સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ – Episode 1 – “છાશ”

આજ થી આ ‘સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ શરુ કરી રહ્યો છું તો આપણે કંકુ ચોખાનાં બદલે છાશનો ગ્લાસ જ લેવો પડે! અમદાવાદી જીવને જેમ કટિંગ ચા થી જીતી શકાય છે એમ જ કાઠિયાવાડી પુરુષોને ‘છાસ’ થી જીતી શકાય છે! સૌરાષ્ટ્રમાં 365 દિવસ છાશ પીવાય છે અને કસમ થી કહું છું કે મંચુરિયન અને અમેરિકન ચોપ્સી કે બ્રુશેટા સાથે પણ છાશ પીવાની અસીમ તાકાત દરેક કાઠિયાવાડી રાખે છે! કાંય નો ઘટે! સૌરાષ્ટ્રમાં આમ તો લવ કરવાનું અનુકૂળ વાતાવરણ કે જગ્યાઓ દુર્લભ છે કારણકે ‘બેનું દિકરીયુંએ મર્યાદામાં રેવું પડે છ!!’

પણ જો કાઠિયાવાડી છોકરી છોકરાઓ માટે ડેટિંગ ટિપ્સ જેવું કઈં લખાય તો એમાં છાશ એ જ વેલકમ ડ્રિન્ક છે અને છાશ એ જ ડેઝર્ટ છે! મૂળે આમ ધારી-બગસરા-કોડિનાર-તાલાળા બાજુ ઘરે ઘરે બપોરે ‘બોધેરા’ (નાની તપેલી જેવું પાત્ર) માં છાશ તૈયાર હોય જ. અમદાવાદીઓ છાશને ફુદીના-જીરું-કોથમરી-મસાલા થી (કેટલીક સસ્તી હોટેલ તો મમરા પણ નાંખે છે!) મખમલી બનાવી દે છે પણ કાઠિયાવાડમાં જેને ‘ઘોડવું’ એટલે કે છાશમાં મલાઈની તર સાથે ઓછા પાણી વાળી છાશ જ પિવાય છે! સૌરાષ્ટ્રની છાશ ખટાશ વાળી હોય છે, અમદાવાદીઓને મોળી અને ઘાટ્ટી છાશ ફાવે છે. હવે તો કિડ્ડો ‘બટરમિલ્ક’ કહેતા થઇ ગયા છે!

જૂનાગઢમાં ઘરે ઘરે સાંજે ખિચડી સાથે છાશ એક મોટી પવાલીમાં હોય જ, 1999 માં એ પવાલી હતી જે આજે અહીં કોર્પોરેટ્સમાં મિલ્ટનનાં ફ્લાસ્કમાં ખુલે છે પણ કેમેય કરીને આ છાશનું વળગણ અકબંધ રહે છે! મુંબઈગરાઓને તો છાશ ચોમાસામાં પીવે તો શરદી થઇ જાય છે,

કાઠિયાવાડીઓ ‘અમને છાયસ વગર નો પોહાય’ કહેતા ગટગટાવતા રહે છે! વંથલીની કેરી હોય, કે રાત્રે જમીને ખવાતા જોકરનાં ‘ગોલા’ (હા, સૌરાષ્ટ્રમાં ગોળાને ગોલા કહે છે!), છાશ એ કહ્યાગરી પત્નીની જેમ સાથે જ રહે છે! અમદાવાદમાં જલારામની છાશ અને મસાલો ક્યારેક ઓકેઝનલી ઉનાળામાં પીવાય છે, પણ સૌરાષ્ટ્રમાં તો ઘરે ઘરે ‘જલારામ’ છે.

અમદાવાદ-વડોદરામાં હવે ઠેર ઠેર ‘મારૂતિનંદન’ કે ‘શિવશક્તિ’ ખુલી ગયા છે જ્યાં લોકો રોટલા-સેવ ટમેટા-દહીં તિખારી કે રીંગણાંનો ઓળો ખાવા જાય છે જે પાછો રાજસ્થાની રસોઈયાઓ બનાવતા હોય છે અને એમાં છેલ્લે છાશ ‘રે લોલ’ કહી સુર પુરાવે છે, પણ સૌરાષ્ટ્રમાં પાણીનો વિકલ્પ જ છાશ છે, અહીં ‘મેરે તો ગિરધર છાશ, દુસરા ન કોઈ’ જેવો ઘાટ છે! અમે કાઠિયાવાડીઓ પાછા થોડા વેંત ઊંચા ચાલીએ, એટલે છાશ પણ ક્યારેક આમ વાત વાતમાં કોઈ અભિમાનનો ટોપિક પણ બની જાય છે.

‘ગાંડા છાશ નો પીધી તો હું જયમાં તમે?!’ કાઠિયાવાડનાં કાનૂડાઓને છાશનાં ગ્લાસમાં સમગ્ર ગેલેક્સી દેખાય છે! માખણ માંથી ઘી બનાવવાનું હોય, એટલે છાશને એકદમ ઝીરો ફિગર બનાવી દેવામાં આવે છે! મારા જૂનાગઢમાં મેં ‘છાશ સોડા’ પીધાનું પણ યાદ છે! છાશને અમદાવાદીઓ એ ચાંપલાશ કરીને એમાં પણ ‘છા’ ઉપર અનુશ્વર લગાડી ‘છાંશ’ બનાવી દીધું છે….’છાશ જ સૌરાષ્ટ્રનું કેલ્શિયમ છે, અને બિલીવ મી, કાઠિયાવાડીઓનું ચાલે તો શ્રાવણમાં શિવલિંગ પર છાશનો અભિષેક કરાવીએ હો અમે ગાંડા!!

અમદાવાદમાં રેડિયો સ્ટેશન આજકાલ ગરમીમાં છાશ વિતરણ કરી માર્કેટિંગ કરે છે, પણ સૌરાષ્ટ્રમાં તો બારે મહિના અજાણ્યાઓને પણ કોઈ પણ ઘરે જઈએ તો છાશ પીવા મળી જાય છે, હા, આજે પણ!

લેખક – ભાવિન અધ્યારૂ

ટીપ્પણી