મૂડ વગર પૂરો કરી ઘરે જવા રવાના થઇ. રસ્તો પસાર કરતાં કરતાં માની શિખામણનું સ્મરણ થઈ આવ્યું, ” તારા સાસરિયાએ સગાઈમાં ઘણી કિંમતી વસ્તુઓ આપી છે. લગ્નની છાબમાં પણ ઘણાં ઘરેણાં આપ્યા છે.સાસરાના ઘરનો સોનાનો દાગીનો બરાબર સાચવીને રાખજે. પહેરવું, ઓઢવું બધું, પણ સંભાળીને, જવાબદારીપૂર્વક. કંઈક ક્યાંક આડું અવળું થાય તો કેટલાં’ય કવેણ સાંભળવા પડે. તારા માવતર વગોવાય નહિ એનું ધ્યાન રાખજે દીકરી.”

માતાના શબ્દો યાદ આવતાં સ્હેજ ધ્રુજારી આવી ગઈ. ‘શું થશે ?’ વિચારમાં ને વિચારમાં રસ્તો ક્યાં ખૂટી ગયો ને ઘરે પહોંચી જવાયું એની ખબર ન રહી…

ડેલી ખોલતાં પહેલાં તેણે લટને કાન પર રાખી ઢાંકવાની કોશિષ કરી, પછી હાથ ફેરવ્યો. પણ અફસોસ ! લટ ટૂંકી પડી. તેણે બીજા કાનનું બૂટિયું કાઢી નાખવાનું વિચાર્યુ. પણ મન ‘ ના ‘ કહેતું હતું. ‘ક્યારેક તો સત્ય સામે આવશે જ ને. દરરોજ ફફડાટમાં રહેવું એના કરતાં બહેતર છે આજે જ સત્યનો સામનો કરી લેવો.’ એવા નિર્ણયથી તે ઘરમાં પ્રવેશી…

શરૂઆતમાં તો કોઈને ખબર ન પડી. પણ થોડી વાર બાદ સાસુ જ્યોતિબહેનની ચકોર નજરથી તે બચી ન શકી, ‘અવની, તારા ડાબા કાનનું બૂટિયું ?’

ફફડાટભર્યા હૈયાએ હિંમત કરી જ લીધી, ‘ ખોવાઈ ગયું મમ્મી. ઘણું શોધ્યું, પણ ન મળ્યું.’ અવનીની આંખોમાંથી બોર જેવડાં આસું ટપકી રહ્યાં.

‘ તો બીજું બૂટિયું મને દઈ દે.’ સાસુમાના શબ્દોમાં કટાક્ષ હતો કે કંઈ બીજું, તે મન પારખે તે પહેલાં જ અવનીના હાથ કાન તરફ વળ્યા ને બીજું બૂટિયું કાઢી આપી દીધું અને રડતાં રડતાં પોતાની ભૂલ સ્વીકારી.

પુત્રવધૂની આંખમાંથી ટપકી રહેલા પસ્તાવાને સમજી ગયેલા જ્યોતિબહેનને હવે ઠપકો આપવાની જરૂર ન લાગી. તે પ્રેમપૂર્વક બોલ્યાં, ‘એમાં કઈ મોટી ભૂલ થઈ ગઈ કે રડવા બેઠી. આ તો જ્યાં સેટ કરાવ્યો છે ને તે સોનીને આ બતાવી આવું બીજું બૂટિયું ઘડાવી આપીશ. અરે ! તારી બદલે મારી દીકરીથી ખોવાઈ ગયું હોત તો, આમ જ કરત ને ! ‘

આનંદાશ્ચર્ય સાથે અવની જોતી જ રહી ગઈ….. દીકરી અને પુત્રવધૂ વચ્ચે સમતાભાવ રાખનારા સાસુમાને….

લેખક : – શીલા જોબનપુત્રા (રાજકોટ)

ઈશ્વર દરેક બહેન અને દીકરીને આવી સાસુ આપે, શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર.

ટીપ્પણી