એના માટે – ખૂબ લાગણીસભર અને પ્રેરણાદાયી વાર્તા…

…..એના માટે…..

મહા મહિનાના માવઠાની અસર…હાડ ધ્રુજાવતી ઠંડી, રવિવારની રાત ને શહેરના મુખ્ય સર્કલ આસપાસ ટ્રાફિક જામ….. રસ્તા પર વાહનોની લાં…બી કતાર. હોર્નના સતત ને સખત ઘોંઘાટ વચ્ચે થિંગડાવાળી શાલ ઓઢીને પેટિયું રળવા નીકળેલો એક ફુગ્ગાવાળો……વાહનોએ રચેલી કામચલાઉ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધતો ને પોતાની જાત કરતાં પણ ફુગ્ગા ભરાવેલી જાડી લાકડીને વધુ સાચવતો તે દરેક કાર માલિકને નીચા નમી બારી પાસે મોં રાખી એકાદ – બે ફુગ્ગા ખરીદવા વિનવી રહ્યો હતો…..તે વારંવાર હાથ લાંબો કરી ફૂટપાથ પર એક ફાટેલાં ગોદડાંની હૂંફમાં બેઠેલાં ભૂખ્યાં પત્ની – બાળકો તરફ સૌનું ધ્યાન દોરી રહ્યો હતો…. પણ કોઈ તેને દાદ દેતું ન હતું. કેટલાંક મોઢું ફેરવી હાથના ઈશારે તેને ધુત્કારી રહ્યાં હતા, તો કોઈ ભાવ કરાવીને……કોઈ તેને પોતાની તરફ આવતો જોઈને બારીનો કાચ ચઢાવી દેતા હતા.

કારમાં નિરાંતે બેઠેલા પ્રકાશભાઈનું ધ્યાન ટ્રાફિક સિગ્નલ કરતાં પેલાં ફુગ્ગાવાળા તરફ વધુ ખેંચાઈ રહ્યું હતું. ધનવાનોનું એક નિર્ધન પ્રત્યેનું ઉપેક્ષિત વર્તન એ ક્યારના જોઈ રહ્યા હતા. તેમણે એ પણ જોયું કે એક કારમાલિકે બારીમાંથી હાથ બહાર કાઢી બે આંગળી વચ્ચે રાખેલી 20 ની નોટ તુચ્છ રીતે ભીખરૂપે આપવાનો પ્રયત્ન કર્યો. પણ, પેલો સ્વમાની તેને પીઠ બતાવી આગળ ચાલતો થઈ ગયો. પોતે ભીખ માંગવા નહિ પણ, ધંધો કરવા નીકળ્યો હતો તેની પ્રતીતિ મૂંગે મોઢે જ કરાવી દીધી….

જેમ જેમ એ આગળ આવતો ગયો તેમ તેમ તેનો અવાજ પ્રકાશભાઈને સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘ સાહેબ, એક. એક ફુગ્ગો લ્યો. બાળકો ભૂખ્યાં છે. આજે વરસાદને લીધે સવારથી ફૂટી કોડી પણ નથી મળી.’ એમ કહી તેણે ફરી પત્ની – બાળકો તરફ હાથ લંબાવ્યો… પણ, સામા પક્ષે લોકોનું ફરી એ જ વર્તન…ને પેલાના ચહેરા પર ફરી એ જ નિ:સાસો…. મજબૂરીના મણમણના ભારને લઈને તે આગળ વધ્યો….

ફરી એક પ્રયત્ન….અહીં હજુ તો એ કંઈ બોલે તે પહેલાં જ કારમાંથી વાક્ બાણ છૂટ્યું, ‘નથી લેવા. આઘો જા અહીંથી. ફુગ્ગાની વાસ સહન નથી થતી.’

ત્યાંથી ખસતી વખતે બાજુમાં સ્કુટરસવાર કપલ તરફ જોયું. તેણે પણ ઇશારાથી નનૈયો ભણી દીધો….હવે ન રહેવાયું. એક નજર આકાશ તરફ નંખાઈ ગઈ. મનોમન પ્રાર્થના થઈ ગઈ… આંખે ઝળઝળિયાં આવી ગયાં. ગળે ડૂમો બાઝી ગયો. ફરી ચાલતો થયો…

. …..હવે તે પ્રકાશભાઈની કારની તદ્દન નજીકના અંતરે જ હતો. તેમણે હાથ ઉંચો કરી તેને બોલાવ્યો ત્યારે એ ભીની – ઉદાસ આંખો કંઇક આશા સાથે ચમકી ઉઠી. ઉતાવળી ચાલે તે આવી પહોંચ્યો.
તેના સુકલકડી શરીરમાંથી બહાર ગણાઇ આવતી પાંસળીઓ અને ઊંડું ઊતરી ગયેલું પેટ તેની કારમી ગરીબીની ચાડી ખાઈ રહ્યા હતા તે પ્રકાશભાઈ કળી શક્યા હતા.

આવતાં વેંત જ બહાવરો બની તેણે પૂછ્યું, ‘કેટલાં આપું સાહેબ ?’ તેના અવાજમાં ધ્રુજારી સ્પષ્ટ વર્તાઇ રહી હતી.

‘પાંચ.’ કહીને પ્રકાશભાઈએ તેની તરફ પચાસની નોટ જેવી લંબાવી કે બાજુમાં ઉભેલા બાઈકસવારે વણમાગી સલાહ આપી, ‘ 20ના 3ના ભાવે માંગી લ્યો સાહેબ, બહુ છેતરે છે આ લોકો.’

પણ, પ્રકાશભાઈ મર્માળુ હસીને મનમાં જ બોલ્યા, ‘આજે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મની ટિકિટ અને ઇન્ટરવલમાં પોપકોર્ન, કોલ્ડડ્રિન્કસમાં કેટલા છેતરાણા એની કયાં ખબર છે. એની સામે તો આ રકમ નજીવી છે.’

પેલાએ પાંચ ફુગ્ગાની દોર ખરીદનારના હાથમાં આપીને પૈસા લીધાં ત્યારે નજીક ફૂટપાથ પર બેઠેલો તેનો ભૂખ્યો પરિવાર એ પચાસની નોટમાં રહેલા એક ટંકના રોટલાને રંક નજરે જોઈ રહ્યો હતો.

તેના ગયા બાદ બાજુમાં બેઠેલી પત્ની તુરત જ બોલી, ‘ આ કોના માટે ? આપણે ક્યાં નાનાં બાળકો છે?’

‘પેલા ફુગ્ગાવાળાને તો છે ને, એના માટે.’ પ્રકાશભાઈ ફૂટપાથ તરફ નજર કરતાં બોલ્યા…..

લેખક : શીલા જોબનપુત્રા (રાજકોટ)

દરરોજ અવનવી અલગ અલગ નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી