“સાતમ આઠમ” – આ પર્વ પર “મુકેશ સોજીત્રા” લિખિત ખાસ વાર્તા !!!

નાની સાતમ ગઈ ત્યારની અંજુ ઊંચી નીચી થતી હતી. હવે ઝટ દઈને મોટી સાતમ આઠમ આવે ને હું પિયર જાવ, બાળપણની ગોઠણો આવી હશે એની હારે સાતમના મેળામાં સાત હનુમાનના મંદિરે જઈશ. આઠમના મેળામાં ઘેલા સોમનાથ જઈશ અને એય બાપાની ઘરે અઠવાડિયું રોકાયાવીશ ને જલસો કરી આવીશ. કાઠીયાવાડમાં બે સાતમ આવે પેલી સાતમ આવે એને ઘણાં કણબીની સાતમ પણ કહે!! એ નાની સાતમ કહેવાય અને એમાં રાંધણ છઠ અને સાતમ બે જ દિવસ ઉજવવાના પછી શ્રાવણ માસમાં વદ સાતમ આઠમ આવે એ મોટી સાતમ આઠમ કહેવાય. વરસમાં ભીમ અગિયારશ અને સાતમ આઠમ અંજુ માટે બે મોટા તહેવારો!! પાંચ વરસથી એ પરણીને આવી ત્યારથી જ એ આ બે તહેવાર કે પરબ પોતાના પિયરિયામાં જ કરતી.

પણ આ વખતે વાત જરા જુદી જ હતી. અઠવાડિયા પહેલાં જ એણે મયુરને પિયર જવાની વાત કરી ત્યારે મયુરે પેલી વાર આનાકાની કરી.

“હજુ ભીમ અગિયારશ માં તું પંદર દિવસ પિયર રોકાઈને આવી છો અને ગયાં શિયાળામાં તારા ભાઈના લગ્નમાં એક મહિનો જઈ આવી છો પછી આ વખતે ના જા તો નહિ ચાલે?? જવું જરૂરી છે?? બાની તબિયત સારી નથી અઠવાડિયાથી તાવ પણ આવે છે, એમ કર્ય તું આ વખતે દિવાળીએ જઈ આવજે અને વધુ રોકાજે બસ એ વખતે હું ના નહિ પાડું”

“ બા ની તબિયત કાઈ એટલી બધી બગડી નથી ગઈ કે એ રાંધી પણ ના શકે, અને આઠમ પર તો હું જાવાની જ મારી બહેનપણીઓ આ દિવસે જ મળે અને આમેય તમે મારા કરતાં બાની રસોઈના વખાણ વધુ કરો છો ને તે અઠવાડિયું બાના હાથનું ખાશો તો બીમાર નહિ પડી જાવ તમે એટલે મહેરબાની કરીને મારો તહેવાર ના બગાડતા તમે ભલા થઈને આ તમને કહી દઉં છું” અંજુએ સોય ઝાટકીને કહી દીધું.

“આ તમને કહી દઉં છું” આ વાક્ય અંજુ બોલે એટલે મયુરને ખબર પડી જ જાય કે હવે બસ પૂરું!! અંજુ સહેજ અજડ સ્વભાવની ખરી!! એક વસ્તુ એને પકડાઈ ગઈ પછી મુકે એ બીજાં!! લોઢે લાકડેય એ પોતાનું ધાર્યું કરીને જ રહે!! પાંચ વરસનો એને અનુભવ હતો. આમ તો અંજુ બધુજ કામ કરે, પણ જે વાત પકડે એ કોઈ કાળે મુકે જ નહિ!! તોય એણે પ્રેમથી દલીલ શરુ રાખી.

“મેં કોઈ દિવસ એવું નથી કીધું કે તને રાંધતા નથી આવડતું, આ તો તને બાજરાના રોટલા ના આવડે અને બા બાજરાના રોટલા અને મેથીનું શાક બનાવે ને મને ગમે તો મારે વખાણ પણ ના કરવા?? એમાય તારે મને સંભળાવી દેવાનું!! સાવ આવું કરવાનું?? આ તો તું જા અઠવાડિયું તો ભેંશ અને ગાયને દોહવાની તકલીફ થાયને એટલે કહું છું કે બાની તબિયત સારી નથી!! અને આતાની તબિયત પણ અચાનક બગડે તો મારે એનેય દવાખાને લઇ જાવા પડેને એટલે કહું છું કે જાવાનું માંડી વાળ તો સારું”

“હું નહોતી આવી તે દિવસ ગાયું અને ભેંશુ કોણ દોહી આપતું હતું?? અને તોય હું એની વ્યવસ્થા કરીને જ જાવાની છું. બાજુવાળી હંસાને કહી દીધું છે એ સવાર સાંજ ગાયું અને ભેંશુ દોહી આપશે બોલો હવે કઈ છે બાકી?? અને જાવાને હજુ તો વાર છે ને ત્યાં સુધી ખેતરમાં બધું નીંદી પણ નાંખીશ બોલો હવે કાઈ બાકી રહે છે!!?? હું તમામ કામ કરીને જ જઈશ અને અઠવાડિયામાં આવતી રહીશ પણ હું ને મારો આ દીકલો જરૂર મેળામાં જઈશું!! જવું છે ને મામા ને ઘેલ મારા લાલ??!!” અંજુએ ત્રણ વરસના પુત્ર અંશ ને વહાલ કરતાં કહ્યું.

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

“ એ ભલે જાજે હો અત્યારે મુક લપ હવે બધી, હજુ તો વાર છે ને, ખાલી ખોટી શું કામ સોનાની જાળ પાણીમાં નાંખવાની? તું મારું કોઈ દિવસ માની નથી કે કોઈ દી માનશે પણ નહિ!! બસ આખું જીવન તારો જ કક્કો સાચો રાખજે” મયુરે મોઢું બગાડીને કહ્યું. પણ અંજુને ખબર હતી કે મયુરનો ગુસ્સો એટલે પથ્થર પર પાણી!! તરત જ બાષ્પીભવન થઇ જાવાનું.

અને જેમ જેમ સાતમ આઠમ નજીક આવતી ગઈ એમ એમ એ તૈયારી પણ કરવા લાગી. ગામમાં હજુ હમણાં જ નવું નવું ઘર ઘરાઉ બ્યુટી પાર્લર શરુ થયું હતું ત્યાં એ ફેસિયલ કરાવી લાવી. માથામાં મેંદી મૂકી દીધી અને ઘસી ઘસીને ન્હાવા લાગી!! બોળ ચોથના દિવસે આઈ બ્રો પણ કરાવી નાંખ્યો અને પોતાની સુંદરતાને આ વખતે ફાઈનલ ટચ આપી દીધો. મનમાં ને મનમાં એ હરખાતી હતી કે આ વખતે નયની ને બતાવી દેવું છે કે ગામડાં વાળા પણ હવે બ્યુટી પાર્લરમાં જાય છે.

હજુ ગઈ ભીમ અગિયારશે નયની બહુ ફાંકા મારતી હતી કે આમ તૈયાર થવાય, આમ આઈ બ્રો ની ફેશન છે, આમ ફેસિયલ કરાયને , આમ નખને શણગારાય!! આ વખતે એને પણ ઝાંખી પાડી દેવાની છે!! સાથોસાથ એ ખેતીનું બધું કામ પણ બમણા જોરમાં કરતી હતી. ચોથના દિવસે એની સાસુને તાવ વધ્યો!!પણ તોય અંજુ તો કપડાની બેગ ભરતી હતી!! બે ચણીયા ચોળી અને ચાર નવી સાડીઓ એણે બેગમાં ગોઠવી. પટારાના તળિયેથી એણે ઘરેણાનું બોક્ષ કાઢીને હાર , અને ખાસ સુરતથી મંગાવેલી બંગડીઓ એક બાજુ કાઢી!! મનમાં સતત બાપનું ગામ અને મેળો જ દેખાતો હતો. એય ને સાત હનુમાનજી ના ડુંગરા !!

એય ને મેળો!! એયને પાણીના ઝરણામાં ચાલવાની મજા અને આઈસ ક્રીમ અને પાઉં ભાજી!! અંશ આ વખતે મોટો થઇ ગયો હતો.એને એક નાનકડી બંદુક લઇ દેવાની છે. બધી બહેન પણીઓ સાથે એ અત્યારથી જ મેળાના વિચારોમાં ખોવાઈ ગઈ. સાંજે મયુરે ફરી એક વાર કીધું કે એકાદ દિવસ રોકાઈ જા પણ તોય એ ના માની. પાંચમની સવારે એ વહેલા ઉઠીને તૈયાર થઇ ગઈ. અને આમેય સ્ત્રી પિયર જતી બસ કોઈ દિવસ ના ચુકે!! હા પિયરથી આવવાનું હોય તો કદાચ બસ ચુકાઈ જાય એવું બને!!

“ આ બાને તાવ વધતો જાય છે ને તું હાલી નીકળ છો આ બરાબર ના કહેવાય” મયુર બોલ્યો કે તરતજ એની સાસુ જીવતીબેન બોલ્યાં.

“ભલેને જાય , બિચારી વાર પરબે ના જાય તો ક્યારે જશે,?? વહુ બટા તમ તમારે ખુશી થી જાવ. આ તાવ તો હવે અવસ્થા થઇ એટલે આવે જ, આમેય એના બાપા પણ થોડા થોડા બીમાર જ રહે છે ને તે ભલે ને જઈ આવે આલે આ પૈસા લઇ લે અને આ મારા દીકરાને મેળામાંથી રમકડાં લઇ દે જે” જીવતીબેને અંશ ને પાંચસો રૂપિયાની નોટ આપી અને વહાલ કર્યું. અને અંજુ સાસુમાને પગે લાગીને ઝટપટ ચાલતી થઇ એક હાથમાં સુટકેશ અને બીજા હાથે અંશને તેડીને એ ઉમંગ ભેર ચાલી નીકળી. મયુર એમને એમ તાકી રહ્યો.

પાદર જોઇને અંજુ કાગના ડોળે બસની રાહ જોતી હતી. એક એક સેકંડ એને કલાક જેવી લગતી હતી.સમયસર આવેલી બસ એને આજ ખુબજ મોડી લાગી. એ બસમાં ગોઠવાઈ અને પાછી પિયરના સપનામાં ખોવાઈ ગઈ.એની નજર સામે એને ગામ દેખાતું હતું!! ગામની ઓતરાદી કોર્ય આવેલી એની વાડી અને વાડીની બાજુમાં જ એક નાનકડી નદી!! અને નદીના ઘુનામાં ભરાયેલ પાણી દેખાતું હતું. આથમણી કોર્ય આવેલ ચીભડાં ની પણ એને કલ્પના આવતી હતી!! એયને બેનપણીઓ સાથે નહાવાની કેવી મજા આવશે એ ખ્યાલે જ એ રોમાંચિત થઇ ઉઠી હતી. ગઈ આઠમે દયલી એ એને ધક્કો મારીને કેવી નદીમાં નાંખી હતી.અને આખી પલાળી નાંખી હતી એ યાદ આવ્યું!! આ વખતે જો દયલી તને આખીને આખી પલાળવાની છે એ યાદ રાખજે!!

“માલપરા છે કોઈ??? માલપરા આવ્યું ” કંડકટરનો કર્કશ અવાજ એને સંભળાયો. અને એ પોતાની તંદ્રામાંથી જાગી.સુતેલા અંશ ને એણે જગાડ્યો.અંશને તેડીને એ સુટકેશ લઈને બસની નીચે ઉતરી. થોડેક દૂર એણે કાનીયાની રિક્ષા જોઈ. એ રિક્ષમા બેસીને પોતાના પિયર આવી. એની ચાલમાં એક ઉત્સાહ હતો.રસ્તામાં જ એને રેખલી મળી ગઈ અને બેય બેનપણીઓ મળી.થોડી વાતો કરી.જતાં જતાં રેખલી મીઠો ટોણો મારતી ગઈ.

“એય ને અંજુડી તું તો જામી ગઈ છો બાકી સાસરીયે લીલા લહેર લાગે છે હો તારે એકદમ!! તું આડી ફાટી છો હો આડી”

“જા ને હવે બાધકણી બલા અને હા ઓલી દયલીને લઈને કાલે મારા ઘરે આવજે હો” અંજુ ઉતાવળે પગલે ઘર તરફ ચાલી.

ઘરે જઈને એ પોતાના મા બાપને મળી. પોતાનો ભાઈ ભરત આજે ઘરે હતો.એને કદાચ હીરામાં વેકેશન પડી ગયું હોય એમ લાગ્યું. વિલાસ ભાભીએ નણંદબા નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું અને અંશ ને તેડી લીધો. અંજુએ બાપાનાં ખાટલાની પાંગથે બેસી ગઈ ને પૂછ્યું.

“આતા કેમ છે તબિયત તમારી ?? તાવ ઉતર્યો કે નહિ,? દવા લીધી,? આતા તમારું શરીર સાવ નંખાઈ ગયું છે!! કાંઇક ખાતા હો આમ કાઈ શરીર ટાળી દેવાય”?? દીકરી જ્યારે બાપના ઘરે આવે ને ત્યારે સહુ પ્રથમ બાપની જ ખબર કાઢે.

“કાઈ નથી સહેજ કળતર છે બેટા, અને મયુર કુમાર અને તારા સાસુ સસરાને કેમ છે?? રાઘવ ભાઈએ દીકરીના ખબર અંતર પૂછ્યા. પછી તો આડા અવળી વાતો કરી. વિલાસ વહુએ રાંધી નાંખ્યું અને નણંદબા ને બરાબરના જમાડ્યા. જમીને સહુ આડે પડખે થયાં. અંશ ને વિલાસ પોતાની પાસે લઇ ગઈ રમાડવા. આમેય નવી પરણીને આવેલી સ્ત્રીને નાના બાળકમાં ભગવાનના દર્શન થતા હોય છે.

“ચાર વાગ્યે ડેલી ખખડી અને મોટરનો અવાજ આવ્યો. ભરતે ડેલી ખોલી તો સામે સંજય ઉભો હતો. પોતાનો સગો સાળો સંજય!! ભરતે એનું સ્વાગત કર્યું!! વિલાસે ભાઈના દુઃખણા લીધાં. ઘરનાં ખબર અંતર પૂછ્યા. આડા અવળી વાત થઇ. અંજુ પણ જાગીને બહાર આવી અને ખુરશી પર જમાવી દીધું. અંજુ માટે બાપનું ઘર એટલે એક નાનું રજવાડું જ જોઈ લ્યો જાણે!!

“ભરત કુમાર વિલાસને તેડવા આવ્યો છું, સાતમ આઠમનો તહેવાર આવે છે અને આમેય એ ભીમ અગિયારશે પણ નહોતી આવી અને મારેય એવું કામ આવી ગયું હતું કે ના અવાણું એટલે આજ તેડવા આવ્યો છું” સંજયે વાત મૂકી.

“એય ને ખુશી થી લઇ જાવ ,વિલાસ બેટા તૈયાર થઇ જાવ તમ તમારે મન થાય એટલું રોકાજો હો, આમેય તમે આવ્યા પછી કામમાંથી જરાય પોરો નથી ખાધો એટલે પિયર જઈને મા બાપ ને મળી આવો અને આંખ્યું ટાઢી કરી આવો.

“ના બાપુજી મારે નથી જવું, હું પછી જઈ આવીશ, આઠમ તો અહી રહીને પણ થાય ને??તમારી તબિયત સારી નથી અને બા ને પણ માંડ હાશ થઇ છે કામકાજ થી એટલે મારો ભાઈ ભલે આવ્યો, મેં ઘરનાં ખબર અંતર પૂછી લીધાં છે, ઘરે કોઈને તકલીફ નથી, એટલે બાપુજી તમે ખોટો આગ્રહ ના કરતાં હું કદાચ દિવાળીએ જઈ આવીશ” વિલાસ ગર્વથી બોલી અને અંજુ તો સાંભળીને જ સડક થઇ ગઈ. સંજયે ઘણું કીધું. ભરતે પણ ઘણું કીધું પણ વિલાસ એક ની બે ના થઇ. અંજુ બધું જ સાંભળતી જ રહી.

“સંજયભાઈ વેવાઈને મારા જય શ્રી કૃષ્ણ કે જો અને કેજો કે તમે અમને ખરું રત્ન આપ્યું છે. જ્યારથી વિલાસ આવી છે ત્યારથી આ ઘરમાં સુખ અને શાંતિ બને આવી ગયાં છે અને સંજય ભાઈ તમે આજ રોકાઈ જાવ કાલ જજો” સંજયને પરાણે રોકી નાંખ્યો અને સાંજે વાળું કરીને સહુ ફળીયામાં ખાટલા ઢાળીને બેઠાં. વિલાસ અને અંજુ અંશને લઈને અગાશીમાં ગયા ત્યાં સીધું જ અંજુએ પૂછ્યું.

“ભાભી તમને પિયર જવાનું નથી ગમતું?? તમે કેમ તમારા ભાઈ સાથે જવા તૈયાર ના થયાં” જવાબમાં વિલાસ હસી અને બોલી.

“પિયર તો દરેક દીકરીને ગમે જ નણંદબા પણ અહી મારા સસરા બીમાર છે. બા થી હવે કાઈ કામ ના થાય એટલે જવું મને યોગ્ય ના લાગ્યું અને ખાસ તો મારી બા એ એક શિખામણ આપી હતી. લગ્નની આગલી રાતે મને કીધું હતું મારી બા એ કે બેટા વિલાસ હવે તારું સાચું ઘર એ છે તારે જિંદગી ત્યાં વિતાવવાની છે.

તું સમજુ છો દીકરી, એટલે અમારી બહુ માયા ના રાખતી. હું સુખી છું આ ઘરમાં એનું કારણ એ જ છે કે આવી ત્યારથી મેં આ ઘરનું જ હિત જોયું છે એમ તારે આખી જિંદગી જો સુખી થવું હોય તો બેટા સાસરિયાનું સારું થાય એવું કરજે. અને આમેય આપણે ખેડૂત રહ્યા. એક ખેતર મુકીને જો આપણે બીજું ખેતર લઈએ તો પછી બધું જ ધ્યાન એ ખેતરમાં જ આપવાનું છે એમ દીકરી કાલથી તું એક નવા ખેતરની માલિક છો!!

એ ખેતરમાં તું એવું કામ કરજે કે એક હરિયાળી વાડી બની જાય!! અને એક એવી વાડી બનાવજે કે જેના છાંયડે જે કોઈ બેસે એને હમેશા શીતળતા જ મળે!! હંમેશા શીતળતા જ મળે!! અંજુ સાંભળતી રહી!! આજ એ ખાલી આઠ ચોપડી ભણેલી વિલાસ આગળ પોતે દસ પાસ વાળી વામણી સાબિત થઇ રહી હતી. બસ પછી તો અંજુએ બધી વાત કરી અને વિલાસે એને પ્રેમથી ઘણું બધું સમજાવ્યું. અંજુ ઘણું બધું શીખી ગઈ હતી. જે જ્ઞાન અંજુને એની મા પાસેથી નહોતું મળ્યું એ જ્ઞાન એને પોતાની વિલાસ ભાભી પાસેથી મળી શક્યું હતું.

સવારે સંજય જવા તૈયાર થયો, વિલાસને એણે પૈસા આપ્યાં. વિલાસે ભાઈના ફરીથી દુઃખણા લીધા. અને અંજુ પણ સુટકેશ લઈને તૈયાર થઇ.

“ભાઈ મારી નણંદ ને એના ગામ ઉતારતો જાજેને, તારે થોડું ફેરમાં જાવું પડશે પણ એને પોતાના ખેતર જાવું છે” બધાને નવાઈ લાગી. છેલ્લે અંજુ બોલી.

“મારા સાસુ બીમાર છે, તોય હું આવી પણ વિલાસ ભાભીના વર્તનથી મારી આંખો ખુલી ગઈ છે. એ જે રીતે મારા માતા પિતાને સાચવે છે એમ મારી પણ ફરજ મારા સાસુ સસરાને સાચવવાની છે. હું પણ દિવાળીએ આવીશ કદાચ “ અંજુ એનાં પિતાને અને માતાને પગે લાગી અને અંશને તેડીને કારમાં બેસી ગઈ વિલાસે અંજુને નવી ચાર બંગડી આપીને અંજુના માથા પર હાથ મુક્યો!!

કાર ચાલી અને પોતાને ઘરે પહોંચી ગઈ. ઘરે એના સસરાને ગ્લુકોઝના બાટલા શરુ હતાં. મયુરને નવાઈ લાગી કે નેવાનાં પાણી મોભે કેમ કરીને ચડ્યા?? પણ એ કશું જ ના બોલ્યો. એણે સસ્મિત અંજુને આવકારી. સાંજેક ઓરો એના સસરાને તાવ ઉતરી ગયો. મયુરને એણે રાતે વાત કરી. બધીજ વાત કરી અને બોલી.

“ સાસુ સુખ સાસરિયામાં જ છે એ મને વિલાસ ભાભીએ શીખવાડ્યું છે!!” મયુરની આંખોમાં પત્ની પ્રત્યે એક અહોભાવ જાગ્યો. બીજે દિવસે એના સસરાની તબિયત ઘણી સારી થઇ ગઈ. અને આઠમના દિવસે મયુર એને બાઈક પર બેસારીને સાંઢીડા મહાદેવ લઇ ગયો. આગળ અંશ બેઠો હતો ગોગલ્સ પહેરીને અને પાછળ અંજુ બેઠી હતી મયુરના સહારે!! લગ્નના પાંચ વરસ પછી આજે તેઓએ પહેલી વાર સાથે સાતમ આઠમ કરી રહ્યા હતાં. અને એ આઠમની રાતે બંને પતિ પત્ની પ્રેમથી એકબીજાને સાંઢીડાથી લાવેલ થાબડી પેંડા ખવરાવી રહ્યા હતાં. આ તેમની જિંદગીની સહુથી શ્રેષ્ઠ સાતમ આઠમ હતી.

લેખક :-મુકેશ સોજીત્રા

૪૨,શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશન રોડ મુ.પો ઢસા ગામ તા .ગઢડા જિ.બોટાદ પીનકોડ ૩૬૪૭૩૦

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી