સમય ની કરામત – ક્યારેક આવું પણ થાય !! A Must Read New Love Story

અમદાવાદ ની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજ ના કેમ્પસ ની બહાર આવેલી આર્ચિસ ગિફ્ટ શોપમાં સવાર સવારમાં કોઈ પ્રવેશ્યુ. પ્રવેશતા જ એને દુકાનદાર ને કહ્યું “ ભાઈ જરા સારી પેનો હોય તો બતાવો ને ?” દુકાનદારે પણ દિવસ નું પ્રથમ જ ગ્રાહક હોવાથી એની સમક્ષ પેનો નો ખજાનો રજૂ કરી દીધો. એમાંથી એને લાલ કલર ની પિયરી કાર્ડિન ની પેન પસંદ કરી કિંમત ચૂકવી ગિફ્ટ પૅક કરવાનું કહ્યું. દુકાનદાર એ સરસ ગિફ્ટ પૅક કરી સ્ટિકર લગાવી આપ્યું, જેના પર એને લખ્યું
“ હેપી બર્થ ડે ટુ નિશા મૅમ”

ડૉ. નિશા પટેલ, આ એ નામ કે જેને હમણાં જ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ફાર્માકોલોજી ડિપાર્ટમેંટ માં રેસિડેન્ટ કમ ટ્યુટર તરીકે એડ્મિશન લીધુંહતું. જેમનું આકર્ષક વ્યક્તિવ્ય, મોહક હાસ્ય અને બોલવાની એક અનેરી છટા એ સૌ વિદ્યાર્થીઓ ના મન મોહી લીધાં. એમાં ય જો કોઈ સૌથી વધારે મોહિત થયું હોય તો એનું નામ હતું “નિસિથ”.

નિસિથ એ પણ નક્કી કરી લીધું હતું કે મૅડમ ના પ્રિય સ્ટુડન્ટ બનવું. જેથી એ મૅડમ ના દરેક લેક્ચર અને પ્રેક્ટિકલ્સ માં પહેલાથી ટોપિક તૈયાર કરી ને જતો અને ફાર્માકોલોજી ના દરેક પ્રશ્ન ના ઉત્તરો આપવા માં હમેશાં અવ્વલ રહેતો. જોત જોતાં માં તો નિસિથ નિશા મૅડમ નો સૌથી પ્રિય સ્ટુડન્ટ બની ગયો.

નિશા મૅડમ એ પણ એક વખત ક્લાસ માં બધાની વચ્ચે કહી દીધું કે “નિસિથ” મારો સૌથી પ્રિય વિદ્યાર્થી છે એનું કારણ એ તેજસ્વી છે એ તો છે જ પણ બીજું પણ કઇંક કારણ છે. “બીજું પણ કઇંક કારણ” આ શબ્દ થી એને બીજા વિદ્યાર્થી ઓ ચીડવતા. નિસિથ પણ મન માં ને મન માં મલકતો અને જાણે એને પણ ગમતું હોય એમ એ લોકો ને કઈંજ ના કહેતો. શું હતું આ ? મુગ્ધાવસ્થા નું પ્રથમ આકર્ષણ કે બીજું કઇંક? નિસિથ ને સમજાતું નહોતું અને એને સમજવું પણ નહોતું. ફાર્માકોલોજી વિષય માં એને બધું જ આવડતું એનું કારણ કે એને ફાર્માકોલોજી વિષયની બૂક ના દરેક પાને મૅમ નો ચહેરો દેખાતો.

આજે સવારે જ નિસિથ ના મોબાઇલ પર નિશા મૅડમ નો કોલ આવ્યો “નિસિથ જરા ફાર્માકોલોજીવિભાગ માં આવીશ ? મારે જરા તારું થોડું કામ છે.”

આજે મૅડમ નો જન્મ દિવસ હતો એને મૅડમ માટે લીધેલી પેન લઈ મૅડમ પાસે ઝડપ થી પહોંચી ગયો. “અંદર આવું મૅમ?” એમ કહી એ રૂમ માં આવ્યો. પ્રવેશતા જ એને મૅડમ ને હેપી બર્થ ડે કહી પેન આપી.

મૅડમ એ પણ આભાર માની ને નિસિથ ને પોતાની સામે બેસાડયો અને કહ્યું “ગઈ કાલે રાત્રે જ મે મારી ફેસબૂક ની ટાઇમલાઇન પર જોઈ લીધું હતું, જેમાં સૌથી પહેલી બર્થડે વિશ તારી હતી. વન્સ અગેન થેન્ક યૂ ફોર ધેટ.”

“મૅમ શું કામ હતું ?” અચરજ ભરી નજરે નિસિથ બોલ્યો.

“આ જરા થોડા કાર્ડ્સ છે એ લઈ ને તારે બાજુ ની મારુતિ કૂરિયર ની ઓફિસ માં જઇ કાર્ડ પોસ્ટ કરવાના છે અને એમાં એક કાર્ડ તારા માટે પણ છે અને તારે સ્યોર આવવાનું છે.”

કાર્ડ નિસિથ ના હાથ માં હતું જેની પર લખ્યું હતું.

ડૉ. નિશા વેડ્સ ડૉ. નિસિથ
નિસિથ ને સમજાઈ ગયું કે પોતે મૅમ નો પ્રિય સ્ટુડન્ટ હોવાનું બીજું કારણ એ કે મૅમ ના ભાવિ પતિ નું નામ પણ નિસિથ હતું.

શૂન્ય મનસ્ક મન,શમી ગયેલી લાગણીઓ, ભગ્ન હ્રદય, સહેજ ભીના થયેલા આંખ ના ખૂણાઓ અને મંદ ગતિ એ ચાલતા પગલા સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ના પડી. નિશા મૅડમ ના લગ્ન થી પોતે કેમ ઉદાસ હતો એનું કારણ એને ના સમજાયું.

2 વર્ષ ના સમય ના વહેણ પછી આજે નિસિથ એમબીબીએસ નો અભ્યાસ ક્રમ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ માં હતો, સવારે એ વોર્ડ માં જતો અને બપોર પછી મેડિકલ કોલેજ ની લાઇબ્રેરિ માં અનુસ્નાતકના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરિક્ષાની તૈયારીઓ કરતો.

અચાનક એક દિવસ નિસિથ ની બાજુ માં એક સુંદર મજાની છોકરી આવી અને કહ્યું “ મને ફાર્માકોલોજી ના ટૂંકા પ્રશ્નો માં જરા હેલ્પ કરી દેશો? મારી સહેલી એ કહ્યું કે તમારું ફાર્માકોલોજી બહુ જ સારું છે.”
“પણ તમે ?” આશ્ચર્ય સાથે નિસિથ બોલ્યો.

“હું બરોડા મેડિકલ કોલેજ થી છું, અહી ઇન્ટર્નશીપ કરવા આવી છું.” એ છોકરી એ સહજ ભાવે ઉત્તર આપ્યો.
“પણ તમારું નામ?”
“નિશા , નિશા પટેલ”

બસ નિસિથ માટે નામ જ પૂરતું હતું. એ મના ના કરી શક્યો, મન માં જરા ખુશ થતાં જ અચરજ સાથે વિચારવા લાગ્યો “નિશા અને ફાર્માકોલોજી માં હેલ્પ ?”

આજે નિસિથ ઉત્સાહ થી મારુતિ કૂરિયર ઓફિસે જઈ રહ્યો હતો એ જ ઓફિસ કે જ્યાં એ 2 વર્ષ પહેલા ગયો હતો.

ખુશ મિજાજ મન, લાગણીઓ નો આવેગ, આંખો માં એક અનેરી ચમક અને ઝડપ થી ચાલતા પગલાં સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ના પડી.

નિસિથ ના હાથ માં કેટલાક કાર્ડ્સ હતા જેની પર લખ્યું હતું.

ડૉ. નિસિથ વેડ્સ ડૉ.નિશા

લેખક : “નીલ” ડૉ. નિલેષ ઠાકોર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર

ટીપ્પણી