શશી કપૂર તમે નામથી નહીં કામથી અમર થઈ ગયા.. વાંચો અને શેર કરો…

૧૮મી માર્ચ, ૧૯૩૮ના રોજ બલબીર પૃથ્વીરાજ કપૂર પરિવારમાં જન્મ અને આ ૪થી ડિસેમ્બર,૨૦૧૭ના રોજ માટીનું શરીર નામે શશી કપૂર ફરી માટીમાં વિલીન થઈ, પરમાત્માને ધામ પહોંચ્યા. પરંતુ તેમનું કામ, તેમનું યોગદાન સદાકાળ યાદ રહેશે. શશી કપૂર જેટલાં તેમના નામથી આપણી વચ્ચે કે ઈન્ડસ્ટ્રીમાં નહીં રહે એટલા એમના કામથી, એમના યોગદાનથી આપણી વચ્ચે યાદ થતાં રહેશે. ત્રણ નેશનલ એવોર્ડ (૧૯૭૯, ૧૯૮૬ અને ૧૯૯૪) પદ્મભૂષણ (૨૦૧૧) અને હિન્દી ફિલ્મ જગતનું સર્વોત્તમ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમને એનાયત થયો ૨૦૧૫ની સાલમાં. એવા આ સન્માનિય, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવા છતાં આજીવન વિવાદોથી દૂર રહેવા ટેવાયેલા શશી કપૂરજીની વિદાય સમયે તેમને શ્રધ્ધાંજલી રૂપે તેમના જીવનની કેટલીક એવી વાતો આપ વાચક મિત્રો સાથે શેર કરવી છે જે આજ પહેલાં તમે ક્યાંય વાંચી કે સાંભળી નહીં હોય.

શશી કપૂર સાહેબે તેમના ફિલ્મી કરીઅરમાં જે સફળતા મેળવી તે માટે સૌથી પહેલો અને સૌથી મહત્વનો ફાળો કોનો ગણાય? વાત ૧૯૫૯ની છે જ્યારે શશી કપૂરને સાહેબને કામ મેળવવાની તાતી જરૂરિયાત હતી અને પૈસા કમાવાની પણ. આ સમય તેમના જીવનનો સ્ટ્રગલનો પીરીઅડ હતો. તો આ સમય દરમિયાન તેમને એક દિવસ બિમલ રોય પ્રોડક્શનમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે બિમલદા તમને મળવા માગે છે. સ્વાભાવિક છે આ સાંભળી શશીજી ખૂબ ખુશ થઈ ગયા. તેઓ બિમલદાને મળવા પહોંચી ગયા મોહન સ્ટૂડીયો પર.

તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે બિમલદાની કેબિનની બહાર તેમના કેટલાંક આસિસટન્ટ બેઠાં હતાં. જેમાં કેટલાંક જાણિતા નામો જણાવીએ તો હ્રિષિકેશ મુખરજી, ગૂલઝાર સાહેબ વગેરે. તેમની સાથે વાત થઈ તો શશીજીને ખબર પડી કે બિમલદા બે નવી ફિલ્મોની શરૂઆત કરી રહ્યા છે. બંદીની અને પ્રેમપત્ર. અને તેમણે શશીજીને કહ્યું કે, તું એક કામ કરજે, તને જ્યારે પૂછવામાં આવે ત્યારે તું પ્રેમપત્ર ફિલ્મ માટે હા કહી દેજે. કારણ કે એ ફિલ્મમાં તારે માટે એક ખૂબ સરસ રોમેન્ટીક રોલ છે. શશી કપૂરે વિચાર્યું કે, મારી પાસે હમણાં આમપણ કોઈ કામ નથી જો બેસ્ટ એ છે કે જે મળશે તે માટે હું હા કહી દઈશ. અને તેમાં પણ કામ કોની સાથે કરવાનું છે? બિમલ રોય સાથે! તો ના કહેવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. શશીજી પહોંચ્યા બિમલદાની કેબિનમાં. થોડો સમય શાંત રહ્યા પછી બિમલદા બોલ્યા, ‘શોશી, હમ એકઠો પીક્ચર બોનાયેગા. એન્ડ આઈ વોન્ટ યુ!’ શશી કપૂરજીએ કયું પીક્ચર છે, શું રોલ છે તેવું કંઈ જ પૂછ્યુ નહીં અને બસ તેમણે હા કહી દીધી. બિમલદાએ તેમને ડેટ્સ માટે પૂછ્યું અને થોડી વાત-ચીત કરી અને પછી શશીજી બહાર આવી ગયા. હવે તેમના આસિસ્ટન્ટ હ્રિષિદા કે ગૂલઝાર સાહેબે પૂછ્યું કે શું થયું? તો શશીજીએ કહ્યું કે દાદાએ મારી ડેટ્સ લઈ લીધી છે અને મેં હા કહી દીધી. તો તેમણે પૂછ્યું, કઈ ફિલ્મ માટે? ત્યારે શશીજીએ કહ્યું કે, અરે, એ તો મેં પૂછ્યું જ નહીં. શશીજીતો આ જ અવઢવ સાથે ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસ પછી તેમને ખબર મળ્યા કે, તેઓ પ્રેમપત્ર માટે સિલેક્ટ થઈ ગયા છે અને થોડા દિવસમાં જ તેનું શૂટિંગ શરૂ થશે.

શૂટિંગ શરૂ થયું અને બિમલદાને તેમનું કામ ગમવા પણ માંડ્યુ હતું. બંને વચ્ચે સારો સંબંધ બંધાઈ ગયો હતો. પરંતુ શશીજીએ હજી પણ તેમને પૈસા કેટલા મળશે તે વિશે પૂછ્યું જ નહોતું. તો એક દિવસ બિમલદાએ શશીજીને પૂછ્યું કે, ‘શોશી તુમ્હે કીતને પૈસે કી ઉમ્મીદ હૈ?’ પણ શશીજીને સમજાતું નહોતું કે બિમલદાને શું કહેવું? તેમની આ મૂંઝવણ બિમલદા સમજી ગયા આથી તેમણે સામેથી જ પૂછી લીધું કે ‘ઓચ્છા, મુઝે યે બતાઓ તુમ્હે બી.આર. પ્રોડ્ક્શન મેં કીતના ટોકા દીઆ? શશીજીએ કહી દીધું ૨૫,૦૦૦/-. બિમલદા અચંબિત થઈ ગયા પણ છતાં તેમણે કહ્યું, ‘ઠીક હૈ, મેં ભી તુમ્હે ઉતને હી દૂંગા.’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને બંને વચ્ચે સરસ મેળ જામી ગયો. હવે એમાં એક વખત બન્યું એવું કે, ફિલ્મ પ્રેમપત્રના કેટલાંક સીન્સનું શૂટિંગ લંડનમાં થવાનું હતું પરંતુ બજેટની ખેંચ હતી. આથી બિમલદાએ ફિલ્મનું યુનિટ ભારતથી લઈ જવાને બદલે એક નાની ટીમ ત્યાં જ લંડનમાં ઊભી કરી લીધી જે તેમને લંડનના સીન્સનું શૂટિંગ કરી આપે. અને તે જ સમય દરમિયાન બિમલદાને ખબર પડી કે શશી પોતાના કોઈક અંગત કામને કારણે લંડન જવાના છે. તો તેમણે શશીજી બોલાવી કહ્યું કે, શોશી, તુમ લંડન જા રહે હો તો મેરે લિએ પ્રેમપત્રકા થોડા શૂટિંગ કર કે આઓગે? શશીજી આ સાંભળીને નવાઈ પામી ગયા. તેમણે કહ્યું, દાદા તમને લાગે છે કે હું તે કરી શકીશ? તો દાદાએ કહ્યું, હાં હાં તુમ જરૂર કર લોગે.

શશીજીએ લંડન જઈ તે ફિલ્મનું શૂટિંગ કર્યું અને રીલ્સ ભારત લઈ આવ્યા. બિમલદાએ તેમના કામના ખૂબ વખાણ કર્યા અને ફિલ્મમાં તેમણે શૂટ કરેલા શોટ્સ રાખ્યા પણ ખરા. તો આ રીતે પહેલીવાર શશીજીને કેટલાંક શોટ્સ ડીરેક્ટ કરવાનો મોકો મળ્યો અને તેમના જીવનમાં ડીરેક્શનના બીજ નાખ્યા હતા બિમલદાએ.

બીજો એક કિસ્સો, આ એ સમયની વાત છે જ્યારે શશી કપૂર હજી ફિલ્મોમાં કામ નહોતા કરતા અને થિયેટર કરી રહ્યા હતાં. આ સમય દરમિયાન એક વખત એવું બન્યું કે શશી કપૂરજીની પીઠમાં કેટલાંક ઘાવ પડી ગયા હતાં અને બિમારી એટલી વધી ગઈ હતી કે તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું. શશીજી ઓપરેશન પછી ઘરે આવી ગયા. પરંતુ હજીય ઘણીવાર એવું બનતુ કે શશીજી તે ઘાવની જગ્યા પર જબરદસ્ત દુખાવો થઈ આવતો. એક દિવસ જ્યારે આ દુખાવો ખૂબ વધી ગયો ત્યારે શશીજીથી બરાડા પડાઈ ગયા. તેઓ રડી પડ્યા. આ સાંભળી તુરંત તેમના પિતા પૃથ્વીરાજ કપૂર દોડી આવ્યા અને તેમણે શશીજીના હાથમાં એક આયનો પકડાવી દીધો. શશીજી કંઈ સમજે તે પહેલાં જ પૃથ્વીજી બોલ્યા, આ દુખાવા સમયે તારા ચહેરા જે ભાવ આવી રહ્યા છે તે બરાબર યાદ રાખી લે, કારણ કે આ દુખાવો ભવિષ્યમાં નહીં રહે પરંતુ, તને અભિનય કરતીવેળા ભવિષ્યમાં તે કામમાં આવશે. અને વર્ષો પછી એક વખત એવું જ બન્યું, જ્યારે શશીજીએ એક પાત્રમાં દર્દમાં સબડતા હોવાનો અભિનય કરવાનો હતો. તે સમયે તેમણે પિતાજીએ આપેલી તે શીખને યાદ કરી અને તે સમયના દર્દનો જ આબેહૂબ અભિનય કરી દેખાડ્યો હતો.

આલા દરજ્જાના આ આર્ટીસ્ટ, લાર્જર ધેન લાઈફ જેવું જીવન જીવનારા શશી કપૂરજીએ આપણી વચ્ચેથી વિદાઈ લીધી છે ત્યારે તેમને શ્રધ્ધાંજલી આપવાના આશયથી લખાયેલા શબ્દો એક જ એપિસોડમાં કઈ રીતે પૂર્ણ કરી શકાય, આવતા અઠવાડીયે એક વધુ એપિસોડ શશી કપૂર કે નામ.

લેખન : આશુતોષ દેસાઈ

શેર કરો અને શ્રધ્ધાંજલી આપો, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે..

ટીપ્પણી