દિકરી માતા સાથે ગમે તેટલું લડે અને બંને વચ્ચે કેટલાય રિસામણા મનામણા ચાલે પણ તોય માનું સ્થાન કોઈ ના લઇ શકે…

સાડીની સુંવાળપ
***************

પપ્પા લાખો લાડ લડાવે, પડ્યા બોલ ઝીલે, તો’ય હેત્વીને તો માયા મમ્મીની સાડીના સુંવાળા સ્પર્શની જ…….એ સાડીમાં નર્યો નેહ નિતરે……એની તોલે કોઈ સુખ ન આવે…….

રિસાવું તો મમ્મીની સાડીનો પાલવ પકડીને…..રડવું આવે તો એ જ પાલવથી આંસું લુછાય….. મમ્મીના ખોળામાં માથું રાખીને થાક ઉતારવો હોય કે મન મૂકીને રડવું હોય, એ સાડીની હૂંફની સંગે જ……નાની ઉંમરમાં તો મમ્મી મોઢું ધોઈને પાલવથી જ મોં લૂછી આપતી .એ હાથવગો નેપકિન ……. સાડીની ગડી ખોલીએ એટલે બપોરે સુવાનું હાથવગું પાથરણું બને ,તો ક્યારેક ઓઢવાનો ઓછાડ. અરે ! બાળપણમાં અરીસા સામે ઉભા રહીને માની સાડી જેમ તેમ વીંટીને ‘નાનકડી મમ્મી’ બનવાની મજા કેમ ભુલાય ? કોઈ વઢતું તો સૌથી સલામત જગ્યા મમ્મી….એણે પહેરેલી સાડીની ઓથ મળી જતી..ખુદ મમ્મી ખિજાય ને તો પણ એની સાડીને વળગીને ‘સોરી’ કહેતી ને બસ, મમ્મીનો ગુસ્સો મીણની જેમ પીગળી જતો……નાની નાની ખુશીમાં પણ મમ્મીને ભેટી પડી સાડીના સ્પર્શનો આનંદ લઈ લેતી…. ટ્રેન કે બસમાં ઠંડી લાગતી તો મમ્મી સાડીનો છેડો ઓઢાડી દેતી ને ઠંડી ગાયબ થઈ જતી…એની જૂની સાડીઓમાંથી બનેલાં ગોદડાંની હૂંફ શિયાળાની લાં…… બી રાતને પણ ટૂંકી કરી દયે..

પરંતું આ સુંવાળપ છેલ્લા કેટલાંક દિવસોથી ન મળતી હોવાથી હેત્વી મૂંઝવણ અનુભવી રહી હતી. તે માતાને અચરજભરી દ્રષ્ટિથી જોઈ રહેતી. વર્ષોથી સાડીમાં જ સજ્જ રહેતી મમ્મી તેને આજકાલ કંઈક જુદી જ લાગતી હતી.

નહિં તો એ જ હસતી – હસાવતી, બોલતી – બોલાવતી, દોડી – દોડીને ઘર સાંભળતી, સૌના સમય સાચવતી, થાળીમાં મજેદાર વાનગીઓ સાથે પ્રેમ પીરસતી ને પોતાના સ્વાસ્થ્યના ભોગે પણ પરિવારની કાળજી લેતી મમ્મી……. એના હેત – પ્રેમમાં ક્યાંય ઓટ આવી ન હતી. બસ, એના બદલાયેલા રોજિંદા પહેરવેશ પ્રત્યે દીકરીને થોડો અણગમો હતો. તેણે પણ બીજી સ્ત્રીઓની જેમ પંજાબી ડ્રેસ પહેરવા શરૂ કર્યા હતા.

એના ડ્રેસમાં સાડી જેવી ઘરકામની સુગંધ નહોતી આવતી. ડ્રેસ સહેજ પણ બગડે નહિ એનું ખૂબ ધ્યાન રાખતી. વળી, ક્યાં સાડીનો મોટો પાલવ, એનો ઘેરાવો ને ક્યાં આ ચુસ્ત ડ્રેસ. બટકા જેવી ઓઢણી એવી કસકસાવીને બાંધતી કે દીકરીને છેડાનો’ય સ્પર્શ ન થતો.

ઘરમાં દીવાલ પર ટાંગેલી સુખડનો હાર પહેરેલી દાદીમાની તસવીરને પૌત્રી અવારનવાર એકીટશે જોઈ રહેતી…..વિચારતી….’કાશ ! અત્યારે દાદીમા હોત તો સાડીના સુંવાળા સ્પર્શની ખોટ વર્તાઈ જ ન હોત…દાદી, દાદી કરતી એના સાડલામાં લપેટાઈને અઢળક લાડ કરી લીધા હોત….!’

હેત્વીને ઘણી વાર થતું કે કહી દઉં, ” મમ્મી, તું મને સાડીમાં જોવી ગમે છે. આમૅ’ય તને ડ્રેસ કરતાં સાડી વધુ શોભે છે.” પણ, હૈયાની આ વાત હોઠે આવી અટકી જતી. ક્યાંક માતાનું મન ભાંગી જાય તો….!!!

જો કે સ્મિતાએ તો દીકરીનો ચહેરો વાંચી જ લીધો હતો. પોતાના ડ્રેસ પહેરવા પ્રત્યેના તેના અણગમાથી અજાણ ન હતી. પણ, કામકાજ અને બહાર આવવા – જવામાં ડ્રેસ ખૂબ જ અનુકૂળ રહેતા એટલે પહેરતી. એ પણ સાદા અને સસ્તા…

આ બાબત કિશોર વયની હેત્વી પણ બરાબર સમજતી હતી કે મમ્મી કોઈ દેખાદેખી કે ફેશનને અનુસરી નથી. પોતાની શારીરિક અનુકૂળતા માટે જ તેણે ડ્રેસનો પહેરવેશ અપનાવ્યો છે. ‘ખેર ! ધીરે ધીરે આંખો ટેવાઈ જશે.’ એમ વિચારી તેણે મન તો મનાવી લીધું. પણ, સાડીના એ મુલાયમ સ્પર્શની માયા તો અકબંધ જ રહી…..! ! !

થોડા દિવસો બાદ પ્રસંગોની મોસમ આવી. સ્મિતાના ઘરે પણ કુમકુમ પત્રિકા આવી. આ બહાને હેત્વીએ મમ્મીને વાતવાતમાં સાડી પહેરવાનું સૂચન કરી જ દીધું…..

……અને એ દિવસ આવી ગયો. ‘આજે તો મમ્મી ઘણા દિવસે સાડીમાં જોવા મળશે.’ હેત્વી આશાભરી મીટ માંડી બેસી ગઈ. આંખો ઓરડાના બંધ બારણાં પર સ્થિર થઈ……

……થોડી વારે બારણું ખૂલ્યું…. સ્મિતા સુંદર તૈયાર થઈને ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરીને બહાર આવી…..દીકરી પહેલા તો માતાને અનિમેષ નયને નીરખી રહી… પછી ન રહેવાયું એટલે દોડીને હેતથી માને ગળે વળગી ગઈ…..સાડીના સુંવાળા સ્પર્શનો આનંદ લેતી મનોમન બોલી, ‘હવે લાગે છે અદ્દલ મમ્મી… મારી મમ્મી… પહેલાં જેવી જ….’

સ્મિતાએ પણ હેત્વીને વાત્સલ્યથી નવડાવી દીધી….આજે તેણે દીકરીની ઈચ્છાને માન આપી સાડી પહેરી હતી, નહિ તો…….

…..એ ફેન્સી પંજાબી ડ્રેસ પહેરવાના ઘણા ઓરતા હતા, જે તેના પતિએ ખાસ આજના પ્રસંગે પહેરવા માટે પહેલી જ વખત ઊંચી કિંમતનો અને મનપસંદ ડ્રેસ લઈ દીધો હતો……

લેખિકા – શીલા જોબનપુત્રા (રાજકોટ)

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ..

ટીપ્પણી