જાણો સેક્સ ટ્રાફીકિંગમાં ધકેલાઈ ગયેલી યુવતીઓને મદદ કરતી સંસ્થા “સેવ એ ગર્લ અંગે” – જાણવા જેવું !

પરાણે દેહવ્યાપારમાં ધકેલી દેવાયેલી યુવતી પોતાના અપરાધીઓને સજા આપવા વકીલ બનવા માંગે છે.

રેડલાઈટ એરિયામાંથી બચાઈ લેવાયા બાદ આ યુવતીને પોતાની કાયદાકિય લડત જાતે લડવી છે

એનું નામ ઈશિકા છે. 6 વર્ષની સાવ જ કુમળી વયે તેના સગાં માતા-પિતાએ તેને સોનાગાછીના એક વેશ્યાઘરમાં વેચી દીધી હતી. નાનપણથી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી ઈશિકા હવે વકિલ બનીને પોતાની જેમ સેક્સ ટ્રાફીકીંગમાં બળજબરી ધકેલાઈ ગયેલી છોકરીઓ માટે લડત આપવા માંગે છે. ઈશિકા દેહવ્યાપારના ધંધામાંથી બચાવાઈ લેવાયેલી 20 યુવતીઓમાંની એક છે. એક એન્ટી ટ્રાફિકીંગ ચેરીટી સંસ્થાએ આવી પીડીત યુવતીઓ માટે શરૃ કરેલા પ્રોગ્રામ હેઠળ તે અત્યારે વકિલનો અભ્યાસ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે.

ફ્રી એ ગર્લ કેમ્પેઈન દેહવ્યાપારમાં ધકેલાઈ ગયેલી યુવતીઓને બચાવવા માટે કામ કરે છે. તેની સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ભારતમાં આશરે 2 કરોડ જેટલી કોમર્શિયલ સેક્સવર્કરો છે. જેમાંથી 1.6 કરોડ જેટલી યુવતીઓ સેક્સ ટ્રાફીકિંગનો ભોગ બનેલી છે. મતલબ કે તેમને આ ધંધામાં બળજબરી ધકેલાઈ દેવામાં આવી છે. 2016માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રજૂ કરેલા એક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભારતમાં સેક્સ ટ્રાફિકીંગની વિરુધ્ધના કડક કાયદાઓ હોવા છતાં આવા કિસ્સાઓમાં વિગતે તપાસ થતી નથી. કાયદાકીય કાર્યવાહી અને અપરાધ સાબિત થઈ ગુનેગારોને સજા કરવાના કિસ્સાનું પ્રમાણ પણ ભારતમાં સાવ નહીંવત છે.

ઈશિકાને કઈ રીતે સેક્સ ટ્રાફિકીંગમાંથી બચાવાઈ?

ઈશિકા 11 વર્ષની હતી ત્યારે તેને સેકસ ટ્રાફિકીંગમાંથી બચાઈ લેવામાં આવી હતી. આજથી પંદર-વીસ વર્ષો પહેલાં પોલીસકર્મીઓ રેડલાઈટ એરિયામાં અવારનવાર રેઈડ પાડતા. દેશના સૌથી મોટાં રેડલાઈટ એરિયામાંના એક એવા સોનાગાછી વિસ્તારમાં પડેલી આવી જ એક પોલિસ રેઈડમાં ઈશિકાને એ કળણમાંથી છોડાઈ લેવામાં આવી હતી. આ માટે ઈશિકા પોતાની જાતને નસીબદાર માને છે કે એ યાતનાઘરમાંથી તે છૂટી ગઈ કારણ કે પોલીસની રેઈડ પડતાં જ તેની સાથેની અન્ય છોકરીઓને તો સંતાડી દેવામાં આવી હતી.

ઈશિકા આજે 24 વર્ષની છે. પોલીસ દ્વારા તેને રેડલાઈટ એરિયામાંથી છોડાઈ લેવાયા બાદ તેને કોલકાત્તાની સંલાપ નામની એનજીઓમાં લાવવામાં આવી હતી. આ સંસ્થા સેકસ ટ્રાફિકીંગના સર્વાઈવર્સ જોડે છેલ્લા 28 વર્ષથી કામ કરે છે. અહીયાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ તેને કાનૂની સહાય આપવામાં આવી. પોતાને મળેલા સ્ટ્રોંગ સપોર્ટને કારણે તે હવે ધીરે-ધીરે ટ્રોમામાંથી બહાર આવી રહી છે.

ફ્રી એ ગર્લ મૂવમેન્ટ શું છે?

ફ્રી એ ગર્લ એ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, બ્રાઝિલ અને અન્ય દેશોમાં ચાઈલ્ડ સેક્સ ટ્રાફિકીંગ વિરુધ્ધ કામ કરતી એક ડચ સંસ્થા છે. જે-તે દેશમાં આ ચાઈલ્ડ ટ્રાફિંકીંગના વિરુધ્ધમાં કામ કરતી એનજીઓ સાથે મળીને આ સંસ્થા પિડીતોને રેસ્ક્યુ ઓપરેશન, કાયદાકિય સહાય, કાઉન્સેલિંગ,પુનઃવસન અને પોતાના પરિવાર સાથે પુનઃમેળાપ કરી આપવામાં મદદ કરે છે.

ભારતમાં કરીને ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશનને અટકાવવા માટે આ સંસ્થા કામ કરી રહી છે. આ સંસ્થા સ્કૂલ ઓફ જસ્ટીસ પ્રોગ્રામ નામનો પ્રોગ્રામ ચલાવે છે. જે હેઠળ તે ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશનનો ભોગ બનેલા લોકોના ગુનેગારોને સજા અપાવવામાં મદદ તો કરે જ છે. સાથે આવી યુવતીઓનું કાઉન્સેલિંગ કરી તેમના ભણતર, હેલ્થકેર, આવાસ અને સુરક્ષાની જવાબદારી પણ નિભાવે છે. ઈશિકાએ સ્કૂલ ફોર જસ્ટીસ પ્રોગ્રામ નવેમ્બર 2016માં જોઈન કર્યો હતો. અને અત્યારે તે લો કોલેજ જોઈન કરવાની તૈયારીઓ કરી રહી છે.

ઈશિકાને કેમ વકીલ બનવું છે?

ઈશિકા 11 વર્ષની હતી ત્યારે તેને સેક્સ ટ્રાફિકીંગના દલદલમાંથી બચાઈ લેવામાં આવી હતી. આજે એ વાતને 13 વર્ષ વિતી ગયા છે. ઈશિકા પોતાને સેક્સ ટ્રાફિકીંગમાં ધકેલનારા લોકો સામે હજી પણ કાયદાકિય લડત આપી રહી છે. તેના કેસનો ઉકેલ હજી આટલા વર્ષે પણ આવી શક્યો નથી. પણ પોતાને પ્રતાડિત કરનારા લોકોને જેલના સળિયાની પાછળ જોવાની આશા ઈશિકાને હજી પણ છે. 2003માં તેણે પોતાના 4 અપરાધીઓ સામે દાખલ કરેલો કેસ હજી ચાલે છે. જો કે આ અપરાધીઓના લિસ્ટમાં તેના પેરેન્ટ્સનું નામ નથી.

પોતાની માનસિક વ્યથા અંગે ઈશિકાનું કહેવું છે કે,”હું પિડીત નહીં પણ આરોપી હોવાની ગુનાહિત લાગણીનો શિકાર બની છું. અને હું નથી ઈચ્છતી કે મારી જેમ અન્ય લોકોને આ વ્યથા ભોગવવાનો વારો આવે. હું હજી આજે પણ શેલ્ટર હોમમાં રહીને મારી આ માનસિક પરિસ્થિતિમાંથી બહાર આવવાનું કાઉન્સિંગ લઈ રહી છું. પણ સોનાગાછીના વેશ્યાઘરની એ મેડમ અને મારા અન્ય ગુનેગારો હજી આઝાદ ફરે છે. એ લોકો કાયદાથી અને મારાથી ડરતા થાય એમ હું ઈચ્છું છું.”

ન્યાય મેળવવાની લડત

સેવ એ ગર્લના સીઈઓ ફ્રાન્સિસ ગ્રેસિઅસ કહે છે કે,”ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશન જેવા અમાનવીય અને ધૃણાસ્પદ અપરાધના દરમાં છેલ્લા ઘણાં સમયથી ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આ હવે એક એલાર્મિંગ ઈશ્યૂ બની ગયો છે. ભારતમાં 1 કરોડ કરતા પણ વધારે બાળકો આ અપરાધનો ભોગ બન્યા છે અને છતાં આવા કિસ્સાઓમાં અપરાધીને સજા થવાનો દર પ્રમાણમાં સાવ નજીવો છે. એવું નથી કે ભારતમાં આ માટેના કાયદાઓ નથી. માટેના કાયદાઓ તો છે પણ તેનું સંપૂર્ણપણે પાલન ન થતું હોવાને કારણે આવા અપરાધીઓ દંડાતા નથી. આવા નિસહાય પિડીતોને મદદ કરવા માટે સિસ્ટમે ઝડપથી કેટલાક મજબૂત પગલા લેવા પડશે. આવા કેસો પર ઝડપથી ઉકેલાય અને આરોપીઓને જલ્દીથી જલ્દી સજા થાય એવા કાયદા બનાવવાની જરૃર છે ”

સંકલન : લજ્જા જય

મિત્રો, આ લેખ ના વિષય માં તમે તમારા વિચારો જણાવજો !

ટીપ્પણી