શાહી શીર ખુરમા ઇન ચૉકલેટ કપ – આપના બાળકો માટે આજે જ બનાવો

શીર એટલે દૂધ અને ખુરમા એટલે ખારેક… દૂધ સાથે ઘી, ખાંડ, સેવ, સુકોમેવો અને ખાસ કરીને ખારેક ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ પૌષ્ટિક હોય છે.

આ શાહી ચૉકો શીર ખુરમા વાનગી આપ સૌને જરૂરથી પસંદ આવશે…તો ચાલો શીખી લો આ સરળ રીત અને માણો વાનગીનો શાહી અંદાજ…

શીર ખુરમા બનાવવા માટે :

વ્યક્તિ:૪

સમય:

પૂર્વ તૈયારી માટે: ૧/૨ કલાક
વાનગી માટે:૨૦ મિનિટ

સામગ્રી:

૨ કપ / ૫૦૦ મિલી મલાઈવાળું દૂધ
૧/૪ કપ સોજીની સેવૈયાં (વર્મીસેલી)
૧/૮ કપ બાસમતી ચોખા
૨-૩ ટે.સ્પૂ. ઘી
૩ ટે.સ્પૂ. ખાંડ
૧૦ નંગ કાજુ
૧૦ નંગ બદામ
૧૫ નંગ પિસ્તા
૨૦ નંગ દ્રાક્ષ
૧૦ નંગ ચારોળી
૧૫ નંગ મખાણા
૩ નંગ ખારેક
૫ નંગ ઈલાયચીનો પાવડર
૧/૮ નંગ જાયફળ
૧/૪ નંગ સુકું કોપરું
૧-૨ ટીપાં ગુલાબનું એસેન્સ

રીત:

૧) પૂર્વ તૈયારીમાં સૌથી પહેલાં કોપરું, ખારેક અને બદામને હુંફાળા પાણીમાં આશરે અડધો કલાક પલાળી દો. ત્યારબાદ બદામની છાલ ઉતારી લો અને ખારેકમાંથી બીજ કાઢી લો. કાજુના ટુકડા અને બદામ, પિસ્તાની ઝીણી કતરણ કરી લો. ખારેકને વચ્ચેથી અડધી કાપીને લાંબા અને પાતળા ટુકડા કરી લો. ઈલાયચી અને જાયફળને વાટીને પાવડર બનાવી લો અને કોપરાને છીણી લો.

(૨) એક વાસણમાં ઘી મૂકીને ધીમા તાપે સૌથી પહેલાં મખાણા તળી લો. ત્યારબાદ કાજુ અને બદામ સહેજ લાલ થાય ત્યાં સુધી તળી લો. ચારોળી, દ્રાક્ષ અને પિસ્તાને બિલકુલ આછા ગુલાબી તળી લો. છેલ્લે પલાળેલી ખારેકનાં ટુકડા લાલ થાય ત્યાં સુધી તળી લો. બાસમતી ચોખાને બાફીને ઢીલો ભાત બનાવી લો.

૩) એક વાસણમાં ઘી મૂકીને એકદમ ધીમા તાપે સેવૈયાં આછા લાલ રંગની થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ૨ કપ દૂધ અને ખારેકનાં ટુકડા ઉમેરો. તેની સાથે જ ભાતને ચમચી વડે દાણા ના દેખાય તેમ હલાવીને દૂધમાં ઉમેરો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને સેવૈયાંને ચઢવા દો. નરમ પડે એટલે દબાવીને ચકાસો. આ માટે લગભગ ૭ થી ૧૦ મિનિટનો સમય લાગશે.

૪ ) સેવૈયાં નરમ પડે એટલે તેમાં તળેલો સુકોમેવો ઉમેરો અને મધ્યમ તાપ પર ૨-૩ મિનિટ ઉકાળો. સતત હલાવતાં રહો જેથી શીર તળિયે ચોંટે નહીં. આ સાથે ખાંડ પણ ઉમેરી દો અને બરાબર હલાવી લો.

૫) ખીર તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરીને ઈલાયચી અને જાયફળનો પાવડર તેમજ ગુલાબનું એસેન્સ ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ ઉપરથી કોપરાનું છીણ ઉમેરી થોડી વાર ઢાંકી રાખો.

૬) તૈયાર છે ગરમાગરમ શાહી શીર ખુરમા. વાડકીમાં કાઢીને ગુલાબની પાંદડી અને ડ્રાયફ્રૂટ્સથી સજાવીને પીરસો.

૭) પસંદ અનુસાર ફ્રીઝમાં મૂકીને ઠંડી કરીને પણ વાનગી પીરસી શકાય. ઉપર ઘીનો થર ઠરી ના જાય માટે વચ્ચે હલાવતાં રહો. ઠંડી કરેલી શીર ખુરમાને ચૉકલેટ કપમાં પીરસો.

નોંધઃ

★ સેવૈયાંને બિલકુલ ધીમા તાપે જ શેકાવા દો. વધુ પડતી લાલ ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો.
★ શીર વધારે ઘટ્ટ લાગે તો ૧/૪ કપ દૂધ અને તેના ભાગની ખાંડ ઉમેરો.
★ આપની પસંદ અનુસાર ઘીમાં શેકેલો માવો અને છીણેલું પનીર આશરે ૨ ટે.સ્પૂ. જેટલું ઉમેરી શકાય.
★ ચૉકલેટ કપમાં માત્ર ઠંડી કરેલી શાહી શીર ખુરમા જ પીરસવાની, નહીં તો કપ ઓગળી જશે.

ચૉકલેટ કપ બનાવવા માટે :

વ્યક્તિ : ૪
સમય : વાનગી માટે : ૩૦ મિનિટ

સામગ્રી :

૧ કપ ડાર્ક કમ્પાઉન્ડ ચૉકલેટ / મિલ્ક કમ્પાઉન્ડ ચૉકલેટ
૮ નંગ પ્લાસ્ટીક / સિલિકોન કપ

રીત :

(૧) ચોકલેટ કપ બનાવવા માટે ચૉકલેટ બારને વેફરની છીણી વડે છીણી લો અને તેના બે સરખા ભાગ કરો.

(૨) કાચના જાડા વાસણ / હીટપ્રુફ બાઉલમાં એક ભાગની ચૉકલેટ લઈને ઉકળતા પાણીની તપેલી ઉપર મુકો. વાસણ નીચે પાણીને અડે નહીં તેમ અધ્ધર મુકવાનું છે. ચોકલેટ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ બાઉલ કાઢી લો અને બીજા ભાગની ચૉકલેટ ઉમેરીને બરાબર હલાવો જેથી ચૉકલેટ બરાબર લીસી થઈ જાય.

(૩) પ્લાસ્ટીકના કપને ઉપરની ધાર પર સહેજ કાપો મુકો જેથી કાઢવામાં સરળતા રહે. હવે કપમાં અડધે સુધી ચૉકલેટ ભરીને ગોળ ફેરવો જેથી ચારે તરફ ઉપર સુધી ચૉકલેટનો થર લાગી જાય. વધારાની ચૉકલેટને બાઉલમાં કાઢી લો અને કપને બટરપેપર અથવા પ્લાસ્ટીક ઉપર ઊંધો મૂકી દો.

(૪) ત્યારબાદ બાકીના કપ પણ તૈયાર કરી લો. જો ચૉકલેટનું મિશ્રણ જાડું થઈ જાય તો, ફરીથી ઉકળતા પાણી ઉપર રાખીને ઓગાળી લો.

(૫) કપને ૨૦-૩૦ મિનિટ માટે ફ્રીજમાં મૂકીને બરાબર ઠરવા દો. ઠરી જાય એટલે પ્લાસ્ટીકના કપને ધીમેથી ફાડી લો. સિલિકોન મોલ્ડ હોય તો ધીમેથી કપ કાઢી લો. કિનારી તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.

(૬) તૈયાર છે ચૉકલેટ કપ.. ઠંડી ઠંડી શાહી શીર ખુરમા કપમાં પીરસો…

નોંધ :

★ મિલ્ક કમ્પાઉન્ડ ચૉકલેટ વાપરવાથી સફેદ રંગના કપ બનશે. કિચન બ્રશ વડે બંને ચૉકલેટને વારફરતી ઉભા થર કરીને બે રંગ ભેગા કરીને પણ કપ બનાવી શકાય.
★ ચૉકલેટને સીધી આંચ પર મૂકી ગરમ કરવી નહીં એમ કરવાથી તે બળી જઇ શકે છે.
★ ચૉકલેટ ગરમ કરતી વખતે તેમાં પાણી ના જાય તેનું ખાસ ધ્યાન આપો.
★ કપમાં તેલ, ઘી, બટર કાંઈ પણ લગાડવાનું નથી.
★ ચૉકલેટનો થર પાતળો થયો હોય તો એક વખત ફ્રિજમાં મૂકીને ઠરી જાય ત્યારબાદ ફરીથી બીજો થર કરી શકાય.

તો તૈયાર છે શાહી શીર ખુરમા ઇન ચૉકલેટ કપ…
આપના બાળકો માટે આજે જ બનાવો… અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને મારી આ વાનગી કેવી લાગી…

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી