“શેઝવાન ઢોસા” – બનાવો વિકેન્ડ માં બધાને પસંદ આવશે ઢોસાની આ નવીન વેરાયટી..

“શેઝવાન ઢોસા”

સામગ્રી :

ઢોસાના ખીરાની સામગ્રી:

એક કપ અડદની દાળ,
ત્રણ કપ ઉકળા ચોખા,
મીઠું સ્વાદાનુસાર,

શેઝવાન સૉસની સામગ્રી :

૧૫ કળી લસણ,
૧૦-૧૨ કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ,
એક ટેબલ-સ્પૂન આદું સમારેલું,
એક ટેબલ-સ્પૂન સેલરી સમારેલી,
દોઢ કપ ટૉમેટો કેચ-અપ,
ત્રણ ટેબલ-સ્પૂન કાંદા સમારેલા,
એક ટી-સ્પૂન સોયા સૉસ,
એક ટેબલ-સ્પૂન વિનેગર,
બે ટેબલ-સ્પૂન ચિલી ગાર્લિક સૉસ,
અડધી ચમચી સાકર,
અડધી ચમચી મરી,
બેથી ત્રણ ટેબલ-સ્પૂન તેલ,

શેઝવાન શાકભાજીની સામગ્રી :

દોઢ કપ ખમણેલાં શાકભાજી (ગાજર, કૅપ્સિકમ, કોબી અને બેબીકૉર્ન),
એક લીલો કાંદો લાંબી સ્લાઇસમાં,
બે ટેબલ-સ્પૂન લસણ સમારેલું,
એક ટેબલ-સ્પૂન આદું સમારેલું,
બેથી ત્રણ ટેબલ-સ્પૂન શેઝવાન સૉસ,
અડધી ચમચી સોયા સૉસ,
મીઠુ સ્વાદાનુસાર,
બે ટેબલ-સ્પૂન તેલ,
બટર,
તેલ,

રીત:

ખીરાની રીત :

અડદ અને ચોખાને અલગ-અલગ ધોઈને સાત કલાક પલાળી રાખો. હવે એને અલગ-અલગ પીસી લેવા. બન્નેને ભેગા કરીને મીઠું નાખી પાંચ મિનિટ સુધી ફીણો.

શેઝવાન સૉસની રીત :

એક પૅનમાં તેલ ગરમ કરી આદું, લસણ, કાંદા, સેલરીને સાંતળવાં. હવે એમાં બાકીની અન્ય સામગ્રી મિક્સ કરી શેઝવાન સૉસ બનાવવો.

શાકભાજીની રીત :

એક પૅનમાં તેલ ગરમ કરી એમાં આદું, લસણ, કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવાં. બાકીની અન્ય સામગ્રી મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સાંતળી ગૅસ બંધ કરવો.

શેઝવાન ઢોસાની રીત :

ઢોસાના તવાને ગરમ કરી એના પર જરા બટર નાખી ટિશ્યુથી લૂછી નાખવું. ઢોસાનું ખીરું જોઈતા પ્રમાણમાં લઈ એમાં પાણી નાખી એને પાતળું કરી તવા પર પાથરવું. હવે એના પર બટર લગાવી બે ટેબલ-સ્પૂન શેઝવાન સૉસ પાથરવો. એક સાઇડમાં શેઝવાન શાકભાજી પાથરવાં અને આ ઢોસાનો ટાઇટ રોલ વાળી એને એક પ્લેટ પર રાખી આડું કટ કરી કોપરાની ચટણી સાથે ગરમ સર્વ કરવા.

રસોઈની રાણી :- કેતકી સૈયા

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી