મનમોહન દેસાઈ મુજે જાન સે મારના ચાહતા થા – શશી કપૂર..

૭૯ વર્ષની ઉંમરે શશીજીના નિધનના સમાચાર આવ્યા અને તેમને શબ્દાંજલી આપવાના વિચારથી એક લેખમાળાનીશરૂઆત તો કરી. પરંતુ શરૂઆત કરતાટાણે એવો વિચાર કર્યો હતો કે બે હપ્તામાં પૂર્ણ કરી લઈશું. પરંતુ, આજે જ્યારે લખવા બેઠો છું ત્યારે એટલાં બધા અને એવા એવા કીસ્સાઓ યાદ આવી રહ્યા છે કે આ એપિસોડમાં તે બધાંને કઈ રીતે સમાવી શકીશ તે સમજાતુ નથી, સમાવી શકાશે પણ કે નહીં તે પણ ખબર નથી. કારણ કે દરેક કીસ્સા એટલાં મજેદાર અને સાવ અજાણ્યા છે કે વાચકમિત્રોએ તેમના આ માનીતા કલાકાર વિશે આ પહેલાં આ બધી જ વિગતો નહીં વાંચી હોય તેની ખાતરી છે. ખેર, કેટલાં મણકાઓની આ માળા બનશે તેનું ટેન્શન લીધા વિના કમ સે કમ આ એપિસોડ તો આપની સાથે વહેંચી લઉં.

આ તબક્કે યાદ આવે છે શશી કપૂર અને મનમોહન દેસાઈજી વિશેની વાતોની. હવે સંબંધને નાતે આમ તો મનમોહન દેસાઈ શશીજીના એટલે કે તેમના મોટાભાઈ શમ્મી કપૂરજીના વેવાઈ થાય. શમ્મી કપૂરજીની દીકરી કંચનના લગ્ન મનમોહન દેસાઈજીના દીકરા સાથે થયા છે. પરંતુ, શશીજી કાયમ એક વાત કહેતાં રહેતા કે મનમોહન દેસાઈ તેમને જાનથી મારી નાખવા માગતા હતાં. અને આ વિશેની વાતો શશીજીએ મનમોહન દેસાઈ સાહેબની બાયોગ્રાફીમાં ખુલ્લા મને લખી છે.

વાત કંઇક એવી છે કે, શશીજીએ મનમોહન દેસાઈ સાથે ૧૯૭૩માં ‘આ ગલે લગ જા’ ફિલ્મ કરી અને ત્યારબાદ ૧૯૮૯માં રિલીઝ થયેલી સુહાગમાં પણ કામ કર્યું. શશીજી કહે છે કે મનમોહન દેસાઈને તેમના કલાકારોને રિસ્કમાં નાખી દેવાની મજા પડતી હતી. અને શશીજી કહેતા કે, તેમના ચાલીસ વર્ષના ફિલ્મી કરિઅરમાં તેમણે સૌથી ખતરનાખ સ્ટંટ મનમોહન દેસાઈજી ફિલ્મોમાં કર્યા છે. આ ગલે લગ જા, ફિલ્મની ફાઈનલ ફાઈટનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જેમાં સીકવન્સ કંઇક એવી હતી કે શશીજીએ સ્કેટ્સ પહેર્યા છે અને તેમની આજૂ-બાજૂ તમામ જગ્યાએ આગ લાગી છે. અને તેમણે આ ફાઈટમાં ચાકૂથી લડવાનું હતું. હવે મનમોહનજી ચાહતા હતાં કે શશીજી આ ફાઈટમાં અસલી ચાકૂનો ઉપયોગ કરે. શશીજીએ ના કહી દીધી. મનમોહનજી એમને મનાવી લેવાના પ્રયત્નો કરવા માંડ્યા. શશી કપૂરજી એમને સમજાવ્યું કે, ભાઈ મેં સ્કેટ્સ પહેર્યા છે. ક્યાંક કદાચ બેલેન્સ ખોરવાયુ અને કંઇક આડૂતેડુ થઈ ગયું તો એ સંજોગોમાં અસલી ચાકૂ વાપરવું જોખમભર્યુ છે.

મનમોહન દેસાઈએ કહ્યું, ‘ડરપોક!’ શશી કપૂરે આ સાંભળીને મનમોહન દેસાઈ તરફ અસલી ચાકૂ ધીમેથી ફેંક્યુ, મનમોહન ચાકૂના આ હુમલાથી બચી ગયા તે બોલ્યા, ‘ક્યા કર રહે હો? મેં મર સકતા હું.’ શશી કપૂરજીએ કહ્યું, ‘હાં, બસ હું પણ એ જ તો સમજાવી રહ્યો હતો.’ આ જ ફાઈટ સીકવન્સમાં એક બીજો સીન એવો હતો કે શશીજીએ આયના સાથે ટકરાવાનું હતું. મનમોહનજી ફરી જીદ્દે ચઢ્યા કે, શશી આ સીન જાતે પોતે જ કરે નહીં કે તેનો ડુપ્લિકેટ. શશીજીએ ફરી એકવાર ના કહી દીધી. અને આખરે શશીજીના ડુપ્લિકેટ પાસે જ તે સીન કરાવવામાં આવ્યો. પણ શશીજીને જે વાતની શંકા હતી તે જ થયું. તેમનો ડુપ્લિકેટ જ્યારે આ સીન પૂર્ણ કરીને બહાર આવ્યો જ ખબર પડી કે તેના માથામાં ઘણાં ખૂબ વાગ્યુ હતું અને ત્યાં ઘણાં બધા કાચના ટૂકડા ઘૂસી ગયા હતા. એટલું જ નહીં તેમના તે ડુપ્લિકેટને ૬૦ ટાંકા આવ્યા હતાં. શશીજીએ ફરી મનમોહન દેસાઈને કહ્યું, ‘જોયું? અને આ સ્ટંટ તમે મારી પાસે કરાવવા માગતા હતા. તુમ મુજે જાન સે મરવાના ચાહતે હો!’

અચ્છા, વાત અહીંથી જ પૂર્ણ નથી થતી. હવે આવી હતી સુહાગ. આ ફિલ્મમાં પણ મોટરસાયકલ અને હેલિકોપ્ટરનો એક સીન આવે છે જે મનમોહનજી શશી કપૂર પાસે કરાવવા માગતા હતા. સ્ટંટ કંઈ એવો હતો કે શશીજી અને અમિતાભજી મોટરબાઈક આવે છે અને તેમણે હેલિકોપ્ટરમાંથી હવામાં લટકી રહેલી સીડીને પકડવાની હતી. આ શૂટિંગ થઈ રહ્યું હતું સિંગાપોરમાં. હવે સિંગાપોર સરકાર તરફથી ખૂબ ઓછા સમય માટે હેલિકોપ્ટર વાપરવાની પરમીશન મળી હતી. આથી એ સંભવ નહોતુ કે તેઓ બે-બેવાર શૂટિંગ કરી શકે. પહેલાં ડુપ્લિકેટ સાથે અને પછી રીઅલ એક્ટર સાથે. આથી સંજોગોને કારણે શશીજી પણ શું કરે, આખરે તે માની ગયા અને શશીજી પાસે જ આ સીન કરાવડાવવાનું નક્કી થયું.

પરંતુ, તેમણે મનમોહનજી સામે સીધે-સીધી શરત તો મૂકી દીધી કે, તે આ ટેઈક એક જ વાર કરશે રીટેઈક નહીં થાય. હવે, સીન જ્યારે શૂટ થઈ રહ્યો હતો. અને શશીજી જ્યારે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ ઉપર હવામાં હતાં, ત્યારે શશીજીના હાથમાં પરસેવો થવા માંડ્યો. પરંતુ શોટ હજી પૂર્ણ નહોતો થયો. શશીજીને લાગ્યુ કે, હજી થોડોવાર જો તે આમ જ લટકી રહ્યા તો નક્કી ૧૦૦ ફૂટ નીચે પટકાશે. ફરી એકવાર શશીજીને લાગ્યું કે, આ મનમોહન તેમને મારી જ નાખવા માગે છે. પરંતુ જેમ તેમ કરીને તેમણે શોટ પૂર્ણ કર્યો અને નીચે આવી ફરી મનમોહનજીએ તેમણે કહ્યું. ‘તુમ મુજે માર ડાલના ચાહતે હો. ઈસીલિયે તુમ હરબાર મુજસે યે જાનલેવા સ્ટંટ કરવાતે હો. મેં તુમ્હારે એક્શન સીકવન્સ કી તો બાત છોડો, અબ કભી ફિલ્મ ભી નહીં કરૂંગા.’

એવું નહોતું કે શશી કપૂર ફિલ્મી પરીવારમાંથી આવતા હતાં તેથી તેમણે સ્ટ્રગલ નહોતી કરવી પડી. આ કીસ્સો તેમની કરિઅરની શરૂઆતનો છે. ૧૯૬૦ના શરૂઆતના દિવસોની આ વાત છે. એવીએમ સ્ટૂડીઓએ શશી કપૂરજી સાથે બે ફિલ્મોનો કોન્ટ્રેક્ટ કર્યો અને તે માટે તેમને એડવાન્સ રકમ પણ ચૂકવી દેવામાં આવી હતી. એક ફિલ્મનું કામ તો શરૂ થઈ ગયું, જેના ડીરેક્ટર હતાં બિમલ રોય રાહેબ. પરંતુ બીજી ફિલ્મનું કામ હજી શરૂ નહોતુ થયું. અને નસીબ સંજોગે આ જ સમય દરમિયાન શશીજીની એક ફિલ્મ રિલીઝ થઈ ગઈ. જેનું નામ હતું ચાર દિવારી. અને આ ફિલ્મ ચાર દિવારી ચારેબાજૂથી ફ્લોપ થઈ ગઈ. હવે આ કારણે શશીજી માટે બજારમાં અનેક વાતો થવા માંડી.

સ્વાભાવિક રીતે જ તેમની સરખામણી તેના ભાઈઓ સાથે થવા માંડી. ટૂંકમાં માત્ર એક ફિલ્મ ફ્લોપ જવાને કારણે શશીજીનો સમય થોડો ખરાબ આવી ગયો. પ્રોડ્યુસરો તેમની સાથે કામ કરવાથી દૂર ભાગવા માંડ્યા. હવે આ કારણથી પરિણામ એ આવ્યું કે એવીએમ સ્ટૂડિયોએ શશીજીને કહી દીધું કે તેમણે એમની સાથે જે બે ફિલ્મોનો કોન્ટ્રેક્ટ કર્યો છે તે તેઓ તોડવા માગે છે. અને તેમણે એડવાન્સની રકમ એવીએમને પાછી આપી દેવી પડશે. હવે આ મેસેજ તેમને મળ્યો ત્યારે શશીજી ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા. શશીકી દ્વીધામાં હતાં તેમને સમજાતુ નહોતું કે કરવું શું. તેમને એ વાતનો ડર હતો કે, જો એડવાન્સ પાછા આપવા પડ્યા અને ઈન્ડસ્ટ્રીમાં આ વાત જાહેર થઈ ગઈ તો તેમના કરિઅરનો અંત આવી જશે. કોઈ તેમની સાથે કામ કરવા તૈયાર નહીં થાય.

તેમણે મોટા ભાઈ રાજ કપૂરને આ વિશે વાત કરી. તો રાજ કપૂરે કહ્યું કે, મારા હિસાબે તેમની માગ ખોટી નથી. તારે એડવાન્સ પાછા આપી દેવા જોઈએ. રાજ કપૂરે તેમના આ નાના ભાઈને કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રીમાં હારતા ઘોડા પર કોઈ પૈસા લગાડતું નથી. તુ જ્યાં સુધી તારી જાતને પુરવાર નહીં કરે અને એક અભિનેતા તરીકે એસ્ટાબ્લિશ્ડ નહીં કરે ત્યાં સુધી તારે તારી આ હાર સ્વીકારી લેવી જોઈએ. અને આ તો હજી શરૂઆત છે. ભવિષ્યમાં આવી અનેક પરિસ્થિતિઓ આવશે. જેનો તારે સામનો કરવો પડશે. આથી તારે એ શીખીલેવું પડશે કે કઈ રીતે તારે તારી નિષ્ફળતાઓને ભૂલવવાની છે અને આગળ વધવાનું છે અને તે જ રીતે જ્યારે સફળતા મળે ત્યારે પણ તેના પર વધુ ધ્યાન નહીં આપીને આગળ વધતા રહેવાનું છે. આથી ડર નહીં અને એવીએમ પાસે જે ૫ હજાર એડવાન્સ લીધા છે એ ડીગ્નિટી સાથે પરત આપી દે.

શશી કપૂરજીએ ન માત્ર એડવાન્સની તે રકમ પરત કરી બલ્કે, મોટા ભાઈએ કહેલી વાત પણ તેમણે આજીવન માટે ગાંઠ બાંધી લીધી. અને જે કલાકારે એડવાન્સની રકમ પરત કરવી પડી હતી, જે કલાકાર સાથે સ્ટૂડિયોએ કરેલો કોન્ટ્રેક્ટ તોડી નાખ્યો હતો તે જ કલાકાર ત્યારપછીના સમયમાં એવો સિતારો બની ગયો કે દસ નહીં, વીસ નહીં પરંતુ ચાલીસ ચાલીસ વર્ષનું ફિલ્મી કરિઅર ભોગવ્યું.

લેખન : આશુતોષ દેસાઈ.

શેર કરો આ પોસ્ટ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી