આપણા સંતાનોનું જે પરિણામ આવે તેનો સ્વીકાર કરો

શિમલાની એક નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામથી અજાણ હતો. જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટેલમાં પહોંચ્યા. પિતાએ દીકરાને કહ્યું, ‘‘બેટા, આજે તારી પરીક્ષાનું પરિણામ આવ્યું છે માટે હું તને પાર્ટી આપવા માટે આ હોટેલમાં લાવ્યો છું.’’ છોકરાને પરીક્ષાના પરિણામની ખૂબ ચિંતા હતી, પણ પિતાની આ વાત સાંભળીને એનું ટેન્શન ઓગળી ગયું.

પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો.પિતાની સાથે એ મોજથી જમ્યો. જમી લીધા પછી પિતા ઉભા થઈને દીકરાની પાસે આવ્યા. દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું, ‘‘બેટા, તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે. પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહીં, હું તારી સાથે જ છું. મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાઓને સફળતાઓમાં બદલી નાંખી છે.

બેટા, તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઇચ્છે તો ખૂબ મહેનત કરીને સફળતામાં બદલી શકે છે. તું બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરીક્ષામાં નાપાસ થયો એમ નથી. બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુધારતો રહેજે.’’

છોકરો તો પિતાની સામે જોઈ જ રહ્યો. પરીક્ષાના નબળા પરિણામનું દુઃખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ન પડી. પિતાના આ વર્તનથી બાળક મજબૂત તો થયો પણ સાથે સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર બમણા થઈ ગયા.

આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર.

માર્ચ મહિનો એટલે આમ તો ટેન્શનનો મહિનો છે. ધંધા વાળાને હિસાબો સરભર કરવાનું ટેન્શન હોય અને વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટેન્શન હોય. ધંધાવાળાનું ટેન્શન હળવું કરવાનું કામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે પણ વિદ્યાર્થીઓનું પરીક્ષાનું ટેન્શન હળવું કરવાનું કામ સાવ ગૌણ થઇ જતું હોય એમ લાગે છે. પરીક્ષા આપનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ માનસિક તનાવ અનુભવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ બરોબર ઉંઘી શકતા નથી તો કેટલાક વિદ્યાર્થીઓની ભૂખ મરી જાય છે.

વિદ્યાર્થીઓના આ ટેન્શનનું કારણ પરીક્ષા નથી પણ વાલીઓની બીક છે. પરીક્ષાનું નબળું પરિણામ આવશે તો વાલીઓ તરફથી જે ફટકાર મળશે એનો વિચાર જ વિદ્યાર્થીઓને તનાવ તરફ ઢસડી જાય છે. જો વાલીઓનું વલણ બદલાય અને અનુપમ ખેરના પિતાજી જેવું વર્તન સંતાનો પ્રત્યે થાય તો બાળકોનું 50% ટેન્શન આપોઆપ હળવું થઇ જાય.

વિદ્યાર્થીઓનું પરિણામ એટલા માટે નબળું નથી આવતું કે એમને કશુ આવડતું નથી, પણ એટલા માટે નબળું આવે છે કે એમને આવનારા પરિણામની બીક છે.

બગદાદની એક જાણીતી લોકકથા છે. એક સુફીસંત ધર્મયાત્રાએ જવા માટે નીકળ્યા અને રસ્તામાં જ એક વિચિત્ર પ્રાણીનો ભેટો થયો. સુફી સંતે એ પ્રાણીનો પરિચય પૂછયો તો એણે કહ્યું કે હું પ્લેગ છું અને ભગવાનના આદેશથી બગદાદના લોકોનો જીવ લેવા આવ્યો છું. સુફી સંતે પૂછયું કે તું કેટલા લોકોના જીવ લઇ જઇશ ? પ્લેગે કહ્યું, ‘‘ભગવાને મને આજ્ઞા કરી છે કે મારે 10,000 લોકોના જીવ લઇ જવાના છે.’’

સુફી સંતને થયું આ કોઇ પાગલ લાગે છે અને જો કદાચ સાચી વાત કરતો હોય તો પણ ભગવાનના કામમાં આપણે હસ્તક્ષેપ ના કરવો જોઇએ એમ વિચારીને એ સંતતો ધર્મયાત્રાએ જવા માટે નીકળી ગયા. અમુક મહિનાઓ પછી એ બગદાદ પાછા ફર્યા ત્યારે એમને જાણ થઇ કે એમના ગયા પછી શહેરમાં પ્લેગ આવ્યો હતો અને આ પ્લેગમાં 50,000 માણસો મૃત્યુ પામ્યા. સુફી સંતને થયું પ્લેગ તો 10,000ને મારવાની વાત કરતો હતો તો આટલા બધા માણસોને કેમ માર્યા ?

સુફી સંતે પ્લેગને શોધ્યો અને કારણ પૂછયું તો પ્લેગે કહ્યું, ‘‘મેં તો ભગવાનની આજ્ઞા મુજબ 10,000ના જ જીવ લીધા છે બાકીના 40,000ને મેં નથી માર્યા. એ તો બીકના માર્યા મરી ગયા છે.’’ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની પણ આ જ હાલત થાય છે. કેટલાય વિદ્યાર્થીઓ બીકના માર્યા જ સારું પરિણામ લાવી શકતા નથી.

અરે સારું પરિણામ લાવવાની વાત તો એક બાજુ રહ્યું કેટલાક વિદ્યાર્થીઓ તો નબળા પરિણામની બીકથી આત્મહત્યાનો માર્ગ પણ અપનાવે છે. વાલી તરીકે આપણી ફરજ છે કે સંતાનની પરીક્ષાના સમયે આપણે એનો મજબૂત સહારો બનીને એની પડખે ઉભા રહીએ. પરીક્ષાઓના પરિણામોથી વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી થાય છે એ વાત સાચી પણ માત્ર ટકાવારીને જ સફળતાનો માપદંડ ગણવાની આપણે ભૂલ કરીએ છીએ.

કોઇએ એક સર્વે કરવા જેવો છે. તમારા શહેરના સૌથી ધનવાન 50 માણસોની એક યાદી બનાવો. પછી આ 50 ધનવાનોને મળીને એની બોર્ડની પરીક્ષાના પરિણામની નકલ માંગજો. અરે ! કેટલાક તો એવા હશે કે જે બોર્ડની પરીક્ષા સુધી પણ નહીં પહોંચ્યા હોય.

વાલીઓ અને શિક્ષકો ખાસ ધ્યાન રાખે કે બોર્ડની પરીક્ષાઓ જ કંઇ જિંદગીની આખરી પરીક્ષાઓ નથી. તમને આ વાતો કરનારા લેખકે પણ એની 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં કંઇ ઉકાળ્યું નથી. મારે માત્ર 56% માર્કસ આવેલા. પરિવારના સભ્યોની ઇચ્છા હતી કે એનો દીકરો પીટીસી કરીને શિક્ષક બને. પીટીસીનું ફોર્મ લાવીને ભર્યુ પણ ખરું પણ 56% માર્કસ સાથે કોણ એડમીશન આપે ? હું પ્રાથમિક શિક્ષક ન થઇ શક્યો તો શું મારી જિંદગી ત્યાં પૂરી થઇ ગઇ ? નિરાશ થવાને બદલે પ્રયાસો કરતો રહ્યો તો આજે ગુજરાત સરકારનો ક્લાસ-1 અધિકારી બની ગયો.

થોડા સમય પહેલા જ રાજકોટના હેમુગઢવી હોલમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું માર્ગદર્શન આપવા સ્પીપા અને કલેકટર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન થયેલું. આ સેમિનારમાં રાજકોટના ડીએસપી શ્રી અંતરીપસુદ સાહેબે વાત કરતા કહેલું કે અભ્યાસમાં હું સામાન્ય જ હતો. મેં જ્યારે યુપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ કરી ત્યારે મારી ટકાવારી જોતા કોઇને વિશ્વાસ નહોતો કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ, પણ મેં પરીક્ષા પાસ કરી અને આઇપીએસ ઓફિસર બની ગયો.

આપના સંતાનોનું જે પરિણામ આવે તે સ્વીકારવાની તૈયારી રાખજો.

લેખક – શૈલેષ સગપરીયા

ટીપ્પણી