જ્યારે કચ્છને ભીંજવતા સિંધુના વહેણને ભૂંકપે ઉલેચી નાખ્યા.. એ દિવસ કોઈ ગુજરાતી ક્યારેય નહિ ભૂલી શકે..

ભારતના પશ્ચિમ કિનારા પર છેવાડાનું શહેર એટલે લખપત, કચ્છના તાલુકાઓમાંનું એક આ શહેર હવે માત્ર નકશા પર નામનું શહેર બની રહ્યું છે, 18મી સદીમાં આ શહેર પોતાની ચરમકક્ષાએ હતું, હજારો લોકો પોતાનો નસીબ અજમાવવા અહીં આવતા, એક સમયે હાલના પાકિસ્તાનમાંથી થઈ કચ્છના રણમાં ભળતી સિંધુ નદીના કિનારે વસેલું આ શહેર કેવી જાહોજલાલીમાં મ્હાલતું હશે, તેની ગવાહી તેના ખંડેરો અને ગઢ આપે છે. નાની-દાદીની વાર્તાઓ જેટલો જ રસપ્રદ ઈતિહાસ લખપતનો રહ્યો છે, પણ ગુજરાત કોઇ પણ કારણોસર આજે લખપતના ભવ્ય ભૂતકાળ અને બેહાલ વર્તમાનથી સંપૂર્ણ અજાણ છે.

ઘણાખરા લોકો કચ્છના નકશાના ખૂણે લખાયેલા લખપતને માત્ર નામથી જ ઓળખે છે. એ લખપત પોતાની આગોશમાં અનેક વાતોને લઈને જાણે ચીરનિદ્રામાં છે. વાતની શરૂઆત થાય છે આજથી 300 થી 500 વર્ષ પહેલાં, જ્યાંરે સિંધુ નદી આજના પાકિસ્તાનમાંથી થઈ કચ્છના રણમાં ભળતી, (જોવોચિત્ર).હુગલી , મોસેપોટેમિયા, નાઈલ નદીના કિનારે વિકસેલી સભ્યતાઓની જેમ 4થી 9 હજાર વર્ષ પૂર્વ એક સભ્યતાનો જન્મ થયો અને વિકસી કે જેને કદાચીત વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા તરીકે પણ સ્વીકારવામાં આવે છે.

તે સભ્યતા સિંધુ નદીના કાંઠે જન્મી, સિંધુ નદીએ હિમાલયમાંથી નીકળી હાલના પાકિસ્તાનમાં થઈ કચ્છના લખપત પાસે અરબ સાગરમાં મળતી. કચ્છ એ પહેલાંથી જ ગુજરાત અને ભારતને ગલ્ફ સાથે જોડતો મહત્ત્વનો પ્રદેશ છે. માલ-સામાનના આદાન પ્રદાન, વહાણવટાના કારણે વિકસેલા લખપતને ગુજરાતનું મુખ્ય વેપારી દ્વાર પણ કહેવાતું હતું. સિંધુના કિનારે વસેલું હોવાથી અને બંદર વિસ્તાર હોવાથી જે જાહોજલાલી લખપતને મળી તેને સમજવા વર્તમાન કંડલા અને ગાંધીધામનું ઉદાહરણ લઈ શકાય. તેની સાહ્યબીનો અંદાજો તે પરથી લગાવી શકાય કે, સંપૂર્ણ લખપતની ફરતે ગઢ બનાવવામાં આવ્યો છે, ગઢની ઉંચી દીવાલો વચ્ચે સુરક્ષિત રીતે વિકસ્યું. તેના તોતિંગ દરવાજાઓ રાત થતાં જ બંધ થઈ જતા, તેની સાહ્યબી કોઇથી છૂપી નહોતી માટે શહેરને લુંટવાના પ્રયાસો સામે લડી શકાય એ રીતે લખપતને તૈયાર કરાયું, તેની ચારે તરફના ઉંચા ગઢ પર સૈનિકો રહી, વિચરી શકે અને છૂપી રીતે ફાયર કરી દિવાલ ભેદવાની કોશિશ કરતા દુશ્મન સૈનિકને મારી શકે તે રીતની વ્યવસ્થા કરાઈ, પ્રવેશદ્વારની બન્ને બાજુ તેમજ કાંઠાળ વિસ્તાર પર તોપો ગોઠવાઈ જેથી દરેક આક્રમણ કરતા શત્રુને ઠાર કરી શકાય. વર્ષ 1700થી 1800ના અરસામાં કહેવાય છે કે, લખપતની જાહોજલાલી તેના ઉચ્ચતમ પાયદાને હતી, રોજના લાખોની કમાણી આ વિસ્તારના લોકો કરી લેતા જેના કારણે આ શહેરનું નામ ‘લખપત’ પડ્યું. મુંબઈ અને દૂર-સુદૂરથી વેપારીઓ લખપતના સમુદ્રથી આકર્ષાઈ અહી ખેંચાયા હતા.

> ભૂકંપ- અલ્લાહબંધ- સિંધુ નદીનો પ્રવાહ પલટો-

સમયની થપાટો આગળ મનુષ્ય અને મોટામાં મોટી સભ્યતાઓએ પડી ભાંગવું પડ્યું છે, ત્યારે લખપત તો એક બંદર કે શહેર હતું. ઈતિહાસ નોંધે છે કે, 16 જૂન 1819ના દિવસે ભયંકર ભૂકંપથી સમગ્ર ધરા ધ્રુજી ઉઠી હતી. અંદાજીત 7.7થી 8.2ની તીવ્રતાના એ ધરતીકંપે ઈતિહાસને એક આખો નવો વળાંક આપી દીધો. (2001માં કચ્છમાં આવેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો) એ ધરતીકંપ કેટલો સમય ચાલ્યો તેનું તો કોઇ દસ્તાવેજી પ્રમાણ ઉપલબ્ધ નથી, પણ તેના થકી ઉભા થયેલા વંટોળે કેટલી તારાજી સર્જી તે પરથી તેની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય, એ ભૂકંપથી સમગ્ર વિસ્તારની ઐતિહાસિક અને મહત્ત્વપુર્ણ ઈમારતો ધરાશાઇ થઈ હતી, નદી અને સમુદ્રમાં પેદા થયેલા કોલાહલ કશું ભયંકર કરી જવાના સંકેતો આપતા હતા અને એવું જ થયું.

ભૂકંપની ધ્રુજારીથી ઉભા થયેલા કંપનો સમુદ્રના પેટાળમાંથી તંરગો રૂપે સર્જાઈ જમીન પર પછડાવા લાગ્યા. એ તબાહીમાં કહેવાય છે કે, અંદાજીત 1543 લોકોનાં મૃત્યુ થયેલા. સિંધુ નદીના પાણી જેણે લખપતને આટલી જાહોજલાલીથી ગુજરાત અને સંપૂર્ણ ખંડમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું હતું તે પાણી આ ભૂકંપ બાદ પાછા વળવા લાગ્યા, તેની સાથે આ તમામ સાહ્યબી, વેપાર-ધંધાઓ, વહાણવટાને પોતાની સાથે તાણતા ગયા! લખપત ધોવાયું તો હતું જ, પણ સિંધુના જવાથી તે લુંટાઈ પણ ગયું, તેનું ભવિષ્ય એ નદીની વિદાય સાથે જ અરબી સમુદ્રમાં દફન થઈ ગયું અને રાતોરાત કોઇ કદરૂપા ચમત્કારની જેમ સમુદ્ર ગાયબ થઈ ગયું.

શા માટે સિંધુ નદીનો પ્રવાહ પલટાયો ? – સિંધુનો ઈતિહાસ અને તવારીખો
આ સમગ્ર ઘટનાના ટેક્નિકલ કારણો પર નજર નાખીએ તો અંદાજો આવશે કે પૃથ્વીના નિર્માણથી ધરતી લગાતાર ફેરબદલો થતા રહ્યા છે, પૃથ્વી પોતાની સ્થિતિને પોતાની રીતે બદલતી રહે છે, તે આજે પણ પેટાળમાં ગતીશીલ છે. માટે જ્વાળામુખી રીતે, ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ કે આવાજ કારણોથી પોતાના પર ફેરબદલો લાવે છે. આજનો હિમાલય પણ આ ફેરબદલ થકી જન્મેલો છે, વૈજ્ઞાનિકો કહે છે કે તેની સ્થાને સમુદ્ર હતો, પણ એક ભૂકંપે તે સમુદ્રમાંથી વિશ્વનો સૌથી ઉંચા પર્વતનું નિર્માણ કરી દીધું ! તે જ પર્વતમાંથી જન્મતી નદીઓમાંની એક એટલે સિંધુ.

અંગ્રેજો સિંધુને ઈન્ડુ કહે છે અને કહેવાય છે કે, ઈન્ડુના અપ્રભંશમાંથી જ ઈન્ડિયા શબ્દ પણ બન્યો છે. તો સિંધુનો એક બીજો અપ્રભંશ ‘હિન્દુ’ તરીકે આવ્યો. જે આજે સમગ્ર ભારતના બહુમતી એવા ધર્મનું નામ છે. ખેર, 1819માં આવેલા એ ભૂકંપે જે મહત્ત્વપૂર્ણ ફેરફાર સર્જ્યો, જે અપસેટ સર્જ્યો તે ‘અલ્લાહબંધ’ હતો. (ચિત્ર જુઓ)હાલના પાકિસ્તાનમાં સિંદરી તળાવ પાસે સિંધુ નદીના રસ્તે ભુંકપથી જમીનનો મોટો હીસ્સો ઉપર આવી ગયો, જે 80 કીમી લાંબો, 6 કીમી પહોળો અને6 મીટર ઉંચો હતો. આ કુદરતી રીતે સર્જાયેલો બંધ હતો. જેને ‘અલ્લાહ બંદ’ તરીકે ઓળખવામા આવે છે. જેના કારણે નદિનો આગળ જવાનો ભાગ રોકાઈ ગયો, એ નદી ત્યાંથી આગળ જઈ કચ્છમા પ્રવેશી લખપત પહોંચતી હતી પણ તે અલ્લાહ બધ રચાવાથી મીથ્યા થયુ. સીંધુ નદીનો પ્રવાહ પલટાઈ ગયો, તે ત્યાંથી વહી સીધોજ અરબસાગરમા મેલાપ કરે છે. કચ્છ એ સીંધુ નદી ગુમાવી હતી, જેની સાથે રહી સંસ્કુતીનુ સીંચન થયુ, જેના થકી લખપતનુ, તેના બંદરનુ, રાજ્યનુ, આટલા ધનનુ સર્જન થયુ.

તે સીંધુ નદી એ પોતાના વેણ બદલી નાખ્યા હતા. જેના કારણે ધંધા-રોજગાર, વહાણવટા બંધ થયા. રાતોરાત જાણે એક હસતુ, રમતુ -વિકસતુ શહેર મરવા પડ્યુ હતુ. વેપાર-ધંધા વગર કોઇ વ્યક્તિનુ પેટ કેટલુ કરી શકે ? ધીરે ધીરે લોકો વીખેરાતા ગયા, લખપતથી હીજરત થવા માંડી. બીજુ તેવો કરત પણ શું? શહેરનો મુખ્ય વ્યવસાય પડી ભાંગ્યો હતો. રોજના લાખો કમાતુ શહેર આજે કોડીઓનુ મોહતાજ હતુ.રોટલાની શોધમા લોકો બીજા નગરોમા જવા લાગ્યા.

આજનુ લખપત:

શહેર છોડવાનુ 1819ના એ ભુંકપ પછી ચાલુ થયુ તે આજ સુધી ચાલે છે. જે શહેરની રોનક કોઇ અનેરી હતી, જેના બજારોનો વહીવટ કચ્છમાજ નહી પણ ગુજરાતમા એકમાત્ર હતો તે લખપતમા આજે મુશ્કેલથી પાંચ ઘરો રહે છે, જેમા ચાર મુસ્લીમ સમુદાયના છે, જેમાથી એકની લખપત આગળ હાઈવે પર ચાની લારી છે, લખપતથી માતાનો મઢ અને નારાયણેશ્વર બંન્ને 35 કીમી ના અંતરે પડે છે. માટે તેના પર તે ગુજરાન ચલાવે છે, પોતાની સ્મુર્તીઓને ચુપચાપ પોતાની આગોશમા લઈને સુતુ લખપત કોઇ પરીઓની વાર્તા જેવુ લાગે છે.

આજે લખપતમા આપ જાઓ તો વર્ષોથી તાળા મારેલા બંધ મકાનો,સુમસાન ગલીઓ, હવાઓના સુસવાટા અને સુન્ન સન્નાટા સિવાય કાંઈ નહી મળે. જે-તે સમયે સેંકડો લોકો રહેતા એ શહેર આજે સમસાનવત શાંતિમા ડુબેલુ છે. વિજયનગરની જેમ આનો પણ અંત થયો છે. લખપતમા નગરપાલીકા તો ભુલી જાઓ, ગ્રામપંચાયત સુદ્ધાની વાત નથી.

લેખક – સંદીપ દવે

દરરોજ અવનવી જાણવા જેવી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી