સ્ફુરણા – વરસાદી માહોલ માં વાંચવા જેવું !

આહહા!!!

આહલાદક વાતાવરણ ને ગરમગરમ ચા સાથે એક સરસ મજાનું પુસ્તક. આવા દિવસો જીવવા ને માણવા માટે તો હું હંમેશ તત્પર રહેતી હોય છું. અને આ વાતાવરણમાં જો તમારું મન વિચારવિહોણું રહી જાય તો તો તમે ખરેખર મહાન છો!

વિચારોના કંઈ પ્રકાર ના હોય. વિચારો જાતજાતના આવે. હા માણસની સ્થિતિ અને વ્યવસ્થા મુજબ વિચારો ચોક્કસ બદલાઈ જાય. જેમકે અત્યારે એક વિદ્યાર્થીના મનમાં વિચારો ચાલતા હોય, કે ત્રીસ તારીખ સુધી શાળામાં રજા મળી ગઈ છે એટલે જલસા જ જલસા છે. એક ગૃહિણી વિચારતી હોય, કામવાળા નહિ આવે તો બધુંય કામ મારે કરવું પડશે. જયારે કામવાળા તો આ અણધારી આવી ચડેલી રજાથી ખુશખુશાલ થઇ ગયા હોય. તેમના મનમાં વિચારો ચાલતા હોય કે, શેઠાણી અમથાય રજા નથી આપતા, આજ કંઈ બોલે તો ખરા!!!

ચાલો અહીં થોડા તાર્કિક ને માર્મિક બની જઈએ.

આજે ઘણા દિવસે એક પુસ્તક એકીબેઠકે વાંચ્યું છે મેં.

“થૅન્ક્સ ટુ બારીશ”

પુસ્તકનું નામ પછી કહીશ! કદાચ તેનો રીવ્યુ કરવા માટે હું બહુ લેટ હોઇ, પણ લખીશ ચોક્કસથી.

વાત અહીં મુદ્દાની એ છે કે આપણે બધા સામાજિક પ્રાણીઓ સંવેદના તેમજ સમજણથી ભરેલા કેટલા વિચિત્ર છીએ ને. જયારે જયારે આપણે કઈ સારું વાંચીએ કે કઈ સારું જોઈએ કે કઈ સારું સાંભળીએ આપણામાં અંદરથી જાણે કંઈક કરી બતાવાની સ્ફુરણા થવા લાગે.

જેમકે કથકની કોઈ એક ઉભરતી નૃત્યાંગના હશે તે “બિરજુ મહારાજ” નું નૃત્ય નિહાળી લે ક્યાંક ટીવી પર ત્યારે આમ તેના હૃદયમાં થઇ જાય કે હવે તો હું ફલાણાના લગ્ન કે કોલેજના ફલાણા કાર્યક્રમમાં અદભુત નૃત્ય કરીને બતાવીશ. ત્યારે ને ત્યારે “યૂટ્યૂબ” પર વિડિયોઝ જોવા લાગે ને ગુગલ મહારાજ ને જઈને સતાવવા લાગે પ્રશ્નોના ધુબાકા વડે. મમી-પાપા ને કહેશે જો જો ને તમે એક દિવસ હું દુનિયાની ઉત્તમ નર્તકી બનીશ. ને કંઈ કેટલાય સપના જોવા લાગે.

પણ આ બધું કેટલો સમય?

દારૂનો ચડેલો નશો ઉતરે એથી વધારે ઝડપથી આ “કંઈક કરી બતાવાનો” નશો ઉતરી જાય. બીજા દિવસથી જ, અરે બીજા કલાકથી જ અમુક તો ફરી એક વખત પોતાના રેગ્યુલર રૂટિનમાં ગોઠવાઈ જાય. એ છોકરી જેને બિરજુ મહારાજને જોઈને પ્રેરણા થઇ હતી, તે જો કોલેજમાં હશે તો અસાઈન્મેન્ટ માં ખોવાઈ જશે, ને નોકરી કરતી હશે તો બોસની સાથેની લમણાંઝીક માં પરોવાઈ જશે. પેલું કેમ આપણે રાષ્ટ્રગીત ગાતી વખતે સાવધાનમાં હોઈએ, ને જેવું તે પૂરું થાય એટલે “જૈસે થે” થઇ જાય. બસ આપણા આ અચાનક સ્ફુરેલા ઉભરાનું પણ આવું જ છે.

જો કે આપણે અહીં નકારત્મક્તા કે સમાજસુધારણાની કોઈ વાતો નથી કરવી, એના કરતા હું તો કહીશ કે કેટલી સારી વાત છે કે આપણને બધાને એક વખત અંતરમાં આવી સ્ફુરણા તો થાય છે. બસ જરૂર છે તો એ સ્ફુરણાને ટકાવવાની. એને સંઘરી રાખવાની અને તેને અમલમાં મુકવાની.

સ્ફુરણા તો તમને પણ થાય ને મને પણ થાય કંઈક કરી બતાવાની. પણ એ કેમ અમુક સમય માટે જ એવો તમને સૌને પ્રશ્ન મૂંઝવતો હશે ને. તે માટેનો સરળ જવાબ એ છે કે જયારે જયારે તે સ્ફુરણા થાય ત્યારે ત્યારે તે તરત ગાયબ ના થઇ જાય, તેના માટે થઈને તે જ સમયે કંઈક અમલમાં મૂકી દેવું. જો તમે લેખક હોય તો કઈ સારું લખી લો. જો તમે ચિત્રકાર હોય તો તમારા રંગો વડે કેન્વાસને સજાવી દો. જો તમે અસફળ ઉદ્યોગપતિ હોય ને કઈ સારું વાંચ્યા કે જોયા બાદ કઈ સ્ફુરે મનમાં તો તે જ સમયે તમારી એ સ્ફુરણાને ચોક્કસ તેમજ નક્કર ઓપ આપી દો.

આ બધી પ્રારંભિક સામગ્રી જો તમારી પાસે હાજર હશે તો તમારી વાનગીને સ્વાદિષ્ટ બનતા વાર નહિ લાગે. પ્રસ્તાવના જો એક વખત બાંધેલી હોય તો વાર્તા નક્કી શરૂ થાય જ છે, તે જ રીતે જો આ સ્ફુરણા વખતે તમે કઈ પૂર્વ તૈયારી કરી લેશો તો આગળ કાર્ય ધપાવવા તમને પ્રેરણા મળશે અને મનોબળ તમારું મજબૂત બનશે.

હા તો મને ચોક્કસ થી જણાવજો કે તમને કઈ સ્ફુરણા થઇ આ વાંચ્યા પછી?

જો થઇ હોય તો થઇ જાવ તૈયાર અને કરી દો તમારી સફળતાનો આરંભ.

“આયુષીનું અડપલું”

પહેલો વિદ્યાર્થી : મને સ્ફુરે છે આજે કે હું બધું ગૃહકામ સમાપ્ત કરી લવ.

બીજો વિદ્યાર્થી : કરી જ લે. પહેલી વાર તને આવી સ્ફુરણા થઇ છે. જોજે ક્યાંક રેતીની જેમ સ્ફુરણા સરી ના જાય.

લેખક : આયુષી સેલાણી 

ટીપ્પણી