સાસુ-વહુની રંગોળી – આ દિવાળીમાં આ સંબંધો માં પણ પ્રેમ નો રંગ પૂરજો !!

- Advertisement -

“ઓહો અંગિકાવહુ.. હજુ કેમ રસોડામાં છો તમે? બહુ કામ કર્યું. હવે બધું પછી જ આટોપજો. પહેલા ઘરના આંગણે સરસ મજાની રંગોળી કરી દો.. નાની હશે તો પણ ચાલશે. પણ રંગોળી તો જોઈશે જ…”

અંગીકાના સાસુ સેવંતીબહેન તેને કહી રહ્યા હતા.. દિવાળીનો માહોલ શહેરમાં શરૂ થઇ ચુક્યો હતો.. ચારેતરફ રોશનીનો ઝગમગાટ હતો ને વળી ફટાકડાનો અવાજ પણ વાતાવરણને જીવંત રાખી રહ્યો હતો… રાતના પણ જાણે દિવસ ઉગ્યો હોય તેવું લાગતું.. દિવાળીના આ તહેવારમાં દરેક ઘર રંગોળીથી રંગાયેલું હતું. આંગણે જયારે સરસ મજાના રંગો ભરેલી કૃતિ હોય ત્યારે એ મકાન પણ ઘર બની જાય છે નહિ..!! જ્યારથી સેવંતીબહેનના દીકરા આગમ્યના લગ્ન અંગીકા સાથે થયા હતા અને વહુ ઘરમાં આવી હતી ત્યારથી તેમણે બધુંય અંગીકાને સોંપી દીધું હતું. લગ્ન કરીને જયારે તે સાસરે આવી, બીજા જ દિવસે સેવંતીબહેને અંગીકાને પોતાનામાં ઓરડામાં બોલાવેલી અને કહેલું,

“જો વહુ દીકરા. મારે આગમ્ય એકનો એક દીકરો છે.. તે જયારે દસ વર્ષનો હતો ત્યારે એની તેર વર્ષની બહેન હતી આનિકા.. તેને વાલની બીમારી હતી તેથી તેનું મૃત્યુ થયેલું. મેં ત્યારથી જ વિચાર્યું હતું કે મારા દીકરાની વહુને હું હંમેશ દીકરીની જેમ જ રાખીશ. તમને થશે કે તમે સાસરે આવ્યા છો તો સવારે છ વાગ્યે જાગી જવાનું અને ઘરના બધા કામ કરતા રહેવાનું. રસોઈ આવડવી જોઈએ અને વ્યવહાર પણ સાચવવાનો. વળી સાસુ-સસરાની સેવા તો ખરી જ.. સમાજમાં બસ આ જ તો માન્યતા રહી છે લોકોની. કે સાસરું એટલે વહુનું ઘર નહિ..! પણ હું તમને કહી દઉં છું તમારે આવું કંઈ વિચારવાની જરૂર નથી.. તમે મારી દીકરી જ છો.. હું ને તમારા સસરા તો આજ છીએ ને કાલ નથી.. જે છે એ તમારું ને આગમયનું જ છે.. પહેલેથી જ વહુ સાથે ભેદભાવ રાખવાનો કોઈ મતલબ નથી એટલા માટે જ અત્યારથી જ હું તમને ઘરની ચાવી અને બધું સોંપ્યુ છું.. ઠાકોરજીની સેવાથી લઈને દરેક વસ્તુ લેવા સુધીની જવાબદારી તમારી. તમને ગમે એમ જ ચલાવો આ ઘરને…! મારે બસ તમારો સુખી સંસાર જોવો છે..!”

અંગીકા તો આવા સમજદાર સાસુને પામી ધન્ય ધન્ય થઇ ગઈ.. હા આગમ્ય થોડું ઓછું બોલતો.. પરંતુ આખો દિવસ સાસુ સાથે રહેતી અંગીકાને એ વાતની કોઈ તકલીફ નહોતી.. સસરા રાજીવભાઈ બેંકમાં મેનેજર હતા તેથી તેઓ આખો દિવસ બસ તેના કામમાં જ વ્યસ્ત રહેતા. કોઈ જ પ્રકારની કચકચ નહિ.. હા ક્યારેક અંગીકાને પોતાની બહેનપણીઓને જોઈને જરૂર થતું કે આગમ્ય અને તે બીજા યુગલોની જેમ ક્યારેય ક્યાંય ફરવા નથી જતા.. પરંતુ જયારે જયારે તે પોતાની બહેનપણીઓ પાસેથી સાંભળતી કે તેમની સાસુ અને નણંદની કેવી કચકચ છે કે પતિ સાથે પણ ખુશીથી નથી જીવાતું. એ સમયે પોતાને ખુબ જ નસીબદાર સમજતી. લગ્ન થાયે છ જ મહિના થયા હતા..

તેના સાસુ સેવંતીબહેનના એક સંબંધીના પાડોશમાં જ તે રહેતી એટલે સેવંતીબહેનને ત્યારથી જ નજરમાં વસી ગયેલી. માગું નાખ્યું ત્યારે અંગીકાના માતાપિતાએ સઘળું જોઈને હા કહેલી. લગ્ન બાદ તે અને આગમ્ય પહેલા એકાદ બે મહિના બહાર જતા..ને પછી સાસુનો સથવારો હતો એટલે અંગીકા ખુશ રહેતી. બન્ને સાસુ-વહુ નહિ પણ બહેનપણીઓની જેમ જ રહેતા હંમેશા. ક્યારેક સેવંતીબહેન અંગીકાના કપડાં પહેરી લેતા તો વળી ક્યારેક અંગીકા સાસુમાની સાડી પહેરી લેતી. સાસુમા સ્વ્ચ્છતાનાં આગ્રહી એટલે ઘરને શણગારવાનું બહુ ગમે એમને. જયારે સમય મળે ત્યારે બન્ને સાસુ-વહુ ગામમાં ખરીદી કરવા નીકળી પડતા. પછી ભલે કઈ લે કે ના લે પણ બજાર આખી તો ચોક્કસ ફરવાની જ.. આગમ્યને ટાઈલ્સની પોતાની ફેક્ટરી હતી એટલે પૈસા તો તે અઢળક કમાતો. પોતાના પાપાને તે ઘણી વાર કહેતો કે બેન્કની નોકરી છોડી દે પરંતુ તેઓ કહેતા કે જીવનમાં કોઈક પ્રવૃત્તિ તો રહેવી જ જોઈએ. તેના વગર જીવન નકામું અને મગજ ખાલી થઇ જાય.. તેથી તેઓ પ્રવૃત્તિ ના છોડતા. ચારેય જણાની પોતાની પણ એક દુનિયા હતી અને સાથે મળીને બધા એકબીજામાં હળીભળી જાય તેવા વ્યવહારુ અને સમજદાર પણ હતા..

નવરાત્રી પુરી થઇ અને દશેરાનો બીજો દિવસ હતો ત્યારથી જ સેવંતીબહેન અંગીકાને સફાઈ કરવાનું કહી રહ્યા હતા.. “માળિયું સાફ કર ને રૂમ સાફ કર અને રસોડું તો કરવાનું જ છે.. એક-એક બરણી ને થાળી-વાટકા ધોઈને જ મુકવાના છે પાછા.” સેવંતીબહેન જાણતા હતા કે અંગીકા કામમાં પરફેક્ટ જ છે… એને કદાચ ના કહે તો પણ ચાલે. બધું વ્યવસ્થિત થઇ જ જાય. પરંતુ તોય તેમનો જીવ ના રહે અને અંગીકાને કહેવાય જાય.. આ તો અંગીકા જાણતી કે એના સાસુ કેટલા લાગણીશીલ છે તેથી જ તે કંઈ ના બોલતી. તે હંમેશા વિચારતી કે દિવાળીની સફાઈ તો સહુ કરે જ અને હરખ પણ સહુને હોય જ.. પણ આ મમીને આટલી ઉતાવળ કેમ છે દિવાળીની.. કોઈ તહેવારમાં આવો ઉત્સાહ ના દેખાડતા હોય ને અચાનક શું થઇ ગયું કે દિવાળીમાં આટલો તરવરાટ આવી ગયો..! અંગીકાએ આગમ્યને પૂછ્યું તો તેણે કહ્યું કે તેને કંઈ ખબર નથી.. સસરાજી સાથે તો વાત જ સાવ ઓછી થતી.. એમને તો ક્યાંથી પુછાય. એમાંય આ રંગોળીની વાતે તો અંગીકાને વિચારતી કરી મુકેલી. સાસુજીને રંગોળી સાથે કંઈક અલગ જ લગાવ હતો. અને એટલે જ આજે સાસુમા સવારથી રંગોળી બનાવાનું કહેવામાં લાગી ગયા હતા..

“અંગીકા બસ હવે.. કેટલી વાર કહું. પંદર મિનિટ પહેલા કહ્યું હતું. ફરીથી કહું છું.. જલ્દી કરો રંગોળી બનાવો.. મને આમ આવું સૂનું-સૂનું આંગણું નથી ગમતું.!”

અંગીકાને અચાનક ઝબકારો થયો.. “સૂનું આંગણ” !! તેણે વિચાર્યું,

“કદાચ આ કારણ હોઈ શકે.. આંગણું તો હંમેશા સાસુમા ફૂલની રંગોળીથી સજાવીને જ રાખતા. એક પણ દિવસ એવો ના જતો કે આંગણે ફૂલની રંગોળી ના થઇ હોય.. તેમને ટાઈમ ના મળ્યો હોય આખા દિવસ દરમિયાન તો રાતના નાની એવી રંગોળી જાગીને કરી લેતા. કદાચ કોઈ વાર બહારગામ જવાનું થાય તો બહાર બજારમાં જે તૈયાર રંગોળી મળે છે ડાઈમન્ડની તે મૂકી દેતા..! પોતે ઘણી વખત સાસુમાને આ વિષે પૂછ્યું પણ હતું. હંમેશા તેમનો એક જ જવાબ રહેતો..

“સૂનું આંગણું ત્યારે જ હોય જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય..!! આપણું ઘર હંમેશા હસતું-રમતું રહેવું જોઈએ. દરવાજે તોરણ, આંગણે રંગોળી અને ઉંબરે લક્ષ્મીજીના પગલાં એ એક સમૃદ્ધ અને સ્વાસ્થ્ય પરિવારની નિશાની છે..! અત્યારે બધું તમને સોંપ્યું છે વહુ બસ આ કામ જ હું કરું છું કારણકે આમાં મારો જીવ સમાયેલો છે.. જે દિવસે મને ઘરને અને આંગણાને સજવવામાંથી રસ ઉડી જશે ત્યારે આ સઘળું તમારું જ કામ થઇ જશે..!!”

સાસુમાની આ વાત યાદ આવતા જ અંગીકાને રંગોળી પ્રકરણનો થોડો-ઘણો તાળો મળવા લાગ્યો. પરંતુ હજુ કંઈક ખૂટતું હતું તેવું તેને લાગ્યું એટલે તે સાસુમાના ઓરડામાં ગઈ.. જોયું તો સાસુમા કબાટમાંથી પગલાં અને રંગોળીના રંગ કાઢી રહ્યા હતા.. તેમણે ત્રણ ડબ્બા વસાવેલા હતા નાના-નાના ખાના વાળા કે જેમાં તેઓ રંગોળીના રંગ ભરતા. અંગીકાને આવેલી જોઈ તેઓ બોલ્યા,

“અંગીકાવહુ આપણી પાસે બધા જ રંગ છે.. જોઈ લો.. તમારે જે જોઈએ એ રંગ વાપરજો. ગેરુ કરીને રંગોળી બનાવજો. આજે ઘણા વર્ષે આપણા આંગણે રંગોની રંગોળી થશે. નાની બનાવો કે મોટી એ વાંધો નથી.. બસ સરસ મજાની કરજો….!!”

‘મમી, એક વાત પૂછું? શું થયું હતું તમારા જીવનમાં એવું કે તમને આટલું વળગણ છે રંગોનું.. કે પછી આંગણું કોરું ના રે તેનું…! મને કહેશો પ્લીઝ. અને જો કોઈ બહાના ના બનાવતા. હું જાણું છું કે કંઈક વાત તો છે જ.. બસ શું છે તે સમજી નથી શકતી. જો મને તમારી દીકરી માનતા હોય તો કહો..!!”

“વહુ.. મને ખ્યાલ હતો જ કે તમે મને આવું પૂછશો. રંગોળી માટે આવું ગાંડપણ કોણ કરે હે ને? મને બસ એ દિવસની રાહ હતી કે તમે સામેથી આવીને પૂછો. તો સાંભળો. લગભગ ત્રીસ વર્ષ થયા આ વાતને. ત્યારે હું અઢારેક વર્ષની હોઈશ. કુંવારી કન્યા. આંખમાં સેંકડો શમણાંઓ સાથે જીવતી એક અલ્લડ છોકરી. એ જમાનામાં હું મારા માતાપિતાની એકની એક દીકરી હતી.. મને હંમેશાથી તેઓએ એક દીકરાની જેમ જ રાખેલી. મારા જન્મ પછી મારા પિતાજીએ ચોખ્ખું કહેલું કે હવે કોઈ જ બાળક નહિ.. બસ મારી સેવંતીને મોટી કરવામાં હું મારો જીવ રેડી દઈશ.. એ કહેશે એમ જ કરીશ.. એને ગમશે એ જ એ કરશે અને ભવિષ્યમાં પણ તે ઇચ્છશે એ જ બનશે.

મને નાનપણથી જ રંગોળી કરવાનો બહુ શોખ.. હું પંદર મિનિટમાં તો એવી મોટી અને ડિઝાયનર રંગોળી બનાવી દેતી કે વાત ના પૂછો. દિવાળીમાં તો આખું ગામ મારી કરેલી રંગોળી જોવા આવતું. હનુમાનદાદાના સાળંગપુરમાં હું રહેતી. મંદિરે પણ હું જ જતી રંગોળી કરવા. ધીમે ધીમે મેં કલાસ ચાલુ કર્યા રંગોળીના અને બાર વર્ષની હતી ત્યારથી જ હું પૈસા કમાવા લાગેલી. અમદાવાદ ને સુરતથી લોકો મને રંગોળી કરવા બોલાવતા. મારા ગામમાં પણ બધા વારે-તહેવારે મને કહે રંગોળી કરવાનું. મારો શોખ મારી હોબી જ મારું પ્રોફેશન બની ગયું.! મને એ વાતની અનહદ ખુશી હતી.. મારા પિતાજી પણ બહુ ખુશ હતા.. તેઓ ગામના પ્રતિષ્ઠિત વ્યાપારી હતા.. પંદર-સત્તરની હતી ત્યારથી તો મારા માટે માંગા આવવા લાગ્યા. પાપા હંમેશા બધાને કહેતા કે મારી દીકરી ઈચશે ત્યારે જ એના લગ્ન લેવાશે. એને કોઈ જ જાતનું બંધાણ નથી.

તે વખતે હું અઢાર વર્ષની હતી.. દિવાળીનો તહેવાર નજીક હતો.. હવે તો હું જાતજાતની સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા લાગી હતી.. ત્યારે મમી મને બહુ વઢેલા. દિવાળીએ હું પહેલી વખત ઘરની બહાર જતી હતી સ્પર્ધા માટે. પાપાએ પણ ના કહેલી. આમ તે કોઈ વાતમાં મને ક્યારેય ના કહે જ નહિ પરંતુ આ વખતે કહી અને તો પણ હું ગઈ હતી..કારણકે પાપાને દિવાળી અને બેસતા વર્ષ પર મારી રંગોળી જોયા વગર અધૂરું અધૂરું લાગે. તે હંમેશા કહેતા કે તારી રંગોળી અને તારી માઁના બનાવેલા તોરણ વગર આપણું આંગણું સૂનું અને ઘર શાંત શાંત થઇ જાય છે.. તે દિવાળીએ પાપાએ કહેલું કે તું ના જા.. તો પણ હું જીદ કરીને ગઈ હતી.. મુંબઈમાં સ્પર્ધા હતી તેથી બે દિવસ અગાઉ એટલે કે ધનતેરસના દિવસે સવારથી જ જતી રહેલી. પાપાને કહેલું કે આવતા આવતા બીજા ચાર દિવસ થઇ જશે.. એમ તો મેં અગિયારસના દિવસે રંગોળી કરી જ હતી પરંતુ હું વર્ષોથી દિવાળીની સવારે જાગીને નાહીને પૂજા કરીને દસ વાગ્યે રંગોળી કરતી એ ક્રમ મારો તૂટી ગયો..

અને આમેય ચાર દિવસ પહેલાની રંગોળી તો કેવી વિખાઈ જાય! મારા ગયા પછી મારા પિતાજીએ દિવાળીને દિવસે રંગોળી કરેલી. જાતે જ દસ વાગ્યે જ. માઁને ખબર પણ નહોતી।. તેઓ સવારમાં છ વાગ્યાના જાગીને કરવા લાગ્યા હતા.. નવેક વાગ્યે જ્યારે માએ તેમની રાડ સાંભળી ત્યારે મમી રસોડામાં હતા.. રંગોળી કરતા કરતા પાપાનું ધ્યાન ના રહ્યું અને રંગના વાટકા પર હાથનો ઝાટકો લાગતા રંગ તેમની આંખમાં ઉડ્યો. મને હંમેશા આખા આખા વાટકા ભરીને રાખવાની ટેવ હતી.. પાપાની આંખો રંગ-રંગ થઇ ગઈ.. ભરાઈ રહી.. તેમણે રાડ પાડીને માઁને બોલાવી ત્યારે તે દોડતી આવી પરંતુ બે-ત્રણ મિનિટ સુધી રંગ જે તેમની આંખમા રહેલો તેના લીધે તેઓ અંધ થઇ ગયા.. આજીવન એ દિવસ પછી મારા બાપુજી અંધ જ રહ્યા. તે દિવસે હું જ્યારે પાછી આવી અને મને ખબર પડી ત્યારે મારી જાત પર કાળ ચડેલો મને..

પાણી મૂકેલું કે આજ પછી રંગોળી જ નહિ કરું. રંગોને હાથ પણ નહીં અડાડું. મેં ઘણી કોશિશ કરેલી પાપાને ઠીક કરાવાની. જાતજાતના ડોક્ટરને મળ્યા અમે પરંતુ પરિણામ શૂન્ય. હું એક વર્ષ સુધી તો સાવ ગુમસુમ થઇ ગયેલી. મમી-પાપા સમજાવતા પણ હું ચૂપ જ રહેતી..પાપાને જ્યારે ખબર પડી ત્યારે મને બહુ ખિજાયા કે રંગોળી કેમ છોડી દીધી. મેં ચોખ્ખી ના કહી કે હું રંગોળી નહીં જ કરું. તેમણે મને બહુ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું કે ઠીક છે તો હવે હું ફૂલોની રંગોળી કરીશ. બસ ત્યારથી આજદિન સુધી હું ફૂલોની રંગોળી કરતી આવી છું.. મારા પિતાજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે મને તેમના ઓરડામાંથી અમુક પત્રો મળેલા કે જેમાં તેમણે મને આજીજી કરી હતી કે હું ફરીથી રંગોથી રંગોળી કરવાનું શરૂ કરી દઉં.. મને હંમેશા થતું કે યોગ્ય સમય નથી આવ્યો હજુ રંગોળી કરવાનો અને એ પણ રંગોથી.

આજે જાણે તમને બધું કહ્યા પછી લાગે છે કે દિલનો ભાર હળવો થયો.. આ વાત આગમ્ય કે તમારા સસરા પણ નથી જાણતા. તમને કહીને આજે બહુ સારું લાગ્યું મને.. હંમેશા થતું કે દીકરી હોત મારી તો એને બધું શેર કરત.. આજે ખરા અર્થમાં તમે મારી દીકરી બન્યા વહુ..!!”

સાસુમાની વાત સાંભળી અંગીકાની આંખમાં આંસુ આવી ગયેલા. આટલા વર્ષોથી હ્ર્દયમાં આવી વાત સઁઘરીને બેઠેલા સાસુમા પ્રત્યે તેને માન થઇ આવ્યું. તેણે કહ્યું,

“મમી મને તમારા પર ગર્વ છે.. તમારી સહનશીલતા અને સમજદારી નવાઈ પમાડે તેવી છે.. આજે તમે મને આ બધું કહ્યું દીકરી સમજીને તેથી હું પણ દીકરી બનીને તમારી પાસે કંઈક માગું છું.. માઁ હવે આજે તમે જ રંગોળી કરજો ઘરઆંગણે અને તે પણ રંગોથી. નાનાજીને ગમતી હોય તેવી કોઈ પણ એક રંગોળી તમારે કરવાની છે.. આટલું તમારે કરવું જ પડશે. હવે યોગ્ય સમય પણ છે અને યોગ્ય તક પણ.. અને નાનાજીના આત્માને પણ તૃપ્તિ થશે..!!!”

વહુની વાત સાંભળી સેવંતીબહેનને જાણે તેનામાં પિતાજીનું પ્રતિબિંબ દેખાયું. જે કહેતા હોય,

“સેવંતી, તારી રંગોળી અને તારા હાથેથી પુરાતા આ રંગો તો મારા જીવનની કિલકારી છે.. મારી સવારની ચા નહિ હોય તો ચાલશે પણ તારી બનાવેલી રંગોળી વગર અધૂરું અધૂરું લાગે છે મને..!”

અંગીકાને જવાબ આપતા સેવંતીબહેન બોલ્યા,

“વહુ ખરી વાત કરી છે.. આજ સાચે જ યોગ્ય સમય છે.. ચાલો તમે પણ મારી સાથે. આપણે બન્ને સાથે મળીને શ્રીજીબાવાની મુખાકૃતિ આંગણે સજાવીએ.. રંગોળી પુરીએ.! મારા પિતાજીને એ બહુ પસંદ હતી..!”

ને દિવાળીના આ શુભ અવસરે અંગીકાએ પોતાના સાસુને જીવવાનું એક નવું જોમ અર્પ્યું….!!

લેખક : આયુષી સેલાણી 

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો…મને ગમશે !!!

ટીપ્પણી