શિવરાત્રી આવી રહી છે તો આ દિવસે ખાસ બનાવજો આ સ્વીટ શીરો…

મહાશિવરાત્રી સ્પેશ્યલ શક્કરિયાનો શીરો

મિત્રો, મહાશિવરાત્રી પર્વ આવી રહ્યું છે તો આ પર્વ નિમિતે શિવરાત્રી સ્પેશ્યલ ડીશ, શક્કરિયા નો શીરો કેમ ભુલાય? વળી, શક્કરિયાએ નુટ્રિશનનો રિચ સોંર્સ છે. શક્કરિયા આપણા શરીર માટે અત્યંત આવશ્યક એવા મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે, તો ચાલો મિત્રો સરસ રેસિપી બતાવી દઉં શક્કરિયાનો શીરો બનાવવાની

સામગ્રી :

1 કિલો શક્કરિયા,
200 ગ્રામ ખાંડ,
500 મિલી દૂધ,
100 મિલી ઘી,
2 ટેબલ સ્પૂન દૂધ મલાઈ,
થોડા ડ્રાયફ્રૂટ્સ,

રીત :

સૌપ્રથમ શક્કરિયાને વરાળથી બાફી લેવાના, કુકરમાં પણ બાફી શકાય પણ વરાળથી બાફવાથી શીરો વધારે સ્વાદિષ્ટ બને છે. શક્કરિયા બાફવા માટે 20 થી 25 મિનિટસ જેટલો ટાઈમ લાગે છે.

શક્કરિયા બફાઈ જાય પછી તેની છાલ ઉતારી લેવી, એક બાઉલ પાર ઘઉં ચાળવાનો આક ઊંધો રાખીને બધાજ શક્કરિયાનો માવો બનાવી લેવો. આમ કરવાથી તેમાં રહેલા રેસા આસાનીથી અલગ કરી શકાય.


એક કડાઈ માં ઘી લઇ શક્કરિયાનો માવો નાખી માધ્યમ આંચ પર શેકો. 7 થી 8 મિનિટ્સ સુધી શેકવાનો છે.

ત્યારબાદ તેમાં દૂધ મલાઈ, ખાંડ અને દૂધ ઉમેરો, દૂધ ને ગરમ કરીને ઉમેરવું. જો ઇલાયચીનો સ્વાદ પસંદ હોય તો ચપટી ઈલાયચી પાવડર પણ નાખી શકાય. સ્ટવની આંચ વધારીને સતત હલાવતા રહેવું.

બધુ જ દૂધ બળી જાય અને ઘી છૂટું પડતું દેખાય ત્યાં સુધી હલાવવું. હવે આપણો શીરો તૈયાર છે. મનપસંદ ડ્રાયફ્રૂટ્સને કાપીને ઉપરથી ગાર્નિશ કરી ગરમાગરમ અથવા તો ઠંડો કરીને પણ ખાઈ શકાય.


શક્કરિયાનો સ્વાદ મીઠો હોય છે તેથી ખાંડનું પ્રમાણ ઘટાડી શકાય અને ઘી પણ ઓછું નાખીએ તો પણ શીરો સ્વાદિષ્ટ જ લાગે છે.

તો શિવરાત્રી ઉપર ચોક્કસ બનાવજો, ખુબજ સ્વાદિષ્ટ બને છે, બધાને ખુબ પસંદ આવશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી