“સાસુમાઁ” – આજના દરેક ફેમેલીમાં લેમીનેશન કરી ને રાખવા જેવી સ્ટોરી !

- Advertisement -

“શું થયું? કેમ ઉદાસ છે?” રાજે મીરાને પૂછ્યું.

“ના રે! એવું કંઈ નથી.” મીરાએ જણાવ્યું.

હલકા સ્મિત સાથે રાજે કહ્યું, “આપણા લગ્નને તેત્રીસ વર્ષ થઇ ગયા. તારી ખામોશીને હું બેખૂબીથી સમજુ છું. કહે મને, શું વાત છે?”

આ સાંભળીને મીરાને આશ્વાશન મળ્યું અને તેણે જણાવ્યું કે, “આપણા દીકરા મિરાજના લગ્નને હજુ મહિનો પણ નથી થયો અને તે જાણે બદલાઈ ગયો હોય તેવું મને લાગે છે.”

“બદલાઈ ગયો, એટલે કયા સંદર્ભમાં?” રાજે સામું પૂછ્યું.

“લગ્ન પહેલા તે સતત મને સમય આપતો, મારી વધારે કાળજી રાખતો અને લગ્ન પછી તો જાણે મારુ કોઈ અસ્તિત્વ જ ના હોય કંઈક એવું વર્તન છે તેનું.” મીરાએ તેનું દિલ ખોલીને જણાવ્યું.

આ સાંભળીને રાજ મુસ્કુરાયો. તે જોઈને મીરાએ કહ્યું, “હું અહીં ગંભીર વાત કરું છું અને તમને હસું આવે છે?”

“હસું મને તારી વાતનું નહીં પરંતુ તારી માઁ તરીકેની નાદાન ભાવના પર આવે છે.” રાજે કહ્યું.

“એટલે? હું કાંઈ સમજી નહીં.” મીરાએ તેની વાત ઉમેરતા પૂછ્યું.

“તને યાદ છે? જયારે આપડા નાના દીકરા જીતનો જન્મ થયો હતો.” રાજે વાત સમજાવતા ઉમેર્યું.

“હાસ્તો. તે દિવસ હું એટલી જ ખુશ હતી જેટલી રાજના જન્મ સમયે.” મીરાએ દિલની વાત જણાવી.

“તે ખરું. પણ તે દિવસે અને તેના ઘણા બધા મહિનાઓ સુધી મિરાજ ખુશ નતો. જીતના જન્મ પહેલા, મિરાજ આપણા બન્નેના લાડ અને પ્રેમનો એકલો હકદાર હતો. પરંતુ જીતના આવ્યા પછી આપણે જીતની વધારે સાર-સંભાળ રાખતા, એ મિરાજને નતું ગમતું.

તેને જીત નતો ગમતો કારણકે તેના મતે જીતે તેના માતા-પિતાને તેનાથી દૂર કરી દીધા હતા. તું મને કહે, શું આપણે મિરાજથી દૂર થઇ ગયા હતા?” રાજે ભૂતકાળની યાદો તાજા કરાવી મીરાને આ પ્રશ્ન પૂછ્યો.

“ના રે? મારા પ્રેમમાં ભાગલા નતા. મારો પ્રેમ વહેંચાઈને પણ બમણો થયો હતો.” મીરાએ તેની માઁ તરીકેની સચોટ ભાવના જણાવતા કહ્યું.

“બસ કંઈક તે જ રીતે મિરાજનો પ્રેમ પણ વહેંચાઈને પણ બમણો થયો છે. જેમ મિરાજને જીતના આવવાથી આપનો પ્રેમ વહેંચાઈ ગયો કે ઓછો થઇ ગયો હોય તેવું લાગતું હતું, તે જ તને અત્યારે લાગે છે.

હું નોંધું છું કે આજે પણ મિરાજ તને એટલો જ સમય આપે છે જેટલો પહેલા આપતો હતો. અરે! તે તો તેની પત્નીને કે મને બપોરે ફોન કરે, ત્યારે પણ સૌ પ્રથમ આજ પૂછે છે કે શું મમ્મી એ દવા લીધી કે નહીં? પણ પેલું કહેવાય છે ને કે માઁ-દીકરાનો પ્રેમ હંમેશા ઓછો જ પડે. બસ કંઈક તેવું જ તારી સાથે થઇ રહ્યું છે.” રાજે ખુબ જ સુંદર ઉદાહરણ આપીને મીરાને આ પારિવારિક વાત સમજાવી.

“કદાચ તમે સાચું કહો છો. આ મારી ચિંતા કરતા વધારે પ્રેમભરી ઈર્ષ્યા છે. પરંતુ મારી આ ઈર્ષ્યાનો ઉપાય શું છે?” મીરાએ નાદાનીના ભાવે પૂછ્યું.

“તે જ, જે મિરાજની હતી. મિરાજને આપણો પ્રેમ ઓછો પડ્યો એવું લાગ્યું, તો જીતથી શરૂવાતમાં તે ઈર્ષ્યા કરતો હતો પણ મેં ધીરે-ધીરે જીતની જવાબદારી મિરાજને આપવાની શરુ કરી. નાનકડા જીતના પ્રેમભર્યા પગલાંએ મિરાજના દિલમાં પોતાની છાપ મુકવાની શરૂવાત કરી.

આખરે માણસ પ્રેમનો ભૂખ્યો હોય છે એટલે મિરાજને આપણાથી જે પ્રેમ અને સમયનો અભાવ લાગતો હતો તે નાનકડા જીતે પૂરો કર્યો. આપણી પુત્રવધુ ખુબ સઁસ્કારી છે. તું આપડી પુત્રવધુ માટે એકવાર જીતવાળો મિરાજ બનીને તો જો, આપડી નવી પુત્રવધુ મિરાજના તને ખૂટતા પ્રેમની કંઈક એવી ભરપાઈ કરશે કે એક દિવસે તને તેના પ્રેમથી દેણદાર બનાવી દેશે?” રાજે કંઈક આવી રીતે પ્રેમભર્યા શબ્દોથી મીરાને સઁબઁધોનું એક ખુબસુરત ગણિત સમજાવ્યું.

“શું ખરેખર આવું થશે?” મીરાએ નિર્દોશભાવે પૂછ્યું.

“હા. જો તું તેની સાસુ નહીં પણ સાસુમાઁ બનીશ તો.” રાજે એક શબ્દમાં એક અમૂલ્ય અક્ષર ઉમેરી તેને ઘણી બધી વાત સમજાવી દીધી.

મીરાને રાજના શબ્દોનો ભાવાર્થ સમજાઈ ગયો અને તે દિવસથી નાતો મીરાને મિરાજના પ્રેમની કમી મહેસુસ થઇ અને ના તો ઘરમાં આવેલી નવી વહુને તેની માઁ ની કારણકે આખરે મીરા એક સાસુ નહીં પણ સાસુમાઁ બની હતી.

ખરેખર મિત્રો અમુક સઁબઁધોમાં પ્રેમ વહેંચાય તો છે પણ બમણો પણ થાય છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

મિત્રો ! કેવી લાગી મારી સ્ટોરી ? તમને નથી લાગતું અમુક સ્ટોરી જો લાઈફ માં એપ્લાય થાય તો લાખો ના જીવન બદલી શકે ?

ટીપ્પણી