સારા કર્મનું ફળ મૃત્યુને પણ ટાળી શકે છે, વાંચી લો રસપ્રદ કિસ્સો…

કર્મનું ફળ દરેક વ્યક્તિને મળે જ છે. આ નિયમને સવિસ્તાર સ્વંય શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાજી સ્વરૂપે સમજાવ્યો હતો. શ્રીમદ ભગવત ગીતાના આ ઉપદેશથી સૌ કોઈ અવગત હશે. વ્યક્તિના સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ તે વાત બધા જ સમજતાં હોય છે. પરંતુ એ પ્રશ્ન પણ સાથે મનમાં થતો હોય છે કે આજે કરેલા સારા કર્મનું ફળ ક્યારે મળે. આ જ વાતને એમ પણ કહી શકાય કે જો કોઈ વ્યક્તિ વર્તમાન સમયમાં ખરાબ કર્મ કરે તો તેનું ફળ તે કેવી રીતે ભોગવે છે ? આજે કર્મના ફળના સિદ્ધાંતને સરળતાથી સમજી શકાય તેવી વાત અહીં રજૂ કરવામાં આવી છે. આ પ્રસંગનું વર્ણન વાંચી તમે પણ સરળતાથી સમજી જશો કે સત્કર્મનું મહત્વ શું હોય છે અને તેનું ફળ વ્યક્તિને કેવી રીતે મળે છે.

એક સમયની વાત છે, ધરતી પર ભ્રમણ કરી નારદજી પોતાના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ ભગવાનને નારાયણ નારાયણ બોલતાં બોલતાં જણાવ્યું કે, “પ્રભુ ધરતી પર પાપ વધી ગયું છે. સારા લોકો સાથે ખરાબ થઈ રહ્યું છે અને ખરાબ લોકો સાથે સારું થઈ રહ્યું છે. આજે આવી એક ઘટના જોઈ મન દુ:ખી થઈ ગયું. ભગવાન વિષ્ણુએ દુ:ખી નારદજીને પુછ્યું કે એવી કઈ ઘટના તેમણે જોઈ. ભગવાનના પ્રશ્નના જવાબમાં નારદજીએ જણાવ્યું કે, ધરતી પર એક સ્થળે કીચડમાં ગાય ફસાયેલી જોઈ, થોડી જ વાર પછી ત્યાંથી એક ચોર પસાર થયો. તેણે ગાયને જોઈ પણ તેને બચાવવાનો પ્રયાસ ન કર્યો અને તેના પર પગ મુકી કીચડ પાર કરી રવાના થઈ ગયો. તેને થોડે દૂર જતાં રસ્તામાંથી સોનાના સિક્કા મળી ગયા. થોડી જ વારમાં ત્યાંથી એક સાધુ નીકળ્યો. તેણે ગાયને કષ્ટમાં જોઈ અને તે ગાયની નજીક આવી તેને કીચડમાંથી કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો. મહામહેનતે ગાય કીચડમાંથી બહાર નીકળી. ગાયને બહાર કાઢી સાધુ આગળ ચાલ્યો તો તે એક ખાડામાં પડી ગયો અને તે ઘાયલ થઈ ગયો. બોલો પ્રભુ જેણે ગાયનો જીવ બચાવ્યો તેને જ કષ્ટ સહન કરવું પડ્યું.”

નારદજીની વાત સાંભળી પ્રભુએ સ્મિત કર્યુ અને કહ્યું કે, “નારદજી તમે જે દ્રશ્ય જોયાં તેમાં બંને વ્યક્તિને તેમના કર્મ અનુસાર જ ફળ મળ્યું છે. બસ તમે તેને સમજી શક્યા નહીં. જે ચોરને તમે જોયો તેના ભાગ્યમાં ખજાનો મળવાનુ સુખ લખ્યું હતુ પરંતુ ગાયને મદદ કર્યા વિના ભાગ્યો એટલે તેને માત્ર થોડા સિક્કા જ મળ્યા. જે સાધુએ ગાયની મદદ કરી અને ઘાયલ થયો તેના ભાગ્યમાં આજે મૃત્યુ લખેલું હતુ પરંતુ ગાય માટે કરેલા કર્મના કારણે તેનું મૃત્યુ ટળી ગયુ અને તે માત્ર થોડો ઘાયલ જ થયો.”

સરળ શબ્દોમાં કહીએ તો કર્મના ફળનો સિદ્ધાંત કોઈ મર્યાદિત સમયમાં કામ નથી કરતો. શક્ય છે કે થોડી મિનિટો પહેલા તમારા હાથે અજાણતાં થયેલું સત્કર્મ તમારા મૃત્યુ સમાન સંકટને ટાળી દે. આ જ રીતે જો તમે કોઈ ખરાબ કર્મ કરો તો તે તમારા ભાગ્યના ખુલતાં દરવાજાને પણ બંધ કરી દે. ટુંકમાં કહીએ તો પોતાના સત્કર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. કારણ કે કરેલું કર્મ ક્યારેય વિફળ જતું નથી. ખરાબ કર્મ કરશો તો તેનું પણ ફળ સમય આવશે ત્યારે નડશે જ અને સારું કામ કરશો તો તે સમય પર જરૂર ફળશે જ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ અવનવા જાણવા જેવા કિસ્સા વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી