ગુજરાતનું ગર્વીલું શહેર,”મારું અમદાવાદ, આપણું અમદાવાદ”…

અમદાવાદનો ૬૦૭ મો જન્મદિવસ..

મારા જેવા જન્મે અને કર્મે પાકા અમદાવાદીને અમદાવાદ વિશે લખવાનું આવે તો ડોફરાઈ જાય અલ્યા શું લખું..? અને શું ના લખું..?

તારીખ ૩૦-૦૯-૧૯૭૦ને સાંજે છ વાગીને પાંત્રીસ મીનીટે શાહપુર બહાઈસેન્ટરમાં પેહલો શ્વાસ લીધો અને ભગવાન કરે ને છેલ્લો પણ આ જ શેહરમાં લઉં.

ઉછળતા કુદતા અમદાવાદના કોટ વિસ્તારમાં કોટની રાંગ ઉપર ચડીને રમીને બાળપણ અને અડધી જુવાની ગઈ,બાકીની એલીસબ્રીજ,ગુજરાત કોલેજ ,સીજી રોડ અને હવે સેટેલાઈટ અને એસ જી રોડ, પણ તો ય દિવસમાં બે વાર તો સાબરમતીને જોવાની અને ખુશ થવાનુ..!

મને મારા બાળપણના દિવસો બહુ ગમતા જો કે દુનિયાના દરેક માણસને બાળપણ જ ગમે..અમારી સોસાયટીનો એક છેડો કોટ ઉપર જ ખૂલતો બિલકુલ  કામા હોટલની સામે આવેલો કોટ..!

અત્યારે સાવ નાના લાગતા પગથીયા ત્યારે બહુ મોટા લાગતા પણ એ પગથીયા પર એકબીજાને ટેકા કરીને ભાઈબંધો કોટ પર ચડીને સાબરમતી ને જોતા..!

પેલી ગધેડાવાળી ગધેડા પર રેતી ભરતી દેખાતી, લગભગ બારે મહિના કોરી ધાકોર રેહતી સાબરમતીના પટમાં ક્રિકેટ રમતા અને મલ્લા માતાની ચીકણી માટી લેવા છેક સામે છેડે નદીમાં ચાલીને આશ્રમ રોડ સુધી પોહચી જતા..!

લખતા લખતા અત્યારે મનમાં અમદાવાદના દરવાજા યાદ કરતો હતો,

અમારો ખાનપુર દરવાજો હમણા પડી ગયો..ફરી રીપેર થાય છે ,દરવાજાને અડીને કાળુમીંયા નું ગેરેજ ,પાપાનો પરમ ભક્ત કાળીયો, અડધી રાતે ગાડી લઈને ક્યાય જવાનું હોય કાળુમીંયા હાજર હોય..દરવાજો પડ્યો એવા સમાચાર આવ્યા ત્યારે પેહલા જ દોડ્યા કે કાળુમીંયા..?? તો કહે સબસલામત

વર્ષોથી પાપા એને સમજાવતા કે આમ આ દરવાજાને અડીને ના રેહવાય આ પાંચસો વર્ષ જુનું બાંધકામ છે, ગમે ત્યારે પડશે તો તું દટાઈ જઈશ ..દરવાજો પડ્યો ખરો પણ કાળુમીંયા અને એનો પરિવાર બચી ગયો..!

અત્યારે રીનોવેશન ચાલી રહ્યું છે..એટલે આવનારી પેઢી ખાનપુર દરવાજો જોઈ શકશે બાકી લાલ દરવાજો ,શાહપુર દરવાજો આ બધા દરવાજાના મેં દર્શન નથી કર્યા..! પેહલા જ પડીને પાદર થઇ ગયા હતા..!

બહુ વિચાર્યું અને મનમાં ગણ્યુ કે અમદાવાદના દરવાજા કેટલા છેવટે ગુગલ દેવતા ને પૂછ્યું અને એમણે વીકી માતા પાસે મોકલ્યો..

સારી માહિતી છે એટલે સીધી કોપી પેસ્ટ કરુ છુ..

અમદાવાદના દરવાજાઓ :- 

ઇ.સ. ૧૪૧૧થી વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બંધાયેલા દરવાજાઓ છે

આ દરવાજાને અનન્ય નામ અને ઈતિહાસ છે. લગભગ દરેક દરવાજાના નામ તેની આસપાસના વિસ્તારોના નામ પરથી પડેલ છે.

ઈતિહાસ:- 

અમદાવાદની સ્થાપના ૧૪૧૧માં અહમદશાહ દ્વારા પ્રાચીન શહેર આશાવલની ઉપર કરવામાં આવી હતી. તેણે પ્રથમ કિલ્લો ભદ્રનો કિલ્લો માણેક બૂર્જ પર બાંધ્યો હતો. ભદ્રના કિલ્લાને કિલ્લાના દરવાજા સિવાય આઠ દરવાજાઓ હતા. જ્યારે શહેરનો વિકાસ થયો ત્યારે, અહમદ શાહે બીજો કિલ્લો બાંધ્યો જે ૧૪૮૬માં મહમદ બેગડા દ્વારા વિસ્તારવામાં આવ્યો. બીજા કિલ્લાને ૧૨ મુખ્ય દરવાજાઓ અને અન્ય નાનાં દરવાજાઓ હતા. રેલ્વેના આગમન સાથે બ્રિટિશરોએ પરિવહનની સગવડતા માટે બીજા બે દરવાજાઓ બાંધ્યા. શહેરની કિલ્લાની દિવાલો તૂટતી જવાની સાથે આ દરવાજાઓ સ્મારક તરીકે રહી જવા પામ્યા.

દરવાજાઓ  :- 

મોટાભાગના લોકો માટે છે કે અમદાવાદને ૧૨ દરવાજાઓ હતા પણ કેટલાંક ઈતિહાસકારો સૂચવે છે કે ૧૬ હતા. પાછળથી સંશોધકોએ જાણ્યું કે અમદાવાદને ૨૧ દરવાજાઓ હતા.

ભદ્ર કિલ્લાના દરવાજાઓ

ભદ્રના કિલ્લાને આઠ દરવાજાઓ હતા, ત્રણ મોટા, બે પૂર્વ દિશામાં અને એક દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર; ત્રણ મધ્યમ, બે ઉત્રમાં અને એક દક્ષિણમાં; અને બે નાનાં, પશ્ચિમમાં.

 ભદ્રનો કિલ્લો

 ૧૮૮૦માં ત્રણ દરવાજાઓ

વિગતો: ઉત્તરની બાજુએ બે મધ્યમ દરવાજાઓ, એક જે ખાનપુર તરફ દોરી જતો હતો, અને બીજો મિર્ઝાપુર વોર્ડ તરફ હતો. પહેલો દરવાજો જે પહેલાં નાનો હતો એ, £૧૧ (રુપિયા ૧૧૦), ની કિંમતે ૧૮૬૦માં ૧૩ ફીટ પહોળા અને ૧૫ ફીટ ઊંચા દરવાજામાં ફેરવવામાં આવ્યો હતો, જેને દરવાજાઓ અથવા કમાનો હતી નહી; પૂર્વની બાજુએ બે, બંને મોટા દરવાજાઓ, લાલ દરવાજો ( 23°1′0.53″N 72°35′27.34″E) ઉત્તર-પૂર્વે અને ભદ્રનો દરવાજો, જે પહેલાં પીરન પીરનો દરવાજો કહેવાતો હતો, ( 23°1′27″N 72°34′50″E, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક. N-GJ-2); દક્ષિણ બાજુએ, બે મધ્યમ માપનાં દરવાજાઓ, બારણાં વગર ૧૮૭૪માં આઝમ ખાન સરાઇની મધ્યમાં બાંધવામાં આવ્યા હતા. બીજો મોટો દરવાજો દક્ષિણ-પશ્ચિમે ૧૭૭૯માં ગણેશ બારી અથવા દરવાજો જે ૧૮ ફીટ પહોળો અને ૧૭ ફીટ ઊંચો હતો. તેનો બાંધકામ ખર્ચ £૯૨ (રુપિયા ૯૨૦) થયો હતો; તેને અપ્પાજી ગણેશ દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પશ્ચિમ બાજુએ, બંને નાનાં દરવાજાઓમાં, દક્ષિણ-પશ્ચિમે પથ્થરનાં પગથિયાં સાથેનો રામ દરવાજો અને બરાદારી દરવાજો ઉત્તર-પૂર્વે હતો. વધુમાં ત્રણ દરવાજા ( 23°1′27″N72°35′4″E, પાછળથી શાહી મેદાનનાં પ્રવેશદ્વાર તરીકે બાંધવામાં આવ્યા હતા. બીજો સાલાપાસ દરવાજો ( 23°1′0.53″N 72°35′27.34″E), જે રાણીઓ માટે હતો, જે નષ્ટ પામ્યો છે. ગણેશ દરવાજો એલિસબ્રિજની નીચે નષ્ટ પામ્યો છે. લાલ દરવાજો, જે સીદી સૈયદની જાળી, ની સામે આવેલ છે, એ પણ નષ્ટ પામ્યો છે, પણ દિવાલનાં કેટલાક અવશેષો હજુ જોવા મળે છે.

બીજા કિલ્લાના દરવાજાઓ

• શાહપુર દરવાજા – સાબરમતી નદી તરફ જવા આ દરવાજાનો ઉપયોગ થતો હતો.

 દિલ્હી દરવાજા

• દિલ્હી દરવાજા (દિલ્લી દરવાજા) – તેના નામ મુજબ તે રાજધાની દિલ્હી માટેના અભિવાહન માટે ઉપયોગ થતો હતો.

 દરિયાપુર દરવાજા

• દરિયાપુર દરવાજા – સૈનિકો અને રાજદ્વારીઓ આ દરવાજા માટે ઉપયોગ કરતા હતા.

• કાલુપુર દરવાજા – ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી.

• સારંગપુર દરવાજા – મુખ્યત્વે આવનજાવન માટે ઉપયોગ થતો હતો.

 રાયપુર દરવાજા

• રાયપુર દરવાજા – સામાન્ય લોકો આ દરવાજાથી આવનજાવન કરતા હતા.

 આસ્ટોડિયા દરવાજા

• આસ્ટોડિયા દરવાજા – એ વખતના મહત્વના વ્યાપારના સાધન રંગકો આ દરવાજા પરથી લાવવામાં આવતા હતા.

• મહુધા દરવાજા – આ દરવાજાનું નિર્માણ પાંચ કુવા વિસ્તારમાં કરવામાં આવેલું હતું. તેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાનની અવરજવર માટે માટે કરવામાં આવતો હતો.

• જમાલપુર દરવાજા – વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.

• ખાન-એ-જહાં દરવાજા – આનો ઉપયોગ આકસ્મિક નિર્ગમ માટે થતો હતો.

• રાયખડ દરવાજા – સાબરમતી નદીએ જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હતો.

• માણેક દરવાજો: – આ દરવાજો રાયખડની ઉત્તરે અને ગણેશ દરવાજાની ૧૫૮ ફીટ દક્ષિણ-પૂર્વે હતો. હવે નાશ પામેલ છે.

• ખાનપુર દરવાજા – તે રાજાના ઉદ્યાનનો પ્રવેશદ્વાર હતો.

નીચેનાં બે દરવાજાઓ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા.

 પ્રેમ દરવાજા

• પ્રેમ દરવાજા – વ્યપારીઓ ધંધા માટે ઉપયોગ કરતા હતા.

 પાંચકુવા દરવાજા

• પાંચકુવા દરવાજા – શહેરનો ફેલાવો વધતા આ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

અન્ય દરવાજા

• ખરું દરવાજા – સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

• હલીમ દરવાજા – એકસમયે શાહપુરમાં આ દરવાજા ઉપસ્થિત હતા. સૈનિકો આ રસ્તેનો ઉપયોગ કરતા હતા.

શાહ-એ-આલમ દરવાજા ૧૮૮૦માં આ સિવાય આજના અમદાવાદમાં ગોમતીપુર દરવાજા અને શાહ-આલમ દરવાજા પણ હાજર છે. આશા રાખું કે માહિતી ગમી હશે આજે આટલું જ

આપની રવિવારની સાંજ શુભ રહે

લેખક : શૈશવ વોરા

 

ટીપ્પણી