કોઈ સ્ત્રી માટે પતિનો પ્રેમ મેળવવો, પતિ પોતાની ફિકર કરે એથી મોટું સપનું શું હોઈ શકે?

સપનું……

આજે ત્રીજો દિવસ હતો હું જે.જે. હોસ્પિટલના વેઈટીંગ હોલમાં બેઠો હતો. આમ તો છેલ્લા આઠેક મહિનાથી જાનકી બીમાર હતી પણ છેલાં ત્રણ દિવસથી તો એ ખુબ બીમાર હતી. છેલ્લા ચાર કલાકથી તો એ ઓક્સીજન પર હતી. રાતે પોણા ત્રણે એને ઓક્સીજન પર લેવી પડી હતી.

સવારના આઠેક વાગ્યા હતા. હું વેઈટીગ હોલમાં બેસી એના ભાનમાં આવવાની રાહ જોતો હતો. મને શહેરમાં આવ્યે હજુ દોઢેક વરસ થયું હતું. બિચારી જાનકી એને તો આવવું જ ન હતું અહિયાં! જાનકી મારા ખાતર જ શહેરમાં આવવા તૈયાર થઇ હતી.

એ દિવસેય સવારનો સમય હતો લગભગ સવારના પોણા સાત વાગ્યા હતા. હું અમારા ઘરની ઓસરીમાં બેઠો હતો. જાનકી ચા બનાવી રહી હતી. શિયાળાના દિવસો હતા એટલે આકાશ એકદમ સ્વરછ હતું બસ ક્યાય ક્યાંક ખાલી વાદળીઓ દરિયાનું પાણી ભરી લાવવા દોડધામ કરી રહી હતી. સુરજ હજી હમણાજ ઉગ્યો હતો એટલે હુંફાળા કિરણો ચારે બાજુ ફેલાયેલા હતા. શિયાળો હતો એટલે બધાને એ હુંફાળા કિરણો બધાને હુંફ આપતા હતા. માનવને તો શું પણ કુતરાને, રખડતા ઢોરને એ તડકો વા’લો લાગી રહ્યો હતો. અમારા ઘરની સામેના સવદાન કાકાના વાડામાં બેસી કેટલીક ગાયો એ કુણા તડકામાં નાહી રહી હતી. એ સવાર એવી હતી કે ગમે તેના મનને મંત્ર મુગ્ધ કરી નાખે! પણ મારું મન ઉદાસ હતું. મને એ આહ્લાદક સવારનો જરાય ઉમંગ ન હતો.

મારા જાનકી સાથે લગ્ન થયાને ચાર વરસ વીતી ગયા હતા ને હજુ સુધી હું એજ જુના ખોરડામાં રહેતો હતો. હું કોલીજ સુધી ભણ્યો હતો. મારા પિતાજી એમના સમયે મેટ્રિક સુધી ભણ્યા હતા. પણ ભણ્યાથી શું વળવાનું હતું. નોકરીઓ એમ ક્યાં રસ્તામાં પડી હતી!

“વળી પાછા શું વિચરોમાં ખોવાઈ ગયા.” જાનકી ચા લઈને આવી અને કહ્યું. “લો હવે ચા પી લો. આમ ચિતા કરીને કઈ નહી મળે. જે થવાનું હશે ઈ થશે.”

“ના, ના જાનકી એમ કિસ્મતને સહારે કેટલા દિવસ બેસી રેવાય.” મેં ચા નો વાડકો હાથમાં લેતા કહ્યું.

અમે હજુયે કપમાં ચા પીવા ટેવાયેલા ન હતા. જાનકીએ નાના વાડકામાં ચા લઈ મારી પાસે બેઠી.

“વીરમાં કાકા ના ભરતીયે બાજુના શે’રમાં જઈ કેવી કમાણી કરી છે.” મેં ચા નો ઘૂંટડો ભરતા કહ્યું.

“શું ધૂળ કમાણી કરી છે? એ ને એની વહુ ગયા તે ગયા. કદી વીરમાં કાકાની ભાળ લેવા આવતા જોયા છે તમે એમને?” જાનકીએ કહ્યું.

“એ મળવા આવે કે ન આવે પણ પાકા મકાન તો કરી દીધા છે ને વીરમાં કાકા માટે.”

“એ કઈ કાકા માટે નઈ પણ ગામમાં વટ રાખવા. બાકી તો છ મહિના પેલા મોઢું નથી દેખાડતા દીકરો કે વહુ એકેય.” જાનકીએ જરાક હોઠ મરડી કહ્યું.

“ભલે પણ આપડું તો એમેય ક્યાં અહી કોઈ છે?” મેં કહ્યું.

“કેમ આ બધા ગામવાળા આપણા પોતાના જ છે ને?” જાનકીએ સવાલ કર્યો.

“એ તો કેવાના ખબર નથી બે વરસ મજુરી કરીને ધના કાકાનું દેવું ચુકવ્યું છે. વ્યાજનો એક રુપીયો નથી છોડ્યો. ગણીને કરકડતી લીધી હતી નહિતર ક્યાં ઘણા દુરના છે એ આપણા?” મેં કહ્યું.

“તમારા મનમાં શે’ર ઘર કરી ગયું છે તે હવે તમને એજ સારું લાગશે?” જાનકીએ છણકો કર્યો.

“મનમાં તો સે’ર નહિ તું ઘર કરી ગઈ છે.” મેં પ્રેમ થી કહ્યું, “પણ તને યાદ છે ને તારા બાપુએ મને બારમી પાસ જોઇને તારો હાથ આપ્યો તો. હવે તને આમ ગામડે ગોધી રાખું એ યોગ્ય ના કહેવાય.”

“જાઓ હવે ઠાલા મૂરખ ના બનાવો, તમને તો સે’ર જ મનમાં વસી ગયું છે.” જાનકીએ ટપલી મારતા કહ્યું.

“જાનકીના સગા કોઈ છે?” નર્સના અવાજે મને મારા વિચારોમાંથી બહાર લાવ્યો.

“હું છું.” મે કહ્યું.

“એ તમારા શું થાય છે?” નર્સે કહ્યું તેના અવાજ પરથી લાગતું હતું કે એના માંટે દર્દી કઈ ખાસ મહત્વના ન હતા.

“મારી પત્ની છે એં.” મેં ઉભા થતાં કહ્યું

“આ ફોર્મ ભરો એનું ઓપરેસન કરવું પડશે.”

“ઓપરેસન?” મારા મો માંથી એક પ્રશ્ન સરી પડ્યો.

“એ ઓપરેસન પછી ઠીક તો થઇ જશે ને?”

“હા તમે નકામી વાતોમાં સમય બગડ્યા વિના ફોર્મ પર સહી કરો.” નર્સે છણકો કર્યો.

“હા, હા…” હું ઉભો થયો અને એના હાથમાંથી કાગળ લઇ સહી કરી.

કાગળ લઇ એ નર્સ એક યંત્રની જેમ ચાલતી થઇ. એની પાસે સાંત્વના આપવા માટે બે શબ્દો પણ ન હતા. કે કદાચ એ શબ્દો કેહવા માટે જે લાગણીની જરૂર પડે એ લાગણીની એના હૃદયમાં અછત હતી.

એના ગયા પછી હું ફરી વિચારોમાં ખોવાઈ ગયો.

જાનકીએ મારી જીદ સામે હારી શહેરમાં રહેવા જાવાની વાત તો સ્વીકારી લીધી હતી. અમે શહેરમાં રહેવા ગયા પણ ત્યાં ગયા બાદ મેં એક નવી જ હકીકત જોઈ. જે શહેર મને ગામડેથી જોતા રૂપાળું લાગતું હતું એજ શહેર અમે અંદર ગયા પછી એક જંગલ જેવું લાગવા માંડ્યું! જ્યાં દેખો ત્યાં ગળાકાપ હરીફાઈ હતી. અહી ભણતર અને ગણતર કરતા નોકરી મેળવવા માટે ઓળખાણની જરૂર વધારે પડે છે. બે ત્રણ જગ્યાએ મેં તપાસ કરી પણ એક જ જવાબ મળ્યો, “પટાવાળામાં જ્ગ્યા તો ખાલી છે પણ કોઈ એવા માણસની ઓળખાણ લાવો જે મને અને તમને ઓળખતો હોય.”

“કેમ?” મારાથી પૂછી ગયું હતું.

“જોવો ભાઈ આ શહેર છે. અહી લોકો કામ કરતા મોકો જોઈ હાથ સાફ કરી જવાની શોધમાં વધુ હોય છે. હવે કોણ સારું છે ને કોણ છેતરપીંડી કરવાવાળું એ તો રામ જાણે પણ આપણે કોઈની ઓળખાણથી માણસ રાખ્યો હોય તો વાંધો ના આવે.”

હું એ જવાબ સાંભળી ઘરે પાછો આવ્યો. એમની વાતે સાચી હતી અમારા ગામડા માય દગા ને છેતરપીંડી થાય છે તો આતો શહેર! અહી ક્યાં કોઈ એકબીજાથી પરિચિત હોય.

એ પછી મેં કામ ધંધો મેળવવા ઘણા ફાફા માર્યા પણ કઈ વળ્યું નહિ. ગામડેથી જે થોડા ઘણા પૈસા લઈને આવ્યા હતા એ ખૂટવા લાગ્યા. છેવટે જાનકીએ બાજુના સારા વિસ્તારમાં રહેતા એક બે ઘરે કામ બાંધી નાખ્યું. કામવાળી તરીકે કામ મેળવવું શહેરોમાં બહુ સહેલું! આમ જરાક તપાસ કરી કે એને કામ મળી ગયું!

અમને શહેરમાં છ મહિના થયા હતા એટલામાં કોણ જાણે કેમ પણ મારી જાનકી જાનકી ન હતી રહી. એ બદલાઈ ગઈ હતી. ગામડે ભલે ભાગમાં વાવતા પણ એ ખેતરમાં કામ કરતી જાનકી અને શહેરમાં કામ કરતી જાનકીમાં ખુબજ ફર્ક આવી ગયો હતો. એના ચેહરા પરનું તેજ ચાલ્યું ગયું હતું! એ ચહેરો ફિક્કો પડી ગયો હતો. કોણ જાણે કેમ?

છેલ્લા કેટલાક સમયથી તો એની તબિયત ખુબ જ કથળી ગઈ. રામ જાણે એને શું થયું હતું? પણ એ શહેર જાનકીને અનુકુળ ન આવ્યું. મને ફરી એકવાર મનમાં થયું મેં એને કેમ અહી લાવી? કેવી ખુશ હતી મારી જાનકી? એના ચહેરાનું તેજ અને એના હોઠોનું સ્મિત મેં ખોઈ નાખ્યું હતું.

મારી જ ભૂલ હતી. ગામડે ભલે અડધા ભાગે વાવતા. બે થોરનું કામ આખો દિવસ જાનકી એકલી કરતી. સાંજે એના ચેહરા પર એક ચમક રહેતી ને આ શહેરમાં આવ્યા બાદ કામ મેહનત વગરનું હતું પણ એને એ કામ એના આત્મસમ્માનના ભોગે કરવું પડતું હતું. એનું માન સમ્માન ગુમાવી નાખ્યું હતું. આખરે તો એ એક કામવાળી બની ગઈ એને કેટલું સમ્માન મળે?

દુનિયા ના રીવાજો પણ કેવા છે? જે અધિકારીઓ લોકોને કનડગત કરી એમનું કામ એમને ધક્કા ખવડાવી ત્યારબાદ પણ પુરતી રકમ લાંચ સ્વરૂપે મેળવ્યા બાદ કરે એને લોકો સાહેબ કહીને બોલાવે છે. પણ ઘરના કચરા પોતું માત્ર મહીને પાંચસોના પગારે કરે એ કમળા, રાધા કે જાનકીને તુકલે બોલાવે છે.

“જાનકીના સગાવાલા?” ફરી એજ નર્સના અવાજે મને મારા વિચરોમાંથી બહાર ખેચી લાવ્યો.

“જી.” કહેતા હું પાટલી પરથી ઉભો થયો.

“એમને હોસ આવી ગયો છે, તમે હવે એમનાથી વાત કરી શકો છો.” નર્સે કહ્યું.

“આભાર.” કહી હું જાનકીના રૂમ તરફ ચાલવા લાગ્યો. મેં એને આભાર કહ્યું એથી એને નવાઈ લાગી હતી. મને એના શબ્દો કાને પડ્યા, “એમાં આભાર શું માનવાનો, મેં ક્યાં ઓપરેશન કર્યું છે? હું તો નર્સ છું, માત્ર નાના મોટા કામ કરનાર.”

કશુજ બોલ્યા વગર હું આગળ ચાલ્યો ગયો. એને ક્યાં ખબર હતી કે મેં એને આભાર એ માટે કહ્યું હતું કે છ મહિના બાદ જાનકી માટે એમના એવો માનભર્યો શબ્દ કોઈના મુખે સાંભળ્યો હતો. બાકી તો છેલાં છ મહિનાથી બધાને જાનકી કહેતા જ સાંભળ્યા હતા.

હું રૂમમાં ગયો. મને જોતાજ જાનકીની આંખમાં પાણી આવી ગયું. હું કઈ બોલી ન શક્યો. બસ એના બેડ પર એની પાસે જઈને બેઠો. એ મને ઘડીભર જોતી રહી. પછી બોલી, “બધા પૈસા આ દવાખાને વપરાઈ ગયા હશે નઈ?.”

“પૈસાની કોઈજ ચિંતા નથી.” મેં કહ્યું, “મને કામ મળી ગયું છે.”

“કોની ઓળખાણથી?” જાનકીએ નવાઈથી પૂછ્યું.

“એ શેઠ મને ઓળખેજ છે.”

“કોણ?” જાનકીએ ફરી આંખો પહોળી કરી પૂછ્યું.

“એ બધું હું પછી કહીશ, બસ હવે જલ્દી સાજી થઇ જા.”

“બસ હવે સાજી જ તો છું. સાંજે ડોક્ટર રજા આપે એટલે ઘરે જઈએ. હવે તમનેય કામ મળી ગયું છે એટલે હું ને તમે બંને કામ કરીશું એટલે કૈક બચતેય થશે.”

“હા……”

એ સાંજે તો ડોકટરે રજા ન આપી પણ બીજા દિવસે ચારેક વાગ્યે ડોકટરે અમને રાજા આપી. રજા આપતા પહેલા કહ્યું, “હવે ફરી આવવાની જરૂર નથી. સામાન્ય એપેનડીક્ષનું ઓપરેસન હતું. બસ થોડાક દિવસ બહુ ગરમ કે તીખુ તળેલું એવું ન ખાતા અને વધુ પડતું કામ ન કરતા.”

અમે દવાખાનેથી બહાર નીકળ્યા અને રોડ પર આવ્યા. મેં એક રિક્ષાને હાથ કર્યો. આમતો અમે ક્યારેય રીક્ષા ન કરતા મોટા ભાગે શહેરમાં ગમે ત્યાં જવાનું હોય ચાલીને જ જતા.

“કેમ રીક્ષા? ચાલતા જતા રે’શું.” જાનકીના શબ્દોમાં પૈસાની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

“તારી તબિયત ક્યાં સારી છે?” મેં કહ્યું, “ તારાથી આટલું ન ચાલી શકાય.”

“શું તમેય. આપણને ખોટા ખર્ચા ક્યાં પરવડે? આ રહ્યું ઘર ચાલતા જતા રહીશું.

“પણ આપણે ઘરે નથી જવું.” આખરે મેં કહી જ દીધું.

“તો?”

“ગામડે.” મેં પણ એટલાજ ટૂંકમાં જવાબ આપ્યો.

“કેમ? તમને તો કામ મળી ગયું હતું ને?”

“એ કામ હું વિરમાં કાકાના ખેતરમાં અડધે ભાવ વાવીને કરી લઈશ.

“પણ આમ સીધાજ ગામડે થોડું જવાય. ખોલી પર સમાન પડ્યો એનું શું?”

“એ ભલે ત્યાજ રહ્યો, ગામડે વાસણ ખૂટતા નથી કઈ.”

“ને તમારું સે’રમાં રેવાનું સપનું?”

“આપણા દીકરાને ભણાવીશું ને એ મોટો થાય ત્યારે પૂરું કરીશું. તારા પાસે કચરા પોતા કરાવીને નહી. મને શહેરની નહિ પણ તારા ચહેરાના તેજની જરૂર છે.”

જાનકી મને નિશબ્દ બની તાકી રહી……. મારા એ બે શબ્દોમાં જાણે ક્યાંથી એ ચમક એના ચહેરા ઉપર પાછી ફરી?????

એક ખાલી રિક્ષા ઉભી રહી. અમે અંદર બેઠા અને ગામ તરફ રવાના થઇ ગયા….. ના સપનું અધૂરું નહોતું રહ્યું…… જાનકીના ઘણા સપના પુરા થયા હતા….. કોઈ સ્ત્રી માટે પતિનો પ્રેમ મેળવવો, પતિ પોતાની ફિકર કરે એથી મોટું સપનું શું હોઈ શકે??????

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પતિ અને પત્નીએ હમેશા એકબીજા ને સમજવા જોઈએ, તોજ તમારા સંસારની ગાડી પુર જોશમાં ચાલશે.

શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી