ગુરુ દક્ષિણા – જે કામ તેમના માતા પિતા, તેમની પત્ની અને બીજા પરિવારજનો ના કરી શક્યા એ આ શિક્ષકે કરી બતાવ્યું…

💐ગુરુ દક્ષિણા💐

આજની આ વાસ્તવિક કહાની છે. સવારના ન્યૂઝ હતા કે વિદ્યા સહાયકો ને હવેથી પુરા પગાર ધોરણ લાગુ પડશે.

આ સ્કૂલમાં જ ભણેલા અને નોકરી મેળવેલા સુરેશને પણ આ સમાચાર મળતા ખૂબ ખુશ હતો.સવારથી જ એના સ્ટાફના શિક્ષક ભાઈ બહેનો એને શુભેચ્છા આપતાં હતાં.
સ્કૂલમાં બધા અરસપરસ હળીમળીને એક પરિવારના જ હોય એવા આત્મીયભાવ થી રહેતાં.રીશેષ સમયે સાથે નાસ્તો કરતાં કરતાં સૌ પોતપોતાની વાતો કરતાં.

અને કોઈના પણ પોતાના ઘરે કઈ સારો પ્રસંગ બને તો એ શિક્ષક મિજબાની ના ભાગ રૂપે તે દિવસે એના ખર્ચે બધાને નાસ્તો કરાવતાં . કોઈવાર જમણવાર પણ આમ ગોઠવાતો.

સુરેશ આ સ્કૂલ ના શિક્ષક ભાઈ બેનો માં સૌથી નાનો હોવાથી લાડકો પણ હતો. આજે બધાએ જુદીજુદી રીતે પાર્ટી ની માંગણી કરી …

કોઈએ કહ્યું કે, ” આજે તો નાસ્તો તારા તરફથી ને !! તો કોઈએ કહ્યું કે આજે તો જોરદાર પાર્ટી હો !!

બધાની શુભેચ્છાઓ હસતાં મોએ ઝીલતા સુરેશે પ્રફુલ્લિત બની ને મનોમન નક્કી કર્યું કે , ” ભલે ને થઈ જાય આજ તો !! પણ, બધા ખુશ થઈ જવા જોઈએ !! ”
એ પિરિયડ પૂરો કરી આવતો હતો ત્યાં એક સર , સામે મળ્યા, રમેશ ઝાલાવાડીયા જેને બધા પ્રેમથી ઝાલા સર કહેતાં, સુરેશ ને જોતા જ બોલ્યા , ” આજે સમાચાર વાંચ્યા ને ?? હવેથી પૂરો પે સ્કેલ લાગુ પડશે … બરાબર ને ?” ત્યારે હસીને સુરેશ બોલ્યો , ” આપ બધા ગુરુજનો અને વડીલોના આશીર્વાદ અમારા પર છે ને !!

ઝાલા સરે કહ્યું, ” ના !, ના !, એમાં શુ ?? આ તો તમને બધાને તમારા મહેનતનું જ મળવાનું છે .”

પણ , સુરેશ બોલ્યો , “સર , તમે તો મારા ગુરુ છો , તમારા આશીર્વાદ તો મારી ઉપર ખરા જ ને ??”

ત્યારે તરત જ ઝાલા સરે કહ્યું, ” જો તું ખરેખર મને ગુરુ માનતો હોય તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે !! ”
સુરેશ કહે ,” હા ! હા !, સર કેમ નહિ બધા ને મેં કહ્યું છે જ … પાર્ટી પાક્કી જ !! ”
સુરેશે વિચાર્યું બધાએ નાસ્તા કે આઈસ્ક્રીમ નું કહ્યું છે પણ સર જો કહે તો મારે જમણવાર ગોઠવી દેવો છે.

ત્યાં ઝાલા સરે કહ્યું ,” ન આપવી હોય તો કોઈ વાંધો નથી હો !!”
સુરેશ કહે, “અરે ! હોય કાંઈ ?? તમે જે માંગો એ .. ”

ત્યારે વળી ઝાલા સરે કહ્યું, “સુરેશ !, હું તારી પાસે આજે ગુરુદક્ષિણા રૂપે જે માંગુ છું એ તું કદાચ નહિ આપી શકે. !! ”
” ના , ના, સર બોલો ને !! ”

” Ok. રીશેષ માં સ્ટાફ રૂમ માં મળીએ ત્યારે વાત !! ” આમ કહી બન્ને છુટા પડયા.
અને
જયારે રીશેષ નો બેલ વાગ્યો ત્યારે , સ્ટાફ રૂમમાં ધીમે ધીમે આખો સ્ટાફ આવી ગયો . બધા હળવા મૂડમાં વાતો કરી રહ્યા હતાં. સુરેશ ની પાસે પાર્ટી ની માંગ ને જુદી જુદી ફરમાઇશો…

પણ, ઝાલા સર ચુપચાપ સાંભળી રહ્યા હતા એ જોઈ ને સુરેશે આદર સહિત સર ને કહ્યું, ” આપણે વાત થઈ હતી કઈ ગુરુદક્ષિણા વિશે .. તો સર તમે કહો એ પાર્ટી !! નાસ્તો, આઈસ્ક્રીમ કે પછી જમણવાર જે કહો એ !!”
ત્યારે ઝાલા સરે ખરેખર ગંભીરતાથી કહ્યું, ” રેવા દે ! મારે નથી જોઈતી ગુરુદક્ષિણા !! ”

” ના !, ના !, સર એમ ન ચાલે ! આપ જ કહો ! ”

ત્યારે સરે કહ્યું , “પણ તું એ નહિ આપી શકે. ”

હવે તો બધા આપસ માં વાતો કરવાનું બંધ કરી આ બન્ને નો સંવાદ સાંભળવા લાગ્યા, આ જોઈને જરાપણ અચકાયા વગર સુરેશે સર ને કહ્યું , ” હવે તો કહી જ દો સર !! આપ જે માંગો એ આપીશ !! ”

ત્યારે સુરેશ તરફ હાથ લાંબો કરી ઝાલા સર બોલ્યા, ” તું જો મને આપી શકે તો , ગુરુદક્ષિણામાં મને આ તારું તમાકુ ખાવાનું વ્યસન છે, તું જે આ માવો ખાય છે .. એ .. એ મને આપી દે !! ”

અને બધા જ સાંભળી રહ્યા હતા એ પણ એક કાન થઈ ગયા ..
કે હવે શું કરશે સુરેશ સર ??
સુરેશ ને ચૂપ બેઠેલો જોઈ સરે કહ્યું, કે જો તું ન આપી શકે તો …

અધવચ્ચે જ વાત કાપતાં સુરેશ બોલ્યો, ” સર , આ ટેવ તો કેટલા વર્ષોથી પડી ગઈ છે !! મને મારા માતાપિતા કહી કહી ને થાક્યા. મારી પત્ની પણ મને ખુબ કહે છે આ વ્યસન છુટતું જ નથી. પણ , આજે તમે કહો છો તો હું મારા ગુરુ ને આપવા માટે ગુરુદક્ષિણામાં આજથી આ તમાકુ છોડું છું !!’

એમ બોલી ને સુરેશે , પોતાનો ખાવા માટે રાખેલ તૈયાર માવો, ઝાલા સરે લંબાવેલા હાથ માં મૂકી દીધો. અને આખા સ્ટાફે ઊભા થઈ આ વાત ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી અને આંખ માં આંસુ સાથે ઝાલા સર ઊભા થઈ ને સુરેશ ને ભેટી પડ્યા અને સુરેશ સર પોતાના સરને કૃતજ્ઞતાથી જોઈ રહ્યા.

બધાં એ સ્વીકાર્યું કે , કોઈપણ વ્યસન શરીર ને નુકસાનકર્તા જ છે, એ જાણવા છતાં, આ કેન્સર જેવા ભયાનક રોગ ની જનની હોવા છતાં, એક વખત વ્યસનના પંજામાં પકડાયા પછી છૂટવું ખૂબ અઘરું છે.

પણ, ઝાલા સરે જીવનમાં તંદુરસ્તીનું મહત્વ સમજાવતા કહ્યું કે આપણા દેશ નું યુવા ઘન વ્યસન થી મુક્ત રહે તો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય.

નોકરી કરતાં કરતાં ઝાલા સરે આ જ સ્કૂલ ના ઘણા વિદ્યાર્થીઓ ને તમાકુમાવા ખાતાં બંધ કરાવવા સમજાવતા રહે છે. અને આ જ સ્કૂલ માંથી ભણેલા ઘણા યુવાનો જ્યારે ઝાલા સર ને મળે છે તો એ તેમને પગે લાગે છે અને કહે છે કે તમે અમને વ્યસન મુકત કરી ને નવજીવન ના આશીર્વાદ આપ્યા છે.ઝાલા સરે બીજા પણ ઘણા લોકો ને વ્યસન મુક્ત કર્યા છે.

કહેવાયું છે ને સમાજના સાચા ઘડવૈયા શિક્ષકો છે એવા તમામ શિક્ષકોને સાદર પ્રણામ.

લેખક : દક્ષા રમેશ

મિત્રો એક શેર કરીને શાબાશી આપો આ શિક્ષકને… દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી