સેકન્ડ ઇનિંગ

Portrait of a mature couple smiling

સેકન્ડ ઇનિંગ

“લાવ… હું મૂકી આવું થાળી. તમે બંને બહેનો વાતો કરો. સ્મિતાબેન કઈ લેશો? હું લેતો આવું રસોડામાંથી?”

“અરે ના ના. થેંક્યું હો!” ઓઝપાયેલા મોઢે સ્મિતા બહેને ના પાડી.
“કવિતા હું બહાર હિંચકે બેઠો છું” એટલું બોલી રમણિકભાઈ જતા રહ્યા.
સ્મિતાએ પહોળી આંખે કવીતાબહેન સામે જોયું. એમની નજરે જે જોયું હતું એ સાવ અજુગતું લાગતું હતું એમને. સવારથી આ ત્રીજી વાર એમણેે નોંધ્યું કે મોટીબહેન કવિતાના વર રમણીકભાઈ કેટલી કાળજી પૂર્વક બહેન સાથે વાત કરતા હતા! “આ ચમત્કાર કેવી રીતે થયો?!”સ્મિતાની આંખોમાં અચંબાનો એ ભાવ કળી ને થોડા ગર્વ અને થોડી શરમની ભેળસેળ ભરી મર્માળી મુસ્કાન કવિતા બહેનના ચહેરા પર આવી…

“બેન!! આ બધું શું છે? ભલે બનેવી તારું અપમાન કરતા હોય કે ખરાબ રીતે રાખતા હોય એવું નહોતું. પણ આ એટલો બદલાવ? એમ નાની નાની વાતમાં તને મદદ કરવી. પોતાને લગ્નમાં જવાનું હતું તો તું એકલી ન પડે એટલે મને રોકાવા બોલાવી… તને અલગ નથી લાગતું આ બધું!? શું ચાલે છે તમારી વચ્ચે?!”

૪૩એ પહોંચેલી પોતાથી 5 વર્ષ નાની બહેન સ્મિતા કોલેજની છોકરી જેમ ઉત્સાહ અને રસપૂર્વક પૂછી રહી હતી કે એમના અને એમના વર વચ્ચે શું ચાલે છે?!!

“હા હા હા…” કવિતા બહેનથી હસી પડાયું.

થોડું હસ્યા બાદ એ બોલ્યા, “સાંભળ, હમણાં લગ્ન પછી ગ્રીષ્મા પહેલી વાર અહીં એક વિકેન્ડમાં અનિષ સાથે રોકાવા આવી હતી. ટી.વી. જોતા જોતા બંને કોઈ વાતે લડી પડ્યા. ગ્રીશુએ હોંશ થી કોઈ જગ્યાએ જવાનું કે વસ્તુ લેવાનું કહ્યું અને અનિષે પોતાની ધૂનમાં જ એને તોછડો જવાબ આપ્યો. એ બંનેની તો તરત જ સુલેહ થઇ ગઈ હતી. પણ અનિષે જે રીતે વાત કરી ગ્રીષ્મા સાથે એ આમને ગમ્યું નહીં. બહુ ચિડાઈ ગયા હતા અંદરથી. એમને રાત્રે ઊંઘ નહોતી આવતી તો હું ગઈ હિંચકે એમની પાસે અને સમજાવ્યું કે ચાલ્યા કરે. અનિષથી સહજતાથી નીકળી ગયું હતું આટલું વિચારવાનું ન હોય. ”

“એમને તો એમની ચકલી બહુ વહાલી છે આપણે ક્યાં નથી જાણતા…” સ્મિતાએ ટાપશી પુરી.

“એ ત્યારે તો બોલ્યા નહીં. પછી પણ એમણે જોયું કે અનિષ બહુ પ્રેમથી જ રાખે છે ગ્રીશુ ને…”

“એ લોકો જતા રહ્યા પછી મને લાગે છે રમણિક જુદાજ થઇ ગયા છે. શરૂઆતમાં મને નવાઈ લાગી હતી. પણ છેલ્લા 15 દિવસથી આમજ નાની નાની વસ્તુઓમાં એમનો પ્રેમ દેખાયો છે મને. ધીરે ધીરે મને પણ પ્રેમમાં પાડે છે એ. હમણાં એ જાય છે એ લગ્નમાં નથી જતા. મેં ફોન પર એમને કોઈ સાથે વાત કરતા સાંભળ્યા. એક સરપ્રાઇઝની તૈયારી કરે છે એ…”

ચહેરા પર છવાયેલી શરમની લાલાશ આંખો સુધી પહોંચી ગઈ હતી!
“સ્મિતા, આ વેલેન્ટાઇન્સ ડેના એ મને પ્રપોઝ કરવાના છે… ”
વ્હાલની એ નદી બસ વહેતી ગઈ… કવિતા બહેન સેકન્ડ ઇનિંગમાં જાણે જિંદગીની ટુર્નામેન્ટ જીતી ગયા હતા!

લેખક – એંજલ ધોળકિયા (બરોડા)

ટીપ્પણી