સંપૂર્ણ સ્ત્રી – આયુષી સેલાણી ની કલમે !!!

“સપ્તપદી ના સાત વચન હોય કે ચાર?!” રૂહાની વિચારતી હતી. બહાર તારા ઓ નો અભૂતપૂર્વ ઉજાસ પથરાયેલો હતો ને રૂહાની ના હૃદય માં વિચારો નું તૃણમૂલ યુદ્ધ ચાલતું હતું…!

રાત ના એક વાગ્યા નો સમય, એટલે રૂહાની માટે દિવસભર ના કાર્યોને વાગોળવાનો સમય. સિંગાપોર ની એમએનસી માં સીઈઓ ના હોદ્દે બિરાજમાન રૂહાની પાસે પૈસા ની કોઈ ખોટ નોહતી. સિંગાપોર માં પોતાનો પાંચ બેડરૂમ નો બંગલો હતો જે સંપૂર્ણ સુખ સુવિધાઓ થી સજ્જ હતો. ઘર માં પચીસ નોકર તેની સેવા માં ખડેપગે રહેતા.

બીએમડબ્લ્યુ, પોર્શે, હમર તેમજ “બુકાટી” જેવા વાહનોની તે એકલી માલકીન હતી. નાનપણ થી તેના પિતાશ્રી એ તેને પોતાનો દીકરો માનીને મોટી કરી, શોખ પણ એટલે જ તેના અમુક છોકરાઓ જેવા વિકસ્યા હતા. સાથે સાથે જ તે “કથક” નૃત્ય માં પારંગત હતી, અને એક અનન્ય ચિત્રકાર હતી. અમુક નાની નાની કવિતાઓ લખીને અદભુત વર્ણનશક્તિ તે દર્શાવતી હતી. ભણવામાં તો પેહ્લે થી જ હોશિયાર, આઇઆઇએમ માં થી એમબીએ કર્યા બાદ આજે પાંચ વર્ષે સીઈઓ બની ચુકી હતી.

તેની નાની બેન મુંબઈ માં પરણીને સ્થાયી થયેલી, અને અત્યારે હજુ વરસ પેલા જ એક સુંદર દીકરી ની માં બની હતી. મોટો ભાઈ અમેરિકા રહેતો, પૈસે ટકે સુખી, ને ભાઈ ભાભી બે જોડિયા બાળકો ના માતા પિતા. નાનકડો ને સુખી પરિવાર હતો. તેના પિતાજી અમદાવાદ ની પ્રતિષ્ઠિત કોલેજ માં “ડીન” હતા અને માતા એક સંપૂર્ણ ગૃહિણી. પોતાના મહામુલા સંસ્કારો થી સીંચીને તેમણે ત્રણેય બાળકો ને એક ઉમદા વ્યક્તિત્વ પ્રદાન કર્યું હતું.

રૂહાની જ્યાર થી કોલેજ માં આવી ત્યાર થી જ તેને ખબર નહિ પણ, લગ્ન પ્રત્યે એક પ્રકાર ની સૂગ ચડી ગઈ હતી. તેને ફક્ત પોતાની કારકિર્દી જ દેખાતી હતી. લગ્ન કરીને કોઈ ની નીચે રહેવું, સાસુ સસરા નું રોજ ના ઇચ્છવા છતાં પણ સન્માન કરવું, સમાજ માં એક સુંદર ગૃહિણી હોવાનો દેખાવ કરવો બધું તેને વ્યર્થ લાગતું.

તેને થતું એક સ્ત્રી ને ક્યારેય પુરુષ ની જરૂર જ નથી. તે પોતે જ પોતાના સુખ માટે સક્ષમ છે. તે પોતે જ પોતાની ની રાહ નિર્ધારિત કરી શકે છે. આવા બધા વિચારો કરી કરી ને તેણે ક્યારેય પરણવાનો વિચાર જ ના કર્યો અને તેના માટે આવતા યુવાનો ના માંગા નકારીને, પોતે પણ જાણે “મહિલા બ્રહ્મચર્ય” પાળીને રહી.

પરંતુ આજે તેને ક્યાંક કશુંક ખટકી રહ્યું હતું. બધું હોવા છતાંય જાણે અધૂરપ લાગી રહી હતી. જે સંપૂર્ણતા તે ઇચ્છતી હતી હંમેશા થી તે મળ્યા બાદ આજે જાણે ખુંચી રહી હતી. તેની બહેન ના કપાળ માં શોભતો એ લાલ ચાંદલો, ભાભી ની બાળકોમય બનેલી જિંદગી, ભાઈ નું ભાભી માટે નાના નાના પ્રયત્નો થકી ખુશી આપતા રહેવું અને માં પાપા નું આ ઢળતી ઉમર નું વધતું વહાલ તેને પોતાની એકલતા નો એહસાસ કરાવી રહ્યું હતું.

પોતાના અનુભવો ના પાનાં પર આજે તેણે પોતાની કલમ વડે ઉતાર્યું કે,

“લગ્ન” એક સંપૂર્ણ જીવન ની વ્યાખ્યા છે, અને “પરિણીતા” બનવું તે પવિત્રતા ની પરિભાષા છે. દરેક છોકરી જે પોતાની કારકિર્દી ને મહત્વ આપે છે, તેના માટે મને સન્માન છે, પરંતુ જીવન નો એક તબક્કો એવો હશે જ્યાં તમને તમારા સ્ત્રી હોવાનો એહસાસ “લગ્નજીવન” ની મધુરપ જ કરાવશે.! એક સંપૂર્ણ સ્ત્રી ત્યારે જ સાકાર થાય છે જયારે તે દીકરી અને બહેન હોવાની સાથે સાથે, એક પતિવ્રતા પત્ની, કરુણામયી માતા અને ગર્વિતા કુળવધૂ બને છે.”

લેખક : આયુષી સેલાણી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી