એક શિક્ષકે રક્ષાબંધન પર એક રક્ષક ને લખેલો અદભૂત અને હૃદયસ્પર્શી પત્ર !

રાષ્ટ્રના એક રક્ષકને રાષ્ટ્રના એક શિક્ષકના નમસ્કાર!

આજના શુભ દિને અમે આપને ધન્યવાદ પાઠવવા માંગીએ છીએ, ધન્યવાદ આપની નિસ્વાર્થ સેવા માટે, ધન્યવાદ આપની નિષ્ઠા માટે, ધન્યવાદ સમાજમાં હર્ષ – સુખ – શાંતિ જળવાય તેના માટે.

આજે સમાજ રક્ષક અને શિક્ષક બંનેને શંકા ભરી નજરથી જોતો થયો છે. થોડા ઘણા લેભાગુઓના ભોગે આખો વર્ગ શંકાની એરણે ચઢે તે વ્યાજબી નથી જ. આપ સમાજના રક્ષક છો. આ સમાજની વિકૃતિઓને આપ જુઓ છો.

માનવજાતીના દરેક નબળા નિર્ણયોનો અને ભૂલોનો સામનો આપ કરો છો તેના પરિણામોનો સાક્ષાત્કાર પણ તમારે જ કરવાનો આવે છે. આની જાણ હોવા છતાં પણ નિસ્વાર્થ ભાવની સેવાની આપની પસંદગી ધન્યવાદને પાત્ર છે.

આવું બધુ અને આટલું બધું જોયા પછી પણ સ્થિર રહી શહેરમાં શાંતિ અને ન્યાય સ્થપાય એ માટેની આપની નિષ્ઠા પૂર્વકની મહેનત બિરદાવવા લાયક છે. જજ સાહેબ ન્યાયાલયમાં બેસીને કાયદાકીય કાર્યવાહી કરે છે પણ ત્યાં સુધી મામલો ના પહોંચે તે માટે આપ મહેનત કરો છો. અને તમે ન હોત તો જગ્યા પરા જ તકરારો સાંભળીને કાયદાકીય નહી પણ માનવીય અને સામાજીક રીતે નિવેડો કોણ લાવત. આપ સ્વયં હરતું ફરતું ન્યાયાલય છો.

સ્વસ્થ સામજીક જીવનના પાયાના એકમોમાં તમે છો. તમે અમારી પ્રેરણા છો. અમે તમારી પણ મૂક ફરિયાદ જાણીએ છીએ, બાળકોમાં સંસ્કાર સિંચવાનું કામ શિક્ષકોનું છે. જ્યારે તે ચૂકે છે તો તેનું દુષ્પરિણામ તમારે ભોગવવું પડે છે. અમે જાણીએ છીએ કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ જાય ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી જાય છે. માટે પહેલી જવાબદારી શિક્ષકની છે.

તમે વધુ સતર્ક છો તેથી અમે સમાજની વર્તમાન પરિસ્થિતિ જાણી શકીએ છીએ. આપના બતાવેલા કિસ્સાઓથી જ સમજાય છે કે શિક્ષકે હજું કેટલુ કામ કરવાનું છે,કેટલું ખેડવાનું છે. તમારી કઠોરતા એજ તમારી સજાગતા છે, તે અમે સમજીએ છીએ. શિક્ષક અને રક્ષકનો સંબંધ અજીબ છે. અમે છોડેલા કેસોની તક્લીફ તમારે ભોગવવાની આવે છે.

અને તમારા અનુભવોને અમારે સીલેબસમાં ઉતારી શીખવવાના હોય છે. તો આપના ગુનામુક્ત સમાજનાં કાર્યમાં અમે સંસ્કાર દ્વારા સહયોગી બની શકીયે. અને સમાજ માટે સારા નાગરિક સભ્ય આપી શકીએ, તે માટે આપ માર્ગદર્શન કરજો. અને આ કાર્ય સફળતાથી પાર પાડી શકીએ તેના માટે ભગવાન અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ.

આજે આ રક્ષાબંધનના ઉત્સવ પર અમારા બાળકો દ્વારા બંધાયેલો દોરો તે આપના અને સમાજના સંબંધનો દોરો છે. આપના સમાજ પરના કૃતજ્ઞતાના ભાવનો દોરો છે. આપ જ્યારે સમાજનું રક્ષણ કરો છો ત્યારે આ રક્ષા કવચ દ્વારા સમાજ વતી અમે ભગવાન પાસે આપના અને આપના પરિવારના રક્ષણની પ્રાર્થના કરીએ છીએ.

 

 

– શાર્દુલ શિશુ વિહાર શિક્ષક વર્તુળ

લી. રાઘવ પુજારા 

ટીપ્પણી