“સારસ બેલડી” – એક પ્રણયકથા ભાગ – ૧ !! જો જો ભૂલ થી પણ ચુકતા નહિ…..! અલગ પ્રકારની Love Story

” સુમિ…. સુમિ સાંભળે છે ? મારા ચશ્મા નથી મળતાં, ગોતી આપને જરા ! ” ગુણવંતભાઈએ ટેબલ પર ખાંખાખોળાં કરતે કરતે સુમિત્રાબેનને સાદ દીધો.
” ત્યાં છાપા ઉપર જ પડ્યાં હશે, જુઓ ટેબલ પર.. ” રસોડામાંથી અવાજ આવ્યો.

” અહીં તો ક્યાંય દેખાતાં નથી, જરા શોધી આપ ને ! ”
સુમિત્રાબેન રસોડામાંથી લોટવાળાં હાથે જ બહાર આવ્યાં. ” તમે પણ ભૈશાબ, સાવ એવા ને એવા રહ્યાં. આ જુઓ શું છે, આને ચશ્મા કે’વાય ! ” તેમણે મોટા ડાબલા જેવા ચશ્મા છાપાં પાસેથી ઉપાડીને ગુણવંતભાઈને પકડાવતાં કહ્યું.

” અરે પણ મને ન દેખાયાં… ”
” તમારું તો હવે રોજનું થયું.. એક જ ઠેકાણે રાખતા હોવ તો ? ”
” તું છે ને બધું વ્યવસ્થિત કરવા માટે, તો પછી શેની ચિંતા ! ” સુમિત્રાબેન સામે જોઈને ગુણવંતભાઈ હસ્યાં…સુમિત્રાબેન છણકો કરીને પાછાં રસોડામાં જતાં રહ્યા.

રોજ આવી કોઈક ને કોઈક મીઠી રકઝક સાથે ગુણવંતભાઇ અને સુમિત્રાબેનનો દિવસ શરુ થતો. ગુણવંતભાઈ સચિવાલયમાં સિનિયર ક્લાર્ક હતા અને અત્યારે નિવૃત જીવન ગાળી રહ્યા હતા… ખરી ભાષામાં તો માણી રહ્યા હતાં. પૈસે ટકે સુખ હતું. મહિને પંદર હજારનું પેન્શન મળતું. ગુણવંતભાઈ સમાચારપત્રમાં કટાર લેખક તરીકે અને સુમિત્રાબેન ‘સુગમ સંગીત સાધના કેન્દ્ર’ ના નામે એક નાનકડા, ભાડાના હોલમાં ટ્યુશન ચલાવી સંગીતસાધક તરીકે પ્રવૃત્ત રહેતાં. નાનકડું, પણ સુંદર ઘર હતું. બંને દીકરાઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ ચૂક્યા હતાં. દીકરી સાસરું શોભાવી રહી હતી, અને ગુણવંતભાઈ પોતાના પ્રિયપાત્ર સાથે જિંદગીનું ઉત્તરાર્ધ સુખરૂપ પસાર કરી રહ્યાં હતાં. આજના યુવાનોને પણ શરમાવે એવો, ઘોળેલાં કસુંબા જેવો પ્રેમ કર્યો હતો તેમણે.

જયારે પણ તેઓ બજારમાં ખરીદી માટે નીકળતાં, સુમિત્રાબેન માટે ગજરો લેવાનું ન ભૂલતાં. ઘરે જઈને પોતાના હાથે જ સુમિત્રાબેનને ગજરો લગાવી આપતાં. સામે પક્ષે સુમિત્રાબેન પણ ક્યાં ઉણા ઉતરે એમ હતાં ! ગુણવંતભાઈનો પડછાયો બનીને દરેક તડકી- છાંયડીમાં હંમેશા તેમણે ગુણવંતભાઈનો સાથ નિભાવ્યો હતો. વગર કહે ગુણવંતભાઈના મનની વાત સમજી જવી એ તેમની ખાસિયત હતી. બંનેની જોડી જાણે સારસ બેલડી… ! ઘણાં ખરાં સંબંધીઓ તો પીઠ પાછળ કહેતાંય ખરા… ” જુઓ તો, ઘડપણમાં કેવાં ગાંડા કાઢે છે… પૌત્ર-પૌત્રી રમાડવાની ઉમરમાં આવું કંઈ શોભે ? ” પણ ગુણવંતભાઈને કે સુમિત્રાબેનને ક્યાં કોઈની પડી હતી ! તેઓ તો બસ એકબીજામાં જ ડૂબેલા રહેતાં.

કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. બીજાની ખબર નથી, પણ કમ સે કમ ગુણવંતભાઈ માટે તો આ કહેવત શત્ પ્રતિશત્ સાચી પડી હતી. ગુણવંતભાઈ સંઘર્ષના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેમને સુમિત્રાબેનનો સાથ મળ્યો. બંને એકબીજાના પૂરક બન્યા અને પછી તો જાણે જિંદગીએ ગિયર બદલ્યું. ગુણવંતભાઈ પ્રગતિના એક પછી એક સોપાન સર કરતાં ગયા. બે વર્ષ પછી તેમના જીવનમાં દીકરી અક્ષિતાનો પ્રવેશ થયો અને ઘર નાનકડી કિલકારીઓથી ગૂંજવા માંડ્યું. થોડા વર્ષો પછી આશુતોષ અને અભિજીતનો પણ જન્મ થયો. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલા ગુણવંતભાઈ માટે આ બધું કોઈ સુંદર સ્વપ્નથી ઓછું ન હતું. સુમિત્રાબેને ખૂબ જ કુશળતાથી બધું સંભાળી લીધું હતું.

‘હમે તુમસે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે…..‘ એક દિવસ અચાનક જ રેડિયો પર પોતાનું મનપસંદ ગીત વાગ્યું અને ગુણવંતભાઈ ઝૂમી ઉઠ્યાં. ‘કુદરત’ પીચરનું આ ગીત જયારે બહાર પડ્યું ત્યારે તેણે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. ગુણવંતભાઈ પણ તેમાંથી બાકાત ન હતાં. જુવાનીના દિવસોમાં જયારે સુમિત્રાબેન નારાજ થતાં ત્યારે ન જાણે કેટલીય વાર તેમણે સુમિત્રાબેનને મનાવવા માટે આ ગીત ગાયું હતું… પછી ધીમે ધીમે સમયની સાથે એ ભુલાઈ ગયું. આજે વર્ષો પછી ગુણવંતભાઈ આ ગીત સાંભળી રહ્યાં હતાં, ગણગણી રહ્યાં હતાં. જુવાની જાણે જીવંત થઇ ઉઠી !

” આ શું ગાઈ રહ્યા છો ? ” સુમિત્રાબેને માળિયું સાફ કરતાં કરતાં પૂછ્યું.
” આપણું ફેવરિટ ગીત…. ચાલ, આપણે સાથે મળીને ગાઈએ.. ”
” ના, ના.. તમે જ ગાઓ, મારે બીજા પણ ઘણાં કામ છે ! ” કહીને સુમિત્રાબેન રસોડા તરફ સરકાવી ગયા… એમ કરવા માટે તેમની પાસે વ્યાજબી કારણ હતું. ગુણવંતભાઈનો અવાજ કાગડાને પણ શરમાવે એવો કર્કશ હતો, તેથી સુમિત્રાબેનને તેમના પર હસવું આવી રહ્યું હતું. રખે તેમને ખોટું લાગી જાય એ બીકે તેમણે ગુણવંતભાઈને એકલાં જ ‘સંગીત સંધ્યા’ ઉજવવા દીધી.આમને આમ જિંદગીનો ત્રીજો અધ્યાય સુખરૂપ વીતી રહ્યો હતો.. ક્યારેક સુમિત્રાબેન ગુણવંતભાઈને ટોકતાંય ખરાં ” તમે તો સાવ ઓશિયાળા થઇ ગયા છો… મને ચિંતા થાય છે, મારા પછી તમારું શું થશે… ! ”

જવાબમાં ગુણવંતભાઈનો અવાજ જરા ઊંચો થઇ જતો. ” એવું કોણે કહ્યું કે તારા વગર મારી ખરાબ હાલત થશે… એવું કંઈ નહીં થાય, કારણકે તારા વગર જીવવું પડે એવો સમય જ નહીં આવે. આપણાં હૃદય સાથે જ ધબકે છે અને સાથે જ બંધ થશે.. ”

સુમિત્રાબેન આગળ દલીલ કરવા જતાં પણ ગુણવંતભાઈ તેમને ચૂપ કરાવી નાખતાં…

” કેમ સુમિ ? કંઈ થયું છે તને ? ” એક દિવસ અચાનક ગુણવંતભાઈએ સુમિત્રાબેનને પૂછી લીધું. પાછલાં થોડા દિવસથી તેઓ જોઈ રહ્યા હતાં કે કોઈ જ કારણ વગર સુમિત્રાબેન વ્યગ્ર રહેતાં હતાં. નાની નાની વાતોમાં ચિડાઈ જતાં હતાં.

” હેં… હા… અરે ના, ના.. કંઈ નથી થયું. કેમ આજે આવું પૂછો છો ? ” જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ સુમિત્રાબેન જરા ઝંખવાણા પડી ગયાં..
” સાચું બોલ તો ! તને ખબર છે કે તું ગમે એટલી કોશિશ કર, પણ મારાથી કશું છૂપાવી નહિ શકે. ”

” અરે સાચું જ બોલું છું. મને શું થવાનું હતું.. ! તમે ખોટી ચિંતા ન કરો. ”
” તો તારા ચેહરા પરથી રોનક કેમ ગાયબ છે ? ”

” એવું કંઈ નથી, આ તો આજકાલ થોડું કામ વધી ગયું છે એટલે જલ્દી થાક લાગે છે. ” ગુણવંતભાઈ સાથે નજર મેળવ્યા વગર સુમિત્રાબેને જવાબ આપ્યો. ડાઇનિંગ ટેબલ પર પડેલાં એંઠા વાસણો લઈને તેઓ તરત રસોડા તરફ ચાલ્યાં ગયા. તેમના જવાબથી ગુણવંતભાઈને સંતોષ ન થયો. તેમણે જાત તપાસ કરવાનું નક્કી કર્યું.

રવિવાર હતો. બપોરે પરવારીને ગુણવંતભાઈ ગઝલોની સોબતે ચડ્યા હતાં. બરાબરનો રંગ ચડ્યો હતો એવામાં સુમિત્રાબેને રંગમાં ભંગ પાડ્યો.
” મંદિરે જાઉં છું, કલાકેકમાં આવી જઈશ ! ” કહીને સુમિત્રાબેન બહાર નીકળી ગયા.. ગુણવંતભાઈ સોફા પરથી ઉભા થયાં. તેમને આ જ તક જોઈતી હતી. તેઓ રૂમમાં ગયાં અને ડ્રોઅર, ડ્રેસિંગ ટેબલ, કબાટ વગેરે ફંફોસવા માંડ્યા. કંઈ ન મળ્યું, એક નાનકડી ચીટકી સિવાય…. જેમાં કળતર અને પેટના દુઃખાવાની અમુક ગોળીઓ લખેલી હતી. સદનસીબે ડોક્ટરના અક્ષર સારા હતાં, તેથી ગુણવંતભાઈને વાંચવામાં ખાસ તકલીફ ન પડી. તેમને થોડી હાશ થઇ. કદાચ સુમિત્રાબેન સાચું કે’તા હશે, એમ માનીને તેઓ બધું ગોઠવીને પાછા સોફા પર બેઠા. ક્યારે આંખ મળી ગઈ એની ખબર જ ન પડી.

” હે ભગવાન ! આમના ભરોસે તો ઘર પણ રેઢું મૂકવા જેવું નથી… એ સાંભળો છો ? કંઈ ખબર પડે છે, આ બખડજંતર ખુલ્લું મૂકીને ઘેરાયા પડ્યા છો તે ! ઉઠો હવે.” ઘરમાં પ્રવેશતાં જ સુમિત્રાબેને પત્નીપુરાણ શરુ કર્યું. ઘરના દરવાજા ખુલ્લા પડ્યા હતા અને ગુણવંતભાઈ બિંદાસ ઘોરતાં હતાં. સુમિત્રાબેનનો અવાજ સાંભળીને તેઓ સફાળા જાગ્યાં. સુમિત્રાબેન હજુ બોલ્યે જ જતાં હતાં. જોકે આજે ગુણવંતભાઈએ સામો જવાબ ન આપ્યો. ઘણાં દિવસ પછી તેમની કોયલે ‘ટહુકો’ કર્યો હતો. તેઓ મનોમન ખુશ થતાં ચૂપચાપ બધું સાંભળી રહ્યાં..

” ચસ્કી તો નથી ગયુંને તમારું ? હું અહીં રામાયણ કરું છું ને તમને હસવું આવે છે ! ”
” ના, ના એવું નથી. આ તો આટલા દિવસ પછી તને પોતાના અસલી અવતારમાં જોઈ, એટલે જરા…. બાકી કંઈ નહીં. ”
” લો, મને વળી શું થયું હતું ? ”

” કંઈ નહીં. છોડ… આજે જમવામાં શું બનાવ્યું છે ? મને તો કકડીને ભૂખ લાગી છે. ” ગુણવંતભાઈએ વાત બદલાવી નાખી.
પણ તેમની ખુશી અલ્પજીવી નીકળી. સુમિત્રાબેનની તબિયત હવે વધુ ને વધુ ખરાબ રહેવા માંડી. ગુણવંતભાઈ ડૉક્ટર પાસે જવાની જીદ કરતાં, પણ સુમિત્રાબેન સાધારણ દુઃખાવો છે એમ કહીને વાત ટાળી દેતાં.
એક દિવસ ગુણવંતભાઈ બજારમાં કામ પતાવીને ઘેર પાછા ફરી રહ્યા હતાં.

” કેમ છો ગુણવંતભાઈ ? બધું બરાબર ને ? ” ગુણવંતભાઈએ પાછળ ફરીને જોયું. પડોસમાં રહેતાં ગાયત્રીબેન તેમને બોલાવી રહ્યા હતાં. ગુણવંતભાઈ તેમની સામે હસ્યાં અને કહ્યું.. ” બસ, એકદમ મજામાં.. તમે કહો, ઘરે કેમ છે બધા ? ”

” બધાં જ મજામાં છે. સુમિત્રાબેન કેમ છે ? આજકાલ મંદિરે નથી આવતાં કે શું ? ”
” અરે એવું કંઈ હોય ગાયત્રીબેન ! કાલે તમે લોકો સાથે જ કથામાં નહોતા ગયાં ? ”
” ના, ના ગુણવંતભાઈ. કથા હમણાં ક્યાંથી હોય ? એ તો આગલા મહિને છે ! ચલો, હવે હું નીકળું. સુમિત્રાબેનને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. ”
” હા, હા ચોક્ક્સ. આવજો. જય શ્રી કૃષ્ણ. ”
ગાયત્રીબેને વિદાય લીધી, પણ ગુણવંતભાઈ માટે મૂંઝવણ છોડતાં ગયા. ” સુમિ કાલે કથામાં નહોતી ગઈ તો ક્યાં ગઈ હતી ? એ પણ ત્રણ કલાક માટે ! ” તેઓ મનોમન વિચારી રહ્યા..

” આવી ગયાં તમે ? શું શું લાવ્યાં ? ” ગુણવંતભાઈ ઘરમાં દાખલ થયાં એટલે સુમિત્રાબેને સવાલ કર્યો.
” જાતે જ જોઈ લે. ” ગુણવંતભાઈએ સુમિત્રાબેનને થેલી પકડાવી દીધી અને સોફા પર જઈને બેઠાં.
” આ શું છે ? ગજરો ? ”
” હા. લાવ નાખી દઉં. ”
” હવેથી તમે મારા માટે આ ગજરો ન લાવતાં. આડોશ- પડોશમાં લોકો મજાક ઉડાવશે. ” સુમિત્રાબેને કહ્યું.

” ઠીક છે. હવેથી નહીં લઇ આવું. ” ગુણવંત ભાઈએ કહ્યું. સુમિત્રાબેનને જરા નવાઈ લાગી, કે આજે તેમના પતિ કોઈ પણ જીદ વગર કેમ માની ગયાં ! તેમણે ગુણવંતભાઈ તરફ જોયું, પણ ગુણવંતભાઈના ચહેરાના હાવ ભાવ ન કળી શક્યાં, છતાં તેમણે મન મનાવ્યું. શાકભાજીની થેલી લઈને તેઓ રસોડામાં ચાલ્યા ગયા….
” જમવાનું તૈયાર છે ! ચલો, જમી લો. ” ડાઇનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવતે ગોઠવતે સુમિત્રાબેને સાદ દીધો.
” ના મને ભૂખ નથી. તું જમી લે. ” ગુણવંતભાઈ છાપું વાંચતા વાંચતા બોલ્યાં.

” વળી શું થયું છે તમને ? તબિયત ખરાબ છે ? ”
” ના, બસ એમ જ. ભૂખ નથી લાગી. ” ગુણવંતભાઈ ઉભા થઈને પોતાના ઓરડામાં ચાલ્યાં ગયાં. સુમિત્રાબેન મોં વકાસીને તેમને જોઈ રહ્યા. રાતે અને બીજા દિવસે બપોરે પણ જમવા સમયે ગુણવંતભાઈનો જવાબ આવો જ હતો.
” તમને થયું શું છે ? કેમ આમ કરો છો ? મારાથી કોઈ વાતે નારાજ છો ? ”
” ના. ” ગુણવંતભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો.

” તો ? ” સુમિત્રાબેન સોફા પાસે આવ્યાં, પ્રેમથી ગુણવંતભાઈ સામે જોયું અને ધીમેથી બોલ્યા.. ” તો શા માટે રીસામણે બેઠાં છો ? ”
” રીસામણે નથી બેઠો, સખત કોપભવનમાં બેઠો છું. અને જ્યાં સુધી તને શું થયું છે એ તું નહીં કહે ત્યાં સુધી આમ જ બેઠો રહીશ…. બોલ કહેવું છે ? ”
” લો, આ વળી કેવી વાત ? મને કોઈ તકલીફ હોત, તો હું નારાજ હોત ને. તમે શેના થાઓ ? ચલો હવે બધાં નાટક છોડીને ચૂપચાપ જમવા બેસો. આ ઉંમરે બધું સારું લાગે કંઈ ? ”

” હા, હા, હવે તો તને મારી દરેક વાતો ખટકવાની જ ને ! કાલે ગજરો લઇ આવ્યો એ પણ તેં ન લીધો, હવે આજે મારી વાત ખરાબ લાગે છે. તું ખરેખર બદલાઈ ગઈ છે સુમિ ! ”
” હવે તમારી વેવલાઈ મૂકો…. જમવું હોય તો જમો, નહીંતર બેઠાં રહો. મને જાણે ઘરમાં બીજાં કોઈ કામ જ ન હોય ! ” સુમિત્રાબેનને ગુસ્સો આવ્યો. વાસણ જોરથી પટકીને તેઓ પાછા રસોડામાં જતાં રહ્યા.
” ઠીક છે, જો તને શું થયું છે એ ન કહેવું હોય તો મારે નથી જમવું.

જ્યાં સુધી મારા સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી બંદા ભૂખ હડતાળ કરશે !! ” ગુણવંતભાઈ બોલ્યાં… હવે સુમિત્રાબેનનો સંયમ તૂટ્યો. તેઓ ઝડપથી બહાર આવ્યા, અને ગુણવંતભાઈ સામે પોતાનો ચોટલાનો ઘા કરતાં કહ્યું.. ” આના પર તમે ગજરો લગાવશો ? આના પર ? આ નકલી વાળના ચોટલા પર ? તો લો… લગાવો… બોલો, હજી બીજું કંઈ કહેવું છે ? ” સુમિત્રાબેન રીતસરના ધ્રૂજી રહ્યા હતાં. ગુણવંતભાઈએ તેમનું આવું રૂપ તો ક્યારેય નહોતું જોયું… અરે પણ આ શું ? તેમણે સુમિત્રાબેનના માથા પર નજર કરી અને તેઓ જાણે ત્યાં જ ઠરી ગયાં. સુમિત્રાબેનના માથા પર એક પણ વાળ ન હતો…

ગુણવંતભાઈ આઘાત પામી ગયાં. ક્યારેક સુમિત્રાબેનના પાણીના તરંગો સમા લહેરાતાં, ઘટ્ટ કોમળ વાળમાં હાથ ફેરવતાં તેમણે કલાકો પસાર કર્યા હતા, અને આજે એ જ માથું પોતાના ઘરેણાં ત્યજીને બેઠું હતું. તેમણે નીચે પડેલ નકલી ચોટલા તરફ નજર કરી, અને પછી દોડીને સુમિત્રાબેનને વળગી પડ્યાં. સુમિત્રાબેન હજુ પણ ધ્રૂજી રહ્યાં હતાં, જોકે અત્યારે તેમનો ગુસ્સો ગાયબ હતો.

વાર્તા નો અંત ખુબ સરસ છે…આગળ વાંચવા અહી ક્લિક કરો સરસ બેલડી ભાગ – ૨

ટીપ્પણી