સપનાઓ

“આખરે હવાઈ યાત્રા કરીને રાજ અમેરિકા પહોંચ્યો. એરપોર્ટની બહાર બસ નીકળવાનો જ હતો કે…”

અચાનકજ ફોન રણક્યો અને રાજનું સપનું ફરી તૂટ્યું. આંખો ખુલતા જ તેને ખબર પડી કે તે હજુ અમદાવાદની પોળમાંજ છે. અમેરિકાની હવાઈ યાત્રા માત્ર એક સપનું જ હતું. રાજે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, “સાહેબ કુરિયર કંપનીમાંથી વાત કરું છું. તમારા નામે કુરિયર આવ્યું છે. આપનું સરનામું વેરીફાઈ કરશો.”

રાજે તેનું સરનામું જણાવ્યું અને તેજ દિવસે સાંજે કુરિયર કંપનીના માણસે તેના ઘરે આવીને તેને કુરિયર આપી. કુરિયર ખોલતા તેને એક પત્ર મળ્યો. આ પત્ર તેના અમેરિકાના વિઝાના સંદર્ભે હતો. રાજના વિઝા રીજેક્ટ થયા હતા. આખરે તેનું અમેરિકા જવાનું સપનું તુટવાની આરે હતું. રાજ ખુબ જ દુઃખી થઇ ગયો. રાજ એ જ વિચારવા લાગ્યો કે હવે તેના અમેરિકા જવાના સપનાનું શું થશે? તે કેવી રીતે પૂરું થશે?

રાજ માનસિક મુંજવણમાં આવી ગયો હતો. વિચારોએ ચઢેલો તે અચાનક જ કોઈ ચા-નાસ્તા ની નાનકડી રેસ્ટોરંટ પર આવી પહોંચ્યો. તેણે ચાનો ઓડર આપ્યો અને કોઈ ટેબલ પર જઈને બેઠો. તેને એવું લાગ્યું કે ચા પીને કંઈક માનસિક શાંતિ મળશે. બસ ટેબલ પર બેઠા-બેઠા રાજ તેના સપના વિશે વિચારી રહ્યો હતો અને ત્યારે જ પતરાથી બનેલ ઉભી દીવાલની બીજી બાજુથી અવાજ આવ્યો. એવું લાગતું હતું કે, બે નાનકડા બાળકો જાણે કંઈક મજાની વાત કરી રહ્યા હતા.

“અરે હા! કાલે રાત્રે તો મસ્ત મજાનું સપનું જોયું. બાપુ આપડે તો ઠાઠ-માઠ થઇને શાળાએ ગયા હતા. કોઈ આલતુ-ફાલતું શાળા નહીં, પેલી અંગ્રેજી સ્કૂલ. હું તો ચટર-પટર અંગ્રેજી બોલતો હતો. રીસેસ માં મસ્ત મજાનું ખાવાનું મળ્યું અને દોડની સ્પર્ધા માં પ્રથમ આવ્યો. બોલ જીગા કેવું સપનું હતું તારા અમિતભાઈનું?” કોઈ અમિત નામનો બાળક આવું કહી રહ્યો હતો.

અચાનક જ રેસ્ટોરંટ પર બેઠેલા શેઠ જોરથી બોલ્યા, “અલ્યા અમીત્યા, ક્યાં મરી ગયો તું છોટુ?” અને છોટુ અમિત તરત જ દોડતો દોડતો શેઠ તરફ દોડી આવ્યો અને કહ્યું, “જી શેઠ.”

શેઠે અમિતને ચા નો કપ આપ્યો અને રાજ તરફ આંગળી દોરીને, તેના ટેબલ પર ચા આપવા કહ્યું. મુખ પર સ્મિત સાથે, એ બાળક અમિત રાજના ટેબલ પર પહોંચ્યો અને ચા આપતા કહ્યું. “સાહેબ આપની ચા.”

ચા આપીને એ નાનકડું બાળક તેના કામમાં લાગી ગયું. રાજને નાં જાણે શું થયું કે તે ચા ની ચૂસકી લેતો રહ્યો અને અમિત સામે જ જોતો રહ્યો. મનોમન રાજ ને વિચાર આવ્યો, “આટલી બધી સામાન્ય જરૂરિયાતો કોઈના સપના કેવી રીતે હોઈ શકે?

જરૂરિયાત પણ ના કહી શકાય, હકીકતમા જોઈએ તો શાળા તો દરેક બાળકનો હક છે. છતાય પણ આ બાળક કેટલું ખુશ છે અને એક હું છુ જેની બધી જરૂરિયાતો પૂરી થયી અમેરિકાની બાબત પર નિરાશ છુ? ખરેખર ખબર નથી પડતી કે કોનું સપનું મોટું છે?”

બસ આવાજ વિચારો સાથે રાજ ચાની ચૂસકી લેતો રહ્યો અને છોટુ અમિતને જોતો રહ્યો, જે ઘડીકમાં કોઈ ટેબલ પર ચા આપતો, તો ઘડીકમા ટેબલ સાફ કરતો, તો ક્યારેક વાસણ ઉચકતો. રાજે દરેક ચૂસકી સાથે તેના બાળપણની સરખામણી અમિત સાથે કરી અને પોતાની જાતને ખુબ જ ભાગ્યશાલી માનવા લાગ્યો.

રાજ પૂરી ચા પી ગયો અને અમિતને પોતાની પાસે બોલાવ્યો. ના મિત્રો, તેણે અમિતને પાસે બોલાવીને નાતો તેણે રૂપિયા આપ્યા, નાતો કોઈ પોલીસ કે કોઈ NGO ને બોલાવ્યા. રાજ પોતે જ મદદગાર બન્યો. રાજે અમિતના સપનાવાડી અંગ્રેજી સ્કૂલમા તેની ભરતી કરાવી.

મિત્રો, શું તમે આજે કોઈ છોટુ ને જોયો? શું તમે રાજ બનશો?

નોંધ – મિત્રો આ વાત લખી અમે દાનની સાચી વ્યાખ્યા આપવા માંગીયે છીએ. તમે પોતે જ વિચારો કે કોઈને શિક્ષણ આપવું એ ખરું દાન છે કે પછી કોઈને ખાવાનું કે અમુક પૈસા આપવા? કેમ ના એમની ખરી છુપાયેલી ભૂખને સંતોષીએ, જેનાથી તે અજાણ છે? કોઈક બાળમજૂરને એકવાર મળો તો, એક ડગલું આગળ લઇને પુછી જો-જો કે, “શાળાએ જઈશ?” આશા છે કે તમે આ વાર્તાને તમારા ફેસબુક અને વ્હોટસપ જેવા તમામ માધ્યમથી બને તેટલું શેર કરીને શિક્ષાની સુવાસ ફેલાવામાં અમારી મદદ કરશો. આભાર.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી