સાસુમાની સમજદારી – સાસુ-વહુનાં ખાટા-મીઠા સંબંધ અને ઉતાર-ચડાવને વર્ણવતી વાર્તા

“આવી ગયો દીકરા?? કેમ છે હવે પગે?? દુખતું તો નથી ને? એવું હોય તો અઠવાડિયું રજા મૂકી દે” જેવો નિલય ઘરે આવ્યો કે તરત જ એની માતા ગોદાવરી બહેને એક સામટા સવાલો પૂછીને પાણી નો ગ્લાસ લઈને નિલય પાસે ગયાં.

“મમ્મી મને સારું છે કશી તકલીફ નથી… અને પાણી નથી પીવું મારે… આરતીએ હમણાં જ પાણી આપ્યું છે મને મમ્મી” નિલયે કહ્યું. નિલય સોફા પર બેઠો હતો. હજુ હમણાં જ એ ઓફિસેથી આવ્યો હતો. એની પત્ની આરતી કિચનમાંથી આ બધું જોઈ રહી હતી. એણે રસોડામાંથી જ નિલય તરફ એક કટાક્ષ ભરી નજરે જોયું. નિલય સમજી ગયો આરતીની નારાજગી નું કારણ.!!!! ગઈ કાલે રાતે નિલય રાતે બાથરૂમમાં લપસી ગયો હતો અને પગે મોચ આવી ગઈ હતી. સવારે દવાખાને બતાવ્યું તોય પરાણે ગોદાવરી બહેને નિલયને પગે ગરમ ગરમ હળદર ચોપડી દીધી હતી. અને પગ પર હળવે હાથે માલીશ કરતાં હતાં. આરતી ને આ વાતનો ખુબજ ગુસ્સો આવતો હતો પોતાના સાસુમા પર.!!! એ પોતાના દીકરાને હજુ નાનો જ સમજતા હતાં એની આરતીને ખુબ જ ચીડ હતી!! અને આ ચીડ ધીમે ધીમે વધતી જતી હતી. આરતી જયારે એની બહેનપણી સાથે વાત કરતી ત્યારે પણ એ બળાપો કાઢતી.

“આમ તો મારા સાસુ લાખ રૂપિયાના અને ભગવાન ના માણસ છે.કદી એણે મને કોઈ વાતમાં ટોકી નથી કે મારી સામે કાળું મોઢું નથી કર્યું બસ આ એક જ તકલીફ. આખો દિવસ એ નીલયની જ ચિંતા કરે રાખે. હવે એનો નિલય મારો પતિ છે હું એનું ધ્યાન રાખવાવાળી છું જ પણ તોય મારા સાસુ હજુ નાના છોકરાની જેમ જ નીલયને સાચવે છે,મને ક્યારેક હસવું આવે અને ક્યારેક ગુસ્સો આવે છે. મારા સાસુને કદાચ એમ હશે કે હું એના નીલયને એનાંથી વિમુખ કરી દઈશ. અરે સાસુમા આવું હોય તો છોકરાને પરણાવાય જ નહિ.અને એનો નિલય પણ એકદમ માવડિયો છે. હું એને આ બાબતમાં વાત કરું તો એ ખાલી હસ્યા કરે અને જો હું ગુસ્સો કરું તો પણ એ મને પરાણે વહાલ કરીને મનાવી લે છે. આમ તો મારે બાર બાદશાહી છે કોઈ જ તકલીફ નથી. કોઈ જ રોકટોક નથી.બસ મારા સાસુનો આ સ્વભાવ મને ગમતો નથી એ આટલો સ્વભાવ સુધારી લે તો સવાલાખના સાસુમા બની જાય એમ છે” પોતાની દરેક બહેનપણી સાથે આરતી આ વાત તો કરતી જ!! આખી સોસાયટી પણ આ વાત જાણતી અને આરતીને સમયાંતરે ખીજવતી હજુ તો પરમ દિવસે સામેના મકાનમાં રહેતી અનિતાએ આરતીને ખીજવી હતી.

“હું તો પિયર જતી જ નથી. તને તો ખબર જ છે ને કે આરતી મારા મનીષને મારા વગર ના ચાલે. એને મારા હાથની જ ચા ભાવે અને રોટલી પણ મારી જ ગમે. હું ઘરે ના હોવ ને તો એ ખાખરા ખાઈ લે. એને મારા સાસુના હાથની રસોઈ હવે ફાવતી નથી એટલે જ તો મનીષ મને ક્યાંય જવા ના દે. પણ તારે સારું હો આરતી તારે આવી કોઈ જ માથાકૂટ જ નહિ નીલયને તો તારા સાસુ સાચવી લે એને તારી સહેજ પણ જરૂર નહિ. તારે ગમે તેટલા દિવસ પિયર જવું હોય એટલાં દિવસ તું જઈ શકે છે. બહુ ઓછા ભાગ્યશાળી હોય છે તારા જેવા” અનિતાના આવા શબ્દો આરતીને દઝાડતા હતાં.

હજુ તો એ દોઢ વરસ પહેલાં જ પરણીને આ ઘરમાં આવી હતી. સસરાજીની ગેરહાજરી હતી. આ ઘરમાં ફક્ત એક સાસુમા હતાં અને એક નિલય !! બે જ જણાનું કુટુંબમાં એ આવી એટલે પ્રેમનો ત્રિકોણ થયો હતો. શરૂઆતમાં સાસુમા ગામમાં પોતાને લઈને ચા પીવા જતાં ત્યારે પણ એ નીલયના બચપણની જ વાતો કરતાં બધાની સાથે કે નાનો હતો ત્યારે નીલયને આ ભાવતું અને આવા આવા તોફાન કરતો મારો નિલય!! હવે થોડો સોજો થઇ ગયો છે પણ પેલા તો ખુબ જ તોફાની હતો. અને ગામવાળા પણ ગોદાવરી બહેનની બધી જ વાત શાંતિ પૂર્વક સાંભળતાં જ્યારે એકની એક વાત સાંભળીને આરતીને ધીમે ધીમે ચીડ ચડવા લાગી હતી. દરેક વાતમાં એ નિલયની વધારે પડતી સંભાળ રાખતા હતાં. જાણે આરતી એનું ધ્યાન જ ના રાખતી હોય. નિલય જમવા બેઠો હોય ત્યારે પણ ગોદાવરી બહેન પરાણે પરાણે બે રોટલી વધુ ખવરાવી દે અને એની થાળીમાં ડબલ ઘી નાંખી દે!! નિલય ના પાડે પણ ગોદાવરી બહેન માને જ નહિ. કોઈ મહેમાન આવ્યું હોય તો એને એમજ લાગે કે આરતી તો નીલયનું ધ્યાન જ નથી રાખતી જેટલું ધ્યાન ગોદાવરી બહેન રાખે છે.

સમય વીતતો ચાલ્યો થોડા જ સમયમાં આરતીને સારા દિવસો જવા લાગ્યાં અને ગોદાવરીબેન હવે નીલયની સાથે આરતીનું પણ ધ્યાન રાખવા લાગ્યા. એ આરતીને હવે કશું પણ કામ કરવા ના દેતાં. મોટે ભાગે એ બધું જ કામ હવે જાતે જ કરતાં હતાં. આરતીની પાસે બેસીને ગોદાવરી બહેન કહેતા જયારે નિલય એના પેટમાં હતો ત્યારે એને ખુબ જ તકલીફ થતી. આઠમા મહીને તો લગભગ રડી પડાતું એવા તોફાન નિલય પેટમાં રહીને કરતો. અને પછી તો રામાયણ જેવા પુસ્તકો પણ એને આરતીને લાવી આપ્યાં હતાં. જુના જન કલ્યાણ અને અખંડ આનંદ જેવા સામયિકો લાવીને ખડકલો કરી દીધો અને વાંચવાનો આગ્રહ કરતાં કે આવું વાંચન કરવાથી બાળક સદગુણી જન્મે છે. અને પાછા ઉમેરતા કે નિલય પેટમાં હતો ત્યારે એણે આવું પુષ્કળ વાંચેલું.

સીમંતવિધિ પછી આરતીને એના પિયરીયા તેડી ગયાં. જતી વખતે આરતી નીલયને મળી હતી. નિલય ઢીલો પડી ગયો હતો. આરતીએ એ વખતે ટોણો માર્યો.
“તમે શું કામ ઢીલા પડો છો.તમારી મમ્મી ધ્યાન રાખવા વાળી છે ને, મારા કરતાં વધારે સારું ધ્યાન તો એ રાખે છે ને”
“સાચવી ને રહેજે સ્વીટી… આ ઘરમાં અત્યાર સુધી પ્રેમનો ત્રિકોણ જ હતો. હવે તું આવશે એટલે ચતુષ્કોણ થાશે. દીકરો આવે કે દીકરી મારા માટે એ સરખું જ હશે અને અદ્ભુત હશે!! મિસ યુ સ્વીટી, મારું તો મન કહે છે કે હું પણ તારી સાથે જ આવું” નીલયની એક ખાસિયત હતી કે આરતી ગમે તેટલો એને ચીડવે કે ખીજાય પણ પ્રત્યુતરમાં એ આરતીને બમણો પ્રેમ કરતો. આજ આરતીની આંખો પણ ભીની થઇ ગઈ. અને આરતી પિયર આવી. એક માસ પછી આરતીને ઘરે દીકરાનો જન્મ થયો. સુવાવડ વખતે ખુબજ તકલીફ થઇ ગયેલી. આવનાર બાળકનું વજન સામાન્ય કરતાં વધારે હતું. આરતી બાળકનો જન્મ આપીને બેભાન થઇ ગયેલી અને એક દિવસ પછી જ ભાનમાં આવેલી. પુત્રના જન્મ વખતે આરતીએ ખુબ કષ્ટ સહન કરવું પડેલું અને બે જ દિવસમાં એનું શરીર સાવ નંખાઈ ગયું. ઉપરાંત તાવ પણ લાગુ પડી ગયેલો. હોસ્પીટલના ખાટલે પડેલી આરતી સાવ નંખાઈ ગઈ હતી.

ગોદાવરી બહેન અને નિલય આવ્યાં હરખ કરવા. નિલયે પોતાના હાથમાં અદ્ભુત સર્જન લીધું અને એ રોમાંચિત થઇ ગયો. દુનિયાના એ હાથ સહુથી વધુ ભાગ્યશાળી ત્યારે હોય છે જયારે એ પોતાના પ્રથમ સંતાનને પ્રથમ વખતે હાથમાં લઈને એ ને વહાલ કરે છે. આરતીના પિયરીયા જે ધ્યાન રાખવું જોઈએ એ રાખતા નહોતા આ જોઇને ગોદાવરી બહેનનો જીવ બળી ગયો. એને આરતીને પૂછી લીધું.

“બેટા ત્યાં આવતી રેને, તારું ધ્યાન રાખવા વાળી હું તો શું ને?? એવું લાગે તો ઘરે કામવાળી રાખી લઈશું ઘરનાં કામ માટે… અહી બધાં કામમાં છે તારું કોઈ ધ્યાન નહિ રાખી શકે એટલે તારું મન માનતું હોય તો અમારી સાથે જ ચાલ.. અને આરતી તરતજ એની સાથે નીકળી ગઈ. ઘરે આવીને આરતીએ સાસુમાનું આ નવું રૂપ જોયું. તમામ જવાબદારી સાસુમાએ ઉપાડી લીધી હતી. તાવને કારણે આરતીને લોહીના કણ ઘટી ગયાં હતાં.અને વધારે ગ્લુકોઝના બાટલા ચડાવવાના કારણે આરતીને હવે શરદી અને ઉધરસ પણ થઇ ગયાં હતાં. અને એવામાં તાવ પણ સખત આવે. ગોદાવરી બેને સાથોસાથ દેશી ઓશડીયા પણ શરુ કર્યા. આરતીને નવરાવવાથી માંડીને ખવરાવવાની તમામ જવાબદારી સાસુમાએ ઉપાડી લીધી હતી. અને પડખે બેસીને આરતીના માથે પ્રેમથી હાથ ફેરવતા અને સાંત્વના આપતાં. આરતીનો બધો ગુસ્સો અને ચીડ સાવ ઓગળી ગયાં હતાં. સાસુમાને એ દિલથી વંદન કરતી હતી.દોઢ માસની સતત સારવાર અને પ્રેમભરી માવજતથી હવે આરતી એકદમ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત થઇ ગઈ હતી. બાળકનું નામ આલય પાડ્યું હતું. આરતી નો આ અને નિલય નો લય લઈને નામ પાડવામાં આવ્યું આલય!! ઘરમાં હવે સ્નેહનો ચતુષ્કોણ રચાયો હતો. હવે ગોદાવરીબેન આલય ને જોઇને કહેતા કે નાનો હતો ને ત્યારે નિલય પણ આવો જ તોફાની અને અદલ આવા વાંકડિયા વાળ વાળો જ હતો. આરતી ઘર કામ કરે ને ત્યારે આલય ગોદાવરી બેનની ગોદમાં જ હોય. દર દસ મીનીટે આરતી રસોડામાંથી ડોકિયું કરીને આલયને જોઈ જાય. નિલય અને આરતી વચ્ચે પ્રેમ વધુ મજબુત અને વધુ વચનબદ્ધ થઇ ચુક્યો હતો. આમેય પ્રથમ સંતાન ના જન્મ બાદ પતિ પત્ની વચ્ચે એક દિવ્ય પ્રેમ જન્મ લેતો હોય છે.

એક દિવસની વાત છે બહાર ઓટલા પર ગોદાવરીબેન આલયને રમાડતાં હતાં. આરતી રસોડામાં રસોઈ કરતી હતી. નિલય ઓફિસે ગયો હતો. અડધી કલાક સુધી કોઈ અવાજ ના સંભળાયો એટલે આરતી બહાર આવીને જોયું તો ના આલય મળે કે ના ગોદાવરી બહેન!! આજુબાજુ બધાને પૂછ્યું તો કહે હમણાં તો અહી બેઠા હતાં એટલી વારમાં ક્યાં ગયાં બને. કલાક પછી પણ આજુબાજુમાં ક્યાય ના મળ્યા આલય અને ગોદાવરી બહેન એટલે આરતી તો રડવા લાગી અને સાસુને શોધવા નીકળી. આવું આગાઉ ક્યારેય નહોતું બન્યું, સાસુમા એને પૂછ્યા સિવાય ક્યાંય જતાં નહિ અને આજે અચાનક આલય સાથે કયા ગયાં હશે.કશું અઘટિત તો નહિ બન્યું હોયને. ઓફિસે ફોન કર્યો અને નીલયને પણ બોલાવી લીધો. ત્યાં દોઢ કલાકે આલય અને ગોદાવરી બહેન એક બગીચામાં હિંચકા પાસેથી મળી આવ્યા. ગોદાવરી બહેને ખુલાસો કર્યો.

”અમે તો ઓટલે જ બેઠા હતાં .ત્યાં એક ઊંટ વાળો નીકળ્યો. આલયે જીદ કરી એટલે હું એને તેડી ને પાછળ પાછળ ગઈ અને આ બગીચામાં આલયને મજા આવી ગઈ અને એને રમાડવામાં કેટલો સમય જતો રહ્યો એની મને ખબર પણ ના રહી. નિલય નાનો હતોને ત્યારે આ બગીચામાં એને ખુબ જ ગમતું .. હું આલયને રમાડવા માં મશગુલ થઇ ગઈ. ભૂલમાં હું તને કહેવાનું પણ ભૂલી ગઈ કે હું આલયને લઈને બગીચામાં જાવ છું. મારી ભૂલ હો વહુ બેટા તમારે બેયને મારા કારણે દોડાદોડી થઇ એ માટે”

આરતીએ આલયને તેડી લીધો અને ખુબ જ વહાલ કર્યું અને બોલી.
“એમાં શું ભૂલ સાસુમા, આ તો તમે કીધા વગરના ગયાં હતાં એટલે ચિંતા થઇ હતી, બાકી આલય તમારી આગળ રહે કે મારી આગળ કોઈ ફરક ના પડે પણ એક વાત હું સ્વીકારું છું કે હું આલયને દસ મિનીટ ના જોવને તો મને ચેન ના પડે મારા દિકા વગર” આરતીની આંખમાં વહાલ સાથેના હરખના આંસુ હતાં.

“એ જ તો વાત છે ને કે અમુક સમજણ તો સ્ત્રીને સુવાવડ પછી જ આવે છે… હવે તને ખબર પડીને કે પોતાના પેટનાં સંતાન માટે માતાને કેવી લાગણી હોય છે.!! જે સંતાન ની ખાતર માતાએ નવ માસ સુધી ભાર ઉપાડ્યો હોય દુઃખ સહન કર્યું હોય. પ્રસુતિ વખતે પારાવાર પીડા ભોગવી હોય એ સંતાન પ્રત્યે માં નો પ્રેમ કાયમી હોય જ છે. દીકરો ગમે એટલો મોટો થઇ જાય મા ની આગળ તો એ હમેશા નાનો જ રહેવાનો!! મારો નિલય ભલે ને તારો પતિ અને એક દીકરાનો બાપ હોય પણ મારા માટે તો એ કાયમ બાળક જ રહેવાનો હું જીવીશ ત્યાં સુધી એની ચિંતા મને થતી રહેવાની. તને આજે સત્ય સમજાય છે ને કે પોતાના પિંડમાંથી જન્મેલા સંતાન પ્રત્યે મા ના દિલમાં કેવું સ્નેહનું ઝરણું ફૂટી નીકળે છે. જે ક્યારેય સુકાતું નથી!! તને આજે એ સત્ય સમજાયું…!! મને પણ આ સત્ય આ નિલયના જન્મ પછી જ સમજાયું હતું, નહીતર એની પહેલા હું પણ તારી જેમ જ મારા સાસુ સામે ઉલાળા જ ભરતી હતી. તારા સસરાને હું માવડિયો અને માય કાંગલો કહેતી હતી. !!તું તો હજુ ઘણી સારી છો આરતી બાકી હું તો મારી સાસુથી જુદી જ થઇ જવાની હતી. પણ નીલયના જન્મ પછી મને સમજાયું કે કોઈ દિવસ કોઈ પણ માતાને એના સંતાનથી જુદુ ના કરાય. હું તો આજ ની તમામ વહુ ને કહું છું કે તમારો પતિ તમારી સાસુનું માને તો માનવા દેજો અને મનોમન હરખાજો કારણકે ભગવાન તમને એવું જ સંતાન આપશે કે જે જીવનભર તમારું માનશે. બાકી જગતમાં સ્નેહ જ એક એવી વસ્તુ છે કે જે વહેંચવાથી ફોર જીની સ્પીડે વધે છે!! ગોદાવરી બહેને વાત કરી ને બધાનાં ચહેરા મલકી ઉઠયા અને સહુ ઘરે આવ્યા. ઘરમાં હતી તેના કરતાં વધુ શાંતિ અને સુખનું વાતાવરણ તે પછીના દિવસોમાં કાયમી રહ્યું.

“જગતમાં બે જ વસ્તુઓ કાયમી અને અવિચળ છે, એક ધ્રુવનો તારો અને બીજી માની સ્નેહભરી સરવાણી જે પોતાના સંતાનો માટે આજીવન અવિરત વહેતી રહે છે”

“જગતમાં સ્નેહ જ એક એવી વસ્તુ છે કે જે વહેચવાથી ફોર જી ની સ્પીડે વધે છે”

લેખક :- મુકેશ સોજીત્રા

ટીપ્પણી