સંગીતપ્રેમનો રણકાર

એ સવાર તાજગીનો સંદેશ લઈને આવી હતી. સૂર્ય-નારાયણે બારી દ્વારા પ્રવેશીને ચેતના સીંચી. હાર્દિક ઉઠ્યો તેણે ઘડિયાલ જોઈ અરે! સવારના ૬.૦૦ વાગી ગયા હતા. તેણે સિતાર-તબલા અને હાર્મોનિયમને નમન કર્યા. આજે તેણે ચર્ચગેટની પ્રસિદ્ધ કોલેજ મોહનદાસ કરમચંદ ગાંધીમાં જવાનું હતું ત્યાં ‘ભારતીય સિનેમા અને સંગીત’ પર તેનું નાનું વક્તવ્ય હતું.

રાત્રે જ બધી તૈયારી કરી લીધી હતી. બધા સાધનો તૈયાર હતા. ૧૯૨૦ માં ‘બનારસ’ પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ લીધી. તેણે લગભગ જૂના ૩૫૦૦૦ થી વધુ ગીતોની રેકોર્ડ્સ જમા કરી હતી. કેટલીક સીડી પણ હતી. સંગીત હાર્દિકનો શ્વાસ હતો એટલે નિઃસ્પૃહ ભાવે સંગીતનો પૂજારી.

જે બોલાવે તેને ત્યાં દોડી જતો હતો. એટલામાં જ રણકો સંભળાયો “બેટા હાર્દિક! ચા-નાસ્તો કરી લે, તને ભાવતા બટાટા-પૌઆ બનાવ્યા છે.” માના અવાજે એ ચોંક્યો. ઝડપથી ચા-નાસ્તો કરી લીધા. તેને ૧૧.૦૦ વાગે ચર્ચગેટ પહોંચવું હતું. અને ૮.૩૦ વાગી ગયા હતા.માના આશીર્વાદ લઇ બહાર નીકળતાં તેણે જોયું કે દિવાનખંડમાં પિતા છાપું વાંચી રહ્યા હતા. ત્યાં જઈ તે નમ્યો. પિતાનો હાથ મસ્તકે સ્પર્શ્યો પણ કંઈક ગણગણાટ પણ સંભળાયો.

“આ બધામાં જ તે તબિયત ખોઈ નાખી છે, થોડી કાળજી પણ લે. સુખી ભવ…” પિતાના અવાજમાં રહેલી ચિંતા તેણે જાણી પણ પ્રત્યુત્તર આપી શક્યો નહીં. માતા-પિતાને કદી વળતો ઉત્તર આપતો નહીં. સીધો-સાધો હાર્દિક ખુબ સંસ્કારી હતો. એ મૂંગો મૂંગો બહાર નીકળ્યો “ટેક્સી…!” તેણે બૂમ પાડી. “કહાં ચલના હૈ સાબ!” ટેક્ષીવાળાએ પૂછ્યું. “સીધા ચર્ચગેટ એમ.કે.ગાંધી કોલેજ લે લો” બોલતા તે ઝડપથી દરવાજો ખોલી બેસી ગયો.

ટેક્ષી ચાલવા લાગી. હજુ ટ્રાફિક ઓછો હતો. આજે ત્યાં પ્રસિદ્ધ સંગીતકાર, શ્રીનિવાસન પધારવાના હતા. તેની સામે પોતાનું આ નાનકડું પ્રેઝેનટેશન! વાહ! સુંદર તક મળી છે. તે મનમાં હસ્યો… અચાનક ગીત કંઠેથી સરકી પડ્યું, એક બંગલા બને ન્યારા… જૂનું ગીત, તેનો સુરીલો કંઠ… ટેક્ષીચાલક ચોંકી ગયો. તેના ચહેરા પર સ્મિત આવ્યું. તે બોલી ઉઠ્યો “અરે વાહ, સાબ! આપ બહુત અચ્છા ગાતે હો…

અબ ઐસે ગાને કહાઁ સુનને મિલતે હૈ…” હાર્દિક ચોંક્યો “અરે! આપકો ઐસે ગાને પસંદ હૈ? આજ કલ ઇસે પસંદ કરને વાલે કહાઁ હૈ…” ટેક્ષીચાલકે તુરંત જવાબ આપ્યો “સાબ! મૈં તો ઇસીકા દીવાના હું, પર જબ કોઈ ટેક્ષી મેં બૈઠા યાત્રી ઐસે ગાને મેં બજાઉ તો રોકતા હૈ ઔર કહતા હૈ બંધ કરો યાર! ઇસ લિયે અબ મૈંને બજાના બંધ કર દિયા. આજ આપ કે મુઁહ સે સુનકાર અચ્છા લગા.” હાર્દિકને આ ચાલકમાં રસ પડ્યો. વાતચીતનો દોર આગળ વધ્યો. અંતે નિરાશાથી ચાલક બોલ્યો “જાને દો સાબ!

મુઝે ભી સંગીત શીખના થા, પાર ઘર કી પરિસ્થિતિ કે આગે ઝુકના પડા. આજ ટેક્ષી ચલાકર પરિવાર કો ચલાતા હું, પર સાબ! આજ આપકો સુનકાર મુઝે પૂરાને દિન યાદ આ ગયે જબ મેં દોસ્તો કે સામને ગાતા થા, વાહ વાહ મિલતી થી! પર અબ તો બસ યહી રફ્તાર હૈ…” અચાનક બ્રેક વાગી “લો! સાબ એ એમ.કે.ગાંધી કોલેજ.” વાતોમાં કલાક ક્યાં નીકળી ગયો ખબર પણ ન પડી. પૈસા આપતા તેણે ટેક્ષીચાલકને પૂછ્યું “કહાં રહતે હો?” “સાબ રામ મંદિર કે પાસ યહીં કાંદિવલી મેં, મેરા નામ સૂરજ હૈ. યે મેરા નંબર… આપ જરૂર યાદ કર લેના.” નંબરની ચીઠી ખીસ્સામાં મૂકી હાર્દિક લગભગ દોડી પડ્યો .

હોલમાં ભીડ જમા થવા લાગી હતી. શ્રીનિવાસનજી પણ ત્યારે જ આવ્યા. ત્યારે જ તાળીઓનો ગડગડાટ થયો. એમના દર્શને હાર્દિક જાણે ધન્ય બની ગયો. કાર્યક્રમ શરૂ થયો. હાર્દિક પોતાના વિષય ‘પર્યટન અને સીનેમા’ ને ખુબ ન્યાય આપ્યો. તેના અવાજે સહુને મંત્રમુગ્ધ કરી દીધા. આટલો નાનો આજના જમાનાનો યુવક અને આટલી પ્રાચીન સમયની ગીત-સંગીતની માહિતીએ શ્રીનિવાસનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

તેને શ્રીનિવાસનજીએ ‘અનમોલ હીરા’ કહીને નવાજ્યો તો એ ધન્ય થઈ ગયો. એક શાલ, શ્રીફળ અને કવર એને મળ્યું. શ્રીનિવાસનજીએ એક પુસ્તિકા આપી. આખરે એ ત્યાંથી નીકળ્યો. રસ્તામાં પેલો ટેક્ષી ચાલક સૂરજનો ચહેરો અને સંગીત શીખવાની તડપ તેને વારંવાર નજર સમક્ષ આવતી હતી. એના શબ્દો મગજમાં ઘૂમતા હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતને જીવંત રાખવાની પ્રતિજ્ઞા તે કરી ચૂક્યો હતો. એનું પરોપકારી અંત:કરણ કંઈક વિચારતું હતું. અચાનક એ બોલી ઉઠ્યો ભાઈ! કાંદિવલી રામ મંદિર લે લો! ટેક્ષી ચાલક સૂરજનું ઘર તેને ઝડપથી મળી ગયું. લગભગ રાત્રિના આઠ વાગી ગયા હતા.

દિવસ ક્યાં ગયો તેની ખબર પણ પડી ન હતી. સૂરજ ચમક્યો “સાબ! આપ યહાઁ?” કશુંએ પ્રત્યુત્તર આપ્યા વગર પેલું બંધ કવર તેના હાથમાં આપતા એ બોલ્યો “લો! આપ કી અમાનત હૈ, ઈસી સે આપ સંગીત શીખો, આગે બઢો. હાઁ, કલ આના મૈં સંગીત વિદ્યાલય મેં પ્રવેશ દિલવા દૂઁગા.” સૂરજ અવાક થઈ ગયો. તે કંઈ બોલે તેની પહેલાં હાર્દિક નીકળી ગયો.

કવરમાં શું હતું તે જોયું પણ ન હતું. કવરની રકમ વિષે તે ભલે અજાણ હતો પણ સંગીતને જીવંત રાખવાની તેની ઈચ્છાના કૂંપળ જાણે અહીં આજે પાન ફૂટ્યા હતા. સંગીતના રણકારમાં સેવાનો ઝણકાર ભળી ગયો. તે ઘર તરફ આગળ વધ્યો અને ખીસ્સામાંથી ડાયરી કાઢી તેણે નજર દોડાવી. બીજા પ્રોગ્રામ ક્યાં અને ક્યારે છે? જાણે મનોમન કંઈક નિશ્ચય કરી ચૂકયો હતો. આજે જાણે હાર્દિકનો પુનર્જન્મ થયો હતો.

લેખક – દીપ્ત અજય બુચ (મુંબઈ)

ટીપ્પણી