માથે મીંડાવાળા શબ્દોને ભડાકે દે ….શરદી

શરદીમાં ‘ખબખબી’ ગયેલું બાળક ‘માં’ ને બદલે ‘બા’ બોલ્યું ત્યારથી જ ‘બા’ શબ્દ શબ્દકોષમાં સ્થાન પામ્યો હશે? માથું ફાટ ફાટ થાય ને નાક તો શ્રાવણ-ભાદરવો! હાથમાં કોળિયો ન હોય છતાં વારેવારે મોઢું ખુલી જાય. સાંજ બોલો ને સાજ સંભળાય ‘હેમંત’ બોલવું હોયને ‘હેબત’ બોલાય! આંખમાં પાણી, નાકમાં પાણી. જીંદગી જાણે ધૂળધાણી! શરદી મીંડાવાળા શબ્દોને તો ભડકે દઈ દે!

“વ્યાધિ કો મંત્ર, તુરંગ કો ચાબૂક, ભૂત પિશાચ કો યંત્ર દિયો હે,
ઔષધ હે સબ દર્દન કે, ‘શરદી’ કે ઔષધ નાહિ કિયો હે!

દુનિયાના બસ્સો તેર દેશના બધા વૈજ્ઞાનિકોને ભેગા કરો, જડીબુટ્ટી શોધવા નેપાળ જાવ, ગીરના જંગલો ખુંદી વળો. એલોપથી, હોમિયોપેથી, આયુર્વેદ, યુનાની, નેચરોપથીના ધુરંધરોને એકઠા કરો. પણ, આ શરદીનું કંઇક કરો. કેન્સરનું તો થઇ પડશે.

ભલભલા અસાધ્ય રોગો શરદી પાસે પાણી ભરે. દુનિયાના કોઈ પણ છેડે જાવ, દર દસ વ્યક્તિએ બે વ્યક્તિ હાથમાં રૂમાલનો ડૂચો કે ટીસ્યુ પેપર લઇ ‘સડસડ’ કરતો હશે. બે જ રોગ એવા છે જેના દરદીને પૂછવું જ ન પડે કે શું થયું છે! એક, કમળો અને બીજો શરદીમાં સપડાયેલ બદનસીબ દરદી. શરદીના દરદી તોબરો બિમારીની ખુલામ્મખુલ્લા ચાડી ફૂંકે.

કોઈ શરદીના દરદીને ‘કેન્ડીક્રશ સગા’ રમવાનું પૂછી જોજો. લાત મારશે! લાલ ટેટા જેવું નાક અને ડીપ્રેસ્ડ ઉતરી ગયેલો ચહેરો, એમ થાય કે હમણાં કંઇક અવિચારી પગલુભારી બેસશે. તમને કેન્સરનો દરદી હસતો જોવા મળે, ડેન્ગ્યુનો દરદી મરકી શકે, બાઈપાસ કરાવેલો દરદી શાંતિથી સૂવે.

પણ, શરદીમાં સપડાયેલો દરદી ને ‘ગોલમાલ’ પિક્ચર બતાવો તોય એને હસવું ના આવે. એ પથારીમાં પડખાં ફેરવે ને ઝંડુ બામથી ઓશિકા બગાડે. એને ન વાંચવું ગમે, ન કોઈ કામમાં મન ચોટે, ન એને વાત કરવાની ઈચ્છા થાય. નાકના બંને ફોણવામાં એક પછી એક વન-વે ટ્રાફિક જેવું.

જમણી બાજુનું ફોણવું બંધ હોય ત્યારે ડાબી બાજુનું ફોણવું ખુલે અને ડાબી બાજુનું ફોણવું ચોક થઇ ગયું હોય ત્યારે જમણી બાજુનું ફોણવું શ્વાસની અવાર-જવર થાય અમુક ટાઈમ તો નાક એવું જામ થઇ જાય કે મન ડ્રીલિંગ કરાવવા તૈયાર થઇ જાય.

જે માણસ શરદી થવાના કારણો શોધી નથી શક્યો એ માણસ શરદીની દવા ક્યાંથી શોધી શકવાનો છે! ‘વરસાદમાં પલાળ્યા એટલે’, ‘ખાટું દહીં ખાધું એટલે’, ‘પાકું કેળું ખાધું એટલે’, ‘ફ્રિઝનું ઠંડું પાણી પીધું એટલે’. ‘પવનમાં કાન ઢાંક્યા નહીં એટલે’ કોઈ તો કહેશે કે ઉજાગરાની શરદીથી છે! આમ, ઢગલો મનઘડંત કારણો અપાય.

શરદીના દરદીને સલાહ આપનારાઓનો તોટો ન જડે, સાહેબ. ઉપરથી “विक्स की गोली ल्यो, खीच खीच दूर करो” અને “कुछ लेते क्यों नहीं?” જાહેરખબરના હથોડા પડે. ‘તમે નાસ લ્યો, આદુવાળી ચા પીવો, તુલસીના પાંચ પાન ચાવો. જમાનો ધૂમાડો કરી ઊંડા શ્વાસ લો, કોપરેલનું તેલ ઘસો, કપડામાં કપૂર લઇ સૂંઘો’.

કોઈ આયુર્વેદનો હિમાયતી ધીર ગંભીર ચહેરે કહેશે, ‘મારું માનો તો ત્રણસો પાંસઠ દિવસ રાત્રે સૂતા પહેલાં બે સુદર્શન ઘનવટી ગાળવાનો નિયમ રાખો, તાવ-શરદી થાય તો મને કહેજો.’

ઓહ, માય ગોડ! હું જયારે જયારે શરદીમાં સપડાઉં ત્યારે ત્યારે થાય છે કે, હું મારા સૂદર્શન ઘનવટી, ડી-કોલ્ડ, સેરિડોન કે લેમોલેટ જેવી ગોળીઓ ગળવાને બદલે મારા નાકમાં ટૂ-નોટ-ટૂની ગોળી ધરબી દઉં તો જ રાહત થાય!

લેખક : અનુપમ બુચ

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી